૯૦ શ્રીકૃષ્ણે કરેલી લીલાઓનું સંક્ષિપ્ત વર્ણન.

Submitted by swaminarayanworld on Fri, 19/02/2016 - 8:42pm

અધ્યાય ૯૦

શ્રીકૃષ્ણે કરેલી લીલાઓનું સંક્ષિપ્ત વર્ણન.

શુકદેવજી કહે છે હે રાજા ! સર્વે સંપત્તિઓની સમૃદ્ધિવાળી, મોટા યાદવોથી સેવેલી ફૂલ તથા ફળની વાડીઓથી સંપન્ન, ચારેકોર ફૂલઝાડની પંક્તિઓમાં વિહાર કરતા ભ્રમર અને પક્ષીઓના નાદવાળી પોતાની પુરી દ્વારકા કે જેના માર્ગો મદ ઝરનારા હાથીઓ, શણગારેલા યોદ્ધા તથા ઘોડા અને સુવર્ણથી દીપતા રથોથી નિરંતર ભીડવાળા જ રહેતા હતા, તથા જેમાં ઉત્તમ વેષવાળી, નવીન યૌવાનથી શોભતી, હવેલીઓમાં દડા આદિથી ક્રીડા કરતી અને વીજળી સરખી કાંતિવાળી સ્ત્રીઓ વિલાસ કરતી હતી. તેમાં સુખેથી રહેતા લક્ષ્મીના પતિ અને સોળ હજાર સ્ત્રીઓના એક જ પ્યારા ભગવાન મોટી સમૃદ્ધિવાળાં તે સ્ત્રીઓનાં ઘરોમાં તેટલાંજ વિચિત્ર રૂપ ધારણ કરીને રમતા હતા.૧-૫ એ ઘરની અંદર નિર્મળ જળાશયોનાં જળ, પ્રફુલ્લિત થયેલાં ઉત્પલ, કલ્હાર, કુમુદ અને પદ્મોના સુગંધથી વાસિત થયેલાં હતાં, અને પક્ષીઓનાં ટોળાં શબ્દ કરતાં હતાં.૬ મોટા વૈભવવાળા ભગવાન તલાવડીઓના જળમાં પ્રવેશ કરીને વિહાર કરતા હતા. સ્ત્રીઓએ આલિંગન કરવાને લીધે તેઓના સ્તન ઉપરના કેશરોથી ભગવાનનું શ્રીઅંગ લીંપાતું હતું.૭ પ્રેમથી મૃદંગ, પણવ, આનક અને વીણાઓને વગાડતા ગંધર્વલોકો અને સૂત, માગધ તથા બંદિજનો ભગવાનનું ગાયન કરતા હતા.૮ સ્ત્રીઓ હસતી હસતી ભગવાનને પિચકારિઓથી પલાળતી હતી અને ભગવાન તેઓને પલાળતા હતા. યક્ષિણીઓની સાથે જેમ કુબેરજી વિહાર કરે, તેમ ભગવાન સ્ત્રીઓની સાથે વિહાર કરતા હતા.૯ ભગવાનને પલાળતી, વસ્ત્ર ભીંજાવાને લીધે જેઓનાં સાથળ અને સ્તનના પ્રદેશો દેખાઇ રહેતા હતા એવી, પિચકારિથી બચવાની ઇચ્છાને લીધે ભગવાનનું આલિંગન કરતાં ઉત્પન્ન થયેલા કામદેવના ઉત્સવથી શોભતાં મુખવાળી, અને જેઓના મોટા ચોટલાઓમાંથી ફૂલ ખરતાં હતાં એવી તે સ્ત્રીઓ બહુજ દીપતી હતી.૧૦ ભગવાને પહેરેલી માળાઓમાં સ્ત્રીઓના સ્તનનું કેસર લાગી રહ્યું હતું અને પોતે ક્રીડાના અભિનિવેશથી કેશના બંધનોને હલાવતા હતા. સ્ત્રીઓને પલાળતા અને સ્ત્રીઓએ વારંવાર પલાળતા ભગવાન હાથણીઓથી વીંટાએલા મોટા હાથીની પેઠે વિહાર કરતા હતા.૧૧ નટ, નાચનારી અને ગીત તથા વાજાંથી જીવનારાઓને શ્રીકૃષ્ણ ભગવાન ક્રીડાના અલંકાર અને વસ્ત્રો દેતા હતા. અને ભગવાનની સ્ત્રીઓ પણ દેતી હતી.૧૨ આ પ્રમાણે વિહાર કરતા શ્રીકૃષ્ણ ભગવાનની ગતિ, ભાષણ, દૃષ્ટિ, હસવું, હાસ્યનું વચન અને આલિંગનથી સ્ત્રીઓની બુદ્ધિ હરાઇ હતી.૧૩ ભગવાનનું ચિંતવન કરતી અને ભગવાનમાં જ જેઓની બુદ્ધિ લાગી રહી હતી, એવી તે સ્ત્રીઓ ઉન્મત્ત અને જડની પેઠે જે વચનો બોલતી હતી તે વચનો હું તમને કહું છું, સાંભળો.૧૪

સ્ત્રીઓ બોલે છે હે ટીટોડી ! જગતમાં ગુપ્ત બોધવાળા શ્રીકૃષ્ણ રાત્રિમાં પોઢ્યા છે અને તું વિલાપ કરી કરીને નિદ્રાનો ભંગ કરે છે પણ સૂતી નથી એ યોગ્ય નથી. હે સખા ! અમારી પેઠે તારું ચિત્ત પણ ભગવાનનાં ઉદાર હાસ્ય અને લીલાપૂર્વક જોવાથી અત્યંત ભેદાઇ ગયું છે કે શું ?૧૫ હે ચકવી ! તું નેત્ર કેમ મીંચી ગઇ છે ? રાત્રિમાં પતિને નહીં દેખવાથી તું દયામણી રીતે રુવે છે કે શું ? જેમ દાસીપણું પામેલી અમો ભગવાનના ચરણમાં રહેલી માળાને ચોટલામાં ધારણ કરવા ઇચ્છીએ છીએ, તેમ તું પણ ઇચ્છે છે કે શું ?૧૬ હે સમુદ્ર ! ઊંઘ નહીં આવતાં ઉજાગરો થવાથી તું નિરંતર ચીસો પાડ્યા કરે છે કે શું ? અથવા અમને જે ન મટે તેવી દશા પ્રાપ્ત થઇ છે તે દશાને તું પણ પામ્યો છે કે શું ? જેમ અમારાં સ્તન કુંકુમાદિક લાંચ્છન ભગવાને હર્યાં છે, તેમ તારાં પણ લક્ષ્મી અને કૌસ્તુભાદિક લાંછન ભગવાને હરી લીધાં છે કે શું ?૧૭ હે ચંદ્ર ! તું ભારે ક્ષયરોગથી પકડાઇને ક્ષીણ થવાથી કે ભગવાનની રહસ્ય વાતો સંભારીને તેની જ ચિંતામાં મગ્ન થવાથી પોતાનાં કિરણોવડે અંધારાને દૂર કરતો નથી ? અમારી પેઠે તારું બોલવું પણ બંધ થઇ ગયું છે એમ જણાય છે.૧૮ હે મલયાચળના પવન ! અમોએ તારું શું ભૂંડું કર્યું છે ? કે જેથી તું ભગવાનના નેત્રની અણીઓથી ભેદાઇ ગયેલા અમારા હૃદયમાં કામદેવને મોકલે છે.૧૯ હે રૂપાળા મેઘ ! તારામાં પણ તાપ હરવાનો ગુણ હોવાને લીધે તું અવશ્ય ભગવાનનો સખા છે અને તેથી જ પ્રેમથી બંધાઇને તું અમારી પેઠે ભગવાનનું ધ્યાન કરતો જણાય છે. કેમકે બહુ ઉત્કંઠાથી હૃદય ઘેરાઇ જતાં તું ભગવાનને સંભારી સંભારી અમારી પેઠે જ આંસુની ધારાને વરસાવે છે. અરે ! તેની સાથે તારે મિત્રતા શા માટે કરવી પડે ? કેમકે ભગવાનનો પ્રસંગ તો વારંવાર દુઃખદાયી જ થાય છે.૨૦ હે સુંદર કંઠવાળી ! હે કોયલ ! તું મુવાને પણ જીવાડે એવી આ કોમળ વાણીથી ભગવાનના શબ્દો બોલે છે, માટે આજ હું તારું શું પ્રિય કરી આપું ?૨૧ હે ઉદાર બુદ્ધિવાળા પર્વત ! તું હાર્લંઈો નથી અને બોલતો પણ નથી, તેથી કોઇ મોટા વિષયનો વિચાર કરે છે એમ જણાય છે. અમારી પેઠે તું પણ ભગવાનના ચરણને સ્તન ઉપર ધારવાને ઇચ્છે છે કે શું ? જો એમ હશે તો તારી પણ અમારા જેવી સ્થિતિ થશે.૨૨ હે સમુદ્રની સ્ત્રીઓ નદીઓ ! જેમ અમો ભગવાનનો કૃપાકટાક્ષ નહીં મળતાં હૃદય ચોરાઇ જવાથી બહુ દુર્બળ થયેલી છીએ, તેમ તમો પણ હમણાં મેઘદ્વારા સમુદ્રનું જળ નહીં મળવાથી, દુર્બળ સુકાઇ ગયેલા ધરાવાળી અને કમળની શોભા વગરની થયેલી છો.૨૩ અરે રે ! ! ! (દૈવગતિથી આવેલા હંસને ભગવાનનો દૂત કલ્પીને કહે છે.) હે હંસ ! તું ભલે આવ્યો બેસી જા. દૂધ પી, અને ભગવાનની વાત કર. તું દૂત થઇને આવ્યો છે તે અમે જાણીએ છીએ. કોઇના વશમાં ન થનારા ભગવાન સકુશળ તો છે ને ? ક્ષણિક સ્નેહ રાખનારા ભગવાન, પોતે અમારી પાસે જે આગળ કહ્યું હતું તેને સંભારે છે ?હે ક્ષુદ્રના દૂત ! અમારે ભગવાનનું શું કામ છે ? ભગવાન અમને સંભોગને માટે બોલાવતા હોય તો તેમને જ અહીં બોલાવી લાવ. પણ લક્ષ્મી અમોને ઠગીને એકલી જ ભગવાનને સેવે છે, માટે લક્ષ્મી વિના એકલા ભગવાનને બોલાવી લાવજે. લક્ષ્મી એક નિષ્ઠાવાળી છે માટે તેને શી રીતે મૂકી દેવાય ? એમ તારા મનમાં હોય, તો સ્ત્રીઓમાં લક્ષ્મી જ એકનિષ્ઠાવાળી છે અને શું અમો તેવી નથી.?૨૪

શુકદેવજી કહે છે શ્રીકૃષ્ણ ભગવાનમાં આવો પ્રેમ કરવાથી ભગવાનની સ્ત્રીઓ પરમગતિને પામી.૨૫ ઘણાં ગીતોથી ગાતાં અને શ્રવણ કરતાં પણ જે ભગવાન સ્ત્રીઓના મનને બળાત્કારથી ખેંચી લે છે, તે ભગવાનને જોનારી સ્ત્રીઓનાં મન ખેંચાઇ જાય તેમાં શું કહેવું ?૨૬ જે સ્ત્રી જગતના ગુરુ ભગવાનને પતિ સમજીને પ્રેમપૂર્વક પગ ચાંપવા આદિથી સેવતી હતી, તેઓના તપનું કેટલુંક વર્ણન કરી શકાય ?૨૭ આ પ્રમાણે વેદોક્ત ધર્મ પાળતા અને સત્પુરુષોના શરણરૂપ ભગવાને ઘર જ ધર્મ, અર્થ અને કામનું સ્થાનક છે એમ વારંવાર દેખાડ્યું.૨૮ ગૃહસ્થાશ્રમ-વાળાઓના ઉત્તમ ધર્મને પાળતા શ્રીકૃષ્ણ ભગવાનને સોળ હજાર, એકસો અને આઠ સ્ત્રીઓ હતી.૨૯ સ્ત્રીઓમાં રત્ન જેવી રુક્મિણી આદિ જે આઠ સ્ત્રીઓ પ્રથમ કહેલી છે તેઓના પુત્રોનાં નામ પણ પ્રથમ આપેલાં છે.૩૦ સત્યસંકલ્પવાળા ભગવાન શ્રીકૃષ્ણે જેટલી પોતાની સ્ત્રીઓ હતી. તે દરેકમાં દશ દશ પુત્રો ઉત્પન્ન કર્યા હતા.૩૧ મહાપરાક્રમી એ પુત્રોમાં અઢાર તો મોટા યશવાળા મહારથી હતા. તેઓનાં નામ મારી પાસેથી સાંભળો.૩૨ પ્રદ્યુમ્ન, દિપ્તિમાન, ભાનુ, સાંબ, મધુ, બૃહદ્‌ભાનુ, ચિત્રભાનુ, વૃક, અરુણ, પુષ્કર, વેદબાહુ, શ્રુતદેવ, સુનંદન, ચિત્રબાહુ, વિરૂપ, કવિ અને ન્યગ્રોધ એ સત્તર અને અઢારમા પદ્યુમ્નના પુત્ર અનિરુદ્ધ એ મહારથી હતા.૩૩-૩૪ હે પરીક્ષિત ! ભગવાનના એ સર્વે પુત્રોમાં પણ રુક્મિણીના પુત્ર પ્રદ્યુમ્ન પોતાના પિતાની પેઠે સર્વોત્તમ મહારથી હતા.૩૫ એ મહારથી પ્રદ્યુમ્ન રુક્મીની પુત્રીને પરણ્યા હતા, તેમાં તેમને દશહજાર હાથીના બળવાળા અનિરુદ્ધ નામના પુત્ર થયા હતા.૩૬ એ અનિરુદ્ધ રુક્મીની પૌત્રીને પરણ્યા હતા, તેમનો વજ્રનાભ નામે પુત્ર થયો કે જે મુશળથી થયેલા નાશમાંથી અવશેષ રહેલ છે.૩૭ વજ્રનાભનો પ્રતિબાહુ, તેનો સુબાહુ, તેનો શાંતસેન, અને તેનો શતસેન નામે પુત્ર થયો.૩૮ એ કુળમાં જેઓ જન્મ્યા હતા તે કોઇ નિર્ધન, થોડી પ્રજાવાળા, થોડાં આયુષ્યવાળા કે બ્રાહ્મણોને ન માને એવા થયા ન હતા.૩૯ હે રાજા ! પ્રખ્યાત કર્મવાળા યદુવંશમાં જન્મેલા પુરુષોની સંખ્યા લાખો વર્ષે પણ ગણી શકાય એમ નથી.૪૦ યદુકુળના અસંખ્યાત કુમારોને ભણાવનારા અધ્યાપકો ત્રણ કરોડ અને અઠ્યાશી સો હતા, એવું અમે સાંભળ્યું છે.૪૧ જે દ્વારિકાને વિષે અનેક લાખ યાદવોની સાથે ઉગ્રસેન રહેતા હતા, તે યાદવોની સંખ્યાને કોણ કહી શકશે ?૪૨ દેવ અને અસુરોના વચ્ચેના સંગ્રામમાં જે ભયંકર દૈત્યો મરણ પામ્યા હતા તેઓ મનુષ્યોમાં ઉત્પન્ન થઇ ગર્વધરીને પ્રજાઓને પીડતા હતા.૪૩ તેઓનો ના કરવાને માટે ભગવાનની આજ્ઞાથી યદુકુળમાં દેવતાઓ અવતર્યા હતા. તેઓનાં એકસો અને એક કુળ હતાં.૪૪ એ સર્વે યાદવોને શ્રીકૃષ્ણ ભગવાન પ્રભુતાને લીધે પ્રમાણરૂપ હતા. ભગવાનને અનુસરનારા જે યાદવો હતા તેઓ સર્વે વૃદ્ધિ પામ્યા હતા.૪૫ જેઓનું ચિત્ત ભગવાનમાં જ લાગી રહ્યું હતું એવા યાદવોને સૂતાં, બેસતાં, ફરતાં, બોલતાં, રમતા, નર્હાંઈાં અને એવાં બીજાં કર્મો કરતાં પણ પોતાના શરીરનું ભાન જ રહતું ન હતું.૪૬ હે રાજા ! પ્રથમ ભગવાનના ચરણ ધોવાના જળરૂપ ગંગાજી જ સર્વોત્તમ તીર્થરૂપ હતાં, પણ ભગવાનની કીર્તિરૂપ જે તીર્થ પાછળથી યાદવોમાં ઉત્પન્ન થયું તેણે એ ગંગાજીને પણ ન્યૂન કરી નાખ્યાં. શ્રીકૃષ્ણના સ્નેહીઓ અને શત્રુઓ પણ સ્વરૂપને પામી ગયા, એ કાંઇ આશ્ચર્ય સમજવું નહિ; કેમકે એ મહા દયાળુ હતા. કોઇને પ્રાપ્ત ન થયેલ એવી પરિપૂર્ણ લક્ષ્મી કે જેને માટે મોટા મોટા દેવતાઓ પણ પ્રયત્ન કરે છે, તે લક્ષ્મીજી ભગવાનની જ પાસે હતી, એ કાંઇ આશ્ચર્યરૂપ નથી; કેમકે સાંભળેલું અથવા ઉચ્ચારણ કરેલું ભગવાનનું કેવળ નામ પણ અમંગળને મટાડનાર છે અને ઋષિઓના વંશમાં ધર્મ પણ ભગવાને જ ચલાવેલો છે. કાળરૂપી અને ચક્રરૂપ આયુધવાળા એ ભગવાને પૃથ્વીનો ભાર ઉતાર્યો, એ આશ્ચર્યરૂપ કહેવાય જ નહીં.૪૭ ભગવાન શ્રીકૃષ્ણ સર્વેજીવોના આશ્રયરૂપ છે. જો કે એ શ્રીકૃષ્ણ સર્વદા સર્વત્ર રહેલા જ છે, છતાં કહેવા માત્ર દેવકીના ગર્ભ થકી જન્મ ધારણ કર્યો છે. યાદવો વીર પાર્ષદોના રૂપમાં એ શ્રીકૃષ્ણની સેવા કરી રહ્યા છે. જે શ્રીકૃષ્ણે પોતાના ભુજબળથી અધર્મનો નાશ કર્યો છે. જે શ્રીકૃષ્ણ સ્વભાવ સિદ્ધ સ્થાવર જંગમ જીવોના સંસારરૂપી દુઃખને નાશ કરનારા છે, અને જે શ્રીકૃષ્ણ ભગવાનનું મંદ મંદ હાસ્યથી યુક્ત સુંદર મુખકમળ વ્રજની અને પુરની સ્ત્રીઓના હૃદયમાં પ્રેમ ભાવનો સંચાર કરી રહ્યું છે. આવા શ્રીકૃષ્ણ આ પૃથ્વી ઉપર જયકારી પ્રવર્તો.૪૮ પોતાના વેદ માર્ગની રક્ષા કરવા સારુ લીલાથી અનેક અવતાર ધરનાર અને યાદવોમાં ઉત્તમ પરમાત્મા શ્રીકૃષ્ણનાં જે સર્વે ચરિત્રો કર્મબંધનને મટાડનાર છે, તે સર્વે ચરિત્રોને ભગવાનના ચરણની સેવા ઇચ્છનારા પુરુષે અવશ્ય સાંભળવાં જોઇએ.૪૯ દરેક સમયમાં શ્રીકૃષ્ણની સુંદર કથાનું શ્રવણ અને કીર્તન સહિત ચિંતન કરવાને લીધે વૃદ્ધિ પામેલી ભક્તિથી માણસ, ભગવાનનું જે ધામ, કાળના દુસ્તર વેગથી રહિત છે. એવા એ ધામને પામે છે. મોટા મોટા રાજાઓ પણ એવી ભક્તિ કરવાની ઇચ્છાથી જ પોતાના નગર છોડીને વનમાં ગયા હતા.૫૦

ઇતિ શ્રીમદ્‌ મહાપુરાણ ભાગવતના દશમ સ્કંધનો શ્રીકૃષ્ણ ચરિત્ર વર્ણન નામનો નેવુંમો અધ્યાય સંપૂર્ણ.

--------------------------

-: શ્રીમદ્‌ભાગવત દશમ સ્કંધ સમાપ્ત : :-