૨૬ ભગવાનનાં અદભૂત કર્મોથી વિસ્મય પામેલા ગોવાળો પ્રત્યે ગર્ગાચાર્યની ઉક્તિનું વર્ણન કરતા નંદરા

Submitted by swaminarayanworld on Sat, 23/01/2016 - 10:31am

અધ્યાય ૨૬

ભગવાનનાં અદભૂત કર્મોથી વિસ્મય પામેલા ગોવાળો પ્રત્યે ગર્ગાચાર્યની ઉક્તિનું વર્ણન કરતા નંદરાય.

શુકદેવજી કહે છે- હે રાજા ! શ્રીકૃષ્ણનાં આવાં પરાક્રમ જોઇને વિસ્મય પામેલા ગોવાળો, ભગવાનની પરમ શક્તિ નહિ જાણવાથી નંદરાયને કહેવા લાગ્યા કે બાળકનું આ કર્તવ્ય અતિ અદભૂત છે, માટે આપણા જેવા ગામડિયાને મધ્યે એ બાળકને ન ઘટે એવો જન્મ કેમ થયો હશે. ૧-૨  હાથી જેમ કમળને ધરી લે, તેમ સાત વર્ષની બાલ્યાવસ્થામાં આ બાળકે  કહાથવડે લીલા માત્રથી મોટો પર્વત કેમ ઉપાડ્યો હશે ? ૩  શરીરની યુવાનીને જેમ કાળ ગળી જાય, તેમ સૂતેલો આ બાળક મોટા બળવાળી પૂતનાના સ્તનપાનની સાથે તેના પ્રાણને પણ ગળી ગયો. !. ૪ ત્રણ મહિનાનો અને ગાડાં નીચે સૂતેલો આ બાળકે રડીને પોતાના પગ ઊંચા કરતાં ગાડું ઊંધું પાડ્યું ! ૫  એક વર્ષની અવસ્થામાં આ બાળક બેઠેલ હતો ત્યાં તેને તૃણાવર્ત દૈત્ય આકાશ માર્ગે લઇ જતાં એ દૈત્યને ગળું પકડવાથી પરવશ કરીને આ બાળકે શી રીતે માર્યો હશે ? ૬  વળી કોઇ સમયે માખણની ચોરી કરતાં માતાએ ખાંડણિયા સાથે બાંધેલા એવા આ કૃષ્ણે બે ઝાડની વચ્ચે નીકળતાં પોતાના બે હાથવતે આ ઝાડને કેવી રીતે પાડી નાખ્યાં હશે ? ૭  વાછરડાંઓને ચારતા, વનમાં બાળકોથી વીંટાએલા અને બળરામ સહિત આ બાળકને, મારવા આવેલા શત્રુ બકાસુરનું મોઢું પકડીને તેને મારી નાખ્યો હતો ! ! ૮  મારવાની ઇચ્છાથી વાછરડાના રૂપથી તેની સાથે રહેલા દૈત્યને મારી, તેનું શબ પછાડવાથી લીલા માત્રમાં કોઠીનાં ઝાડ પાડી નાંખ્યાં હતાં. ૯  બળદેવ સહિત આ બાળકે ગધેડાના રૂપવાળા ધેનુકાસુર સહિત તેના બંધુઓને મારી નાખી, પાકાં ફળવાળું તાડવન સર્વને ઉપયોગમાં આવે તેવું કરી દીધું હતું. ૧૦  બળરામની પાસે પ્રલંબાસુરને મરાવી નાખતા આ બાળકે વ્રજના પશુઓને અને ગોવાળોને દાવાનળથી છોડાવ્યા હતા. ૧૧  અતિશય ઝેરી એવા મોટા નાગનું દમન કરી, મદ રહિત કરી, તેને બળાત્કારથી કાઢીને યમુનાને ઝેર રહિત કરી હતી. ૧૨  હે નંદરાય ! અમો સર્વે વ્રજવાસીઓ તમારા પુત્ર ઉપરથી સ્નેહ કેમે કરીને છોડી શકીયે તેમ નથી, અને તમારો પુત્ર પણ અમારી ઉપરથી સ્નેહ છોડે તેમ નથી. આવી રીતે પરસ્પર સ્વભાવિક કેવી રીતે સ્નેહ થયો છે ? ૧૩  હે વ્રજના સ્વામી ! સાત વર્ષનો બાળક ક્યાં ? અને મોટા પર્વતનું ધારણ કરવું ક્યાં ? તેથી તમારા પુત્ર ઉપર અમને શંકા થાય છે કે રખેને એ સર્વનો આત્મા હોય. ૧૪

નંદરાય કહે છે- હે ગોવાળો ! આ કુમારને ઉદ્દેશીને ગર્ગાચાર્યે મને જે કહ્યું હતું, તે મારી પાસેથી સાંભળો, કે જેથી તમારી શંકા દૂર થાય. ‘‘પ્રત્યેક યુગમાં અવતાર ધરતા આ બાળકના ધોળો, રાતો અને શ્યામ એવા ત્રણ વર્ણ થયા હતા. તેમાં સત્યયુગને વિષે શ્વેત વર્ણવાળા થયા હતા. ત્રેતાયુગમાં રક્ત વર્ણવાળા થયા હતા. દ્વાપર યુગમાં શ્યામ વર્ણવાળા થયા હતા. અને અત્યારે કળિયુગમાં પણ શ્યામ વર્ણવાળા થયા છે. ૧૫-૧૬  પૂર્વે કોઇ સમયમાં આ તમારો પુત્ર વસુદેવનો પુત્ર થયો હતો. તેથી સમજુ લોકો આને ‘‘વાસુદેવ’’ કહે છે. ૧૭  આ તમારા પુત્રના ગુણ અને કર્મ ઉપરથી થયેલાં નામ અને રૂપ ઘણાં છે. તે સર્વેને આપણે કોઇ જાણતા નથી. ૧૮  ગોવાળો અને ગોકુળને રાજી કરનાર આ પુત્ર તમ લોકોનું કલ્યાણ કરશે અને આના પ્રભાવથી તમો સર્વે કષ્ટોને અનાયાસે તરી જશો. ૧૯  હે નંદજી ! પૂર્વે કોઇ રાજા ન હતો તે સમયમાં દુર્જનોથી પીડાયેલા સાધુ લોકોની આ તમારા પુત્રે રક્ષા અને વૃદ્ધિ કરતાં તે સાધુઓ ચોરની સમાન દુર્જનોને જીત્યા હતા. ૨૦  જે માણસો આના ઉપર પ્રીતિ કરે છે તે ખરેખર મહાભાગ્યશાળી છે, દૈત્યો જેમ વિષ્ણુના પક્ષવાળાઓનો  પરાભવ કરી શકતા નથી તેમ કોઇ શત્રુઓ આનો પરાભવ કરી શકે તેમ નથી. ૨૧  માટે હે નંદ ! આ તમારો પુત્ર ગુણ, લક્ષ્મી, ર્કીતિ અને પ્રભાવથી નારાયણ સમાન છે.’’ આ પ્રમાણે ગર્ગાચાર્યે મને કહ્યું હતું, માટે આ બાળકના કર્તવ્યમાં કાંઇ આશ્ચર્ય જેવું નથી. ૨૨  મને આજ્ઞા કર્યા પછી ગર્ગાચાર્ય પોતાને ઘેર ગયા, ત્યારથી હું આ મોટા કામ કરનારા કૃષ્ણને સાક્ષાત્ નારાયણ માનું છું. ૨૩

શુકદેવજી કહે છે- આ પ્રમાણે નંદરાયના મુખથી ગર્ગાચાર્યનાં વચન સાંભળી, જે ગોવાળોએ અપાર તેજવાળા શ્રીકૃષ્ણના પરાક્રમ જોયાં અને સાંભળ્યાં હતાં, તે ગોવાળો તો વિસ્મય રહિત થઇ તથા રાજી થઇ નંદરાય અને કૃષ્ણનો ભારે સત્કાર કરવા લાગ્યા. ૨૪  યજ્ઞનો ભંગ કરવાથી કોપેલા ઇંદ્રે વૃષ્ટિ કરતાં કરા અને કઠણ પવનથી જે ગોવાળો, પશુઓ, અને સ્ત્રીઓ પીડ્યો હતાં, એવા ગોકુળને પોતાની શરણે આવેલું જોઇ પોતાનું ઐશ્વર્ય પ્રગટ કરતા તે દયાળુ ભગવાને ગોવર્ધન પર્વતને એક હાથથી ધારણ કરી, ગોકુળની રક્ષા કરી અને ઇંદ્રનું અભિમાન ઉતાર્યું. તે ગાયોના પાલક શ્રીકૃષ્ણ ભગવાન અમારી ઉપર પ્રસન્ન થજો. ૨૫

 

ઇતિ શ્રીમદ્ મહાપુરાણ ભાગવતના દશમ સ્કંધનો છવીશમો અધ્યાય સંપૂર્ણ.