ભૂગોળ – ખગોળનું વચનામૃત

Submitted by Parth Patel on Fri, 18/02/2011 - 3:59am

ભૂગોળ – ખગોળનું વચનામૃત

શ્રીજીમહારાજે આષાઢી વર્ષ ૧૮૭૬ના ભાદરવા સુદિ એકાદશીના રોજ ગઢડામાં ભકિતબાગમાં હરમાના વૃક્ષતળે બેસીને શુકાનંદમુનિ પાસે હરિજનો ઉપર ભૂદ્વીપખંડ, યુગપરિમાણ અને પ્રલયવર્ણનપૂર્વક ભરતખંડમાં મનુષ્ય જન્‍મની દુર્લભતા વર્ણવી, તેનાથી અન્‍ય લૌકિક પ્રવૃત્તિનો આગ્રહ નહિ કરતા મોક્ષરુપી કાર્ય સિદ્ધ કરી લેવાના ઉદ્દેશથી પત્ર લખાવેલો. તે વાત હરિલીલામૃતના ૬ કળશમાં ૧૧-૧૨ વિશ્રામમાં વર્ણવી છે. આ પત્ર તે જ આનુપૂર્વેવાળો હશે કે અન્‍યથા હશે તેનો વિચાર કર્યા વિના ઉપયોગનો જાણી પૃથક્ છપાવ્‍યો છે.

શ્રીમદ્ભાગવતાદિ સદ્ગ્રંથોને વિષે લખ્‍યું છે જે, ભરતખંડમાં મનુષ્યનો દેહ પામવો તે અતિ દુર્લભ છે, ચિંતામણિ તુલ્‍ય છે. જે દેહને ઈન્‍દ્રાદિક દેવતા ઈચ્‍છે છે. તે દેવતાને વિષય ને વૈભવવિલાસ ને આયુષ, તે તો મનુષ્યના થકી ઘણું અધિક છે, પણ ત્‍યાં મોક્ષનું સાધન નથી થાતું. મોક્ષનું સાધન તો ભરતખંડને વિષે મનુષ્ય દેહ પામ્‍યા થકી થાય છે. તે વિના બીજે કોઈ ઠેકાણે કોઈ દેહને વિષે થાતું નથી. એ હતુ માટે સર્વ દેશથી મૃત્‍યુલોકમાં ભરતખંડને વિષે મનુષ્યનો દેહ પામવો તે અધિક છે, તેને તુલ્‍ય બીજું કોઈ ચૌદલોકમાં સ્‍થાનક નથી. તે ચૌદલોકનાં નામ- આ મૃત્‍યુલોક છે તેથી ઊઘ્‍ર્વ ૬ લોક છે. તેમાં પ્રથમ ભુવર્લોક છે . તેમાં મલિન દેવ રહે છે. તેથી ઊઘ્‍ર્વ બીજો સ્‍વર્ગલોક છે ૨. તેમાં ઈન્‍દ્રાદિક દેવ રહે છે. તેથી ઊઘ્‍ર્વ ત્રીજો મહર્લોક છે ૩. તેમાં અર્યમાદિ પિત્રિદેવ રહે છે. તેથી ઊઘ્‍ર્વ ચોથો જનલોક છે ૪. તેથી ઊઘ્‍ર્વ પાંચમો તપલોક છે ૫. એ બે લોકમાં ભૃગ્‍વાદિઋષિ રહે છે. તેથી ઊઘ્‍ર્વ છઠ્ઠો સત્‍યલોક છે. ૬. તેમાં બ્રહ્મા રહે છે. એ સત્‍યલોકસહિત સહિત સાત લોક છે. તે મૃત્‍યુલોકથી અધો જે હેઠા સાત લોક છે, તેમાં પ્રથમતો અતળ ૧, બીજો વિતળ ૨, ત્રીજો સુતળ ૩, એ ત્રણેને વિષે દૈત્‍ય રહે છે. તેથી હેઠો તળાતળ ૧, બીજો મહાતળ ૨, ત્રીજો રસાતળ ૩, એ ત્રણમાં નિશાચર રહે છે ૬, એને હેઠા કહ્યા તેથી હેઠો સાતમો પાતાળ છે ૭, તેમાં સર્પ રહે છે. એ સાત લોક તે મૃત્‍યુલોકથી હેઠાં છે, તે સહિત સર્વ થઈને ચૌદ લોક થયા. તેમાં મૃત્‍યુલોક છે તે શ્રેષ્‍ઠ છે. તે મૃત્‍યુલોકના સાત દ્વીપ છે. તે ચક્રાકાર છે. ને તેને મઘ્‍યે જંબુદ્વીપ છે. તે એક લક્ષ જોજનનો છે, તેને ફરતો ખારા જળનો સમુદ્ર છે. તે પણ એક લાખ જોજનનો છે . તેથી બીજો પલક્ષ નામે દ્વીપ છે.તે બે લાખ જોજનનો છે. તેને ફરતો સમુદ્ર તે પણ બે લાખ જોજનનો છે. તેનુ જળ ઈક્ષુ જે શેરડીનો રસ (તે) જેવું છે ૨. ને તેથી ત્રીજો શાલ્‍મલિ દ્વીપ છે. તે ચાર લાખ જોજનનો છે. તેને ફરતો સમુદ્ર છે તે ચાર લાખ જોજનનો છે તેનું જળ તે સુરા જે દારુ તેનાં જેવું છે ૩. તેથી ચોથો કુશદ્વીપ છે તે ફરતો છે. ને તે આઠ લાખ જોજનનો છે. ને તેવડો ફરતો સમુદ્ર છે ને તેનું જળ ધૃત જે ધી તે જેવું છે ૪. અને તેથી પાંચમો ક્રાૈંચદ્વીપ છે. તે સોળ લાખ જોજનનો છે ને તેવડો ફરતો સોળ લાખ જોજનનો સમુદ્ર છે. તેનું જળ તે ક્ષીર જે દૂધ તે જેવું છે ૫. તેથી છઠ્ઠો શાકદ્વીપ છે. તે બત્રીસ લાખ જોજનનો છે. તેને ફરતો સમુદ્ર છે તે, તે જેવડો છે. તેનું જળ તે દધીમંડોદ જે દહીં, તેના ધોળવા જેવું છે ૬. તેથી સાતમો પુષ્કર દ્વીપ છે તે ચોસઠ લાખ જોજનનો છે ને તેને ફરતો સમુદ્ર છે. તે પણ ચોસઠ લાખ જોજનનો છે.તેનું જળ જે સુધા તે જેવું મીઠું છે ૭, એવી રીતે સાત દ્વીપ છે.

તેમાં આ જંબુદ્વીપ છે તે શ્રેષ્‍ઠ છે. ને તે જંબુદ્વીપના નવ ખંડ છે. તે કેમ છે ? તો એ દ્વીપ છે તેને મઘ્‍યે સુવર્ણનો મેરુ પર્વત છે. તે પર્વતની તલાટિમાં ચારે પાસે ફરતો એક ઈલાવર્ત નામે ખંડ છે. તેમાં સંકર્ષણની ઉપાસના છે ને ત્‍યાં શિવજી મુખ્‍ય ભક્ત છે. અને વળી તે મેરુથી પશ્વિમ દિશાએ એક કેતુમાળ નામે ખંડ છે. તેનું સુભગ એવું બીજું પણ નામ છે. ને તેમાં પ્રઘ્‍યુમ્‍નની ઉપાસના છે ને ત્‍યાં લક્ષ્મીજી મુખ્‍ય ભક્ત છે. અને વળી તે મેરુથી ઉત્તર દિશાએ ત્રણ ખંડ છે. તેમાં પ્રથમ રમ્‍યક નામે ખંડ છે, તેમાં મત્‍સ્‍ય ભગવાનની ઉપાસના છે ને ત્‍યાં સાવર્ણિ મનુ મુખ્‍ય ભક્ત છે. ને તેથી ઉત્તરમાં બીજો હિરણ્‍યમય ખંડ છે, ને તેમાં કૂર્મજીની ઉપાસના છે, ને ત્‍યાં અર્યમા મુખ્‍ય ભક્ત છે. ને તેથી ઉત્તરમાં બીજો કુરુ ખંડ છે, ને તેમાં વારાહની ઉપાસના છે, ને ત્‍યાં પૃથ્‍વી મુખ્‍ય ભક્ત છે. એ પાંચ ખંડ થયા. ને વળી તે મેરુથી પૂર્વ દિશામાં ભદ્રાશ્વ નામે ખંડ છે, ને ત્‍યાં હયગ્રીવની ઉપાસના છે, ને તેમાં ભદ્રશ્રવા નામે મુખ્‍ય ભક્ત છે. અને વળી તે મેરુથી દક્ષિણ દિશામાં ત્રણ ખંડ છે, ને તેમાં પ્રથમ હરિવર્ષ ખંડ છે. તેને વિષે નૃસિંહજીની ઉપાસના છે ને પ્રહ્યાદજી મુખ્‍ય ભક્ત છે. ને તેથી દક્ષિણ દિશામાં બીજો કિંપુરુષ નામે ખંડ છે, તેમાં રામલક્ષ્મણજીની ઉપાસના છે, ત્‍યાં હનુમાનજી મુખ્‍ય ભક્ત છે. અને તેથી દક્ષિણ દિશામાં ભરત ખંડ છે ને તેમાં નરનારાયણ દેવની ઉપાસના છે, ને ત્‍યાં નારદજી મુખ્‍ય ભક્ત છે. એવી રીતે આ જંબુદ્વીપ; તેના નવ ખંડ કહ્યા. તેમને વિષે ભરત ખંડ છે તે અતિ શ્રેષ્‍ઠ છે. તે શા હેતુ માટે ? તો બીજા આઠ ખંડ છે. તેમાં ભોગ-વિલાસનાં સુખ તો ધણાં અધિક છે, પણ મોક્ષનું સાધન ત્‍યાં થાતુ નથી. ને મોક્ષનું સાધન તે તો એક ભરત ખંડમાં જ થાય છે. એ હેતુ માટે આ ભરત ખંડને તુલ્‍ય ચૌદ લોકને વિષે બીજું કોઈ ઠેકાણું નથી.

અને વળી ભરત-ખંડ છે તેમાં પણ તેર દેશ છે તે અનાર્ય કહેતાં – કઠોર છે. તે કહીએ છીયે-એક તો બંગાળ ૧, બીજો નેપાળ ૨, ત્રીજો ભૂટ ૩, ચોથો કામાક્ષી ૪, પાંચમો સિંધ ૫, છઠ્ઠો કાબુલ ૬, સાતમો લાહોર ૭, આઠમો મુલતાન ૮, નવમો ઈરાન ૯, દશમો અસતંબોલ ૧૦, અગિયારમો અરબસ્‍તાન ૧૧, બારમો સ્વાલ ૧૨, તેરમો પિલપિલામ ૧૩. એ તેર દેશ મલિન છે, તેમાં જે મનુષ્ય દેહ પામે તેને મોક્ષના દાતા એવા જે સદ્ગુરુ તેનો જોગ મળવો ને મોક્ષના ધર્મને સમજવું તે ઘણું કઠણ છે. હવે બીજા સાડાબાર દેશ છે તે આર્ય કહેતાં ઉત્તમ છે. તેમનાં નામ જે પ્રથમ તો એક પૂર્વ ૧, બીજો વ્રજ ૨, ત્રીજો માલવ ૩, ચોથો મારુ ૪, પાંચમો પંજાબ ૫, છઠો ગુજરાત ૬, સાતમો દક્ષિણ ૭, આઠમો મલબાર ૮, નવમો તિલંગ ૯, દશમો દ્રાવિડ ૧૦, અગીયારમો બારમલાર ૧૧, બારમો સોરઠ ૧૨, અરધો કચ્‍છ; એ સાડાબાર દેશ ઉત્તમ છે. તેમાં સદ્ગુરુ ને બ્રહ્મવેત્તા સંત છે તેમનું પ્રગટપણું ઘણું રહે છે. ને તે દેશમાં મનુષ્યદેહ પામે છે તેમને ધર્મ, ભકિત, વૈરાગ્‍ય, જ્ઞાન; એ સમજાય એમ છે ને મોક્ષના મારગને જાણે એમ છે. તે કેમ જાણે ? તો એ જે ઉત્તમ દેશ છે તેને વિષે ભગવાનના અવતાર ઘણાક થાય છે એટલા માટે એ દેશ શ્રેષ્‍ઠ છે. અને ભરતખંડનાં સર્વ મનુષ્ય છે તે મોક્ષનો ઉપાય કરે તો મોક્ષ થાય એમ છે ને ન કરે તો ન થાય. માટે જે વિવેકી છે તેને હિંસાદોષરહિત થઈને કુસંગનો ત્‍યાગ કરી સદ્ગુરુ ને બ્રહ્મવેત્તા સંતનો આશ્રય કરીને તેમને સેવવા ને તે સદ્ગુરુ ને સંત; તેમનાં લક્ષણ સદ્ગ્રંથને વિષે લખ્‍યાં છે જે ધર્મ, ભકિત, વૈરાગ્‍ય, જ્ઞાન એ આદિક શુભ ગુણ સંપન્ન હોય તેને ઓળખીને તેનો આશ્રય કરવો ને તે કહે તેવી રીતે તેનાં વચનમાં પોતાના દેહ, ઈન્‍દ્રિયો ને અંત:કરણ તે રાખવાં ને ભગવાનનું ભજન કરવું એ જ મોક્ષનું સાધન છે. તે જેણે ભૂતકાળે કીધું ને વર્તમાન કાળે કરે છે ને ભવિષ્ય કાળે કરશે તેને અમૂલ્‍ય મનુષ્ય દેહનો લાભ થયો એમ જાણવું ને તેને સમજુ ને મોટો જાણવો. અને એમ નથી સમજતો ને તુચ્‍છ સંસારના સુખમાં લોભાઈને કાળના કોળિયા એવા જે ખોટા મતવાદી ગુરુ, તેનાં વચન માનીને આવો મનુષ્ય દેહ અમૂલ્‍ય છે તેને ખુવે છે અને તે જગતમાં તો ડાયા કહેવાતા હોય તથા સમજુ કહેવાતા હોય તથા મોટા કહેવાતા હોય ને તેની જગતમાં યશ-કીર્તિ ઘણી હોય તે તો સર્વ સ્‍વપ્નતુલ્‍ય છે. તેને સાચું માનીને તેમાં મોહ પામ્‍યા છે ને મોક્ષનો ઉપાય નથી સમજતા તો તેને બ્રહ્મવેત્તા સાધુ ને સદ્ગ્રંથ છે તે તેમને મૂર્ખ કહે છે. આત્‍મધાતી કહે છે. ને તેમને પાછો ફરીને આવો મોક્ષ ક્ષેત્રમાં મનુષ્યનો દેહ મળવો, તેનો વિલંબ તો ધણો છે. તે સદ્ગ્રંથને અનુસારે લખ્‍યું છે.

જે, આપણાં વર્ષ ૬૬૬-છસો ને છાસઠ ને માસ ૮-આઠ જાય છે ત્‍યારે બ્રહ્માનો ૧-એક લવ થાય છે. એવા ૬૦-સાઠ લવનું ૧-એક નિમિષ તે આપણાં વર્ષ ૪૦,૦૦૦ ચાળીસ હજાર જાય, ત્‍યારે બ્રહ્માનું એક નિમિષ થાય. એવાં ૬૦ સાઠ નિમિષનું એક પળ તે આપણાં વર્ષ ૨૪,૦૦,૦૦૦ ચોવીસ લાખ જાય ત્‍યારે બ્રહ્માનું ૧ એક પળ થાય. એવા ૬૦ સાઠ પળની ૧ એક ઘડી, તે આપણાં વર્ષ ૧૪,૪૦,૦૦,૦૦૦ ચૌદ કરોડને ચાળીસ લાખ જાય ત્‍યારે બ્રહ્માની ૧ એક ધડિ થાય છે. એવી ૩૦ ત્રીશ ધડિનો ૧ એક દિવસ, તે આપણાં વર્ષ ૪,૩૨,૦૦,૦૦,૦૦૦ ચાર અબજ ને બત્રીશ કરોડ થાય, ત્‍યારે બ્રહ્માને ૧ એક દિવસ થાય છે. તે ચાર જુગની ૧ એક ચોકડી ૧૭,૨૮,૦૦૦ સત્તર લાખ ને અઠ્ઠાવિશ હજાર સતયુગ. ૧૨,૯૬,૦૦૦ બાર લાખ ને છનું હજાર ત્રેતાયુગ. ૮,૬૪,૦૦૦ આઠ લાખ ને ચોસઠ હજાર દ્વાપર. ૪,૩૨,૦૦૦ ચાર લાખ ને બત્રિસ હજાર કળિનાં. ૪૩,૩૨,૦૦૦ ત્રેતાળીશ લાખ ને વિશ હજાર વર્ષ થાય ત્‍યારે ૧ એક ચોકડી થાય. એવી બ્રહ્માના એક દિવસમાં, ૧ એક હજાર ચોકડી જુગની થાય છે. તે બ્રહ્માના ૧ એક દિવસમાં ૧૪ ચૌદ મનુ ને ૧૪ ચૌદ ઈન્‍દ્ર; તે તુલ્‍ય રાજ્ય કરીને નાશ પામે છે. ૧ એક મનુ ને ૧ એેક ઈન્‍દ્ર આપણાં વર્ષ ૩૦,૮૫,૭૧,૪૨૮ ત્રીશ કોટિ ને પંચાસિ લાખ ને ઈકોતેર હજાર ને ચારસો અઠ્ઠાવીસ ને તે ઉપરાંત માસ ૬ છો ને દિવસ ૨૫ પચીસ, ધડિ ૪૨ બેંતાળીશ, પળ ૫૧ એકાવન, નિમિષ ૨૫ પચીસ, લવ ૪૨ બેતાળીશ, ને ઉપરાંત ૧૨ બાર લવનો ચૌદમો ભાગ, એટલું એક એક રહીને ચૌદ ઈન્‍દ્ર થઈ જાય છે. તે બ્રહ્માના લવ નિમિષાદિક સર્વ દિવસમાં ઉપજીને નાશ થાય છે. તેનું નામ પ્રથમ નિત્‍યપ્રલય કહેવાય છે ને તે બ્રહ્માની એક રાત્રિ થાય છે ત્‍યારે બ્રહ્મા સૂવે છે ત્‍યારે સ્‍વર્ગ, મૃત્‍યુને પાતાળ; એ ત્રિલોકીનો નાશ થાય છે. તે જેવડો દિવસ છે તેવડી રાત્રિ છે. તે આપણાં વર્ષ ૮,૬૪,૦૦,૦૦,૦૦૦ આઠ અબજ ને ચોસઠ કરોડ થાય ત્‍યારે બ્રહ્માની અહોરાત્રિ થઈને એક દિવસ થાય છે. તે દિવસ દિવસ પ્રતિ નાશ થાય છે, ને દિવસાંતરે પાછું કરે છે ને તે નાશ થાય છે તેનું નામ ૨ બીજો નિમિત્ત પ્રલય કહેવાય છે. એ બ્રહ્માના ૧ એક દિવસની અવધિ કહી. એવા ત્રીસ દિવસનો ૧ એક માસ. એવા બાર માસનું એક વર્ષ. એવાં ૧૦૦ સો વર્ષ બ્રહ્મા દેહ રાખે છે. તે બ્રહ્મા દેહ મૂકે ત્‍યારે એ ચૌદ લોક સહિત બ્રહ્માંડનો નાશ થાય છે. ત્‍યારે પ્રકૃતિથી ઉપજ્યું કારજ, તે સર્વ પ્રકૃતિમાં લય પામે છે એ ત્રીજો પ્રાકૃત પ્રલય કહેવાય છે. ચોથો આત્‍યંતિક પ્રલય થાય છે, ત્‍યારે તો અનંતકોટિ બ્રહ્માંડનો નાશ થાય છે. તે દિવસ તો પ્રધાન પુરુષનું કારણ એ જે પ્રકૃતિ પુરૂષ, તે પોતાને વિષે અનંતકોટિ બ્રહ્માંડને પ્રતિલોમ કરીને પોતે અક્ષરપુરુષના તેજમાં લીન થાય છે. તેનું નામ ચોથો આત્‍યંતિક પ્રલય કહેવાય છે. તે પ્રલય કાળે જેમ પ્રતિલોમ થાય છે તેમ ઉત્‍પત્તિકાળે અનુક્રમે તેથી અનુલોમ જ ઉપજે છે. એ તો ચાર પ્રકારના પ્રલયનું કહ્યું. પણ ત્રીજો પ્રાકૃતપ્રલય તે બ્રહ્માની આયુષ અવધિનો કીધો. એવા સાડા ત્રણ કોટિ પ્રાકૃત પ્રલય થઈ જાય છે ત્‍યારે એ જીવ છે તે આવો મનુષ્ય દેહ પામ્‍યો હોય, તે દેહ વૃથા-ખોટાં-માયિક સુખ ને મતવાદિ ગુરુને આશરે રહિને હારે છે. તે જીવ યમયાતના ને નરકકુંડનાં દુ:ખ ને લખચોરાસી જાતના જે દેહ છે તેનાં દુ:ખ ભોગવીને તેમાં ફરીને પાછો સાડા ત્રણ કોટી પ્રાકૃત પ્રલય કહ્યા એવા થશે, ત્‍યારે ફરીને મોક્ષ ક્ષેત્રમાં આવો મનુષ્યનો દેહ પામે છે. એટલો ફરીને મનુષ્ય દેહ પામવાનો વિલંબ છે. માટે હે ભાઈ, સૂઝે તો આજ સમજીને મોક્ષના દાતા જે સદ્ગુરુ ને સંત, તેનો આશ્રય કરીને તેની આજ્ઞામાં પોતાનો દેહ, ઈન્‍દ્રિયો ને અંત:કરણને વરતાવીને પોતાના આત્‍માનું શ્રેય કરીને ભગવાનના ધામને પહોંચો. ને જો આજ એ વાત નહિ સમજો ને આવો મનુષ્ય દેહ મોક્ષના સાધનનું ધામ છે, તે વૃથા હારશો તો ફરી પાછો જોગ મળવાનો વિલંબ, તો મોરે લખ્‍યો એટલો છે. તે પ્રમાણે ભોગવીને તે અવધિ પૂરી થશે તે દિવસ જોગ મોક્ષ થવાનો થાશે તે દી’ જો વિચારશો તો થાશે ને નહિ વિચારો તો તે દી પણ મોક્ષ થાશે નહિ, એ સિદ્ધાંત વાર્તા છે. સમજુ હોય તે વિચારજો ને મુરખને માથે તો શ્રુતિસ્‍મૃતિની આમન્યા નથી તે તો કોઈ એ વાતને સમજશે નહિ. શ્રીરસ્‍તુ…

||  વચનામૃતમ્ સંપૂર્ણ  ||