તરંગઃ - ૯૦ - શ્રીહરિ વિચરણ

Submitted by swaminarayanworld on Sat, 13/02/2021 - 12:00pm

પૂર્વછાયો

પાન કરે ઘણા ભાવથી, કથા અમૃતનું જેહ । પ્યાસ વધે મન ઘણી, રહે કથાપર સ્નેહ ।।૧।।

 

ચોપાઇ

 

ગામ ફણેણીમાં પોતે આવી, સદાવ્રત બાંધ્યાં મનભાવી । સમાધિપ્રકરણ ચલાવ્યું, સતસંગનું મૂલ રોપાવ્યું ।।૨।। 

પંચાળે રંગ ઉત્સવ કર્યા, બેઉ રંગના હોજ તે ભર્યા । પછે રસીયો રંગ રમીને, ગંગામાં ન્હાવા ગયા ફરીને ।।૩।। 

સંતને ફરતા ગવરાવ્યા, પોતાને મન તે અતિભાવ્યા । અગત્રાઇમાં પરવતભાઇ, ઘણા દિન રાખ્યા સુખદાઇ ।।૪।। 

માણાવદરમાં ગયાછે લાલ, તેમાં ઉત્સવ કર્યો નિહાલ । તિયાં ભટ્ટ મયારામ સારા, લાગે શ્રીહરિને અતિ પ્યારા ।।૫।। 

ધોરાજી ગામે છે લાલવડ, સંતજાુક્ત બેઠા તેને થડ । સંઘ માયો નહિ તેની તળે, ખેતરમાં ઉતર્યા તે પળે ।।૬।। 

જાળિયામાં મંદવાડ લીધો, હિરાભાઇને શિરપાવ દીધો । ભગુજી ગંગાજી લાવ્યા છે સારી, રાજી થયા છે દેવ મુરારી ।।૭।। 

મેઘપુરે વિપ્ર જમાડીયા, ગિરનાર ઉપર ચડીયા । પછે મંદિરમાં આવ્યા માવ, સંઘને લાડુ જમાડ્યા ભાવ ।।૮।। 

પંચતીર્થમાં તે બહુ ફર્યા, ઉત્સવ સમૈયા ઘણા કર્યા । એક વાર તે તીરથે જાય, સર્વે પાપ બળે મુક્ત થાય ।।૯।। 

સોરઠમાં બહુ દિન ફરી, સર્વે તીર્થ તાજાં પોેેતે કરી । પછે કચ્છમાં પધાર્યા શ્યામ, આવ્યા અંજારમાં સુખધામ ।।૧૦।। 

ત્યાંથી આવ્યા માધાપુર હરિ, ત્યાંની પૃથ્વી તે પાવન કરી । પછે ભુજમાં ગયા છે શ્યામ, સુંદરજીને ઘેર સુખધામ ।।૧૧।। 

ઘણા અક્ષરધામના મુક્ત, આંહી આવ્યા છે પ્રેમઆશક્ત । બાઇ ભાઇ વૃદ્ધ અતિ નાના, શ્રીજીમાં સૌનાં મન પ્રોવાના ।।૧૨।। 

કચ્છ દેશના જે હરિજન, કામ ક્રોધ નથી જેને મન । બીજી ઉપાસના નથી અન્ય, શ્રીહરિનું બલ છે અનન્ય ।।૧૩।। 

પ્રેમી નેમી ને અતિ નિષ્કામી, એવા ભક્તને આધીન સ્વામી । તે દ્વારાયે કલ્યાણ કરેછે, સર્વે જનનાં દુઃખ હરેછે ।।૧૪।। 

અનંતને સમાધિ કરાવે, ઘણા જન અક્ષરમાં જાવે । ભુજ નગ્રની લીલા પાવન, અતિ આનંદ આપે જીવન ।।૧૫।। 

માતાજી લાધીબા બેઉ નામ, સમાધિમાં રહે આઠું જામ । કાયથ સુતાર મલ્લ ઘણા, જણસારી વૃંદ હરિતણા ।।૧૬।। 

સુંદરજીનો પ્રેમ અપાર, મહામુક્ત પરમ ઉદાર । દષ્ટિ થકી જો અળગા થાય, રોમાદિ દ્વારા રૂધિર જાય ।।૧૭।। 

ભુજનગ્રનું મંદિર પોતે, અતિ સુંદર કરાવ્યું જોતે । દેવ પધરાવ્યા પોતે મળી, કરે પ્રક્રમાયો વળી વળી ।।૧૮।। 

ભુજની સભામંડપમાંહી, હતું આંબલીનું વૃક્ષ ત્યાંહી । તેના હેઠે હમેશ બેસતા, મુક્તો સંગાથે બહુ માલતા ।।૧૯।। 

વળી સરોવરે અતિ ન્હાય, બુડીને સામે કાંઠે તે જાય । વળી વૃક્ષ ઉપર ચડીને, ઉંડા જળમાં જાય પડીને ।।૨૦।। 

વળી સંત દાસ ત્યાંથી ગયા, બદ્રિકાશ્રમ જઇને રહ્યા । બબે માસ તે વાડીમાં રહે, ત્યાગ વૈરાગ્યની વાતો કહે ।।૨૧।। 

વળી સમાધિ બહુ કરાવે, સર્વે સંતને ધ્યાન ધરાવે । વળી મંડળ બાંધીને પોતે, દેશમાં મોકલે સહુ જોતે ।।૨૨।। 

વળી ભુજની વાડીની માંય, પોતાને મન ગમેછે ત્યાંય । કેરીયો ને પપૈયા તે જમે, ચારે કોરે મુક્ત બહુ ભમે ।।૨૩।। 

વળી મલ્લને બહુ રમાડે, ગંગારામ આદિને તે દાડે । વળી ઘેર ઘેર તે જમાડે, શ્રીહરિને આનંદ પમાડે ।।૨૪।।

હમ્મીરસરે કોઇક પ્રાણી, હોય રોગી તે અતિશે જાણી । તેહ જળમાં અજાણે ન્હાય, તેનો બ્રહ્મમોલે વાસ થાય ।।૨૫।। 

એકવાર ભુજનગ્ર જાય, અક્ષરધામનું ફળ થાય । મુક્તકોટિમાં તેહ ભળશે, હરિની સેવા તેને મળશે ।।૨૬।। 

ભુજના રાજા વાડીમાં આવ્યા, સાથે દીવાનજીને તે લાવ્યા । તેમનું બહુ સન્માન કરી, સભામાં બેસાર્યા પ્રેમ ધરી ।।૨૭।। 

પછે વાડીનો લેખ કરાવ્યો, સુંદરજીના મનમાં ભાવ્યો । તેમનું નામછે તે રાભારા, લાગે પ્રજાને અતિ પ્યારા ।।૨૮।। 

ભુજ ફરતા ત્રીશ યોજન, અક્ષરધામે જાય તે જન । ધન્ય ભુજનગ્રની તે ધરણી, ધન્ય ત્યાંના મનુષ્યની કરણી ।।૨૯।। 

માનકુવે જાતા જેહ સર, તેમાં નાહ્યા અતિ નટવર । મુક્તસહિત અનંત વાર, જલક્રીડા કરી નિરધાર ।।૩૦।। 

વાગડમાં ખોખરાછે ગામ, તેમાં કુવો બતાવ્યોછે શ્યામ । ઘેર ઘેર જમ્યા પ્રાણપતિ, લીલાઓ કરીછે તિયાં અતિ ।।૩૧।। 

ભવાનીપુરમાં ગંગા સારી, ઘણું નાહ્યા છે દેવમુરારી । તે જળનું આચમન કરે, તેહ પ્રાણી અક્ષરમાં ઠરે ।।૩૨।। 

ગંગા જમુનામાં નાહ્યા બહુ, તેનો મહિમા તે શું હું કહું । તિયાં કુંડ સજીવન સારા, છયે ઋતુમાં રહેછે ન્યારા ।।૩૩।। 

ગામ માનકુવામાં રંગીલે, સદાવ્રત બાંધ્યું છે છબીલે । ભલી જન્માષ્ટમી તિયાં ભજાવી, અદાભાઇને ત્યાં અતિ ચાવી ।।૩૪।। 

પછે ભિચંદ્રેસર ગયા વીર, સંઘસહિત ત્યાં અતિ ધીર । ચારે કોરેના જે હરિજન, ગાતા થકા આવ્યા છે પાવન ।।૩૫।। 

તિયાં ઉત્સવ કર્યોછે સારો, સૌને સંભારવા જેવો ન્યારો । પછે જલક્રીડા બહુ કરી, સર્વેને મળ્યા છે ફરી ફરી ।।૩૬।। 

ગામ દહીસરે દહીં જમ્યા, સર્વે લોકતણે મન ગમ્યા । તિયાં કીર્તન ગવરાવ્યાં બહુ, હરિજન રાજી થયા સહુ ।।૩૭।। 

નારાયણપુરે ધર્મ લાલો, ગંગાયે ગયા છે મારો વ્હાલો । ધરામાં જલક્રીડા કરીને, પાટુડિયે રમ્યા છે ઠરીને ।।૩૮।। 

માવજી અબજી હરિજન, તેમને ઘેર જમે જીવન । એવી રીતે લીલા આચરેછે, હરિજનને રાજી કરેછે ।।૩૯।।

 

 

ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામી શિષ્યભૂમાનંદમુનિ વિરચિતે શ્રી ઘનશ્યામલીલામૃતસાગરે ઉત્તરાર્ધે આચાર્યશ્રી અયોધ્યાપ્રસાદજી રામશરણજી સંવાદે શ્રીહરિ વિચરણ એ નામે નેવુમો તરંગઃ ।।૯૦।।