અધ્યાય - ૫૮ - ભગવાન શ્રીહરિએ કરેલું શૂન્યક પ્રાણાયામનાં લક્ષણનું નિરૃપણ.

Submitted by swaminarayanworld on Tue, 08/08/2017 - 9:59pm

અધ્યાય - ૫૮ - ભગવાન શ્રીહરિએ કરેલું શૂન્યક પ્રાણાયામનાં લક્ષણનું નિરૃપણ.

ભગવાન શ્રીહરિએ કરેલું શૂન્યક પ્રાણાયામનાં લક્ષણનું નિરૃપણ.

ભગવાન શ્રીનારાયણમુનિ કહે છે, હે મુનિ ! શૂન્યક નામના પ્રાણાયામને બુદ્ધિમાન યોગીઓએ શ્રેષ્ઠ માનેલો છે. એ નિર્વાસનિક ચિત્તવાળા યોગીપુરુષના હૃદયમાં જ સિદ્ધ થાય છે.૧

ત્યારે પ્રાણ, અપાન, આદિક દશ પ્રકારના વાયુઓ હૃદયાદિક પોત પોતાના સ્થાનનાં અવકાશ પ્રદેશમાં નિશ્ચળતા પામે છે.ર

તે સમયે યોગીની જાગ્રત અવસ્થા પણ સુષુપ્તિ જેવી થઇ જાય છે. દેહમાં નિશ્ચળતા થઈ જાય છે અને અંતઃકરણમાં નાદનું શ્રવણ થાય છે.૩

તે કેવું હોય છે તે કહીએ છીએ. યોગી પ્રથમ વીણાના ધ્વનિ જેવો સૂક્ષ્મ ધ્વનિ સાંભળે છે. પછી અંતઃકરણને વિષે જાગ્રતના જેવો પ્રબોધ થાય છે.૪

પછી અનુક્રમે વાંસળી, મૃદંગ, શંખ, દુંદુભી, ભેરી અને અનેક વાજિંત્રના નાદ જેવો નાદ સંભળાય છે.પ

પછી મેઘ જેવા અનેક પ્રકારના મહાનાદોનું શ્રવણ કરી અતિશય પ્રબુદ્ધ દશાને પામેલો યોગી પોતાના હૃદયકમળમાં પ્રકાશના પુંજને નિહાળે છે.૬

પછી જીવોના સ્થૂળાદિ ત્રણ દેહોમાં અને વૈરાજપુરુષના વિરાટાદિ ત્રણ દેહોમાં શ્વાસોચ્છવાસ સ્વરૃપે રહેલા પ્રણવને પોતાના હૃદયમાં નિહાળે છે.૭

હે મુનિ ! આલોકમાં યોગીઓ પ્રણવની પ્રાપ્તિ માટે આળસનો ત્યાગ કરી નિરંતર એક એક શ્વાસ પ્રત્યે અષ્ટાક્ષર મહામંત્ર જપવાનો અભ્યાસ કરે છે.૮

પ્રણવના દર્શન પૂર્વે જે આકાશની પેઠે અનંત અપાર છે, તથા જેને નાદ બ્રહ્મ કહે છે, એવા મહા ઉજ્જવળ તેજના રાશિને યોગીપુરુષ સાક્ષાત્ નિહાળે છે.૯

તે સમયે અગ્નિમાંથી ઉદ્ભવતા તણખાઓની પેઠે તે તેજના રાશિમાંથી ચારે બાજુથી સૂર્યના બિંબ સરખાં અનંત તેજનાં મંડળો નીકળે છે તેને પણ યોગી જુએ છે.૧૦

અને તે તેજના રાશિમાંથી નીકળતા તેજોમય, ઉજ્જવળ અને નાદરૃપ એવા પ્રણવનો યોગી સાક્ષાત્કાર કરે છે.૧૧

હે મુનિ ! એ દૃષ્ટાંતથી ફરી તમને સમજાવું છું. તે યોગી તેજોરાશીમાં તેજના ચક્રાવા જેવી કાંતિવાળા અનેક પ્રણવના ધ્વનિઓને ઉત્પન્ન થતા અને લય થતા નિહાળે છે.૧ર

જેવી રીતે સમુદ્રમાં મહા તરંગ ઉઠે છે અને મેઘમાં વીજળીના ચમકારા ઉત્પન્ન થાય ને લય પામે છે, તેવી રીતે પ્રણવના ધ્વનિઓ તેજોરાશિમાં ઉત્પન્ન થાય છે અને લય પામે છે, તેને યોગી નિહાળે છે. પછી યોગીએ પોતે પૂર્વે જે સાંભળ્યા હતા એવા વેણુ આદિકના ધ્વનિઓ આ નાદાત્મક પ્રણવના મહાનાદમાં તિરોધાન પામે છે.૧૩-૧૪

આ પ્રણવનું માહાત્મ્ય ચારે વેદોમાં બહુ પ્રકારે કહેલું છે. તે માહાત્મ્યનો સાર સાર ગ્રહણ કરી અમે તમને સંક્ષેપથી સંભળાવીએ છીએ.૧૫

હે મુનિ ! આલોકમાં જે કાંઇ વાઙ્ગમય રહેલું છે તેનું કારણ આ પ્રણવ છે એમ તમે જાણો. તેથી તે ઁકાર બીજરૃપ અને સનાતન છે.૧૬

પ્રણવની અકાર, ઉકાર, મકાર અને અર્ધમાત્રિકા એમ ચાર માત્રાઓ કહેલ છે. તે વિરાટાદિ સર્વેની વાણીના એક આધારપણે માનેલી છે.૧૭

તેમાં વૈરાજપુરુષનું બ્રહ્માંડાકાર શરીર, વૈશ્વાનર નામના વિરાટના અભિમાની દેવ વિષ્ણુ, અને વિશ્વનો સ્થિતિકાળ આ ત્રણેય અકારનો આશ્રય કરીને રહેલા છે. હિરણ્યગર્ભનું સૂત્રાત્મક શરીર, તેના અભિમાની દેવ બ્રહ્મા અને સૃષ્ટિકાળ આ ત્રણ ઉકારનો આશ્રય કરીને રહેલા છે.૧૮

ઇશ્વરનું અવ્યાકૃત શરીર, તેના અભિમાની દેવ શિવજી અને જગતનો પ્રલયકાળ આ ત્રણેય મકારનો આશ્રય કરીને રહેલા છે. ચિદાકાશ, અક્ષરબ્રહ્મ અને તૂર્ય નામના શ્રીવાસુદેવ આ ત્રણેય અર્ધમાત્રિકાનો આશ્રય કરીને રહ્યા છે.૧૯

આ રીતે અકારાદિ બાવન વર્ણની માતૃકાઓ ભુઃ આદિક સાત વ્યાહૃતિઓએ સહિત વેદો, શિક્ષાદિ વેદનાં છ અંગો અને બીજું જે કાંઇ પણ વાઙ્ગમય જગત રહ્યું છે, તે સર્વેનું મૂળ પ્રણવ છે.૨૦

આ રીતે પ્રસંગોપાત પ્રણવનું માહાત્મ્ય કહ્યું. હવે યોગીને થયેલા પ્રણવદર્શનનો ચાલુ પ્રસંગ કહીએ છીએ. પ્રણવનો સાક્ષાત્કાર થયા પછી પ્રણવના તેજથી સમગ્ર અવકાશ વ્યાપ્ત થાય છે. તેને નિહાળી યોગી સર્વોત્તમ આનંદને પામે છે.૨૧

તે યોગી પ્રણવના માધ્યમથી મહાશૂન્યાદિ ભૂમિકાને ઉલ્લંઘી નાદની ઉત્પત્તિના સ્થાનભૂત શ્રીનારાયણ ભગવાનને પામે છે.૨૨

કાર્યકારણરૃપ સર્વપ્રકારનો નાદ જે વાસુદેવનારાયણના શરીરથી પ્રાદુર્ભાવ પામે છે. તે શ્રીવાસુદેવનારાયણને યોગી પોતાના હૃદયમાં સાક્ષાત્કાર નિહાળે છે.૨૩

આ રીતે ભગવાનનાં દર્શનથી યોગી આલોકમાં કૃતકૃત્ય થાય છે, તેમાં કોઇ સંશય નથી. અને તે ભગવાનની પ્રસન્નતાથી એ યોગી ભગવાનના અક્ષરબ્રહ્મ નામના સર્વોત્કૃષ્ટ ધામને પામે છે.૨૪

હે મુનિ ! શૂન્યક પ્રાણાયામથી સિદ્ધ થતી જે આ સ્થિતિ દર્શાવી તે સ્થિતિને સમાધિતત્ત્વને જાણતા પુરુષો ''સહજ સમાધિ'' કહે છે.૨૫

આવો સહજ સમાધિવાળો યોગી આ સ્થૂળ દેહમાં હોવા છતાં પણ હમેશાં સાક્ષીની જેમ વર્તે છે. અને આત્યંતિક લયવાળી સ્થિતિને પામી નિદ્રા રહિત વર્તે છે. અર્થાત્ હમેશાં બ્રહ્મરૃપે રહી પરબ્રહ્મનું દર્શન કર્યા કરે છે.૨૬

આ શૂન્યકપ્રાણાયામ સર્વલોકોથી સાધી શકાતો નથી. એક જન્મના પ્રગટેલા સુકૃતથી પણ પ્રાપ્ત થઇ શકતો નથી.૨૭

પરંતુ અનેક જન્મોના ઉદ્ભવેલા પુણ્ય કર્મોના સંચયથી જે યોગીનું ચિત્ત સમસ્ત વાસનાઓથી રહિત થાય છે.૨૮

હે મુનિ ! તેવા યોગીપુરુષને સત્શાસ્ત્રના શ્રવણ કે અભ્યાસ વિના સત્સંગના યોગ વિના પણ શૂન્યક પ્રાણાયામથી પ્રાપ્ત થતી સ્થિતિ કેવળ શ્રીવાસુદેવનારાયણ ભગવાનની ઇચ્છાથી પ્રાપ્ત થાય છે.૨૯

હે મુનિ ! આ સર્વે સિદ્ધિ જે રીતે પૂર્વે ઋષભદેવના પુત્રોની મધ્યે નવયોગેશ્વરોને પ્રાપ્ત થઇ હતી. તેજ રીતે આ યોગી પણ ભગવાનની ઇચ્છાથી બાલ્યાવસ્થામાંજ અક્ષરબ્રહ્મની સાથે પોતાના આત્માની એકતાનો અનુભવ કરે છે. ને તેમાં સાક્ષાત્ શ્રીવાસુદેવનારાયણનું દર્શન પણ કરે છે. તે નવ યોગેશ્વર એવા કવિ, હરિ, અંતરિક્ષ, પ્રબુદ્ધ, પિપ્લાયન, આવિર્હોત્ર, દ્રુમિલ, ચમસ અને કરભાજન આ ઋષભદેવના પુત્રો બાલ્યાવસ્થામાં જ બ્રહ્મરૃપ પોતાના આત્માનું અને પરબ્રહ્મ એવા પરમાત્માનું દર્શન પામી યોગના પારંગત સિદ્ધપુરુષો થયા હતા.૩૦-૩૨

હે મુનિ ! પૃથ્વી પર અત્યારે પણ જે કોઇ તેવા સિદ્ધપુરુષો છે તેઓ પણ સાક્ષાત્ નારાયણની ઇચ્છાથી તત્કાળ આવી સ્થિતિને પામ્યા છે ને પામે છે. હે સદ્બુદ્ધિવાળા મુનિ ! ચિત્તને નિર્વાસનિક કર્યા વિના શૂન્યક પ્રાણાયામની સિદ્ધિને માટે બીજા કોઇ ઉપાય છે જ નહિ. કારણ કે નિર્વાસનિક ચિત્તવાળા પુરુષોના હૃદયમાં પૂરક વગેરે પ્રાણાયામની ક્રિયાઓ કર્યા વિના પણ શૂન્યક પ્રાણાયામની સિદ્ધિ સહજભાવે એકાએક સિદ્ધ થાય છે.૩૩-૩૫

હે મુનિ ! આ પ્રમાણે અમે તમને પ્રાણાયામનો વિધિ કહ્યો. યોગવિશારદ પુરુષો એ પ્રાણના નિરોધને સામાન્ય અને વિશેષ એમ બે પ્રકારનો કહેલો છે. તેમાં પૂરક, રેચક અને કુંભક દ્વારા થતો પ્રાણનિરોધ સામાન્ય નામથી અને શૂન્યકથી થતો પ્રાણનિરોધ વિશેષ નામથી કહ્યો છે.૩૬

હે મુનિ ! આ લોકમાં જે પુરુષો ધીરજથી યુક્ત થઇ યોગસિદ્ધ પુરુષે દર્શાવેલા માર્ગથી પ્રાણાયામનો અભ્યાસ કરે છે, તે પુરુષનું અતિશય ચંચળ, તથા પોતાના મોક્ષના ઉપાયમાં તત્પર થઇને વર્તતા પુરુષનું શત્રુભૂત મન પણ તત્કાળ નિશ્ચળભાવને પામે છે. તેમાં કોઇ સંશય નથી.૩૭

આ પ્રમાણે અવતારી શ્રીનારાયણના ચરિત્રરૃપ શ્રીમત્સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રના પંચમ પ્રકરણમાં યોગનો ઉપદેશ કરતા શ્રીહરિએ શૂન્યક પ્રાણાયામનાં લક્ષણોનું નિરૃપણ કર્યું, એ નામે અઠ્ઠાવનમો અધ્યાય પૂર્ણ થયો. --૫૮--