સખી અંતરની કહું વાત, આજ હરિને રે (૪)

Submitted by swaminarayanworld on Fri, 08/04/2016 - 5:06pm

રાગ - ગરબી

પદ - ૧

(વાલા રમઝમ કરતા કાન મારે ઘરે આવો રે એ ઢાળ)

સખી અંતરની કહું વાત, આજ હરિને રે;

આવો મંદિરમાં મહારાજ, મહેર કરીને રે. ટેક.

તમ વિના ત્રિભુવનરાય, સુનાં ફરીએ રે;

કહો અંતરમાં કેઈપેર, ધીરજ ધરીયે રે. ૧

નથી ગમતું ઘરનું કામ, અધિક ઊચાટે રે;

દયા લાવીને દિનાનાથ, પધારો  તે માટે રે. ૨

તમ વિના સુંદર સેજ, શુળી જેવી રે;

વગડાથી ભૂંડી ભુખ, હળવી એવી રે. ૩

છો બાળ સ્નેહી નાથ, નહિ વિસારો રે;

ભગવત સુતના મહારાજ, મોહોલે પધારો રે. ૪

 

પદ - ૨

છું પૂર્વ જન્મની નાથ, દાસી  તમારી રે;

કરો મહેર વધારી માફ, ચૂક અમારી રે. ટેક.

ગુણ અવગુણ અબળા રાંકના, નવ ગણીએ રે;

ઊર માંહી વસ્યા છો આપ, ઝાઝું શું ભણીએ રે. ૧

નથી  તમથી નાથ અધિક, કાંઈ અમારું રે;

તન મન ધન ત્રિભુવનરાય, સર્વ તમારું રે. ૨

તમે મળવા મુને મહારાજ, વચન દીધેલું રે;

માટે આવો હે અલબેલ, અળગા નહિ મેલું રે. ૩

રાખું છાતી ઊપર છેલ, હાર હજારી રે;

ભગવત સુતના સુખકંદ, સ્નેહ વધારી રે. ૪

 

પદ - ૩

લટકાળા દિવસ રાત, છે રઢ લાગી રે;

નહીં જાશો ત્રિભુવન નાથ, અમને ત્યાગી રે. ટેક.

વાલા નેહ ભરેલાં નેણ, નિરખું જયારે રે;

મુને ઊપજે હરખ અપાર, અંતર ત્યારે રે. ૧

વાલા હસ્તા હસ્તા નાથ, મંદિર આવો રે;

મને મર્મ કરી મહારાજ, હેતે બોલાવો રે. ૨

જયારે ચાલો છો ચંચળ ચાલ. પહેરી ચાખળીયું રે;

ત્યારે ઠરે અમારી અપાર, જોઈ આંખડીયું રે. ૩

કહે ભગવત સુત સુખકંદ, બેઊ કર જોડી રે;

નહીં છેટા જાશો છેલ, મુજ પર છોડી રે. ૪

 

પદ - ૪

મારું કહેવાનું કમળા નાથ, ઊરમાં આણો રે;

મુજ મંદિરમાં મહારાજ, મોજું માણો રે. ટેક.

છે સર્વ પ્રકારે સુખ, દુઃખ ન કાંઈ રે;

નિત્ય રીઝાવું રસિયા રાજ, ગુણ શુભ ગાઈ રે. ૧

વાલા ભોજન કરી બહુ ભાત, જુગતે જમાડું રે;

પ્રભુ પ્રેમની કહી વાત, આનંદ પમાડું રે. ૨

મુખમાંઈ મેલું મહારાજ, બીડી વાળી રે;

પ્રેમે પાથરું સૂવાને કાજ, સેજ સુંવાળી રે. ૩

સદા ભગવત સુત ભલી ભાત, એ વર માગે રે;

રહો ધર્મ કુંવર મહા ધીર, નેણાંની આગે રે. ૪

Facebook Comments