૮૧ શ્રીકૃષ્ણ ભગવાને સુદામાના પૌંવા જમીને ઇન્દ્રથી અધિક રાજલક્ષ્મી આપી.

Submitted by swaminarayanworld on Fri, 19/02/2016 - 8:15pm

અધ્યાય ૮૧

શ્રીકૃષ્ણ ભગવાને સુદામાના પૌંવા જમીને ઇન્દ્રથી અધિક રાજલક્ષ્મી આપી.

શુકદેવજી કહે છે આ પ્રમાણે તે ઉત્તમ સુદામા બ્રાહ્મણની સાથે વાતો કરતા શ્રીકૃષ્ણ ભગવાન કે જે સર્વપ્રાણીઓના મનને જાણતા હતા છતાં પણ તેમણે હસતાં હસતાં તેને કહ્યું.૧ હાંસી કરતા પ્રેમ ભરેલી દૃષ્ટિથી જોતા, સત્પુરુષોના શરણરૂપ અને બ્રાહ્મણને માનનાર ભગવાને કહ્યું. હે બ્રાહ્મણ ! તમે મારે માટે તમારે ઘેરથી શી ભેટ લાવ્યા છો ? ભક્તો પ્રેમથી થોડું લાવ્યા હોય તોપણ તેને હું ઘણું માનું છું, અને અભક્તો ઘણું લાવે તોપણ તેથી હું પ્રસન્ન થતો નથી.૨-૩ શાંતબુદ્ધિવાળો પુરુષ ભક્તિપૂર્વક મને પાંદડાં, ફૂલ, ફળ કે પાણી આપે તો તે ભક્તિથી લાવેલું હોવાને લીધે હું સ્વીકારું છું.૪

શુકદેવજી કહે છે હે રાજા ! આ પ્રમાણે ભગવાને કહ્યું તોપણ લજ્જાઇને નીચું મોઢું કરી બેઠેલા તે શ્રીદામા બ્રાહ્મણે, લાજને લીધે લક્ષ્મીના પતિ ભગવાનને પૌંવા આપ્યા નહીં.૫ સર્વપ્રાણીઓના અંત:કરણના સાક્ષી ભગવાને તેના આવવાનું કારણ જાણીને વિચાર કર્યો કે ‘‘આ મારો સખા શ્રીદામા બ્રાહ્મણ પૂર્વે લક્ષ્મીની ઇચ્છાથી મને ભજ્યો નથી, પણ હમણાં પોતાની પતિવ્રતા સ્ત્રીને રાજી કરવા સારુ મારી પાસે આવ્યો છે, માટે દેવતાઓને પણ ન મળે એવી સંપત્તિઓ હું આને આપીશ.’’૬-૭ આ પ્રમાણે વિચાર કરી તે શ્રીદામા બ્રાહ્મણ પાસેથી ચીંથરામાં બાંધેલા પૌંવાને ‘‘આ શું છે ?’’ એમ કહીને ભગવાને પોતાના હાથથી તેના વસ્ત્રમાંથી લઇ લીધા, અને કહ્યું કે હે મિત્ર ! આ તો હું બહુ જ રાજી થાઉં એવી વસ્તુ લાવ્યા છો. જે હું જગતનો આત્મા છું. તે મને આ પૌંવા અતિ પ્રસન્નતા ઉત્પન્ન કરનાર છે.૮-૯ એમ બોલીને એક મૂઠી ખાધા, પછી પૌંવાની બીજી મૂઠી લીધી તેટલામાં લક્ષ્મી, કે જે ભગવાનની પાસે જ રહેનાર છે તેમણે ભગવાનનો હાથ પકડીને કહ્યું કે ‘‘હે જગતના આત્મા ! બસ બસ મનુષ્યને આલોકમાં તથા પરલોકમાં સમગ્ર સંપત્તિઓની સમૃદ્ધિ આપવા માટે એક મૂઠી પૌંવા પર્યાપ્ત છે. કારણ કે તમારે માટે એક મૂઠી પૌંવા પણ પ્રસન્નતાનું કારણ બની જાય છે. (હવે બીજી મૂઠી ખાઇને મને પણ એના સ્વાધીનમાં નહીં આપવી જોઇએ.)૧૦-૧૧ પછી એ બ્રાહ્મણ ભગવાનના ઘરમાં તે રાત્રી રહી, ખાઇ પીને પોતે જાણે સ્વર્ગમાં આવ્યો હોય તેવું સુખ માનવા લાગ્યો.૧૨ સૂર્યોદય થતાં જગતના રક્ષક અને સ્વરૂપાનંદથી પૂર્ણ ભગવાને પ્રણામ કરી, માર્ગમાં વળાવા જઇને, વિનયના વચનોથી રાજી કરેલો શ્રીદામા બ્રાહ્મણ પોતાને ઘેર ગયો.૧૪ એ બ્રાહ્મણને શ્રીકૃષ્ણ પાસેથી દ્રવ્ય મળ્યું નહિ. તથાપિ તેણે સ્વત: માગ્યું નહીં અને ઘેર જતાં માર્ગમાં વિચાર કરવા લાગ્યો કે ‘‘અહો ! બ્રહ્મણ્યદેવ ભગવાનની બ્રાહ્મણ ભક્તિ આજ મારા જોવામાં આવી !!! વક્ષઃસ્થળમાં લક્ષ્મીને ધરનારા ભગવાને, હું કે જે મહાદરિદ્ર છું, તેનું પણ આલિંગન કર્યું.૧૪-૧૫ દરિદ્ર અને નીચ હું ક્યાં ? મને કેવળ બ્રાહ્મણ જાતનો જાણીને ભગવાને પોતાના બે હાથથી મારું આલિંગન કર્યું, સ્ત્રીને બેસવાના પલંગ પર જેમ ભાઇઓને બેસાડે તેમ બેસાડ્યો, થાક ઉતારવા સારુ ભગવાનની રાણીએ હાથમાં ચમર લઇને પવન નાખ્યો અને દેવના તથા બ્રાહ્મણોના દેવ ભગવાને મોટી સેવાથી તથા પગચંપી કરવા આદિથી દેવની પેઠે મારી પૂજા કરી.૧૬-૧૮ જો કે તે ભગવાનના ચરણનું પૂજન પુરુષોને સ્વર્ગનું, મોક્ષનું, પાતાળ તથા પૃથ્વીની સંપત્તિઓનું અને સર્વે સિદ્ધિઓનું પણ કારણ છે, તોપણ ‘આ નિર્ધન બ્રાહ્મણને ધન મળશે તો બહુજ મદોન્મત્ત થઇ જઇને મારું સ્મરણ નહીં કરે’ એવી કરુણાથી ભગવાને મને થોડું પણ ધન આપ્યું નહીં’’.૧૯-૨૦ એમ મનમાં વિચાર કરતો કરતો પોતાના ઘરની પાસે આવ્યો, ત્યાં તે ઘર સૂર્ય, અગ્નિ અને ચંદ્રમા સરખા સાત સાત માળના મહેલોથી ચારેકોર વીંટાએલું જોવામાં આવ્યું.૨૧ વિચિત્ર બગીચા અને વાડીઓમાં પક્ષીઓનાં ટોળાં ભારે શબ્દ કરી રહ્યાં હતાં. જલાશયોમાં કુમુદ, અંભોજ, કલ્હાર અને ઉત્પલ પ્રફુલ્લિત થઇ રહ્યાં હતાં.૨૨ શણગારેલા પુરુષો અને મૃગસરખાં નેત્રવાળી સ્ત્રીઓ અહીં તહીં હર ફર કરી રહી હતી. ‘‘આ શું ? આ સ્થાનક કોનું ? આ આવું કેમ થઇ ગયું ?’’ એમ તે સુદામા બ્રાહ્મણ વિચાર કરતો હતો, ત્યાં દેવ સરખી કાંતિવાળા પુરુષો અને સ્ત્રીઓ ભારે ગાયન અને વાજાંઓની ધામધૂમથી તેને માન આપવા આવ્યા.૨૩-૨૪ પતિને આવેલા જાણી બહુ જ આનંદ પામેલી, ભારે આદરવાળી તથા લક્ષ્મી જેવી રૂપાળી તેની સ્ત્રી ઘરમાંથી તરત બહાર આવી.૨૫ પતિને જોઇ પ્રેમ અને ઉત્કંઠાને લીધે જેની આંખોમાં આંસુ આવી ગયાં હતાં, એવી તે પતિવ્રતા આંખો મીંચીને દૃઢ ભાવથી તેને પગે લાગી અને મનથી આલિંગન કર્યું.૨૬ વિમાનમાં બેસનારી દેવાંગનાની પેઠે ચળકતી અને કંઠભૂષણથી શણગારેલી દાસીઓના મધ્યમાં દીપી રહેલી પોતાની સ્ત્રીને જોઇને તે બ્રાહ્મણ વિસ્મય પામ્યો.૨૭ રાજી થઇ તેની સાથે પોતે પોતાના ઘરમાં ગયો. એ ઘરમાં ઇંદ્રના ઘરની પેઠે મણિના સેંકડો સ્તંભ લાગી રહ્યા હતા.૨૮ દૂધના ફીણ જેવી શય્યાઓ હતી, પલંગ હાથી દાંતના અને સોનાના સામાનવાળા હતા, ચામર અને વીંઝણા સોનાની દાંડીવાળા હતા.૨૯ આસનો સોનાનાં અને કૂણાં કૂણાં પાથરણાંવાળાં હતાં. ચંદરવા મોતીની માળાના લટકણિયાંવાળા અને ભારે દીપ્તિવાળા હતા.૩૦ સ્વચ્છ સ્ફટિકમણિની ભીંતોમાં અને મોટા મરકતમણિના સ્થળોમાં રત્નના દીવા શોભી રહ્યા હતા અને રત્ન જેવી સ્ત્રીઓ આલેખેલી હતી.૩૧ એ ઘરમાં કારણ વગર પ્રાપ્ત થયેલી સર્વે સંપત્તિઓની સમૃદ્ધિ જોઇને એ બ્રાહ્મણ સ્થિર થઇ વિચાર કરવા લાગ્યો કે ‘‘આ સ્મૃદ્ધિ ક્યાંથી આવી ?૩૨ અહો ! જે હું દુર્ભાગ્ય અને દરિદ્ર હતો તે મને આવી સમૃદ્ધિ મળવાનું કારણ, મોટી લક્ષ્મીવાળા ભગવાનની કૃપા દૃષ્ટિ વિના બીજું કાંઇ સંભવતુ નથી.૩૩ જેમ સમુદ્રને પૂરનાર મહાઉદાર મેઘ કોઇ સમયે ઘણી વૃષ્ટિને પણ થોડી માનીને જાણે લર્જ્જાંઈો હોય તેમ સમક્ષ નહીં વરસતાં રાતનો ખેડૂત સૂઇ ગયો હોય, ત્યાં તેના ખેતરને જળથી ભરી આપે છે, તેમ મારા સખા શ્રીકૃષ્ણ પણ ભક્તને દેવાના ઇંદ્રાદિક પદને પણ તુચ્છ માનીને અને તેણે કરેલા ભજનને ઘણું માનીને સમક્ષ નહિ બોલતાં જ આપી દે છે ! ! !૩૪ ભગવાન પોતે ઘણું આપ્યું હોય તેને પણ થોડું માને છે અને ભક્તે થોડું કર્યું હોય તેને પણ ઘણું માને છે. જુઓ તો ખરા !!! મારી પાસે રહેલી પૌંવાની એક મૂઠીને પણ મહાત્મા ભગવાને પ્રીતિથી પોતે લઇ લીધી.૩૫ મને પ્રત્યેક જન્મમાં તેમના સંબંધમાં જ પ્રેમ, હિતેચ્છુપણું, ઉપકાર કરનારપણું અને સેવકપણું પ્રાપ્ત થજો; અને મોટા પ્રભાવવાળા તથા ગુણોના સ્થાનકરૂપ તે ભગવાનની સાથે પ્રેમ ધરાવનારા તેમના ભક્તોનો ઉત્તમ પ્રસંગ મળજો, પણ સંપત્તિ મળશો નહીં.૩૬ ધનવાળાઓને ધનના મદથી થતા નીચ અવતારને જોતા વિચક્ષણ ભગવાન પોતાના અવિવેકી ભક્તને પણ વિચિત્ર સંપત્તિ, રાજ્ય કે વિભૂતિઓ આપતા નથી, પણ દૃઢ ભક્તિ જ આપે છે. મને તો ભક્તિ નહીં હોવાથી આ સંપત્તિનું જ સુખ મળ્યું, માટે હવે તો તેમની ભક્તિને જ માગું છું.’’૩૭ આ પ્રમાણે બુદ્ધિથી નિશ્ચય કરી, ભગવાનનો એકાંતિક ભક્ત એ સુદામા બ્રાહ્મણ વિષયોનો ત્યાગ કરવાનો ધીરે ધીરે અભ્યાસ કરતાં, બહુ આસક્તિથી રહિત થઇને સ્ત્રીની સાથે વિષયોને ભોગવવા લાગ્યો.૩૮ દેવના દેવ અને યજ્ઞોના પતિ એ શ્રીકૃષ્ણને બ્રાહ્મણો જ ઇષ્ટદેવ છે. બ્રાહ્મણોથી વધારે બીજું કાંઇ પણ માન્ય નથી.૩૯ આ પ્રમાણે ભગવાનનો મિત્ર એ શ્રીદામા બ્રાહ્મણ તે સમયમાં અજિત ભગવાનને પણ ભક્તોની પાસે પરાજય પામતા જોઇ, તેમના ધ્યાનના વેગથી દેહાભિમાન છૂટી જતાં થોડાકાળમાં સત્પુરુષોની ગતિરૂપ તેમના ધામને પામી ગયો.૪૦ બ્રાહ્મણને દેવની પેઠે માનનારા ભગવાન શ્રીકૃષ્ણની આ બ્રહ્મણ્યપણાની કથા સાંભળવાથી માણસ ભગવાનની ભક્તિ પામીને કર્મના બંધનમાંથી છૂટે છે.૪૧

ઇતિ શ્રીમદ્‌ મહાપુરાણ ભાગવતના દશમ સ્કંધનો એકાશીમો અધ્યાય સંપૂર્ણ.