૦૭ સપ્તમોધ્યાય: જ્ઞાનવિજ્ઞાનયોગ

Submitted by swaminarayanworld on Fri, 05/02/2016 - 6:22pm

અધ્યાય - ૭


श्रीपरमात्मने नमः
अथ सप्तमोऽध्यायः

श्रीभगवानुवाच
मय्यासक्तमनाः पार्थ योगं युञ्जन्मदाश्रयः ।
असंशयं समग्रं मां यथा ज्ञास्यसि तच्छृणु ॥७- १॥

શ્રી ભગવાન કહે છે =
હે પૃથાના પુત્ર અર્જુન ! મારામાં પૂરે પૂરૂં મન રાખીને અને મારોજ દૃઢ આશ્રય કરીને મારો યોગ સાધતાં મને સમગ્રપણે નિઃસંશય જેમ તું જાણે તેમ હું કહું છું તે સાંભળ ! ।।૭- ૧।।

ज्ञानं तेऽहं सविज्ञानमिदं वक्ष्याम्यशेषतः ।
यज्ज्ञात्वा नेह भूयोऽन्यज्ज्ञातव्यमवशिष्यते ॥७- २॥

હું તને વિજ્ઞાને સહિત આ જ્ઞાન બાકી ન રહે એમ સમ્પૂર્ણ ખૂલાસાવાર કહેવાનો છું. કે જે જાણ્યા-સમઝયા પછી ફરીથી આ લોકમાં બીજું કાંઇ જાણવા જેવું બાકી રહેતું જ નથી. ।।૭- ૨।।

मनुष्याणां सहस्रेषु कश्चिद्यतति सिद्धये ।
यततामपि सिद्धानां कश्चिन्मां वेत्ति तत्त्वतः ॥७- ३॥

હજારો-હજાર મનુષ્યોમાં સિદ્ધિને માટે કોઇકજ પ્રયત્ન કરે છે. અને પ્રયત્ન કરનારા સિદ્ધોમાંથી પણ મને ખરી રીતે તો કોઇકજ જાણે છે. ।।૭- ૩।।

भूमिरापोऽनलो वायुः खं मनो बुद्धिरेव च ।
अहंकार इतीयं मे भिन्ना प्रकृतिरष्टधा ॥७- ४॥

अपरेयमितस्त्वन्यां प्रकृतिं विद्धि मे पराम् ।
जीवभूतां महाबाहो ययेदं धार्यते जगत् ॥७- ५॥

ભૂમિ, જળ, અગ્નિ, વાયુ અને આકાશ, મન, બુદ્ધિ અને અહંકાર, એમ આઠ પ્રકારે વહેંચાયેલી આ મારી પ્રકૃતિ-માયા છે. આ મારી અપરા-બીજા વર્ગની પ્રકૃતિ છે અને આનાથી ચઢીયાતી શ્રેષ્ઠ જીવરૂપ મારી બીજી પ્રકૃતિ છે તેને તું જાણ ! કે જેનાથી આ જગત્‌ ધારણ કરાય છે. ।।૭- ૪-૫।।

एतद्योनीनि भूतानि सर्वाणीत्युपधारय ।
अहं कृत्स्नस्य जगतः प्रभवः प्रलयस्तथा ॥७- ६॥

સર્વ ભૂત-પ્રાણીમાત્ર આ બેમાંથી જ ઉત્પન્ન થાય છે એમ તું ધ્યાનમાં રાખ ! અને તે બન્ને પ્રકૃતિ મારી હોવાથી હું જ સમગ્ર જગત્નો કારણ છું અને પ્રલય-નાશ કરનાર પણ હુંજ છું. ।।૭- ૬।।

मत्तः परतरं नान्यत्किंचिदस्ति धनंजय ।
मयि सर्वमिदं प्रोतं सूत्रे मणिगणा इव ॥७- ७॥

હે ધનંજય ! મારાથી પર તત્ત્વ બીજું કોઇ છેજ નહિ. અને આ સઘળું વિશ્વ મારામાં દોરામાં મણિકાઓની પેઠે પરોવેલું છે. (પણ મારાથી પૃથક્‌ નથી.) ।।૭- ૭।।

रसोऽहमप्सु कौन्तेय प्रभास्मि शशिसूर्ययोः ।
प्रणवः सर्ववेदेषु शब्दः खे पौरुषं नृषु ॥७- ८॥

હે કૌન્તેય ! જળમાં રસ તે હું છું. ચંદ્રમાં અને સૂર્યમાં પ્રભા તે હું છું. સર્વ વેદોમાં પ્રણવ-ૐકાર હું છું આકાશમાં શબ્દ હું છું. અને પુરૂષોમાં પુરૂષાર્થ તે હું છું. ।।૭- ૮।।

पुण्यो गन्धः पृथिव्यां च तेजश्चास्मि विभावसौ ।
जीवनं सर्वभूतेषु तपश्चास्मि तपस्विषु ॥७- ९॥

પૃથ્વીમાં પવિત્ર ગન્ધ તે હું છું. અને અગ્નિમાં તેજ-પ્રભા તે હું છું. સર્વ ભૂતોમાં જીવન-શક્તિ તે હું છું. અને તપસ્વીઓમાં તપ તે હું છું. ।।૭- ૯।।

बीजं मां सर्वभूतानां विद्धि पार्थ सनातनम् ।
बुद्धिर्बुद्धिमतामस्मि तेजस्तेजस्विनामहम् ॥७- १०॥

હે પાર્થ ! સર્વ ભૂતોનું સનાતન બીજ-કારણ તે હું છું, એમ તું સમઝ ! બુદ્ધિમાન પુરૂષની બુદ્ધિ તે હું છું. અને તેજસ્વીઓનું તેજ- પરાક્રમ તે હું છું. ।।૭- ૧૦।।

बलं बलवतां चाहं कामरागविवर्जितम् ।
धर्माविरुद्धो भूतेषु कामोऽस्मि भरतर्षभ ॥७- ११॥

બળવાન મનુષ્યોનું કામ અને રાગ વર્જીત એવું શુદ્ધ બળ તે હું છું. અને હે ભરતર્ષભ ! ભૂત-પ્રાણીમાત્રમાં ધર્મથી અવિરૂદ્ધ એવો જે કામ તે હું છું. ।।૭- ૧૧।।

ये चैव सात्त्विका भावा राजसास्तामसाश्च ये ।
मत्त एवेति तान्विद्धि न त्वहं तेषु ते मयि ॥७- १२॥

અને વળી જે કોઇ સાત્ત્વિક ભાવ-પદાર્થો છે. તેમજ રાજસ અને તામસ પદાર્થો છે, તે સઘળા મારામાંથીજ ઉપજેલા છે, એમ જાણ ! પરન્તુ તે સઘળા ભાવોમાં હું નથી, પણ તેઓ મારામાં-મારે આધારે છે. (એમ સમઝ !) ।।૭- ૧૨।।

त्रिभिर्गुणमयैर्भावैरेभिः सर्वमिदं जगत् ।
मोहितं नाभिजानाति मामेभ्यः परमव्ययम् ॥७- १३॥

આ કહ્યા એવા સાત્ત્વિક, રાજસ અને તામસ એ ત્રણ ગુણમય ભાવોથી-પદાર્થોથી મોહ પામેલું આ સઘળું જગત્‌, એ માયાના કાર્યથી પર રહેલા અવિનાશીસ્વરૂપ એવા મને જાણતું-ઓળખતું નથી. ।।૭- ૧૩।।

दैवी ह्येषा गुणमयी मम माया दुरत्यया ।
मामेव ये प्रपद्यन्ते मायामेतां तरन्ति ते ॥७- १४॥

કારણ કે દેવ-સર્વસૃષ્ટા એવો જે હું તે મારી આ ગુણમયી માયા તે દુરત્યય છે. માટે જેઓ મને જ અનન્ય ભાવથી આશરે છે. તે જ એ માયાને તરી શકે છે. ।।૭- ૧૪।।

न मां दुष्कृतिनो मूढाः प्रपद्यन्ते नराधमाः ।
माययापहृतज्ञाना आसुरं भावमाश्रिताः ॥७- १५॥

માયાના બળથી જેઓનું જ્ઞાન હરાઇ ગયેલું છે અને તેથીજ અસુર ભાવને આશરેલા દુષ્કર્મી મૂઢ નરાધમો મારો આશ્રય-શરણ લઇ શકતા જ નથી. ।।૭- ૧૫।।

चतुर्विधा भजन्ते मां जनाः सुकृतिनोऽर्जुन ।
आर्तो जिज्ञासुरर्थार्थी ज्ञानी च भरतर्षभ ॥७- १६॥

ભરતવંશમાં શ્રેષ્ઠ એવા હે અર્જુન ! મને આર્ત, જીજ્ઞાસુ, અર્થની ઇચ્છાવાળો અને ચોથો જ્ઞાની, એમ ચાર પ્રકારના સુકૃતશાલી જનો ભજે છે. ।।૭- ૧૬।।

तेषां ज्ञानी नित्ययुक्त एकभक्तिर्विशिष्यते ।
प्रियो हि ज्ञानिनोऽत्यर्थमहं स च मम प्रियः ॥७- १७॥

તે ચારમાંથી જ્ઞાની ભક્ત નિરંતર મારામાં જ જોડાઇ રહેનારો અને એક મારામાંજ અનન્ય ભક્તિમાન હોવાથી સર્વથી શ્રેષ્ઠ છે. અને જ્ઞાની ભક્તને હું અત્યન્ત વ્હાલો છું. અને તે મને અત્યન્ત વ્હાલો છે. ।।૭- ૧૭।।

उदाराः सर्व एवैते ज्ञानी त्वात्मैव मे मतम् ।
आस्थितः स हि युक्तात्मा मामेवानुत्तमां गतिम् ॥७- १८॥

એ બધા મારા ભક્તો ઉદાર છે, પણ તેમાં જ્ઞાની ભક્ત તો મારો આત્મા જ છે, એમ મારૂં માનવું છે. કારણ કે તે મારામાં મન રાખીને સર્વોત્તમ અત્યન્તિક ગતિપ્રાપ્યસ્વરૂપ એવા મનેજ અનન્ય ભાવથી આશરેલો છે. ।।૭- ૧૮।।

बहूनां जन्मनामन्ते ज्ञानवान्मां प्रपद्यते ।
वासुदेवः सर्वमिति स महात्मा सुदुर्लभः ॥७- १९॥

બહુ જન્મને અન્તે પણ ‘‘મારે સર્વ વાસુદેવ જ છે.’’ એવા જ્ઞાનવાળો થઇને અનન્ય ભાવથી મને જ આશરે છે. તેવો મહાત્મા આ લોકમાં અતિ દુર્લભ છે. ।।૭- ૧૯।।

कामैस्तैस्तैर्हृतज्ञानाः प्रपद्यन्तेऽन्यदेवताः ।
तं तं नियममास्थाय प्रकृत्या नियताः स्वया ॥७- २०॥

અને બીજાઓ તો તે તે કામનાઓથી હરાઇ ગયું છે જ્ઞાન જેમનું એવા હોવાથી, પોતે પોતાની પ્રકૃતિ-સ્વભાવને વશ થઇને, તે તે માર્ગમાં રહેલા નિયમોને આશરીને બીજા ઇન્દ્રાદિક દેવોને શરણે જાય છે. ।।૭- ૨૦।।

यो यो यां यां तनुं भक्तः श्रद्धयार्चितुमिच्छति ।
तस्य तस्याचलां श्रद्धां तामेव विदधाम्यहम् ॥७- २१॥
स तया श्रद्धया युक्तस्तस्याराधनमीहते ।
लभते च ततः कामान्मयैव विहितान्हि तान् ॥७- २२॥

જે જે ભક્ત મારી તનુને (બધુંજ તેનું શરીર હોવાથી.) શ્રદ્ધાવિશ્વાસથી પૂજવાને આરાધવાને ઇચ્છે છે તે તે ભક્તને તેમાં તેમાં તે તે અચળ શ્રદ્ધા હું જ કરી આપું છું. અને તે ભક્ત તે અચળ શ્રદ્ધાએ યુક્ત થઇને તે તે દેવોનું આરાધન કરે છે. અને તે પછી (ફળપ્રદાતા હું હોવાથી જ) મેં જ રચી આપેલાં સ્વર્ગાદિક કામ-ફળને પામે છે. ।।૭- ૨૧-૨૨।।

अन्तवत्तु फलं तेषां तद्भवत्यल्पमेधसाम् ।
देवान्देवयजो यान्ति मद्भक्ता यान्ति मामपि ॥७- २३॥

પણ તે અલ્પબુદ્ધિના માણસોએ મેળવેલું તે તે આરાધનરૂપ કર્મનું ફળ નાશવંત હોય છે. કેમકે દેવતાઓને ભજનાર દેવોને પામે છે. અને મારા ભક્તો તો મનેજ પામે છે. ।।૭- ૨૩।।

अव्यक्तं व्यक्तिमापन्नं मन्यन्ते मामबुद्धयः ।
परं भावमजानन्तो ममाव्ययमनुत्तमम् ॥७- २४॥

મારા અવિનાશી અને સર્વોત્કૃષ્ટ પરમ ભાવને નહિ જાણનારા બુદ્ધિ વિનાના અબુધ માણસો અવ્યક્ત-અલોકિક દિવ્યમૂર્તિ એવા મને બીજા મનુષ્ય જેવો વ્યક્તિભાવ પામેલો માને છે. ।।૭- ૨૪।।

नाहं प्रकाशः सर्वस्य योगमायासमावृतः ।
मूढोऽयं नाभिजानाति लोको मामजमव्ययम् ॥७- २५॥

કેમ કે મારી યોગમાયાથી સમાવૃત થયેલો હું સર્વને નથી ઓળખાતો, માટે જ અજન્મા અને અવિનાશી એવા મને આ મૂઢઅજ્ઞાની લોક નથી જાણી-ઓળખી શક્તા. ।।૭- ૨૫।।

वेदाहं समतीतानि वर्तमानानि चार्जुन ।
भविष्याणि च भूतानि मां तु वेद न कश्चन ॥७- २६॥

હે અર્જુન ! ભૂતકાળમાં થઇ ગયેલાં, વર્તમાનસમયમાં રહેલાં અને ભવિષ્યકાળમાં થનારાં, એ સર્વ ભૂત-પ્રાણીમાત્રને હું જાણું છું. પણ મને તો કોઇ જાણતો જ નથી. ।।૭- ૨૬।।

इच्छाद्वेषसमुत्थेन द्वन्द्वमोहेन भारत ।
सर्वभूतानि संमोहं सर्गे यान्ति परन्तप ॥७- २७॥

કારણ કે હે ભારત ! આ સૃષ્ટિમાં રહેલાં સર્વભૂત-પ્રાણીમાત્ર ઇચ્છાઓ અને દ્વેષથી ઉદ્ભવતાં શોક-મોહાદિક દ્વન્દ્વમાં ફસાવાથી હે પરન્તપ ! અત્યન્ત મોહ-સંભ્રમ પામે છે. (તેથીજ મને નથી જાણી શકતાં.) ।।૭- ૨૭।।

येषां त्वन्तगतं पापं जनानां पुण्यकर्मणाम् ।
ते द्वन्द्वमोहनिर्मुक्ता भजन्ते मां दृढव्रताः ॥७- २८॥

પરન્તુ- જે પુણ્યશાળી જનોનાં તો પાપ લગભગ નષ્ટપ્રાય થઇ ગયાં છે, તે પુરૂષોજ દૃઢવ્રત થઇને સુખ દુ:ખાદિક દ્વન્દ્વભાવ રૂપ મોહમાં નહિ ફસાતાં મનેજ ભજેછે ।।૭ -૨૮।।

जरामरणमोक्षाय मामाश्रित्य यतन्ति ये ।
ते ब्रह्म तद्विदुः कृत्स्नमध्यात्मं कर्म चाखिलम् ॥७- २९॥

આ પ્રમાણે જરા-મરણાદિક સંસૃતિના કલેશોથી મુકાવાને માટે મને આશરીને જેઓ પ્રયત્ન કરે છે, તેઓ જ તે બ્રહ્મને જાણે છે. અને સમગ્ર અધ્યાત્મ તત્ત્વને તેમજ કર્મના સઘળા તત્ત્વને પણ જાણે છે. ।।૭- ૨૯।।

साधिभूताधिदैवं मां साधियज्ञं च ये विदुः ।
प्रयाणकालेऽपि च मां ते विदुर्युक्तचेतसः ॥७- ३०॥

અને આ રીતે અધિભૂત, અધિદૈવ અને અધિયજ્ઞે સહિત મને જેઓ જાણે છે. તો તેઓ મારામાં ચિત્ત જોડાયલું હોવાથી, પ્રયાણ કાળમાં પણ મનેજ જાણે છે-મને જાણીને મનેજ પામે છે. ।।૭- ૩૦।।

ॐ तत्सदिति श्रीमद्भगवद्गीतासूपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे
श्रीकृष्णार्जुनसंवादे ज्ञानविज्ञानयोगो नाम सप्तमोऽध्यायः ॥ ७ ॥

ઇતિ શ્રીમદ્ભગવદ્ગીતાસૂપનિષત્સુ બ્રહ્મવિદ્યાયાં યોગશાસ્ત્રે
શ્રીકૃષ્ણાર્જુનસંવાદે જ્ઞાનવિજ્ઞાનયોગો નામ સપ્તમોઽધ્યાયઃ ।।૭।।