૮૬. સંતોને વચનમાં વર્તવાની વાત કરી વિદાય દીધી, ગઢડામાં વસંતપંચમી અને હુતાશનીનો સમૈયો કર્યો, જન્મ

Submitted by swaminarayanworld on Wed, 06/07/2011 - 4:17pm

સામેરી-

પછી સંતને આપી આગન્યા, જાઓ ફરવા સહુ મળી ।

જયારે અમે તેડાવિયે, આવજયો તમે વળી ।।૧।।

અણતેડ્યે નવ આવવું, વળી લોપી અમારૂં વચન ।

હેત હોય તો હરિની મૂરતિ, ન વિસારવી નિશદન ।।૨।।

આગન્યા વિના જે આવવું, તેમાં રાજી અમે નહિ રતિ ।

વચન પ્રમાણે જે વરતે, તે ઉપરે પ્રસન્ન અતિ ।।૩।।

શશિ સૂરજ શેષ સિંધુ, સવેર્રહે અમારા વચનમાં ।

વારિ વસુધા વહનિ, મરૂત ડરે વળી મનમાં ।।૪।।

ભવ બ્રહ્મા ભુલે નહિ, ડરે વચનથી દિગપાળ ।

સુરાસુર ઇંદ્ર અંબા, કંપે વચનથી કાળ ।।૫।।

તેહ સર્વે એમ જાણે જે, વડા થયા વચનથી ।

એવાં વચન આજનાં, તમે જાણ્યાં છે કે જાણ્યાં નથી ।।૬।।

એવાં વચન જો જાણો અમારાં, તો પાળો સહુ સુજાણ ।

એવું ન મનાય અંતરે, તો કેમ માન્યું છે કલ્યાણ ।।૭।।

માટે સહુ સુજાણ છો, વળી સાંભળી છે બહુ વારતા ।

છોટાં મોટાં વચન અમારાં, તેને રખે વિસારતા ।।૮।।

એટલી વાત કરી હરિ, પછી શીખ દીધી સંતને ।

મળી વળી મસ્તાન કરી, મોકલ્યા ગુણવંતને ।।૯।।

નાથ નિરખિ હૈયે હરખી, લખી લીધા અંતરે ।

સુખ લઇ મગન થઇ, ચાલ્યા દેશોદેશાંતરે ।।૧૦।।

જીયાં જીયાં આપી આગન્યા, તિયાં તિયાં સંત સહુ ગયા ।

હેત જોઇ હરિજનનાં, ગીરધરજી ગઢડે રહ્યા ।।૧૧।।

નાથ કહે સહુ સાથને, આજ સંત છે જે આપણા ।

સરવે અંગે મેં શોધિયા, કોઇ રીત્યે નથી મણા ।।૧૨।।

જ્ઞાન ભક્તિ વૈરાગ્ય વળી, તપતણી સહુ મૂરતિ ।

શમદમાદિ સાધને સંપન્ન, અંગે અઘ નહિ રતિ ।।૧૩।।

એમ વારમવાર વાલો, ગાય તે ગુણ સંતના ।

પછી કાંઇક દિન વીતે, આવ્યા દિન વસંતના ।।૧૪।।

કર્યો ઉત્સવ આનંદમાં, વસંત પંચમીનો વળી ।

આસપાસથી દાસ તેડ્યા, આવ્યા સંત સહુ મળી ।।૧૫।।

તાને ગાન ગાય તિયાં, સર્વે મળી વળી સંત ।

એમ આનંદ ઉત્સવ કરતાં, વીત્યો વળી વસંત ।।૧૬।।

પછી આવી હુતાસની, ત્યાં હરિજને રંગ ઘોળિયા ।

અલબેલાને ઉપરે, કળશ કેસરના ઢોળિયા ।।૧૭।।

લાગી ઝડી ત્યાં રંગની, ઉડે ગુલાલ અતિઘણો ।

ખુબ તિયાં ખેલ મચ્યો, હરિને હરિજનતણો ।।૧૮।।

પછી નાથે હાથશું, રંગે રંગ્યા સહુ સંતને ।

રસબસ કરી રસિયે, આપ્યાં સુખ અનંતને ।।૧૯।।

એમ રમી હુતાસની, નાહ્યા પછી જઇ નીરમાં ।

સખા સંગે શ્યામળો, શોભે છે શરીરમાં ।।૨૦।।

પછી સુંદર ભોજન કરી, જને જમાડ્યા નાથને ।

જમી સુંદર શ્યામળે, જમાડ્યા સખા સાથને ।।૨૧।।

એમ લીળા વાલે કરી, ફાગણ શુદી પુન્યમ દને ।

અચિંતવ્યો ઉત્સવ કર્યો, જનકારણે શ્રીજીવને ।।૨૨।।

એક ઉત્સવ શું કહું, નિત્ય નિત્ય ઉત્સવ થાય છે ।

નર નારી નિયમ ધારી, ગુણ ગોવિંદના ગાય છે ।।૨૩।।

નિત્ય સંત સમૂહ જમે, તે ગમે મનમાં અતિઘણું ।

જયા લલિતા જન જોડી, ઉદાર મન ઉત્તમતણું ।।૨૪।।

સદા સમીપે શ્યામને, વીતે વરષ તે પલસમ ।

આનંદમાં નિશદિન વીતે, તેની ન પડે ગમ ।।૨૫।।

પછી સુંદર શ્રાવણે, આવી છે જન્માષ્ટમી ।

હરિજન કહે મુનિ તેડીયે, કોઇ વાતની નથી કમી ।।૨૬।।

પછી નાથજી બોલિયા, સહુ સંત છે પરદેશમાં ।

આસપાસ જે આંહિ છે, એતો આવે છે હમેશમાં ।।૨૭।।

તેને પછી તેડાવિયા, ઉત્સવ કરવા આનંદમાં ।

સખા સંગે શ્યામળો, રાજી રમવા જનવૃંદમાં ।।૨૮।।

પાપીએ પરીયાણ કીધું, તેમાં વિપત પાડવા વળી ।

ઉત્સવના દિન ઉપરે, આવિયા અસુરમળી ।।૩૦।।

આશય એનો ઓળખી, વળી કરી હરિએ વારતા ।

આપણે આંહિથી ચાલિયે, એ જાય પાછા જખ મારતા ।।૩૧।।

પછી હરિજન હરિ પોતે, પ્રભુજી પધારિયા ।

અસુરનું નવ ઉપજયું, જેવા આવ્યા તેવા ગયા ।।૩૨।।

એહ વિઘન ટાળી વળી, અલબેલોજી આવિયા ।

પછી અન્નકોટ ઉપરે, સંત સહુને બોલાવિયા ।।૩૩।।

કરી ઉત્સવ અન્નકોટનો, પછી સંતને શીખ કરી ।

નરનારાયણ દેવની, ફેરવી કંકોતરી ।।૩૪।।

સતસંગી સરવે મળી, શ્રીનગર સહુ આવજયો ।

નરનારાયણ દેવની, મૂરતિયો પધરાવજયો ।।૩૫।।

અમે પણ ત્યાં આવશું, તે જરૂર તમે જાણજયો ।

સારો સમૈયો સુધારશું, અંતરે પ્રતીત આણજયો ।।૩૬।।

આવ્યા પછી અલબેલડો, મહાવદી દશમી દિને ।

તેદિ પ્રભુજી પધારિયા, શ્રીજેતલપુર પત્તને ।।૩૭।।

દીધાં દર્શન દાસને, હરિજને નિરખ્યા શ્રીહરિ ।

સતસંગી સુખિયા થયા, નાથ નિહાળ્યા નયણાં ભરી ।।૩૮।।

પછી દિવસ વળતે, શ્રીનગરે શ્યામ સધાવિયા ।

જોઇ ઉતરવા જાયગા, પાછા જેતલપુરે આવિયા ।।૩૯।।

ભક્ત એક ભાવિક વસે, ગામ અસલાલી તિયાં ।

તેને ભવન ભોજન કરી, સંઘે સહિત સરે ગયા ।।૪૦।।

કર્યા ઉતારા કાંકરિયે, દેશદેશના દાસ આવિયા ।

રથ વેલ્ય ને પાલખી, ઉંટ ઘોડાં ગાડલાં લાવિયા ।।૪૧।।

બાળ જોબન વૃધ્ધ વળી, મનુષ્ય ત્યાં મળ્યાં ઘણાં ।

કોઇ કેને નવ ઓળખે, આવ્યા દાસ બહુ દેશતણાં ।।૪૨।।

ઉચ્ચે આસને બેસી વાલો, દાસને દર્શન દિયે ।

સનમુખ બેસે સંત સહુ, નિરખિને સુખ લિયે ।।૪૩।।

નરપતિ રાજી અતિ, તે પ્રભુ પાસે આવિયા ।

પછી દિવસ વળતે, પોતે પ્રભુજી ત્યાં ગયા ।।૪૪।।

અતિ હેતે આસન આપી, પ્રેમેશું પૂજા કરી ।

પછી જેજે પૂછિયું, આપ્યો ઉત્તર તેનો હરિ ।।૪૫।।

રાજા અતિ રાજી થઇ, પછી પ્રભુને પાય લાગિયા ।

એનું કારજ કરી હરિ, શ્યામ સંઘમાં આવિયા ।।૪૬।।

પછી દિવસ વળતે, પધરાવી છે મૂરતિ ।

નરનારાયણ દેવ ડેરે, બેઠા બેઉ બદરીપતિ ।।૪૭।।

અનેક જન તિયાં આવિયા, નિરખવા નરવીરને ।

દર્શન કરી દયાળનાં, પામિયા સુખ અચિરને ।।૪૮।।

સુંદર માસ સોયામણો, ફાગણ શુદી તૃતીયા તિથિ ।

તે દિને સ્થાપન કર્યું, વાલો આવ્યા વિશાળાવનથી ।।૪૯।।

વિકટ અદ્રિ બદ્રિ આડા, જઇ ન શકે ત્યાં કોઇ ।

અતિ અગમ તે સુગમ થયા, હરિજનનાં હેત જોઇ ।।૫૦।।

ભાગ્ય મોટાં એ ભૂમિનાં, જયાં પધાર્યા પોતે ધણી ।

નરનારી નાથ વિના, પીડાતિ પ્રજા ઘણી ।।૫૧।।

પછી ઉતારી આરતી, નાથ રાખજયો નજર મહેરની ।

પછી દિવસ વળતે, કરી ચોરાશી શહેરની ।।૫૨।।

કરી કારજ એટલું, શ્યામળિયો સધાવિયા ।

ઘણમુલે ઘોડે ચડી, જયતલપુરે જઇ રહ્યા ।।૫૩।।

પછી ત્યાંથી પધારિયા, દયાળુ દેશ પાંચાળ ।

કરી કારજ એટલું, આવ્યા ગઢડે ગોપાળ ।।૫૪।।

અનંત લીળા કરી હરિ, વળી અનંત લીળા કરશે ।

એવો કોણ કવિરાજ છે, જે અથ ઇતિ ઓચરશે ।।૫૫।।

શેષ મહેશ શારદા, જેના ગુણ ગાતાં થકે ।

નેતિનેતિ કહિ રહે નિગમ, તેને કોણ કહી શકે ।।૫૬।।

ગાંધર્વ મુનિ નારદમુનિ, ગણપતિ અતિ ગાયછે ।

બહુ બળે જાય બોલવા, પણ જેમ છે તેમ શું કહેવાય છે ।।૫૭।।

માટે મનમાં વિચારિયું, એના ગુણ અપાર છે ।

કહીકહીને કહે કવિ, તોય હારવા નિરધાર છે ।।૫૮।।

ભૂરજ જળકણ જે ગણે, વનપાત ગાતરોમાવલી ।

મેઘઝણ્યકણ કવિગણે, અનંતના ઉડુગણ મળી ।।૫૯।।

એતો સર્વે અનંત છે, પણ તેનો અંત કોઇક લહે ।

એવા કોટિ કોટિ મળે, પણ હરિગુણ કોણ કહે ।।૬૦।।

ઇતિશ્રીમદેકાન્તિકધર્મપ્રવર્તકશ્રીસહજાનંદસ્વામિશિષ્યનિષ્કુળાનંદમુનિવિરચિતેભક્તચિંતામણિમધ્યે શ્રીહરિચરિત્રે અમદાવાદમાં શ્રીનર-નારાયણ દેવની પ્રતિષ્ઠા કરી એ નામે છયાશિમું પ્રકરણમ્ ।।૮૬।।