ગઢડા મઘ્ય ૨૭ : મલિન વાસના ન રહે ત્યારે મોટા રાજી થાય તેનું

Submitted by Parth Patel on Wed, 16/02/2011 - 2:59am

ગઢડા મઘ્ય ૨૭ : મલિન વાસના ન રહે ત્યારે મોટા રાજી થાય તેનું

સંવત્ ૧૮૭૯ ના કાર્તિક શુદિ ૧૧ એકાદશીને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં દક્ષિણાદે બાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા. અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, અને કંઠને વિષે ગુલદાવદિના ધોળા ને પીળા પુષ્પના હાર વિરાજમાન હતા, અને પાઘમાં બે કોરે તોરા લટકતા હતા અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી.

પછી શ્રીજીમહારાજે મુકતાનંદ સ્વામીને પ્રશ્ર્ન પુછયો જે, “તમારે ક્રોધ થાય છે, ત્‍યારે શે નિમિત્તે થાય છે ? અને કેટલું નિમિત્ત હોય ત્‍યારે ક્રોધ થાય છે ? અને અમારે તો એકથી લાખ રૂપિયા સુધી બગાડ કરે તો પણ પોતા સારૂં તો ક્રોધ આવે નહિ, અને જ્યારે ધર્મલોપ કરે અથવા બળીઓ હોય તે ગરીબને પીડે અથવા અન્યાયનો પક્ષ લે. ત્‍યારે તેની ઉપર અમારે કોઇકને અર્થે લગારેક ક્રોધની ચટકી આવે છે, ‘પણ પોતા સારૂં તો લેશમાત્ર ક્રોધ આવતો નથી.’ અને કોઇક સારૂં આવે છે તે પણ ક્ષણમાત્ર પણ નથી રહેતો, ને આંટી પણ બંધાતી નથી. તેમ તમારે કેવી રીતે આવે છે ને કેવી રીતે ટળે છે ? પછી મુકતાનંદસ્વામીએે કહ્યું જે, “કોઇક પદાર્થને યોગે તથા કોઇક અવળાઇ દેખાય તેને યોગે તે ઉપર ક્રોધ થાય પણ તત્‍કાળ શમી જાય છે.”

પછી શ્રીજીમહારાજ બોલ્‍યા  જે, “એવું તમારે વિચારનું બળ રહે છે તે શાને યોગે રહે છે ?” ત્‍યારે મુકતાનંદસ્વામીએ કહ્યું જે, “એક તો ભગવાનનું માહાત્‍મ્‍ય વિચારીને એમ સમજાય છે જે, ‘જે રીતે ભગવાનનો કુરાજીપો થાય તે સ્‍વભાવ રાખવો નથી.’ અને બીજો શુકજી ને જડભરત જેવા સંતનો માર્ગ જોઇને એમ વિચાર રહે છે જે, ‘સાધુમાં એવો અયોગ્‍ય સ્‍વભાવ ન જોઇએ’ પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, ‘ કામક્રોધાદિકના જોરને હઠાવે એવો જે વિચાર તે તો ગુણ થકી પર છે તે એ તમારા જીવમાં રહ્યો છે.’ અને એવી રીતે કામક્રોધાદિક ગુણને હઠાવે એવું જે જોર છે તે પૂર્વજન્‍મનો સંસ્‍કાર છે. અને તમારૂં એટલું તો અમને જણાય છે જે, તમારે જે જે માયિક પદાર્થનો યોગ થાય તેની આંટીમાં પ્રથમ તો આવી જવાય, પણ અંતે જતાં એના બંધનમાં રહેવાય નહિ, બંધન ત્રોડીને નિકળાય ખરૂં.”

પછી મુકતાનંદસ્વામીએ પુછયું જે, “પ્રથમ આવરણ થઇ જાય એવી કાચપ રહે છે તે શાને યોગે રહે છે ?” ત્‍યારે શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “દેશકાળાદિક જે આઠ છે, તેમાં જેવું પૂર્વસંસ્‍કારમાં જોર છે તેવું જ એકએકમાં છે, માટે જ્યારે એનો યોગ થાય ત્‍યારે જરૂર બંધન થાય છે, અને પૂર્વના સંસ્‍કારનું જોર રહેવા દેતા નથી. અને જો સંસ્‍કારમાં લખ્‍યું એટલું જ સુકૃત દુષ્કૃત થાય, તો વેદ, શાસ્ત્ર ને પુરાણ તેને વિષે વિધિનિષેધના ભેદ કહ્યા છે જે, ‘આ કરવું ને આ ન કરવું’ તે સર્વે ખોટું થઇ જાય; તે એ મોટાનાં કરેલાં શાસ્ત્ર તો ખોટાં થાય જ નહિ. અને જયવિજય હતા તેણે જો અયોગ્‍ય ક્રિયા કરી તો જે ઠેકાણે કાળ, કર્મ ને માયા નથી એવું જે ભગવાનનું ધામ ત્‍યાંથી પડી ગયા. અને જો નારદજી ને રાજી કર્યા તો પ્રહ્યાદને દેશકાળાદિક અશુભ હતા તો પણ નડી શકયા નહિ. અને જો સનકાદિકને કોપાયમાન કર્યા  તો દેશકાળાદિક શુભ હતા તોપણ જયવિજય પડી ગયા. માટે કલ્‍યાણને ઇચ્‍છવું તેને તો જેમ મોટા પુરૂષ રાજી થાય તેમ કરવું. અને તે મોટા પુરૂષ પણ ત્‍યારે રાજી થાય જ્યારે કોઇ પ્રકારે અંતરમાં મલિન વાસના ન રહે અને જેને ગરીબ ઉપર ક્રોધાદિકનો સંકલ્‍પ થતો હોય તો તેને મોટા ઉપર પણ થાય, અને પોતાના ઇષ્‍ટદેવ ઉપર પણ ક્રોધાદિકનો મલિન ઘાટ થાય. માટે જેને કલ્‍યાણ ઇચ્‍છવું તેને કોઇ મલિન ઘાટ કરવો નહિ. અને કોઇ ઉપર મલિન ઘાટ કરે, તો તેને ભગવાનના ભક્ત તથા ભગવાન ઉપર પણ મલિન ઘાટ થઇ જાય. અને અમારાથી તો એક ગરીબ પણ દુ:ખાયો હોય તો અમારા અંતરમાં એવો વિચાર આવે છે જે, ‘ભગવાન સર્વાન્‍તર્યામી છે, તે એક ઠેકાણે રહીને સર્વેના અંતરને જાણે છે. માટે જેને અમે દુ:ખવ્‍યો તેના જ અંતરમાં વિરાજમાન હશે; ત્‍યારે અમે ભગવાનનો અપરાધ કર્યો,’ એમ જાણીને તેને પગે લાગીને તેને કાંઇક જોઇતું હોય તે આપીએ, પણ જે પ્રકારે તે રાજી થાય તેમ કરીએ છીએ. અને વળી અમે વિચારીને જોયું જે; જે અતિશે ત્‍યાગ રાખે અથવા દયા રાખે તેથી ભગવાનની ભકિત થાય નહિ, ત્‍યારે ઉપાસનાનો ભંગ થાય છે. અને પૂર્વે જે જે અતિશે ત્‍યાગી થયા છે, તેના માર્ગમાં ઉપાસનાનો નાશ થઇ ગયો છે. માટે અમે એમ વિચારીને પરમેશ્વરની ઉપાસના રહેવા સારૂં ત્‍યાગનો પક્ષ મોળો કરીને ભગવાનનાં મંદિર કરાવ્‍યાં છે, તેમાં જો થોડો ત્‍યાગ રહેશે, તો પણ ઉપાસના રહેશે, તો તેણે કરીને ઘણાક જીવનાં કલ્‍યાણ થશે. અને જેને ભગવાનની ભકિત કરવી, તેને તો ઢુંઢિયાની પેઠે દયા રાખે પણ કેમ ઠીક પડે ? એને તો પરમેશ્વરને વાસ્‍તે પુષ્પ લાવ્‍યાં જોઇએ, તુલસી લાવ્‍યાં જોઇએ, ભાજી તરકારી લાવી જોઇએ, ઠાકોરજીને વાસ્‍તે બાગ બગીચા કરાવ્‍યા જોઇએ, મંદિર કરાવ્‍યાં જોઇએ. માટે જે અતિશે ત્‍યાગ રાખીને ને અતિશે દયા રાખીને મુઠી વાડીને બેસી રહે, તેણે ભગવાનની ભકિત થતી નથી. અને જ્યારે ભકિતએ રહિત થાય, ત્‍યારે ભગવાનની ઉપાસનાનો નાશ થઇ જાય, એટલે પછવાડેથી અંધપરંપરા ચાલે. તે સારૂં અમે મંદિર કરાવ્‍યાં છે તે અખંડ ભગવાનની ઉપાસના રાખ્‍યા સારૂં કરાવ્‍યાં છે. અને જે ઉપાસક હોય તે પોતાના ધર્મમાંથી ભ્રષ્‍ટ થાયજ નહિ. માટે પોતપોતાના ધર્મમાં રહીને ભગવાનની ભકિત ઉપાસના કરવી. એ અમારો સિદ્ધાંત છે.” ઇતિ વચનામૃતમ્ ગઢડા મઘ્યનું  ||૨૭||૧૬૦||