ગઢડા મઘ્ય ૪ : માહાત્મ્યને શ્રદ્ધાથી અખંડ ચિંતવન થાય, ફાટેલ લંગોટી ને તુંબડીનું

Submitted by Parth Patel on Wed, 16/02/2011 - 1:33am

ગઢડા મઘ્ય ૪ : માહાત્મ્યને શ્રદ્ધાથી અખંડ ચિંતવન થાય, ફાટેલ લંગોટી ને તુંબડીનું

સંવત્ ૧૮૭૮ ના શ્રાવણ સુદિ પંચમીને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં આથમણે બાર મેડીની ઓસરીએ વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી, ને પરમહંસ દુકડ, સરોદા, સતાર વજાડીને મલાર રાગનાં કીર્તન ગાતા હતા.

પછી શ્રીજીમહારાજે કહ્યું જે, “કીર્તન ગાવવાં રહેવા દ્યો, હવે તો પરમેશ્વરની વાર્તા કરીએ.” પછી પરમહંસે કહ્યું જે, ‘સારૂં મહારાજ !’ પછી શ્રીજી મહારાજે પ્રશ્ર્ન કર્યો જે, “શાસ્ત્રમાં કહ્યા એવા ધર્મ પાળતો હોય, ને ભગવાનની ભકિત પણ કરતો હોય, ને તેને એવો આપત્‍કાળ આવે જે ભકિત રાખવા જાય તો ધર્મ જાય, ને ધર્મ રાખવા જાય તો ભકિત જાય, ત્‍યારે કેને રાખવો ને કેનો ત્‍યાગ કરવો ?” પછી બ્રહ્માનંદ સ્વામી બોલ્‍યા જે, “જો ભગવાન ભકિત રાખ્‍યે રાજી હોય, તો ભકિત રાખવી અને જો ધર્મ રાખ્‍યે રાજી હોય, તો ધર્મ રાખવો.” ત્‍યારે શ્રીજી મહારાજે કહ્યું જે, “જેને પ્રગટ ભગવાન મળ્‍યા હોય, તેને તો જેમ ભગવાન રાજી હોય તેમજ કરવું એ ઠીક છે. પણ જ્યારે ભગવાનનું પરોક્ષપણું હોય, ત્‍યારે કેમ કરવું ?” પછી મુકતાનંદ સ્વામી એનો ઉત્તર કરવા લાગ્‍યા પણ થયો નહિ. પછી શ્રીજી મહારાજ બોલ્‍યા જે, “જ્યારે ભગવાન પરોક્ષ હોય, ને આપત્‍કાળ પડે, ને કોઇ ન રહે, ત્‍યારે તો ભગવાનનું એક અખંડ ચિંતવન કરવું, તો એ ભગવાનના માર્ગ થકી પડે નહિ.” પછી વળી શ્રીજી મહારાજે પ્રશ્ર્ન પુછયો જે, “જે ભગવાનનો મહિમા અતિશે સમઝતો હોય તેણે કરીને એમ જાણે જે, ગમે તેટલાં પાપ કર્યાં હોય ને જો ભગવાનનું એક નામ લીધું હોય તો સર્વે પાપ બળીને ભસ્‍મ થઇ જાય. એવું માહાત્‍મ્‍ય સમજતો હોય તેણે કેવી રીતે સમજે ત્‍યારે ધર્મમાંથી ડગાય નહિ ?” પછી મુકતાનંદ સ્વામીએ એ પ્રશ્ર્નનો ઉત્તર કરવા માંડયો પણ થયો નહિ. પછી શ્રીજી મહારાજ બોલ્‍યા જે,”જે ભગવાનનો મહિમા અતિશે જાણતો હોય, તેને તો આવી રીતે સમજાય ત્‍યારે ધર્મમાં રહેવાય જે, ‘મારે તો અખંડ ભગવાનનું ચિંતવન કરીને એકાંતિક ભક્ત થવું છે, ૪ અને જો કામ, ક્રોધ, લોભાદિક વિકારને વિષે મારી વૃત્તિ જશે તો મારે ભગવાનના ચિંતવનમાં એટલો વિક્ષેપ થશે, એમ જાણીને કુમાર્ગ થકી અતિશે ડરતો રહે, અને અધર્મને વિષે કોઇ કાળે પ્રવર્તેજ નહિ’ એવી રીતે સમજે તો ભગવાનનું માહાત્‍મ્‍ય અતિશે સમજતો હોય તો પણ ધર્મમાંથી કોઇ કાળે પડેજ નહિ.૫અને ભગવાનનું જે અખંડ ચિંતવન થવું, તે કાંઇ થોડી વાત નથી. ભગવાનનું ચિંતવન કરતાં કરતાં જો દેહ મુકે તો તે અતિ મોટી પદવીને પામે છે.”

પછી બ્રહ્માનંદ સ્વામીએ પુછયું જે, “એમ જાણીએ છીએ તો પણ અખંડ ચિંતવન રહેતું નથી એનું શું કારણ છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, એક તો અખંડ ચિંતવન થાય એવી શ્રદ્ધા જોઇએ અને જ્યારે એવી શ્રદ્ધા ન હોય, ત્‍યારે તેટલું માહાત્‍મ્‍ય જાણ્‍યામાં પણ ઓછપ છે. અને જ્યારે માહાત્‍મ્‍ય જાણ્‍યામાં ઓછપ છે, ત્‍યારે ભગવાનના સ્‍વરૂપના નિશ્વયમાં પણ તેટલી ઓછપ છે. માટે જો ભગવાનના સ્‍વરૂપનું માહાત્‍મ્‍ય તથા શ્રદ્ધા હોય તો અખંડ ચિંતવન થાય. તે માહાત્‍મ્‍ય એમ જાણવું જે, ‘ભગવાન તો ૬જેવા પ્રકૃતિપુરૂષથકી પર છે તેવા ને તેવા પ્રકૃતિપુરૂષમાં આવ્‍યા છે, તો પણ પ્રતાપે યુક્ત છે. અને પ્રકૃતિપુરૂષનું કાર્ય જે બ્રહ્માંડ તેને વિષે આવ્‍યા છે તો પણ ભગવાન તેવાને તેવા પ્રતાપે યુક્ત છે. પણ ભગવાનની મૂર્તિને વિષે કોઇ રીતે માયાનો લેશ અડતો નથી. જેમ અન્‍ય ધાતુ છે ને સોનું પણ છે તેને ભેળાં કરીને પૃથ્‍વીમાં દાટે તો સોનાં વિના અન્‍ય ધાતુ છે. તે સર્વે ધણે કાળે કરીને ધૂળ ભેગાં ધૂળ થઇ જાય. અને સોનું હોય તેતો જેમ પૃથ્‍વીમાં રહે તેમ વૃદ્ધિ પામે પણ ધટે નહિ. તેમ ભગવાન અને બીજા જે બ્રહ્માદિક દેવ તથા મુનિ તે કાંઇ સરખા નથી. કેમ જે, જ્યારે વિષયરૂપી ધૂળનો યોગ થાય, ત્‍યારે ભગવાન વિના બીજા ગમે તેવા મોટા હોય તો પણ વિષયમાં એકરસ થઇ જાય; અને ભગવાન તો મનુષ્ય જેવા જણાતા હોય તો પણ એને માયિક પદાર્થ બાધ કરવાને સમર્થ થાય નહિ. અને ગમે તેવા વિષય હોય તો તેમાં કોઇ દિવસ લોપાય નહિ. એવું ભગવાનનું અલૌકિક સામથ્‍ર્ય છે.’ એમ ભગવાનનું માહાત્‍મ્‍ય જાણે તો તેને ભગવાનનું અખંડ ચિંતવન થાય. અને જ્યાં સુધી વિષયનો લીધો લેવાય ત્‍યાં સુધી એ ભકતે ભગવાનનો અલૌકિક મહિમા જાણ્‍યો જ નથી. અને જો ઉદ્ધવજી હતા તેને ભગવાને એમ કહ્યું જે, ‘હે ઉદ્ધવ ! હું થકી અણુમાત્ર ન્‍યૂન નથી. તે શા માટે, જે ઉદ્ધવજીએ અલૌકિક ભગવાનનું માહાત્‍મ્‍ય જાણ્‍યું હતું ને પંચ વિષયના લીધા લેવાતા નોતા. અને જેને ભગવાનનો મહિમા સમજાય છે. તેને રાજ્ય હોય અથવા ભીખમાગી ખાય તે બેય સરખું વર્તે. અને બાળક સ્‍ત્રી, સોળવર્ષની સ્‍ત્રી અને એંશી વર્ષની સ્‍ત્રી તે સર્વેમાં સરખો ભાવ વર્તે. અને જે જે સંસારમાં સારૂં નરસું પદાર્થ હોય તે સર્વમાં સરખી ભાવના રહે. પણ સારાં પદાર્થમાં પતંગીયાંની પેઠે અંજાઇ જાય નહિ. અને ભગવાન વિના બીજા કોઇ પદાર્થમાં લોભાય નહિ, એક ભગવાનની મૂર્તિમાંજ લોભાય. અને એવી રીતે જે વર્તતો હોય તે ભક્ત ગમે તેવા મોટા વિષય હોય તેમાં બંધાય નહિ. અને જો એવો મર્મ ન સમજાયો હોય, તો ફાટી લંગોટી તથા તુંબડી તેમાંથી પણ મનને ઉખેડવું મહા મુશ્‍કેલ છે. માટે આવી રીતે ભગવાનની મૂર્તિનું માહાત્‍મ્‍ય જાણ્‍યા વિના બીજાં કોટી સાધન કરે, તો પણ ભગવાનની મૂર્તિનું અખંડ ચિંતવન થતું નથી, અને જે ભગવાનના સ્‍વરૂપનો મહિમા જાણે છે તેનેજ ભગવાનનું અખંડ ચિંતવન થાય છે. ઇતિ વચનામૃતમ્ ગઢડા મઘ્યનું  ||૪|| ||૧૩૭||