તરંગ - ૩૫ - ધર્માદિક-વટેશ્વરને મેળે ગયા ને ચીભડી નીંદતાં શ્રીહરિ રિસાયા

Submitted by swaminarayanworld on Thu, 17/08/2017 - 10:01am

 

પૂર્વછાયો- છુપૈયાપુરે ધર્મભક્તિ, સુખે રહ્યાં છે તે સદાય । ઘનશ્યામની કૃપા વડે, આનંદમાં દિન જાય ।।૧।।

એ સમે માઘ માસ આવ્યો, ત્યારે સુણો શું થાય । શિવરાત્રીનો મેળો મોટો, પતિજીયામાં ભરાય ।।૨।।

મેળે જાવા વિચાર કર્યો, ધર્મદેવે મનમાંયે । જોખનને પાસે બોલાવી, વચન કે છે ત્યાંયે ।।૩।।

ભાઇ જાઓ તમે ગાયઘાટે, હિરા ત્રવાડી પાસ । મેળે જાવું પતિજીયાને, કરજ્યો વાત પ્રકાશ ।।૪।।

લક્ષ્મીબાઇ પહેલવાન, સર્વેને તેડી લાવજ્યો । કાલે સવારે ભેટીયાના, તળાવ પર આવજ્યો ।।૫।।

અમે પણ કાલે સવારે, આવીશું તેહ ઠામ । મોતીત્રવાડી વશરામ, સખા સાથે ઘનશ્યામ ।।૬।।

એવું સુણી રામપ્રતાપ, ગયા છે તે ગાયઘાટ । વિસ્તારીને કહ્યું સર્વને, પતિજીયે જાવા માટ ।।૭।।

ચોપાઇ- ગાયઘાટ તણાં નરનાર્ય, કેટલાક થયાં છે તૈયાર । બીજે દિવસે જોખન સાથ, ચાલ્યા સર્વે થઇને સનાથ ।।૮।।

આવ્યાં ભેટીયા ગામ તળાવ, મનમાં છે ઘણો જેને ભાવ । હરિપ્રસાદ જુવે છે વાટ, ત્યાં આવી મળ્યો છે સહુ ઘાટ ।।૯।।

રાજી થયા ઘણા સુખકારી, એવામાં આવ્યા ત્યાં મદનારી । સાથે શૈલકુમારીને લાવ્યા, સામા દર્શન સારૂં તે આવ્યા ।।૧૦।।

દેખ્યા દૂર થકી ઘનશ્યામ, હેત સહિત કર્યા પ્રણામ । પ્રભુયે જોયા કરતા પ્રણામ, ઉઠી પાસે આવ્યા ઘનશ્યામ ।।૧૧।।

કર ઝાલી ઉભા કર્યા નાથ, મળ્યા ભવને ભીડી છે બાથ । કરજોડી કે ૧પંચવદન, ભલે પધાર્યા શ્રી ભગવન ।।૧૨।।

મોટી મેર કરી મહારાજ, મારાં સફળ થયાં છે કાજ । આવ્યા મધુવૃક્ષે ઉત્કર્ષ, ત્યાં છે નવ યોગેશ્વર સરસ ।।૧૩।।

બેઠા અદૃશ ધ્યાન ધરે છે, કામારી તેને વાત કરે છે । આવ્યા છે સ્વામી આપણા આજ, આવો કરી લ્યો દર્શન કાજ ।।૧૪।।

એવું વચન સુણીને યોગી, મળ્યા શ્રીહરિને તે સંજોગી । વળી મળ્યા છે પંચવદન, ઘણો પ્રેમ ધરાવીને મન ।।૧૫।।

તારે ધર્મ આદિ તે સોહાગ, મળ્યા શ્રીહરિને જોઇ લાગ । કામારી સતીને કહે ફરી, મળો ભક્તિને આદર કરી ।।૧૬।।

તારે સમજ્યાં શૈલકુમારી, મળ્યાં માતાને સ્નેહ વધારી । પછે ઉભા થયા યોગીનાથ, હેતે ઝાલ્યો પ્રભુજીનો હાથ ।।૧૭।।

મધુવૃક્ષ તળે બેઠા મળી, વિચારી બોલ્યા કામારી વળી । નર નાટક આ તનુ ધરી, દર્શન માટે આવો છો હરિ ।।૧૮।।

સ્વામી તમારો સ્નેહ જણાયો, દર્શન કરવા હું તણાયો । બોલ્યા પ્રસન્ન થઇ ઘનશ્યામ, તમો આવે ભલું થયું કામ ।।૧૯।।

ઘણો પ્રેમ આવ્યો છે અમને, માટે વચન આપું તમને । ધર્મવંશવાળા સર્વે જન, કરશે તમારૂં તે સ્થાપન ।।૨૦।।

તારે બોલ્યા છે પંચવદન, હું પણ આપું છું આવચન । તમે વન પધારશો જ્યારે, બનતી સેવા કરીશ ત્યારે ।।૨૧।।

પછે રજા માગે છે પિનાકી, તારે બોલ્યા પ્રભુ પળ તાકી । આપણ ચાલો સંગાથ જઇએ, લાવો સત્સંગનો રૂડો લઇએ ।।૨૨।।

એમ કહી ચાલ્યા સહુ સંગે, બોલ્યા શ્રીઘનશ્યામ ઉમંગે । હે વટેશ્વર આયોગી પરમ, આ પણ બન્ને આ ભક્તિધર્મ ।।૨૩।।

એ આદિ સર્વે ભેટયા આ ગામ, થયું સાર્થક ભેટીયા નામ । એમ કેતા થકા ચાલ્યા જાય, અતિ આનંદ ઉર ન માય ।।૨૪।।

આવ્યું પાસે પતજીયા ગામ, થયા અદૃશ શંભુ તે ઠામ । બેઠા જઇને પોતાને સ્થાન, આવ્યા પતજીયે ભગવાન ।।૨૫।।

કર્યાં શંકરનાં દર્શન, રહ્યા એક દિન ત્યાં જીવન । માતપિતા આદિ ઘનશ્યામ, આવ્યા છુપૈયાપુરે તમામ ।।૨૬।।

તાર પછી વળી એકવાર, જેષ્ઠ બંધુ ને જક્ત આધાર । ઉમંગે મળીને બેઉ ભાઇ, ગયા ખેતરમાં સુખદાઇ ।।૨૭।।

તેમાં મકાઇ ચીભડી વાવ્યાં, ક્ષેત્રમાં બન્ને ભેગાં રોપાવ્યાં । બેઉ ભાઇ નીંદે છે તે ઠામ, તારે શું કરે છે ઘનશ્યામ ।।૨૮।।

મકાઇ ચીભડી કાઢી નાખે, ખડ છે તેમનું તેમ રાખે । મોટાભાઇ કહે આ શું કરો છો, મકાઇ ચીભડી ને હરો છો ।।૨૯।।

એવું સુણી બોલ્યા બહુનામી, તમે જુવોને પન્નગ સ્વામી । મકૈ ચીભડી થોડી છે સાર, ક્ષેત્રમાં ખડનો નથી પાર ।।૩૦।।

થોડું કાઢે થોડાં પાપ થાય, તેમાં જીવ થોડા મરી જાય । ખડ ઘણું દેખીને રાખું છું, મકૈ ચીભડી કાઢી નાખું છું ।।૩૧।।

તે સુણી ભાઇને ચઢી રીસ, ઉઠયા મારવા પન્નગ ઇશ । શ્રીહરિ સમજી ગયા ઉર, મુને મારશે ભાઇ જરૂર ।।૩૨।।

એવું જાણી બોલ્યા પ્રભુ એમ, ખબરદાર મારોછોજી કેમ । તમને ઉડાવી દેઉં આજ, તે તો સારૂં દિશે નહિ કાજ ।।૩૩।।

જો દેખાડું પ્રતાપ હું મારો, તો ક્યાં લાગે પત્તો જ તમારો । પાછા ભાગ્યા સુણીને વચન, કામ કરવા લાગ્યા જોખન ।।૩૪।।

હવે શ્રીહરિ ત્યાંથી રીસાણા, છાના ઘેર આવીને સંતાણા । ગાયો બાંધવાની છે ગમાણ, તેમાં સુતા છે જીવનપ્રાણ ।।૩૫।।

ખડ ઢાંકી લીધું સહુ અંગે, જુવો શયન કર્યું શ્રીરંગે । એમ કરતાં થયો મધ્યાન, આવ્યા મોટાભાઇ બળવાન ।।૩૬।।

ભક્તિમાતા કહે બલરામ, કેમ સાથે નથી ઘનશ્યામ । મોટાભાઇ કહે છે તે પેર, એ તો વેલા આવ્યા છેજી ઘેર ।।૩૭।।

ધર્મદેવ કહે સુણો ભાઇ, તમે વેણ કહ્યું હશે કાંઇ । માટે તાકીદથી તમે જાવો, જ્યાં ત્યાંથી ખોળીને ઘેર લાવો ।।૩૮।।

ક્યાંઇ નાશી ગયા હશે એહ, સવારના ભૂખ્યા વળી તેહ । એવું સાંભળીને ભક્તિમાત, કહે જોખનને રીશે વાત ।।૩૯।।

ભાઇ તમે તો છો ઘણા ક્રોધી, કહ્યું હશે વચન વિરોધી । ભક્તિમાતા પછે તેણીવાર, કર્યો આરતનાદ પોકાર ।।૪૦।।

ઉંચે સ્વરે કરે છે રુદન, હવે શોધી લાવો મારો તન । ત્યાં સુવાસની બાઇ છે પાસ, દેખીને થયાં છે તે ઉદાસ ।।૪૧।।

મોટાભાઇ પગે લાગી આજ, ગયા શ્રીહરિને ખોળવા કાજ । જ્યાં જ્યાં શ્રીહરિના છે મુકામ, ત્યાં સઘળે જોયું ઠામોઠામ ।।૪૨।।

પણ ક્યાંઇ પતો નહિ લાગ્યો, ભાઇને તે અપસોશ જાગ્યો । વેણીમાધવ પ્રયાગ જેહ, સખાને પુછી વળ્યા છે તેહ ।।૪૩।।

સખા કહે અમે નથી દીઠા, આજ ભાઇ ભેગા નથી બેઠા । સખાનાં સુણ્યાં વેણ પ્રકાશ, ઉર્ગપતિ થયા છે ઉદાસ ।।૪૪।।

ત્યાંથી ચાલ્યા થઇને નિરાશ, જોયું છુપૈયા ફર્તે ચોપાસ । ક્યાંઇ દેખ્યા નહિ જગરાય, હવે શું કરવોરે ઉપાય ।।૪૫।।

ભાઇ ધીરજ રાખી તે કાળે, આવ્યા નારાયણસર પાળે । દશ દિશાઓ ત્યાં જોઇ વળ્યા, પણ ઘનશ્યામ તો ન મળ્યા ।।૪૬।।

ભાઇ ચાલ્યા તજીને તે ઠામ, ગયા છે લોહગંજરી ગામ । તારે ત્યાંથી ચાલ્યા છે ઉચાટ, વળી ચાલ્યા ગયા ગાયઘાટ ।।૪૭।।

સગા સંબંધીને પુછી લીધું, પછે આગળ પ્રયાણ કીધું । આશા મુકી પાછા ઘેર જાય, તારે મારગ વિષે શું થાય ।।૪૮।।

વચ્ચે આવ્યું અસનારા ગામ, રામસાગર સુંદર ઠામ । વડવૃક્ષ છે તેનેરે તીર, એના હેઠે બેઠા તજી ધીર ।।૪૯।।

ક્ષુધાતુર તૃષાતુર થયા, ઉર્ગપતિ ગભરાઇ ગયા । આવી પડી છે પીડા ઉદાસ, મુખેથી મુકે છે નિશવાસ ।।૫૦।।

નથી સુઝતો મારગ મન, ગાઢે સ્વરે કરે છે રુદન । આવી પોક્યા છે ગામના લોક, દેખીને થયો સર્વને શોક ।।૫૧।।

ભિક્ષુ ત્રવાડી આદિક જન, તેણે ઓળખ્યા ભાઇ જોખન । કેમ રુદન કરો છો તમે, નથી જાણતા કારણ અમે ।।૫૨।।

તમે સુણો ભિક્ષુક આ ઠામ, નાશી ગયા છે શ્રીઘનશ્યામ । સેજ વાતમાં ગયા રીસાઇ, તેનો પત્તો નથી હવે ક્યાંઇ ।।૫૩।।

કોણ જાણે હશે કીયે ઠામ, હવે ક્યાં મળશે ઘનશ્યામ । હે ઇશ્વર હવે હું શું કરૂં, પ્રભુ તમને ગમે તે ખરૂં ।।૫૪।।

બોલ્યા ઉદાસી થઇ વચન, ત્યાં તો વાણી થઇ છે ગગન । જોખન તમે રડશો નહીં, ઘનશ્યામ તો ઘેર છે સહી ।।૫૫।।

માટે જાવો તાકીદે સદન, તમને મળશે ત્યાં જીવન । સુણી આકાશની વાણી એવ, ત્યાંથી ઉઠી ચાલ્યા તતખેવ ।।૫૬।।

જોતાં જોતાં ગયા ધરી ધીર, આવ્યા ખંપાસરોવર તીર । ઘેર શોધે છે માત પિતાય, પુત્ર ક્યાં ગયા શી વલે થાય ।।૫૭।।

સુંદરી સુરજા વશરામ, સહુ શોધ કરે ઠામો ઠામ । ભક્તિમાતા કરે છે રુદન, વદે વિહ્વળ થઇ વચન ।।૫૮।।

હે પ્રભુ તમે છો બહુનામી, સર્વે સૃષ્ટિના અંતરજામી । આ પૃથ્વીમાં જ્યાં હો ત્યાંથી બોલો, છાનામાના રહી નવ્ય ડોલો ।।૫૯।।

અતિ દુઃખ ભરેલાં વચન, સુણીને બોલ્યા પ્રાણજીવન । હે દીદી હવે રડો ન તમે, ગમાણમાં સુતા છૈયે અમે ।।૬૦।।

એવો શબ્દ સુણ્યો છે તે જ્યાંયે, સુંદરી મામી દોડયાંછે ત્યાંયે । ખડ ઢાંકીને સૂતા છે પોતે, ખડને કાઢી નાખ્યું તે જોતે ।।૬૧।।

કર ઝાલી જત્ન કરી લીધા, લાવી માતાજીને સોંપી દીધા । એટલામાં મોટા ભાઇ આવ્યા, હરિયે સામા જઇ બોલાવ્યા ।।૬૨।।

ભાઇ શોધવા ગયાતા તમે, પણ ઘરમાંહી છૈયે અમે । સુણ્યો તમારો વિરહે સાદ, હું બોલ્યો આકાશમાં આહ્લાદ ।।૬૩।।

તમોને યાદ રહી છે વાત, મોટાભાઇ કે સત્ય સાક્ષાત । એમ વાત કરે બેઉં ભ્રાત, માતાપિતા થયાં રળિયાત ।।૬૪।।

કર્યાં નરનારીયે દર્શન, ગયાં પોતપોતાને સદન । ધર્મ સહિત બન્ને કુમાર, મૂર્તિયે જમાડયા તેણીવાર ।।૬૫।।

ઇતિ શ્રી મદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામી શિષ્યભૂમાનંદમુનિ વિરચિતે શ્રી ઘનશ્યામલીલામૃતસાગરે પૂર્વાર્ધે આચાર્ય શ્રી અયોધ્યાપ્રસાદજી રામશરણજી સંવાદે ધર્માદિક-વટેશ્વરને મેળે ગયા ને ચીભડી નીંદતાં શ્રીહરિ રિસાયા એ નામે પાંત્રીશમો તરંગ ।।૩૫।।