અધ્યાય - ૪૬ - શ્રીહરિએ કરેલું શૂદ્ર-શક્તિમાર્ગનું ખંડન.

Submitted by swaminarayanworld on Thu, 06/07/2017 - 10:07am

અધ્યાય - ૪૬ - શ્રીહરિએ કરેલું શૂદ્ર-શક્તિમાર્ગનું ખંડન.

શ્રીહરિએ કરેલું શૂદ્ર શક્તિમાર્ગનું ખંડન.

ભગવાન શ્રીનારાયણમુનિ કહે છે, હે મદ્યનું પાન કરનારાઓ ! આલોકમાં તમે જગતને છેતરનારા મહાધૂર્ત છો અને મહાપાપીઓથી પણ અધિક અધમ પાપી છો. કોઇ પણ સત્શાસ્ત્રોએ પ્રમાણપણે માન્ય નહીં કરેલા તમારાં કૌલગમ આદિ અસત્શાસ્ત્રો તમારા મને પરમ પ્રમાણરૂપ હશે.૧

પરંતુ એ ગ્રંથો કોઇ મદ્યનું પાન કરનારા પાપી પંડિતે પોતાની બુદ્ધિની કલ્પનાએ શિવ-પાર્વતીનો સંવાદ જોડીને રચેલા છે. અને એ પાપરૂપ તમારા અસત્શાસ્ત્રોમાં તમને સત્શાસ્ત્રનો ભ્રમ પેદા થયો છે, તેથી તો તમે તેનો આશરો કરી વૈદિકમાર્ગમાંથી ભ્રષ્ટ થયા છો.૨

હે ધૂર્તો ! જો મદ્યપાન કરવા માત્રથી બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત થઇ જતું હોય તો પૂર્વના અતિશય શ્રેષ્ઠ મહામુનિઓ મહાતપશ્ચર્યા કરવાનો ખોટો પરિશ્રમ શા માટે કરે ?૩

હે માંસપ્રિયધૂર્તો ! દારુ પીનારાના અનેક સમૂહો આ પૃથ્વી પર વિદ્યમાન છે. છતાં તે દારુડીયાઓની મુક્તિ કેમ થતી નથી ?૪

તમને કયા દુર્બુદ્ધિ મૂર્ખ પુરુષે આવા ચિત્તભ્રમ કર્યા છે ? તમારી આવી દુર્બુદ્ધિ થઇ ક્યાંથી ? કદાચ સમસ્ત વિશ્વને એકવર્ણનું કરવા માટે વિશ્વસ્રષ્ટા બ્રહ્માએ તમારા જેવાઓનું સર્જન કર્યું હોય એમ જણાય છે.૫

હે ધૂર્તો ! તમે તો મદ્યપાનનો નિષેધ કરતા આર્ષગ્રંથોમાં રહેલા યાજ્ઞાવલ્ક્યાદિ સ્મૃતિકારોએ કહેલા શ્લોકોને પોતાના કપોળ કલ્પિત શાસ્ત્રોનાં પ્રમાણ વચનોથી સ્વસિદ્ધાંતની ખ્યાતિ માટે દૂષિત કરી રહ્યા છો.૬

સ્મૃતિકાર મનુ કહે છે, ગોળમાંથી, મહુડાના વૃક્ષરસમાંથી અને ચોખા આદિના લોટમાંથી બનેલી ત્રણ પ્રકારની સૂરા છે. જેવો ગુણ એકમાં છે તેવો જ બીજામાં છે તેથી સર્વે સમાન હોવાથી ત્રણે વર્ણના દ્વિજાતિ જનોએ તેનું ક્યારેય પણ પાન કરવું નહિ.૭

આ પ્રમાણે આદ્ય સ્મૃતિકાર સ્વાયંભુવ મનુએ સુરાપાનનો નિષેધ કર્યો છે. વળી યાજ્ઞાવલ્ક્ય મહર્ષિએ પણ સુરાપાન નિષેધનાં પ્રમાણભૂત વચનો કહેલાં છે તે તમે સાંભળો.૮

દ્વિજાતિ એવા બ્રાહ્મણાદિ ત્રણે વર્ણના જનો જો અજાણતાં પણ સુરાપાન કરે અથવા વિર્ય, વિષ્ટા કે મૂત્રનું પાન કરે તો તે દ્વિજાતિમાંથી ભ્રષ્ટ થાય છે. અને દ્વિજાતિ થવા ફરી ઉપનયનાદિ સંસ્કાર કરવા પડે છે.૯

ફણસમાંથી, દ્રાક્ષમાંથી, મહુડામાંથી, ખજૂરમાંથી, તાડમાંથી, ગોળમાંથી, મધમાંથી, સીરવૃક્ષમાંથી, અરીઠામાંથી, મૈરેયમાંથી કે નાળિયેરમાંથી તૈયાર થયેલું આ અગિયાર પ્રકારનું મદ્ય એક સરખા પાપરૂપ દોષને પેદા કરનારું જાણવું. અને બારમું સુરા નામનું જે મદ્ય છે તેતો સર્વ કરતાં પણ અધિક અધમ કહેલું છે.૧૦-૧૧

આવી જ રીતે પુલસ્ત્ય નામના મુનિએ પણ મદ્યપાનનો નિષેધ કર્યો છે. પરંતુ તમે પુલસ્ત્ય સ્મૃતિના શ્લોકમાં અધમ પદની જગ્યાએ ઉત્તમ એવો શબ્દ પ્રયોગ કર્યો છે. તે ખેદજનક છે.૧૨

હે મદ્યપાઓ ! ''ઊર્ધ્વ આમનાય'' ગ્રંથ જ જો તમને પરમ પ્રમાણભૂત હોય તો તેને આશરીને રહેવું ઠીક છે, પરંતુ જે નિત્યનિર્દોષ અને સ્વતઃપ્રમાણ ભૂત મધુવાતા ઇત્યાદિ શ્રુતિનાં વચનોમાં મધમાંખીઓએ ભેળા કરેલા મધપૂડા થકી મધ એવા અર્થને ફેરવીને પોતાને મનગમતા મદ્ય દારુ એવા ખોટા અર્થની કલ્પના કરીને વેદની શ્રુતિને પ્રમાણ તરીકે શા માટે સ્વીકારો છો ?૧૩

આવા ખોટા અર્થ સ્વીકારવાના કારણે મનુષ્યોને છેતરવા માટે કોઇ મદ્યનું પાન કરનાર ધૂર્ત પંડિતે રચેલું તમારું કૌલતંત્ર શાસ્ત્ર સદંતર મિથ્યા છે, તમારો મત પણ સમગ્ર સત્શાસ્ત્રોથકી વિરુદ્ધ હોવાથી અત્યંત અપ્રમાણ છે.૧૪

કોઇએ સુરાનું પાન ન કરવું, એવો સર્વને માટે નિષેધ હોવા છતાં પણ બીજા વર્ણના મનુષ્યોની વાત તો એકબાજુએ રહી પણ તમે શ્રેષ્ઠ બ્રાહ્મણ થઇ વેદશાસ્ત્ર નિંદિત મદ્યને નિઃશંકપણે કેમ પાન કરી શકો ?૧૫

શ્વપચી આદિ કલ્પિત કુલાષ્ટક સ્ત્રીઓના મુખનું એઠું મદ્યપાન કરી તમે અધમમાં પણ અધમપણાની દશાને પામ્યા છો. છતાં યજ્ઞોપવિત ધારણ કરી બ્રાહ્મણધર્મને શા માટે દૂષિત કરી રહ્યા છો.૧૬

હે ધૂર્તો ! બ્રાહ્મણોને સુરાપાનની આજ્ઞા આપતું હોય એવું એક પણ વચન યાજ્ઞાવલ્ક્ય સ્મૃતિ આદિ આર્ષગ્રંથોમાં પ્રતિપાદન કર્યું હોય તો અમને જણાવો.૧૭

પરંતુ હે મદ્યપાન કરનારાઓ ! બ્રાહ્મણોએ સુરાપાન ન કરવું જોઇએ એવા નિષેધના આર્ષપ્રમાણિત હજારો વાક્યો હું તમને અત્યારે સંભળાવું છું.૧૮

મદ્ય, માંસ અને સુરા આ યક્ષો, રાક્ષસો અને પિશાચોનું ભક્ષ્ય છે. દેવતાઓનું હવિષ્યાન્ન ઘી, દૂધપાક આદિનું ભોજન લેનારા બ્રાહ્મણે તે મદ્ય આદિનું ભક્ષણ ન કરવું, ઇત્યાદિ મનુ આદિ સ્મૃતિકારોનાં હજારો વચનો રહેલાં છે. સ્મૃતિ આદિ સત્શાસ્ત્ર ગ્રંથોમાં સુરાપાનને પંચમહાપાપોને મધ્યે એક મહાપાપ તરીકે ગણવામાં આવ્યું છે.૧૯-૨૦

અજ્ઞાનથી પણ સુરાપાન કરનાર પુરુષની શુદ્ધિ તો શાસ્ત્રોએ આ પ્રમાણે કહી છે, સુરા, જળ, ઘી, ગોમૂત્ર અને દૂધ આમાંથી કોઇ પણ એકને અગ્નિમાં ઉકાળી તેમનું તરત જ પાન કરવાથી તત્કાળ મરણ થઇ જાય, તો જ તે પુરુષ શુદ્ધ થાય છે.૨૧

મનુ કહે છે કે, બ્રાહ્મણાદિ ત્રણે વર્ણના દ્વિજાતિ પુરુષોએ અજાણતાં પણ વિષ્ટા, મૂત્ર, સુરાપાન કે સુરાનો સ્પર્શ થયેલ વસ્તુમાત્રનું પણ જો ભક્ષણ થઇ જાય તો યજ્ઞોપવિત આદિક ફરી સંસ્કાર કરવા વડે દ્વિજ થાય છે. તો પછી જાણી જોઇને સુરાપાન કરે તેનું શું પ્રાયશ્ચિત હોય ?૨૨

બ્રાહ્મણાદિ દ્વિજ પુરુષ અજ્ઞાનથી પણ જો સુરાપાન કરે તો શુદ્ધિ માટે અગ્નિ સમાન તપાવેલી સુરાનું જ પાન કરાવવું. આવું મરણાંત પણ પ્રાયશ્ચિત માટે સ્મૃતિકારોનું વચન છે.૨૩

તો પછી વારંવાર જાણી જોઇને સુરામદ્યનું પાન કરનારા તમો અને તમારા જેવાનો આશ્રય કરી સુરાપાન કરનારા ઘોરતમ નરકને માર્ગો જતા જનોની શું ગતિ થશે ?૨૪

પોતાની પરિણીતા સિવાયની પરસ્ત્રીનો સંગ શાસ્ત્રમાં નિષેધ છે. છતાં જે પુરુષો પરસ્ત્રીનો સંગ કરે છે, તેવા પુરુષને કેવી અતિશય તીવ્ર વેદના ભોગવવી પડે છે, તે શ્રીમદ્ ભાગવતના પંચમ સ્કંધમાં કહેલું છે, તે તમને સંભળાવું છું.૨૫

આ લોકમાં જે પુરુષ અગમ્ય એવી પરસ્ત્રી સાથે ગમન કરે છે, અને જે સ્ત્રી અગમ્ય એવા પર પુરુષ સાથે વ્યભિચાર કરે છે તે બન્નેને મૃત્યુ પછી યમપુરીમાં યમના દૂતો ચામડાની ચાબૂકથી પ્રહાર કરતા કરતા અગ્નિથી તપાવેલ લોખંડની સ્ત્રીની પુતળી સાથે પુરુષને અને પુરુષનાં પુતળાં સાથે સ્ત્રીને વારંવાર આલિંગન કરાવે છે.૨૬

સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! આ પ્રમાણે ભગવાન શ્રીહરિનાં વચનો સાંભળીને કીચક શિષ્ય બ્રાહ્મણો શ્રીહરિને ઉત્તર આપવા સમર્થ થયા નહિ. અને અમે જે માનીએ છીએ એ સાચું કે આ શ્રીહરિ કહેછે તે સાચું ? આવી રીતની તેની બુદ્ધિ વિભ્રાંત થઇ, તેથી મૌન ધારણ કરી ઊભા રહ્યા.૨૭

ત્યારે શ્રીહરિનાં વચનોથી આઘાત પામેલો તેમનો ગુરુ કીચક અત્યંત ક્રોધિત થઇ અંતરમાં સર્વ અંગે બળવા લાગ્યો, ને મદ્યપાનના પાત્રને હાથમાં ધરી રહેલી મહાકાલિકા દેવીનું સ્મરણ કરી, મૌન તોડી શ્રીહરિ પ્રત્યે કહેવા લાગ્યો.૨૮

હે સ્વામિનારાયણ ! અમારા મતમાં પણ વૃથા સુરાપાનનો નિષેધ કરેલો જ છે. પરંતુ દેવ નિવેદિત મદ્ય માંસનું પાન કે ભક્ષણ કરવાનું કયા શાસ્ત્રમાં દૂષણ કહેલું છે ?૨૯

સોમયાગાદિ યજ્ઞોને વિષે દેવતાઓને નિવેદિત કરેલા મદ્ય માંસનું બ્રાહ્મણોએ ઇચ્છા પ્રમાણે ભક્ષણ કરવું આ પ્રમાણે વેદમાં કહેલું છે. તો પછી શું તમારા મતે વેદવિહિત દેવતાઓની પ્રસાદિભૂત મદ્યમાંસના ભક્ષણમાં પણ પાપ લાગે છે ?૩૦

અને વેદ વિહિત હિંસા છે તે હિંસા ન કહેવાય, એમ મનુ આદિ સ્મૃતિકારો પણ કહે છે. તેમ છતાં તે શ્રુતિ-સ્મૃતિના ગૂઢ રહસ્યને નહિ જાણનારા તમે આ સભામાં અમને શા માટે દૂષિત ઠરાવો છો ?૩૧

મહાભારતમાં અને પુરાણોમાં ઘણા બધા બ્રાહ્મણો મદ્યપાન કરનારા, માંસનું ભક્ષણ કરનારા અને પોતાને ઇચ્છિત સ્ત્રીને પોતાની પત્ની તરીકે ભોગવનારા સંભળાય છે.૩૨

તેમજ માર્કંડેય પુરાણમાં પણ સપ્તશતીમાં મદ્યમાંસાદિના ભક્ષણની પ્રશંસા કરવામાં આવી છે. તે શું તમે નથી જાણતા ?.૩૩

સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! આ પ્રમાણે કૌલાર્ણવ તંત્રના ગ્રંથને અપ્રમાણિક માની પ્રમાણપણે તેનાં વચનોને સ્વીકાર કરવાનું છોડી, માત્ર કપટથી વૈદિક વચનોનો આધાર લઇ તે તે વેદવચનોના અર્થોનું કાલ્પનિક રીતે પ્રતિપાદન કરનાર કીચકનાં ઉપરોક્ત વચનો સાંભળી ભગવાન શ્રીહરિ તેમને કહેવા લાગ્યા.૩૪

શ્રીનારાયણમુનિ કહે છે, હે કીચક ! પુરાણોમાં અને આગમોમાં દેવતાઓને સાત્વિક પ્રકૃતિના કહેલા છે. દૈત્યો અને દાનવોને રાજસ પ્રકૃતિના કહેલા છે. યક્ષો, રાક્ષસો, ભૂત, પિશાચ આદિકને તામસ પ્રકૃતિના કહેલા છે.૩૫

અમૃત જેનું નામ છે એવું દૂધ અને ઘી દેવતાઓને પ્રિય ભોજન છે. સુરા અને માંસ દૈત્યો અને રાક્ષસોનું પ્રિય ભોજન છે.૩૬

અને તેથી પ્રથમના પૃથુરાજાની પ્રેરણાથી સર્વે દેવો, દાનવો અને માનવોએ ગાયરુપી ધરતી પાસેથી પોતપોતાને પ્રિય અન્નનું દોહન કર્યું છે.૩૭

તેમાં દેવતાઓએ ઇન્દ્રને વાછરડો કરી સુવર્ણના પાત્રમાં અમૃત, વીર્ય- મનની શક્તિ, ઓજ- ઇન્દ્રિયોની શક્તિ, અને બળ- દેહની શક્તિરુપ દૂધનું દોહન કર્યું.૩૮

અને અસુરો તથા દાનવોએ અસુરશ્રેષ્ઠ પ્રહ્લાદપુત્ર વિરોચનને વાછરડો કરી લોહપાત્રમાં ત્રણ પ્રકારની સુરા અને અગિયાર પ્રકારના મદ્યરુપ દૂધનું દોહન કર્યું.૩૯

અને માંસનું ભક્ષણ કરનારા યક્ષો, રાક્ષસો, ભૂતો અને પિશાચોએ રુદ્રને વાછરડો કરી ખોપરીના પાત્રમાં રુધિરરુપ મદ્યનું દોહન કર્યું.૪૦

આ પ્રમાણે શ્રીમદ્ ભાગવત પુરાણમાં પ્રતિપાદન કરેલું છે, તેનો હેતુ એ છે કે, મદ્ય અને માંસનું નૈવેદ્ય દેવતાઓની આગળ ધરવું તે યોગ્ય નથી.૪૧

તેમજ રાજસ પ્રકૃતિના અને તામસ પ્રકૃતિના પુરુષોને મદ્યમાંસનું ભક્ષણ કરવામાં સ્વાભાવિક રુચિ રહેલી હોય છે. તેઓને માટે શાસ્ત્રોમાં વિધિવાક્યોની કોઇ જરૂર જ નથી.૪૨

તેથી તેઓની રાગ પ્રાપ્તિને કારણે દરરોજ થતી હિંસાને અટકાવવા માટે વેદોએ યજ્ઞામાંજ માત્ર હિંસા કરવી, એવું કહ્યું. પરંતુ વેદને હિંસા કદાપિ પ્રિય નથી.૪૩

મહાભારત અને શ્રીમદ્ ભાગવતાદિ પુરાણોમાં પ્રથમ વેદોક્ત કર્મને છોડનારાઓને તેમાં રુચિ ઉત્પન્ન થાય તેથી તેઓના સ્વભાવને અનુરુપ તેવા તેવા ફળ આપનારા યજ્ઞોનું વિધાન કરી તેમાં રુચિ ઉત્પન્ન કરાવી અને ત્યાર પછી અહિંસા છે એ જ પરમ ધર્મ છે. એવો નિર્ણય કરીને તેનું સ્થાપન કરેલું છે.૪૪

હે ચાર વખત મદ્યનું પાન કરનારા કીચક ! માર્કંડેય પુરાણમાં સપ્તશતીમાં બ્રાહ્મણોએ મદ્ય માંસનું પાન અને ભક્ષણ કરવું જોઇએ આવું જે તમે કહ્યું તે, વિધાન કયા શ્લોકમાં કરેલું છે ?૪૫

અને સુરા માંસથી દેવીનું પૂજન કરવું, આવા પ્રકારનું રહસ્ય માર્કંડેય પુરાણમાં છે. એમ જે તમે કહો છો. તો તેવું રહસ્ય તે પુરાણમાં ક્યાંય નથી. એતો તમારા જેવાઓએ કલ્પિત ઊભું કરેલું છે.૪૬

ઉલટાનું બ્રાહ્મણોએ સુરા માંસવડે દેવીનું પૂજન કરવું નહિ, આ પ્રમાણે મેં કહેલા અર્ધાશ્લોકમાં જ બ્રાહ્મણોને સુરામાંસથી પૂજન કરવાનો નિષેધ કરેલો છે. આ પ્રમાણે માર્કંડેય પુરાણના રહસ્યનું પણ હિંસાના નિષેધમાંજ તાત્પર્ય છે.૪૭

હે કીચક ! શાસ્ત્રોનું તાત્પર્ય નહિ જાણીને તમારા જેવા પાપકર્મનું આચરણ કરી સુરામાંસનું ભક્ષણ કરતા પુરુષો દેહને અંતે શિષ્યોએ સહિત ઘોરતમ નરકમાં પડે છે.૪૮

બ્રાહ્મણોએ સુરાપાન કરવું એ બ્રહ્મહત્યા જેવું મહાપાપ છે. આ પ્રમાણે ભૃગુપુત્ર શુક્રાચાર્યે મર્યાદાનું સ્થાપન કરતાં કહેલું છે. તે શુક્રાચાર્યનાં વચનો તમને સંભળાવું છું. તમે સાંભળો.૪૯

આ લોકમાં આજ દિવસથી આરંભીને કોઇ પણ મંદબુદ્ધિવાળો બ્રાહ્મણ મોહથી કે અજ્ઞાનથી સુરાનું પાન કરશે તે ધર્મમાંથી ભ્રષ્ટ થયેલો અને બ્રહ્મહત્યારો ગણાશે. તથા આલોક અને પરલોકમાં નિંદાને પાત્ર થશે, આ પ્રમાણેની મર્યાદાનું સ્થાપન શુક્રાચાર્યે કરેલું છે. એ મર્યાદાનું ઉલ્લંઘન કરનારા તમને મહાપાપ કેમ નહિ લાગે ?.૫૦-૫૧

હે કીચક ! પુરુષોએ સ્ત્રીઓની સાથે અને સ્ત્રીઓએ પુરુષની સાથે સ્વૈચ્છિક સંગ કરવો તે પશુનું આચરણ છે, એમ પૂર્વે ઉદાલકપુત્ર શ્વેતકેતુએ પણ નિષેધ કરેલો છે. તેમનાં વચન હું તમને બે શ્લોકમાં સંભળાવું છું, તેને તમે સાંભળો.૫૨

આજથી આરંભીને પોતાના પતિને છોડી પર પુરુષ સાથે વિહાર કરતી સ્ત્રીઓને ભ્રૂણહત્યાના પાપની સમાન મહામોટું દુઃખ દેનાર અને ઘોર નરકમાં નાખનારું મહાપાપ લાગશે.૫૩

તેવી જ રીતે આ પૃથ્વી પર કુમારી અવસ્થાથી જ જે બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરે છે અને પરણ્યા પછી મનથી પણ જેને પર પુરુષના પ્રસંગનો સંકલ્પ પણ કર્યો નથી એવી પોતાની પતિવ્રતા પત્નીને છોડીને પરસ્ત્રીની સાથે જે પુરુષ વ્યભિચાર કરે છે તેને પણ ભ્રૂણહત્યાના પાપની સમાન જ પાપ લાગશે.૫૪

હે કીચક ! એટલા જ માટે મનુષ્યોએ કોઇ પણ જીવ પ્રાણી માત્રનું માંસ ભક્ષણ કોઇ પણ રીતે ન કરવું, એ સર્વ શાસ્ત્રનોપ્રસિદ્ધ ધોરી માર્ગ છે.૫૫

અરે... યજ્ઞાના શેષભૂત માંસભક્ષણમાં પણ બ્રાહ્મણોને મહાન દોષ લાગે છે. કારણ કે માંસ ક્યારેય પણ નિર્દોષ હોતું જ નથી.૫૬

તે કારણે જ યજ્ઞાની પ્રસાદીભૂત માંસભક્ષણનો પણ મહાભારતને વિષે નિષેધ કરેલો છે. મહાભારતનાં નિષેધ વચનો હું તમને સંભળાવું છું.૫૭

જન્મથી જ પરમ ધર્મને જાણી માંસભક્ષણથી નિવૃત્ત થયેલા પુરુષે યજુર્વેદના જ્ઞાતા યજ્ઞા કરાવનાર અધ્વર્યુએ મંત્રોથી સુસંસ્કૃત કરેલ યજ્ઞાશેષ એવા માંસનું પણ ભક્ષણ કરવું નહિ, તેવી જ રીતે અસંસ્કૃત (મત્સ્યનું)એવું વૃથા માંસનું પણ ભક્ષણ કરવું નહિ, તથા શ્રાદ્ધ કરતાં બચેલું પ્રસાદિભૂત માંસનું પણ ભક્ષણ કરવું નહિ.૫૮

એક બાજુ સર્વ જીવપ્રાણી માત્રનું માંસ મૂકવામાં આવે અને બીજી બાજુ મત્સ્યનું માંસ મૂકવામાં આવે ને તેની તુલા કરવામાં આવે તો પાપ ઉત્પાદન કરવામાં બન્ને સરખા જ સાબિત થાય છે. તેથી પાપરૂપ એવા આ કોઇ પણ પ્રકારના માંસનું ભક્ષણ બ્રાહ્મણે કરવું જ નહિ.૫૯

હે કીચક ! મેં પ્રતિપાદન કરેલો આ સિદ્ધાંત જ વેદશાસ્ત્ર સંમત છે. તેથી માંસભક્ષણ કરનારા તમારો સમસ્ત સિદ્ધાંત અસત્ય જ છે.૬૦

હે માંસપ્રિય કીચક ! તમે સાંભળો, પ્રાણીઓનો વધ કર્યા વગર ક્યારેય પણ માંસ મેળવી શકાતું નથી. આલોકમાં જાણી જોઇને કરેલા પ્રાણીવધમાં મહાદોષ રહેલો છે. તેથી તમારો મત છે તે સત્ય નથી. પરંતુ મિથ્યા જ છે.૬૧

આ પ્રમાણે અવતારી શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમત્ સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રના દ્વિતીય પ્રકરણમાં જેતલપુરમાં ભગવાન શ્રીહરિએ શૂદ્ર શાક્તમત ખંડનમાં પંચમકારનું ઉચ્છેદન કર્યું એ નામે છેતાલીસમો અધ્યાય પૂર્ણ થયો. --૪૬--