૧૩૨. જીવુબાઇ, રાજબાઇ વગેરેને શ્રીહરિએ આપેલા પરચા.

Submitted by swaminarayanworld on Wed, 06/07/2011 - 5:15pm

પૂર્વછાયો- સુણો નર વળી શ્રવણે, એક અનુપ આખ્યાન ।

આવે ખુમારી અંતરે, સહુ સાંભળજયો સાવધાન ।।૧।।

મોટા હરિજન હરિના, જેનાં તપ પરાયણ તન ।

ત્યાગ વૈરાગ્યની મૂરતિ, અતિ નિયમમાં જેનાં મન ।।૨।।

જે દિના મહારાજ મળિયા, ટળિયા તે દિના વિકાર ।

અંતરમાં અણગમતો, થયો સરવે સંસાર ।।૩।।

માત તાત કુળ કુટુંબનો, જેણે કર્યો અતિશે અભાવ ।

ભજયા શ્રીભગવાનને, તજી અન્ય ઉછાવ ।।૪।।

ચોપાઇ- ધન્ય જીવુબાઇ હરિજન, રૂડાં રાજબાઇ છે પાવન ।

મળ્યા જે દિના જીવનપ્રાણ, સ્વામી સહજાનંદ સુખખાણ ।।૫।।

તે દિનાં તન સુખને તજી, ભાવે લીધા ભગવાન ભજી ।

હરિ ભજતામાં જે જે હવું, તેની વાત વિગતે વર્ણવું ।।૬।।

જીવુબાઇ હરિજન હવા, માંડી હરિ મૂરતિ પૂજવા ।

તેને તાત કહે સુણો બાઇ, આ શું લીધું બાળાપણમાંઇ ।।૭।।

જયારે મોટાં થાઓ બાઇ તમે, કરજયો પૂજા રાજી છીએ અમે ।

ત્યારે જીવુબાઇ કહે તાત, એવી અમને ન કહેવી વાત ।।૮।।

નહીં આ તનનો વિશવાસ, અચાનક થઇ જાય નાશ ।

વૃધ્ધપણાને વાયદે રહેવું, અમને નથી મનાતું એવું ।।૯।।

માટે એ વાત તો ન કહેવી, આ મૂરતિ નથી મૂક્યા જેવી ।

ત્યારે તાતે તે કર્યો વિચાર, એવો શું હશે ચમતકાર ।।૧૦।।

જયારે દેખું અલૌકિક કાંઇ, ત્યારે મનાય અંતરમાંઇ ।

એમ કરતાં વિત્યા કાંઇ દન, પરચો પામવા ઇચ્છ્યા છે મન ।।૧૧।।

પડી સાંજ ને કરી આરતિ, જીવુબાઇએ ભાવેશું અતિ ।

પછી દુધ કટોરો ભરીને, આપ્યો હેતેશું પિવા હરિને ।।૧૨।।

પછી બાળમુકુન્દ મહારાજે, પિધું દુધ જન હેત કાજે ।

જોઇ સહુ જન આશ્ચર્ય પામ્યાં, શિશ જીવુબાને પાય નામ્યાં ।।૧૩।।

તાતને ન ગમતું લગાર, તે પણ નમ્યા વારમવાર ।

ધન્ય બાઇ તમારી ભગતિ, ઘેલાઇમાં મેં ન જાણી ગતિ ।।૧૪।।

તમે નહિ મનુષ્ય મેં જાણ્યું, છો દેવતા આજ પરમાણ્યું ।

તમે લીધો આંહિ અવતાર, મારા પુણ્યતણો નહિ પાર ।।૧૫।।

એમ જીવુબાને જગદીશ, આપે હરિ પરચા હમેશ ।

જેજે લીળા કરે અવિનાશ, હોય દૂરતો દેખાય પાસ ।।૧૬।।

હોય હરિ સોય કોશ માથે, પણ દેખાય સદાય સાથે ।

જેજે ક્રિયા કરે હરિ કાંઇ, તેતો જાણે સર્વે જીવુબાઇ ।।૧૭।।

નિરાવરણ દૃષ્ટિ નિરધાર, બીજા પરચાનો નહિ પાર ।

જાણે બીજાના અંતરની આપ, તેતો મહારાજનો પરતાપ ।।૧૮।।

હવે રાજબાઇની જે રીત્ય, કહું પવિત્ર અતિપુનિત ।

મળ્યા જે દિના શ્રી મહારાજ, તજી તેદિ થકી લોકલાજ ।।૧૯।।

તેને મહારાજે મોકલ્યું કાવી, ભક્તિ તમારી મુજને ભાવી ।

પણ માનવું એક વચન, પરણી ભજવા શ્રી ભગવન ।।૨૦।।

માનો આજ્ઞા અમારી આ વાર, નહિતો થાશો સતસંગ બાર ।

એવું આવ્યું બાઇને વચન, તેણે પીડા પામ્યાં તન મન ।।૨૧।।

પછી માત તાત કુળ મળી, કર્યો વિવાહ બાઇનો વળી ।

પરણાવી સાસરે વળાવ્યાં, બાઇ સાસરાને ગામ આવ્યાં ।।૨૨।।

દિઠું પુરૂષે બાઇનું રૂપ, સિંહ સાદૃશ્ય ભાશ્યું સ્વરૂપ ।

જોઇ પુરૂષ પાછો જ ભાગ્યો, અતિ ડર મનમાંહિ લાગ્યો ।।૨૩।।

આતો મનુષ્ય નહિ નિરધાર, કોઇ કારણિક અવતાર ।

માટે વેલ્ય એની પાછી વાળો, જો મારૂં ભલું થાવાનું ભાળો ।।૨૪।।

પછી બાઇ આવિયાં પિયેર, કર્યું સંસારી સુખશું વેર ।

ઝીણાં વસ્ત્ર આભૂષણ અંગ, તેનો તર્ત તજયો પરસંગ ।।૨૫।।

ગળ્યું ચીંકણું સરસ અન્ન, તજયું તેનું કરવું ભોજન ।

ખાટ પાટ પર્યંક પલંગે, તજી સુવે ભૂમિપર અંગે ।।૨૬।।

અતિ ત્યાગે કરી તન ગાળ્યું, લોહી માંસ શરીરનું બાળ્યું ।

અતિશય તન મન દમ્યું, તેતો કુટુંબને નવ ગમ્યું ।।૨૭।।

પછી તજયા તેને તેહ વાર, અન્ન જળનો ન રાખ્યો વેવાર ।

એણી રીત્યે ભજયા ભગવાન, પાળી અતિ મોટાં વ્રતમાન ।।૨૮।।

તે પ્રતાપ શ્રી મહારાજતણો, શું કહીએ મહિમા મુખે ઘણો ।

એમ કરે નિજજનની સાય, માટે મોટો હરિ મહિમાય ।।૨૯।।

વળી એક દિવસને માંઇ, કરી હરિએ જનની સાય ।

તેની વાત કહું લિયો જાણી, પ્રભુ પધારિયા કારિયાણી ।।૩૦।।

તે સાંભળી ચાલ્યાં દરશને, અતિ બાળક કોમળ તને ।

ભેળો નહિ કોઇ બીજો ભાઇ, ચાલ્યાં બાળબુધ્ધિ ત્રણ બાઇ ।।૩૧।।

મેલ્યું ગામ સીમ લાગી પ્યાસ, પાણી પળિ નહિ પોતા પાસ ।

લાગ્યા પગમાં કાંટા કઠણ, ખૂંચે કાંકરા આકરા કણ ।।૩૨।।

અતિકષ્ટમાં પિડાણા પ્રાણ, નહિ દેહ રહ્યાનાં એંધાણ ।

એવા સમામાં આવ્યા મહારાજ, જન કષ્ટ નિવારવા કાજ ।।૩૩।।

ભેળું લાવ્યા જળ ઠામ ભરી, પાઇ પાણી પ્યાસ ત્રાસ હરિ ।

કાઢ્યા કાંટા તે પોત્યે પગના, થયા ભોમિયા મોરે મારગના ।।૩૪।।

આપ્યા મોદક ને પાયું પાણી, ધીરે ધીરે આવ્યાં કારિયાણી ।

કહ્યું જાઓ બાઇઓ ગામમાંહી, સ્વામી સહજાનંદજી છે આંહી ।।૩૫।।

પાંચ છોછો વરષનાં તમે, તેહ સારૂં ભેળા ચાલ્યા અમે ।

હવે સુખે જાઓ ગામમાંય, મનમાં બીક રાખશો માં કાંય ।।૩૬।।

પછી બાળકીયો ત્રણ્યે મળી, લાગ્યાં મહારાજને પાય લળી ।

પછી તેહને પૂછે છે નાથ, તમે આંહિ આવ્યાં કોણ સાથ ।।૩૭।।

કહ્યું વિપ્ર એક ભેળો હતો, આવ્યો બહુ ચાકરી કરતો ।

આપ્યા મોદક ને પાયાં પાણી, કાઢ્યા કાંટા તે પગના તાણી ।।૩૮।।

સુખે પહોંચાડ્યાં અમને આંઇ, નહિ તો ભૂલાં પડી જાત ક્યાંઇ ।

ત્યારે મહારાજ કહે હતા અમે, કેમ ઓળખતાં નથી તમે ।।૩૯।।

આપ્યાં એંધાણ મારગતણાં, તમે પ્યાસે દુઃખી હતાં ઘણાં ।

પાયું પાણી મેં મોદક દીધા, તમે ત્રણે મળી વળી લીધા ।।૪૦।।

એમ કહીને હસ્યા મહારાજ, કર્યું નિજસેવકનું કાજ ।

એમ હરિએ કરી સહાય, સર્વે વિસ્મય પામ્યા મનમાંય ।।૪૧।।

જેને લાવ્યા કારિયાણી ગામ, તેનું પાંચુ નાનું રામું નામ ।

એમ આપ્યા જનને આનંદ, સુખદાયી સ્વામી સહજાનંદ ।।૪૨।।

ઇતિ શ્રીમદેકાન્તિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણિ મધ્યે શ્રીજી મહારાજે જીવુબાઇ તથા રાજબાઇ એ સર્વેને પરચા પૂર્યા એ નામે એકસો ને બત્રિશમું પ્રકરણમ્ ।।૧૩૨।।