૧૩૩. માણાવદરના ઉદ્ધવજી તથા જાદવજીને શ્રીહિએ દીધેલા પરચા.

Submitted by swaminarayanworld on Wed, 06/07/2011 - 5:16pm

પૂર્વછાયો- વળી વળી શું હું વર્ણવું, મહાપ્રભુનો પ્રતાપ ।

આપે પરચા અતિ ઘણા, હરિભક્તને હરિ આપ ।।૧।।

એક સમે અલબેલડે, કર્યો ડભાણ ગામે જગન ।

સવેર્ દેશના સતસંગી, આવી કર્યાં હરિ દરશન ।।૨।।

સુંદર મૂરતિ શ્યામની, સજયા નખશિખ શણગાર ।

શોભા જોઇ મહારાજની, મગન થયાં નર નાર ।।૩।।

જામો મોળિયું જરકશી, ધર્યા તોરા કલંગી તેમાંય ।

વેઢ વિંટિ કનક કડાં, ઉર ઉતરી બાજુ બાંય ।।૪।।

છતર ચમર અબદાગરી, બેસી અશ્વ શિબિકાયે નાથ ।

દીધાં દરશન દાસને, રહી ગયો સોરઠી સાથ ।।૫।।

ચોપાઇ- સોરઠના સતસંગી જેહ, સુણ્યો ડભાણે જગન તેહ ।

અતિ શોચવાન સહુ થયા, મોટી લીળામાંહી રહી ગયા ।।૬।।

મોટો યજ્ઞ કર્યો મહારાજે, ધ્યાન જનને કરવા કાજે ।

તેમાં રહી ગયા જે જે જન, ચાલો હવે કીજે દરશન ।।૭।।

પછી સજજ થયા સતસંગી, બાઇ ભાઇ ચાલ્યાં છે ઉમંગી ।

પર્વતભાઇ મયારામ સાથ, થયા સંગવી ચાલ્યા સંગાથ ।।૮।।

બાળ વૃધ્ધ ને જુવાન જન, કરવા મહારાજનાં દરશન ।

ચાલી આવ્યાં સહુ કોશ ચાર, મળ્યા સામા ત્યાં પ્રાણઆધાર ।।૯।।

સુંદર વસ્ત્ર પહેરી જરકશી, અતિ હેતમાં રહ્યા છે હસી ।

સુંદર ઘરેણાં શોભે છે ઘણું, રૂપ અનુપ વાલ્યમતણું ।।૧૦।।

સંગે ઘણી ઘોડાની ઘુમર, સખા સાથે શોભે છે સુંદર ।

આપે ચડ્યા છે અશ્વ અમુલે, ફેંટો પાઘડી છાયાં છે ફુલે ।।૧૧।।

કંઠે ફુલના હાર અપાર, શોભે અંગો અંગ શણગાર ।

અતિ મૂરતિ સુંદર શોભે, જોઇ જનતણાં મન લોભે ।।૧૨।।

દીધાં સહુને આવી દરશન, નિરખી જન થયાં છે મગન ।

સહુ લાગ્યા લળી વળી પાય, નિરખી નયણાં તૃપ્ત ન થાય ।।૧૩।।

સવેર્ મળી કરે છે સ્તવન, મુખે જન બોલે ધન્ય ધન્ય ।

દીનબંધુ દરશન દીધાં, આજ અમને કૃતારથ કીધાં ।।૧૪।।

અમે ઉત્સવે ન શક્યાં આવી, તેની દાઝ્ય મહારાજે બુઝાવી ।

આજ સવેર્ મનોરથ સર્યા, નિરખ્યા નાથ સખા રંગ ભર્યા ।।૧૫।।

હવે આવો વાલા અમ ઘેર, મહારાજ આજ કરી મહેર ।

કહે નાથ આ સંઘ સઘળો, ચાલો આપણે સહુ પાછા વળો ।।૧૬।।

એમ કહી સહુ પાછા વળ્યા, ચાલ્યા મન મોહનજી મળ્યા ।

કહે નાથ આગે જાયે અમે, ધીરે ધીરે સહુ આવજયો તમે ।।૧૭।।

એમ કહીને શ્યામ સધાવ્યા, સતસંગી સહુ ઘેર આવ્યા ।

કહે અલબેલો કયાં ઉતર્યા, એમ માંહોમાંહિ પૂછી ફર્યા ।।૧૮।।

કહે એક આવ્યા નથી આંઇ, એહ વાત રાખો મનમાંઇ ।

એ તો અલૌકિ દર્શન દીધું, જીવત આપણું સુફળ કીધું ।।૧૯।।

નાથ આવ્યા નથી નથી ગયા, દીધાં દર્શન તે કરી દયા ।

એમ પ્રભુ થઇ પરસન, દીધાં અલૌકિક દરશન ।।૨૦।।

એમ પરચો પૂર્યો દયાળે, દીનબંધુ જન પ્રતિપાળે ।

આપ્યો સતસંગીને આનંદ, ધન્ય ધન્ય સ્વામી સહજાનંદ ।।૨૧।।

સુણો વાત કહું એક વળી, થાશો મને મુદિત સાંભળી ।

હરિભક્ત ઉધ્ધવજી એક, સારો સતસંગી જાત્યે વણિક ।।૨૨।।

કરે ધર્મમાં ઉદ્યમ કામ, ભજે સ્વામિનારાયણ નામ ।

તેને એક દિન ચોર મળી, ઝાલી લઇ ગયા ગરમાં વળી ।।૨૩।।

તેને દંડ મનાવવા માટે, કાપ્યો બાવળ કઠણ કાંટે ।

કહે આ લાગશે તન તારે, દંડસારૂ મારવો છે મારે ।।૨૪।।

આપ્ય રૂપૈયા તું મનમાન્યા, આજ નહિ ઉગરે આપ્યા વિના ।

એમ કહીને કાંટો ઉગામ્યો, તેણે ભક્ત મને ભય પામ્યો ।।૨૫।।

કઠણ કાંટા તે કેમ ખમાશે, આજ જીવ તે જરૂર જાશે ।

નથી ઘરમાં દેવાને ધન, જીવતાં ન છુટું કોઇ દન ।।૨૬।।

માટે મહારાજ કરે જો સહાય, તો હું ઉગરૂં આ દુઃખમાંય ।

એમ કહીને થયો નિરાશ, રાખ્યો મહાપ્રભુનો વિશવાસ ।।૨૭।।

એવા સમામાં આવ્યા દયાળ, દીનબંધુ જનપ્રતિપાળ ।

દીધું ઉધ્ધવજીને દર્શન, નિરખી જન થયો મગન ।।૨૮।।

નયણે નીર ગદગદ વાણી, કહે ભલે આવ્યા દીન જાણી ।

આ સમે જો ન આવત નાથ, મારૂં મોત હતું આને હાથ ।।૨૯।।

એમ કહીને લાગ્યો ચરણ, ત્યારે બોલિયા અશરણ શરણ ।

ભક્ત ભય મ રાખીશ કાંઇ, રહેજયે નિર્ભય હવે મનમાંઇ ।।૩૦।।

તને કષ્ટ નહિ થાય લેશ, વણદંડે તું ઘેર આવીશ ।

એમ કહી ચાલ્યા અવિનાશ, ગયા એ ચોરની નારી પાસ ।।૩૧।।

કહે પુરૂષ તારો છે પાપી, લાવે છે હરિભક્ત સંતાપી ।

તેને તુર્ત મૂકજે છોડાવી, એમ બાઇને કહ્યું છે આવી ।।૩૨।।

એમ કહીને સધાવ્યા શ્યામ, આવ્યા ચોર બાન લઇ ગામ ।

રાખ્યો રાત્ય એક ઘરમાંઇ, બોલી ચોરતણી નારી ત્યાંઇ ।।૩૩।।

આતો ભક્ત ભગવાન તણો, થયો અપરાધ તમને ઘણો ।

આને ઝાલી લાવ્યા તમે આંઇ, આવ્યા પ્રભુજીના ગુનામાંઇ ।।૩૪।।

માટે પહેરામણી એને કરી, મુકી આવો લાવ્યા તિયાં ફરી ।

પછી ચોરે કર્યું એણીપેર, કરી વસ્ત્રને મોકલ્યો ઘેર ।।૩૫।।

એમ છોડાવ્યો નિજદાસ, આપી પરચો એમ અવિનાશ ।

એમ કરે છે જનનાં કાજ, આપી પરચા અલબેલો આજ ।।૩૬।।

વળી કહું પરચાની વાત, સહુ સુણજયો કહું સાક્ષાત ।

એક જાદવજી હરિજન, જાતિ વણિક ભક્ત પાવન ।।૩૭।।

જાણે પ્રભુ પ્રકટ પ્રમાણ, સ્વામી સહજાનંદ સુખખાણ ।

દૃઢ આશરો અંતરે એક, જાણે સાર અસાર વિવેક ।।૩૮।।

કહું તેહતણી હવે વાત, ગયો ગામ સંબંધી સંગાત ।

તે ગામે હતો જમણવાર, જમી આવ્યા ઉતારા મોઝાર ।।૩૯।।

તિયાં હતો એક દરદારી, માગી પાચક ફાકી વિચારી ।

આપ્યું અજાણે વઇદે વિષ, ખાતાં ચ્યાર ચાલ્યા માગી શિષ ।।૪૦।।

રહ્યો જાદવજી એક જન, તેની વાત સુણો દઇ મન ।

જયારે ખાધું જાદવજીએ ઝેર, ચઢ્યું વિષ લેવા લાગ્યો લેર ।।૪૧।।

ત્રુટી નાડી ગયું ગળું મળી, થયો અચેત પડિયો ઢળી ।

પડી ટુંકડી જીભા તે વાર, કરે ભાગે અક્ષરે ઉચ્ચાર ।।૪૨।।

હે નાથ ! હે નાથ ! ગાથ ગાય, સ્વામિનારાયણ કરો સહાય ।

દીનબંધુ હું દાસ તમારો, આ દુઃખમાંથી આજ ઉગારો ।।૪૩।।

પડ્યો કષ્ટમાં કરે પોકાર, સુણી વાલ્યમ આવ્યા તે વાર ।

મનોહર સુંદર મૂરતિ, જુવે જાદવજી પ્રાણપતિ ।।૪૪।।

જોઇ નાથ ને લોભાણાં નેણ, કહે ભલે આવ્યા સુખદેણ ।

આ સમે મને આપ્યું દર્શન, હવે મર છુટે મારૂં તન ।।૪૫।।

પછી નાથ કહે સુણ્ય એહ, આજ રાખવું છે તારૂં દેહ ।

તારા સંગાથી ગયા સુધામ, તારૂં પણ થઇ રહ્યું તું કામ ।।૪૬।।

પણ ઉગયોર્ આ પળમાંઇ, હવે બીક રાખીશમાં કાંઇ ।

એમ કહીને સધાવ્યા શ્યામ, તર્ત વણિક પામ્યો આરામ ।।૪૭।।

એમ ઉગારીયો નિજજન, આપી પરચો આપે ભગવન ।

એમ દાસતણાં દુઃખ કાપે, બહુ પરચા પળે પળે આપે ।।૪૮।।

જેમ જનની જાળવે બાળ, એમ જતન કરે છે દયાળ ।

તેણે વર્તે છે જનને આનંદ, સુખ આપે શ્રી સહજાનંદ ।।૪૯।।

ઇતિ શ્રીમદેકાન્તિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણિ મધ્યે હરિભક્તને મહારાજે પરચા પૂર્યા એ નામે એકસો ને તેત્રિશમું પ્રકરણમ્ ।૧૩૩।