૮૩ શ્રીકૃષ્ણ ભગવાન જે રીતે સ્ત્રીઓને પરણ્યા એ વિષે પોતપોતાના વિવાહની દ્રૌપદીની પાસે વાતો કહતી અ

Submitted by swaminarayanworld on Fri, 19/02/2016 - 8:33pm

અધ્યાય ૮૩

શ્રીકૃષ્ણ ભગવાન જે રીતે સ્ત્રીઓને પરણ્યા એ વિષે પોતપોતાના વિવાહની દ્રૌપદીની પાસે વાતો કહતી અષ્ટ પટરાણીઓ.

શુકદેવજી કહે છે હે રાજા ! ગુરુ અને ગતિરૂપ ભગવાને આ પ્રમાણે ગોપીઓ પર અનુગ્રહ કરીને યુધિષ્ઠિરને તથા બીજા પણ સર્વે સંબંધીઓને કુશળ પૂછ્યું.૧ આ પ્રમાણે શ્રીકૃષ્ણે પૂછેલા, સત્કાર કરેલા અને તેમનાં ચરણનાં દર્શનથી નિષ્પાપ થયેલા તે લોકો આનંદથી નીચે પ્રમાણે બોલ્યા.૨

સંબંધીઓ કહે છે હે પ્રભુ ! મહાત્માઓના મન થકી મુખ દ્વારા કોઇ સમયે નીકળેલું અને પ્રાણીઓને જન્મ આપનારી અવિદ્યાને કાપનારું, તમારા ચરણારવિંદની કથારૂપ અમૃતને જે લોકો કાનરૂપી પડીઆઓથી બહુ જ પીએ છે, તેઓનું અમંગળ ક્યાંથી હોય? ૩ ભક્તજીવોને વિષે અનાદિ અવિદ્યાથી કરાયેલી ત્રણે અવસ્થાઓને સ્વસ્વરૂપના જ્ઞાનથી નાશ કરનારા, આનંદના તો સમુદ્રરૂપ, અખંડિત જ્ઞાનવાળા, કાળગતિથી નાશ પામેલા વેદોનું રક્ષણ કરવા માટે પોતાના યોગૈશ્વર્યથી મત્સ્યાદિ અવતારોને ધારણ કરનારા, અને પરમહંસોના પરમ ગતિરૂપ, આવા તમોને અમો વારંવાર નમસ્કાર કરીએ છીએ.૪

શુકદેવજી કહે છે આ પ્રમાણે લોકો ભગવાનની સ્તુતિ કરી રહ્યા હતા, તે સમયે યાદવો અને કૌરવોની સ્ત્રીઓ મળીને ત્રિલોકીએ ગાયેલી ભગવાનની કથાનું પરસ્પર વર્ણન કરવા લાગી. એ સ્ત્રીઓની વાતોનું હું તમારી પાસે વર્ણન કરું છું, તે સાંભળો.૫

દ્રૌપદી પૂછે છે હે રુક્મિણિ ! હે ભદ્રા ! હે જાંબવતિ ! હે નાગ્નજિતિ ! હે સત્યભામા ! હે કાલિંદિ ! હે શૈબ્યા ! હે રોહિણિ ! હે લક્ષ્મણા ! હે કૃષ્ણની સ્ત્રીઓ ! પોતાની માયાથી મનુષ્યલોકનું અનુકરણ કરતા શ્રીકૃષ્ણ ભગવાન જેવી રીતે તમોને પરણ્યા એ વાત અમને કહો.૫-૭

રુક્મિણી કહે છે મને શિશુપાળની સાથે પરણાવવા સારુ રાજાઓ ધનુષ ધરીને સજ્જ થયા હતા, ત્યાં અજેય યોદ્ધાઓ પણ જેના ચરણની રજને માથે ચઢાવે છે એવા ભગવાન, જેમ સિંહ બકરાના અને ગાડરના ટોળામાંથી પોતાના ભાગને લઇ જાય તેમ લઇ ગયા, તે ભગવાનના ચરણનું પૂજન મને પ્રાપ્ત થજો.૮

સત્યભામા કહે છે ભાઇ પ્રસેનના વધથી પરિતાપ પામેલા મારા પિતાએ મૂકેલા અભિશાપને મટાડવા સારુ, ભગવાને રીંછના રાજાને જીતીને મણિ લાવી મારા પિતાને આપતાં, ભગવાન ઉપર આરોપ મૂકવાના અપરાધથી ભય પામેલા મારા પિતાએ, જો કે મારું વાગ્દાન બીજાને થઇ ચૂક્યું હતું, તોપણ શ્રીકૃષ્ણને મારું દાન આપ્યું.૯

જાંબવતી કહે છે મારા પિતાએ આ શ્રીકૃષ્ણને ‘‘પોતાના ઇષ્ટદેવ અને સ્વામી રામચંદ્ર છે’’ એમ નહીં જાણતાં એમની સાથે સત્યાવીશ દિવસ સુધી યુદ્ધ કર્યું. પછી સાક્ષાત આ જ રામચંદ્ર છે, એવું પરીક્ષા દ્વારા જ્ઞાન થતાં મારા પિતાએ પગમાં પડીને પૂજનરૂપે મણિની સાથે શ્રીકૃષ્ણને મારું પણ દાન આપ્યું. એ શ્રીકૃષ્ણની હું દાસી છું.૧૦

કાલિંદી કહે છે મને પોતાના ચરણના સ્પર્શની ઇચ્છાથી તપ કરતી જાણીને, પ્રથમ પોતાના મિત્ર અર્જુન દ્વારા મળીને જેણે મારું પાણિગ્રહણ કર્યું તે ભગવાનના ઘરમાં હું વાશીદું વાળનારી છું.૧૧

મિત્રવિંદા કહે છે લક્ષ્મીના નિવાસરૂપ જે ભગવાન, સ્વયંવરમાં આવીને રાજાઓને તથા અપકાર કરતા મારા ભાઇઓને પણ જીતી લઇ, સિંહ જેમ કુતરાઓના ટોળાંમાંથી પોતાના ભાગને લઇ જાય તેમ મને દ્વારકામાં લઇ ગયા, તે ભગવાનના ચરણ ધોવાનું કામ મને દરેક જન્મમાં મળજો.૧૨

નાગ્નજિતી કહે છે મારા પિતાએ રાજાઓના બળની પરીક્ષા લેવાને માટે પાળેલા, તીક્ષ્ણ શીંગડાંવાળા, ભારે બળવાળા અને વીરપુરુષોના દુષ્ટ અભિમાનને ઉતારનારા સાત આખલાઓને બાળકો જેમ બકરીનાં બચ્ચાને બાંધી લે તેમ, ભગવાને રમતા રમતા બાંધી લીધા હતા.૧૩ આ પ્રમાણે જે મારું મૂલ્ય પરાક્રમ જ હતું તે મને પરણી, માર્ગના રાજાઓને જીતીને મારા પિતાએ આપેલી દાસીઓ તથા ચાર અંગવાળી સેનાની સાથે મને ભગવાન દ્વારકામાં તેડી ગયા. તે ભગવાનનું દાસીપણું મને પ્રાપ્ત થજો.૧૪

ભદ્રા કહે છે હે દ્રૌપદી ! ભગવાન શ્રીકૃષ્ણ મારા મામાના પુત્ર છે. મારું ચિત્ત એક ભગવાનમાં જ લાગેલું હતું. જ્યારે મારા પિતાને આ વાતની ખબર પડી ત્યારે સ્વયં મારા પિતાએ ભગવાનને બોલાવીને અક્ષૌહિણી સેના અને દાસીઓની સાથે મને ભગવાનના ચરણોમાં સમર્પિત કરી દીધી.૧૫ હું મારું પરમ કલ્યાણ એમાં જ સમજું છું, કે કર્મને અનુસારે મને જ્યાં જ્યાં જન્મ લેવો પડે, ત્યાં સર્વત્ર મને શ્રીકૃષ્ણના ચરણકમળનો સ્પર્શ પ્રાપ્ત થતો રહે.૧૬

લક્ષ્મણા કહે છે હે દ્રૌપદી ! વારંવાર નારદજીના ગાયનમાંથી ભગવાનનાં જન્મ કર્મ સાંભળવામાં આવતાં, લક્ષ્મીજી પણ લોકપાળોને મૂકીને ભગવાનને જ વર્યાં છે. એવો વિચાર કરી મારું ચિત્ત પણ ભગવાનમાં જ લાગ્યું હતું.૧૭ દીકરી પર પ્રીતિ રાખનારા બૃહત્સેન નામના મારા પિતાએ મારો અભિપ્રાય જાણી શ્રીકૃષ્ણની પ્રાપ્તિને માટે ઉપાય કર્યો.૧૮ હે દ્રૌપદી ! જેમ તમારા સ્વયંવરમાં અર્જુનને આપવાની ઇચ્છાથી તમારા પિતાએ મત્સ્યવેધનું આયોજન કર્યું હતું, તેમ મારા સ્વયંવરમાં પણ મારા પિતાએ મત્સ્યવેધનું આયોજન કર્યું હતું, પરંતુ તમારા સ્વયંવરની અપેક્ષાએ મારા સ્વયંવરમાં એ વિશેષતા હતી કે, મત્સ્ય બહારથી ઢાંકેલો હતો પણ કેવળ જળમાં તેનો પડછાયો જોયામાં આવતો હતો. માટે દૃષ્ટિ નીચે અને નિશાન ઉપર હોવાથી એ મત્સ્ય કૃષ્ણ વિના બીજા કોઇથી ભેદાય એમ ન હતો.૧૯ આ વાત સાંભળી સર્વ અસ્ત્ર તથા શસ્ત્રના તત્ત્વને જાણનારા હજારો રાજાઓ પોતપોતાના ઉપાધ્યાયોની સાથે મારા પિતાના પુરમાં આવ્યા હતા.૨૦ સૌ સૌનાં પરાક્રમ અને અવસ્થા પ્રમાણે મારા પિતાએ પૂજેલા રાજાઓએ સભામાં મત્સ્યવેધ કરવા સારુ ધનુષબાણ લીધાં, પણ સર્વેના મન મારામાં લાગવાથી વીંધી શક્યા નહીં.૨૧ કેટલાકે ધનુષબાણ લઇને મૂકી દીધાં, કેટલાકે ધનુષપર દોરી જ ચઢાવી શક્યા નહીં, અને કેટલાક કાંડા સુધી દોરી ખેંચી પણ ધનુષનો ઝપાટો લાગવાથી પડી ગયા.૨૨ જરાસંધ, અંબષ્ઠ, શિશુપાળ, ભીમ, દુર્યોધન, કર્ણ અને બીજા વીરલોકોએ ધનુષમાં દોરી પૂરી રીતે ચઢાવી, પણ તેઓ કોઇ મત્સ્યની સ્થિતિને જ જાણી શક્યા નહીં.૨૩ પછી અર્જુને જળમાં મત્સ્યનો આભાસ જોઇ તથા તેની સ્થિતિ પણ જાણી લઇને સાવધાનપણાથી બાણ નાખ્યું, અને તે બાણ મત્સ્યને અડ્યું પણ તેથી તે કપાયો નહીં.૨૪ આ પ્રમાણે અભિમાની ક્ષત્રિયો માનભંગ પામીને અટકતાં શ્રીકૃષ્ણે ધનુષ લઇ દોરી ચઢાવી તથા લીલામાત્રથી તેમાં બાણ ચઢાવીને મધ્યાહ્ન કાળના અભિજિત મુહૂર્તમાં એકવાર જળમાં મત્સ્ય જોઇને તેને બાણથી કાપીને પાડી દીધો.૨૫-૨૬ આ સમયમાં પૃથ્વી અને સ્વર્ગમાં દુંદુભિ વાગવા લાગ્યાં અને જય જય શબ્દો થવા લાગ્યા. હર્ષથી વિહ્વળ થયેલા દેવતાઓ પુષ્પની વૃષ્ટિ કરવા લાગ્યા.૨૭ પછી નવાં ઉત્તમ રેશમી વસ્ત્ર પહેરી અને ચોટલામાં માળાઓ ગૂંથીને લાજ સહિત હસતા મોઢાવાળી હું સુવર્ણની ઉત્તમ રત્નોવાળી માળા હાથમાં લઇને ઝાંઝરના ઝમકારાવાળા પગથી તે સભામંડપમાં આવી.૨૮ જે મારા હૃદયમાં પ્રેમ હતો, તે મેં ઘણા કેશવાળું અને કુંડળથી શોભી રહેલા ગાલવાળું મોઢું ઊંચું કરી તથા શીતળ હાસ્ય સહિત કટાક્ષોથી ચારેકોર ધીરે ધીરે રાજાઓને જોઇને શ્રીકૃષ્ણના ગળામાં પોતાની માળા પહેરાવી.૨૯ તેટલી વારમાં મૃદંગ, પટહ, શંખ, ભેરી અને આનક આદિ વાજાં વાગવા લાગ્યાં, નટ અને નર્તકીઓ નાચવા લાગી, અને ગવૈયાઓ ગાવા લાગ્યા.૩૦ હે દ્રૌપદી ! આ પ્રમાણે હું પ્રભુ શ્રીકૃષ્ણને વરતાં, સ્પર્ધા કરનારા અને કામદેવથી પરવશ થએલા મોટા મોટા રાજાઓ તે વાતને સહન કરી શક્યા નહીં.૩૧ એટલી વારમાં ચાર ઉત્તમ ઘોડાથી જોડેલા રથમાં મને બેસાડી, બે હાથથી મારું આલિંગન કરી અને બે હાથથી ધનુષબાણ લઇ શ્રીકૃષ્ણ યુદ્ધમાં સજ્જ થઇ ગયા.૩૨ દારુક સારથિએ સોનાના સામાનવાળો રથ હાંક્યો. મૃગો જોઇ રહેતાં જેમ સિંહ ચાલ્યો જાય, તેમ રાજાઓના દેખતા ભગવાન ચાલ્યા ગયા.૩૩ કેટલાક રાજાઓ ધનુષ ઉપાડીને જેમ કુતરા સિંહની પછવાડે દોડે, તેમ ભગવાનને રોકવા સારુ તેમની પછવાડે દોડ્યા, અને કેટલાક રાજાઓ આગળથી જઇને માર્ગમાં સજ્જ થઇ ગયા.૩૪ શારંગ ધનુષમાંથી નીકળેલા બાણોના સમૂહોથી જેઓના હાથ, પગ અને ગળાં કપાઇ ગયાં એવા તે રાજાઓ યુદ્ધમાં પડી ગયા અને કેટલાક યુદ્ધ મૂકીને ભાગી ગયા.૩૫ પછી સૂર્ય જેમ અસ્તાચળમાં જાય તેમ શ્રીકૃષ્ણ બહુજ શણગારેલી, પૃથ્વીમાં તથા સ્વર્ગમાં વખણાએલી, સૂર્યને ઢાંકનાર ધ્વજાવાળી અને વિચિત્ર તોરણોવાળી પોતાની દ્વારકા નગરીમાં પધાર્યા.૩૬ મારા પિતાએ ઘણાં મૂલ્યનાં વસ્ત્ર, અલંકાર, શય્યા, આસન અને બીજા સામાનોથી, મિત્રો, સંબંધીઓ અને બાંધવોની પૂજા કરી.૩૭ શ્રીકૃષ્ણ પૂર્ણ છે તોપણ તેમને ભક્તિને લીધે દાસીઓ, સર્વપ્રકારની સંપત્તિઓ, યોદ્ધા, હાથી, રથ, ઘોડા અને સર્વોત્તમ આયુધો આપ્યાં.૩૮ આ અમે આઠજણી સર્વસંગની નિવૃત્તિ અને તપના પ્રભાવથી તે આત્મારામ સાક્ષાત શ્રીકૃષ્ણના ઘરની દાસીઓ થએલી છીએ.૩૯

સોળહજાર અને એકસો સ્ત્રીઓ કહે છે નરકાસુરે દિગ્વિજયમાં જીતી લીધેલા રાજાઓની કન્યાઓ અમોને નરકાસુરે પોતાના મહેલમાં કેદ કરેલી હતી, અમો સંસારથી છોડાવનારા ભગવાનના ચરણારવિંદનું સ્મરણ કરતી હતી, આ વાતને જાણીને શ્રીકૃષ્ણ ભગવાન પોતે પૂર્ણકામ હોવા છતાં પણ યુદ્ધમાં પરિવાર સહિત નરકાસુરને મારી નાખીને પરણ્યા છે.૪૦ હે દ્રૌપદી ! અમે ચક્રવર્તિપણાને, ઇંદ્રપદવીને, તે બન્ને પ્રકારના વૈભવને , અણિમાદિ સિદ્ધિઓને, બ્રહ્માની પદવીને, સાલોક્યાદિક મુક્તિઓને અથવા કૈવલ્યમોક્ષને પણ ઇચ્છતી નથી; પરંતુ લક્ષ્મીજીના સ્તન ઉપર લગાવેલાં કેસરની સુગંધવાળી એ ભગવાનની સર્વોત્તમ ચરણરજને જ માથે ધરવાને ઇચ્છીએ છીએ.૪૧-૪૨ મહાત્મા છતાં પણ ગાયો ચારતા ભગવાનના ચરણની રજને ગોપીઓ, ભીલડીઓ, ખડ અને લતાઓ જેમ ઇચ્છે, અને ગોવાળો પણ જેમ તેમના ચરણના સ્પર્શને ઇચ્છે છે, તેમ અમે પણ ઇચ્છીએ છીએ.૪૩

ઇતિ શ્રીમદ્‌ મહાપુરાણ ભાગવતના દશમ સ્કંધનો ત્યાશીમો અધ્યાય સંપૂર્ણ.