ગઢડા મઘ્ય ૬૨ : આત્મનિષ્ઠા, પતિવ્રતાપણું ને દાસપણાનું

Submitted by Parth Patel on Thu, 17/02/2011 - 1:13am

ગઢડા મઘ્ય ૬૨ : આત્મનિષ્ઠા, પતિવ્રતાપણું ને દાસપણાનું

સંવત્ ૧૮૮૧ના માગસર શુદિ ૨ બીજને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં ઉત્તરાદે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા, અને શ્વેત પાઘ મસ્‍તક ઉપર બાંધી હતી, અને શ્વેત ચોફાળ ઓઢયો હતો, તથા શ્વેત ખેસ પહેર્યો હતો, અને શ્રીજીમહારાજના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી.

પછી શ્રીજીમહારાજે પોતાના ભત્રીજા જે અયોઘ્‍યાપ્રસાદજી ને રધુવીરજી તેમને બોલાવીને કહ્યું જે, ‘તમે અમને પ્રશ્ર્ન પુછો.’ પછી અયોઘ્‍યાપ્રસાદજીએ પ્રશ્ર્ન પુછયો જે “આ સંસારને વિષે એવો પુરૂષ હોય જે આઠે પહોર તો સંસારની વિટંબનામાં રહ્યો હોય અને ગમે એવું યોગ્‍ય અયોગ્‍ય કર્મ પણ થઇ જતું હોય અને તે એક ઘડી કે બે ઘડી ભગવાનનું ભજન કરતો હોય, ત્‍યારે તે ભજને કરીને તેણે દિવસ બધામાં પાપ કર્યું તે બળે કે ન બળે ?” એ પ્રશ્ર્ન છે. પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “સારો દિવસ પ્રવૃત્તિમાર્ગમાં રહીને ગમે તેવી ક્રિયા કરી હોય ને ભગવાનનું ભજન કરવા બેસે, તે સમે એ ભજનના કરનારાનાં ઇન્‍દ્રિયો, અંત:કરણ અને જીવ એ સર્વે એકાગ્ર થઇને જો ભજનમાં જોડાય, તે એવી રીતે એક ઘડી કે અધર્ી ઘડી પણ જો ભગવાનના ભજનમાં જોડાય, તો સમગ્ર પાપબળીને ભસ્‍મ થઇ જાય છે. અને ઇન્‍દ્રિયો, અંત:કરણ ને જીવ તે એકાગ્ર થઇને જો ભગવાનના ભજનમાં ન જોડાય, તો તેના ભજન થકી તો ઘડી કે અર્ધ ઘડીમાં પાપ ન બળે, અને એનું જે કલ્‍યાણ તે તો ભગવાનને પ્રતાપે કરીને થાય. એનો એ જ ઉત્તર છે.”

પછી રધુવીરજીએ પ્રશ્ર્ન પુછયો જે, હે મહારાજ ! “આ જીવનો મોક્ષ તે કેમ કરે ત્‍યારે થાય છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, જેને પોતાના કલ્‍યાણની ઇચ્‍છા હોય તેને પોતાનું દેહ, ધન, ધામ, કુટુંબ પરિવાર એ સર્વેને ભગવાનની સેવામાં જોડી દેવાં અને ભગવાનની સેવામાં જે પદાર્થ કામ ન આવે તો તેનો ત્‍યાગ કરી દેવો. એવી રીતે જે ભગવાન પરાયણ વર્તે, તે ગૃહસ્‍થાશ્રમી હોય તોય પણ મરે ત્‍યારે ભગવાનના ધામમાં નારદ સનકાદિકની પંકિતમાં ભળે, અને પરમ મોક્ષને પામે, એનો એ જ ઉત્તર છે.

એવી રીતે શ્રીજીમહારાજ વાર્તા કરીને પછી પોતાની ઇચ્‍છાએ કરીને બોલતા હવા જે ”અમે જે દિવસથી વિચારીએ છીએ તે દિવસથી અમારી નજરમાં એમ આવે છે જે, જીવના કલ્‍યાણ અર્થે ત્રણ અંગ છે તે અતિ સુખદાયી છે. તેમાં એક તો અતિશે આત્‍મનિષ્‍ઠા, જે શુકજીની પેઠે આત્‍મરૂપ થઇને પરમેશ્વરનું ભજન કરવું અને બીજું પતિવ્રતાનું અંગ, જે ગોપીઓની પેઠે પતિભાવે ભગવાનનું ભજન કરવું અને ત્રીજું દાસપણાનું અંગ, જે હનુમાનજી તથા ઉદ્ધવજીની પેઠે દાસભાવે ભગવાનનું ભજન કરવું, એ ત્રણ અંગ વિના કોઇ રીતે કરીને જીવનું કલ્‍યાણ થતું નથી. અને અમે તો એ ત્રણ અંગને દૃઢ કરી રાખીએ છીએ અને એ ત્રણ અંગમાંથી જેને એકે અંગ દૃઢપણે હોય તો તે કૃતાર્થ થાય છે અને હવે એ ત્રણ અંગવાળાનાં જે લક્ષણ તે નોખાં નોખાં કરીને કહીએ છીએ. તેમાં આત્‍મનિષ્‍ઠાવાળાનું તો એ લક્ષણ છે જે, એક કોરે તો આત્‍મા છે અને એકકોરે તો દેહ, ઇંદ્રિયો, અંત:કરણ, ત્રણ ગુણ, પંચવિષય એ આદિક જે માયાનું ટોળું તે છે અને એ બેયના મઘ્‍યને વિષે જે વિચાર રહે, તે વિચાર જ્ઞાનસ્‍વરૂપી છે. તે વિચાર જેમ વાયુએ રહીત સ્‍થળને વિષે દીપકની શિખા અતિશે સ્‍થ્‍િાર થઇને રહે છે, તેમ સ્‍થ્‍િાર થઇને રહે છે ને તે વિચાર દેહ, ઇન્‍દ્રિયોને અંત:કરણ એમને આત્‍મા સંગાથે એક થવા દેતો નથી અને તે વિચાર પણ આત્‍મા સંધાથે એક થતો નથી અને જ્યારે તે વિચારને જીવ પામે છે ત્‍યારે તે જીવની વૃત્તિ કાશી સુધી લાંબી હોય તે વડતાલ જેટલામાં આવે છે અને પછી તે વિચાર જ્યારે દૃઢ થાય ત્‍યારે વડતાલ થકી આ ગઢડા જેટલામાં આવે છે, ને પછી આ ગઢડા જેટલી લાંબી વૃત્તિ હોય તે સંકેલાઇને પોતાના દેહ જેટલામાં રહે છે અને પછી દેહમાંથી વૃત્તિ ટુંકી થઇને ઇન્‍દ્રિયોના ગોલકમાં જ રહે છે અને પછી ઇન્‍દ્રિયોના ગોલક થકી ઇન્‍દ્રિયોની વૃત્તિ છે, તે અંત:કરણ સન્‍મુખ થઇ જાય છે ને પછી ઇન્‍દ્રિયોની ને અંત:કરણની જે વૃત્તિ છે, તે આત્‍માને વિષે લીન થઇ જાય છે. ત્‍યારે એ જીવના વાસના લિંગ દેહનો નાશ થયો કહેવાય છે અને એ વિચાર છે, તે જ્યારે આ જીવ સંગાથે મળે છે ત્‍યારે તે જીવના હૃદયને વિષે પ્રકાશ થાય છે અને પોતાના આત્‍માનું બ્રહ્મરૂપે દર્શન થાય છે ને તે બ્રહ્મને વિષે પરબ્રહ્મ જે નારાયણ તેનું પણ દર્શન થાય છે અને તે દર્શનના કરનારાને એમ અનુભવ થાય છે, જે હું આત્‍મા છું અને મારે વિષે જે પરમાત્‍મા છે તે અખંડ રહ્યા છે અને એવી રીતની અખંડ સ્‍થ્‍િાતિ રહે, એ આત્‍મનિષ્‍ઠાની અતિ ઉત્તમ દશા છે અને પતિવ્રતાનું જે અંગ છે તેતો વ્રજની ગોપીઓના જેવું જોઇએ. જેમ ગોપીઓએ જે દિવસ થકી શ્રીકૃષ્ણભગવાનના ચરણારવિંદનો સ્‍પર્શ કર્યો તે દિવસ થકી જેટલાં સંસાર સંબંધી જે સુખ તે સર્વે ઝેર જેવાં થઇ ગયાં, તેમ જેને પતિવ્રતાના અંગની ભકિત હોય, તે ગમે તો ઇન્‍દ્રજેવો રૂપાળો પુરૂષ હોય તથા દેવતા જેવો હોય તથા કોઇક રાજા હોય, ને તેને જ્યારે દેખે ત્‍યારે, જેમ સડેલ કુતરાને દેખે અથવા વિષ્‍ટાને દેખે ત્‍યારે અતિશે ગ્‍લાની પામીને દૃષ્ટિ પાછી ખેંચી લેછે, તેમ દૃષ્ટિ પાછી ખેંચાઇ જાય, તે ઉત્તમ પતિવ્રતાની રીતિ છે. તે માટે જેને એક ભગવાનને વિષેજ પતિભાવે કરીને વૃત્તિ જોડાણી છે તેનું બીજા કોઇ પુરૂષને દેખીને મન રાજી થાયજ નહિ અને ત્રીજું જેને દાસભાવે કરીને ભકિતનું અંગ છે તેને પણ પોતાના જે ઇષ્‍ટદેવ છે, તેનુંજ દર્શન ગમે અને તેનીજ વાર્તા સાંભળવી ગમે ને પોતાના ઇષ્‍ટદેવનોજ સ્‍વભાવ ગમે અને તેનીજ પાસે રહેવું ગમે. એવો પ્રીતિવાન હોય તો પણ પોતાના ઇષ્‍ટદેવની સેવા સારૂં ને રાજીપા સારૂં રાત દિવસ એમ ઇચ્‍છયા કરે જે, મને મારા ઇષ્‍ટદેવ કાંઇક આજ્ઞા કરે તો હું અતિશે હર્ષ કરીને કરૂં. પછી પોતાના ઇષ્‍ટદેવ છે તે આજ્ઞા કરે તો છેટે જઇને રહે, તો પણ રાજી થકો રહે પણ કોઇ રીતે અંત:કરણમાં ખેદ પામે નહિ. અને આજ્ઞાને વિષેજ પરમ આનંદ માને. એ દાસત્‍વ ભકિતની ઉત્તમ દશા છે. એવા દાસત્‍વભકિતવાળા તો આજ ગોપાળાનંદ સ્વામી છે અને બીજા મુકતાનંદ સ્વામી છે અને એ ત્રણે અંગવાળા જે ભગવાનના ભક્ત તેમાં ઉત્તમ, મઘ્‍યમ અને કનિષ્‍ઠ પક્ષ છે  અને એથી જે બહાર રહ્યા તેતો કેવળ પામર કહેવાય. માટે એ ત્રણમાંથી એક અંગ પરિપૂર્ણ થાય ને તે કેડે દેહ મુકે તેતો ઠીક છે અને એ ત્રણમાંથી એકે અંગ જેને પરિપકવ ન થયું હોય ને તેને જે મરવું, તે ઠીક નથી. તેતો પાંચ દહાડા વધુ જીવે ને પોતાની અણસમજણને ટાળીને એ, ત્રણ અંગમાંથી કોઇક એક અંગને દૃઢ કરીને મરે એજ ઠીક છે.

અને વળી આ જીવનો તો એવો સ્‍વભાવ દેખાય છે જે, ‘જ્યારે ગૃહસ્‍થાશ્રમમાં હોય, ત્‍યારે સંસારનો ત્‍યાગ કરવો ગમે અને જ્યારે ત્‍યાગ કરે છે, ત્‍યારે પાછા સંસાર સંબંધી સુખના ઘાટ થયા કરે’ એવી રીતે એ જીવનો અવળો સ્‍વભાવ જણાય છે. માટે જે ભગવાનના દૃઢ આશ્રિત હોય તેને તો એવા અવળા સ્‍વભાવનો ત્‍યાગ કરીને ને પોતાના મનનું ગમતું સર્વે મુકીને ભગવાનને ભજવા. અને ભગવાન વિના બીજી સર્વે વાસનાને ટાળીને મરવું તે જ ઠીક છે. અને જેને ભગવાનમાં અતિશે પ્રીતિ ન હોય તેને તો આત્‍મનિષ્‍ઠા જ વિચારે કરીને દૃઢ કરવી. કેમ જે, જે ભગવાનના ભક્ત હોય તેને કાંતો આત્‍મનિષ્‍ઠા દૃઢ જોઇએ, ને કાંતો ભગવાનને વિષે અતિશે દૃઢ પ્રીતિ જોઇએ.અને એ બે અંગમાંથી જેને એકે અંગની અતિશે દૃઢતા ન હોય તેને તો જે આ સત્‍સંગના નિયમ છે તેમાં દૃઢપણે કરીને રહેવું, તો જ સત્‍સંગી રહેવાય,નહિ તો સત્‍સંગ થકી બહાર પડી જવાય અને ભગવાનનો જે ભક્ત હોય તેને તો જે જે પ્રકારનાં દુ:ખ આવે છે તે દુ:ખના દેનારા કાળ, કર્મ, માયા, એમાંથી કોઇ નથી. એ તો પંડે ભગવાન જ પોતાના ભક્તની ધીરજ જોવાને અર્થે દુ:ખને પ્રેરે છે. અને પછી જેમ કોઇક પુરૂષ પડદામાં રહીને જુવે, તેમ ભક્તની ધીરજને ભગવાન ભક્તના હૃદયમાં રહીને જોયા કરે છે. પણ કાળ, કર્મ, માયાનો શો ભાર છે જે ‘ભગવાનના ભક્તને પીડી શકે ?’ એતો ભગવાનની ઇચ્‍છા છે, એમ જાણીને ભગવાનનો ભક્ત હોય તેને મગ્‍ન રહેવું.”

એ વાર્તા સાંભળીને મુકતાનંદસ્વામીએ પ્રશ્ર્ન પુછયો જે, “હે મહારાજ ! એ ત્રણ જે અંગ તમે કહ્યાં, તે વાત તો અતિ ઝીણી છે, ને કઠણ છે. તે કોઇકના જ સમજ્યામાં આવે ને કોઇકના જ વર્ત્યામાં આવે, પણ સર્વેને ન આવે અને આ સત્‍સંગમાં તો લક્ષાવધિ મનુષ્ય છે, તે સર્વેને તો આ વાર્તા સમજવી કઠણ છે. માટે તે કેમ કરે ત્‍યારે તેનું રૂડું થાય ?” પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, તે તો એ ત્રણ અંગવાળા માંહિલો જે હરિભક્ત હોય, તેનો દાસાનુદાસ થઇને તેની આજ્ઞામાં રહે, તો તે કાંઇ ન સમજતો હોય, તો પણ એ છતી દેહે જ ભગવાનનો પાર્ષદ થઇ રહ્યો છે, ને કૃતાર્થ થઇ રહ્યો છે. અને આ સંસારને વિષે ભગવાન ને ભગવાનના ભક્તનો તો મહિમા અતિશય મોટો છે. તે ગમે તેવો પામર ને પતિત જીવ હોય પણ ભગવાન ને ભગવાનના ભક્તને આશ્રિત થાય તો તે જીવ કૃતાર્થ થઇ જાય છે. એવો ભગવાન ને ભગવાનના ભક્તનો મહિમા છે. માટે જેને ભગવાનના ભક્તની સેવા પ્રાપ્‍ત થઇ તેને તો નિધડક રહેવું. અને આ ત્રણ અંગની જે અમે વાર્તા કરી છે તે બહુધા તો આ મુકતાનંદ સ્વામી સારૂં કરી છે, અને મુકતાનંદ સ્વામી ઉપર અમને ઘણું હેત છે, ને એમને શરીરે મંદવાડ છે, તે રખે કોઇ વાતની સમજણમાં ખામી રહી જાય નહિ. એમ જાણીને આ વાર્તા કરી છે. પછી મુકતાનંદ સ્વામીએ કહ્યું જે, હે મહારાજ ! મેં પણ જાણ્‍યું છે જે, હું સારૂં જ આ વાર્તા કરી છે.ઇતિ વચનામૃતમ્ ગઢડા મઘ્યનું ||૬૨|| ૧૯૫ ||