ગઢડા મઘ્ય ૬૩ : બળ પામવાનું

Submitted by Parth Patel on Thu, 17/02/2011 - 1:14am

ગઢડા મઘ્ય ૬૩ : બળ પામવાનું

સંવત્ ૧૮૮૧ના માગશર વદિ ૨ બીજને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં પોતાના ઉતારાને વિષે વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને પોતાના મુખારવિંદની આગળ ભજનાનંદ સ્વામી શ્રીમદ્ભાગવતનો પાઠ કરતા હતા, ને પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી.

પછી મુકતાનંદ સ્વામીએ પ્રશ્ર્ન પુછયો જે, “હે મહારાજ ! દષ્‍ટા ને દશ્‍યના મઘ્‍યમાં જે વિચાર રહે છે, તે દૃષ્ટા ને દશ્‍યને જુદાં જુદાં રાખે છે. એમાં જીવનું જાણપણું કયું જાણવું ને ઇંદ્રિયો અંત:કરણનું જાણપણું કયું જાણવું ?” પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, અમને તો એમ જણાય છે જે, જેનો જીવ અતિશે બળને પામ્‍યો હોય તેને તો અંત:કરણની વૃત્તિઓ તે જીવની જ વૃત્તિ છે અને તેના ચાર ક્રિયાએ કરીને ચાર વિભાગ જણાય છે. અને તે અંત:કરણમાં ને ઇંદ્રિયોમાં જાણપણું છે તે જીવનું જ છે. તે ઇન્‍દ્રિયો અંત:કરણને જ્યાં ધટિત હોય ત્‍યાં ચાલવા દે, ને જ્યાં ધટિત ન હોય ત્‍યાં ન ચાલવા દે અને જેનો જીવ અતિશે બળને પામ્‍યો હોય, તેને તો ભૂંડું સ્‍વપ્ન પણ  આવે નહિ. અને જેનો જીવ નિર્બળ હોય, તેને તો સાંખ્‍યના મતને અનુસરીને એક દૃષ્ટા એવો જે પોતાનો આત્‍મા તે આત્‍માપણે રહેવું, પણ ઇંદ્રિયો અંત:કરણ ભેળું ભળવું નહિ. એવી રીતે સત્તારૂપ રહેતાં થકાં એનો જીવ બળને પામે છે. અને એથી પણ બળ પામવાનો એક અતિશે મોટો ઉપાય છે. જે ભગવાન ને ભગવાનના જે સંત તેને વિષે જેને પ્રીતિ હોય, ને તેની સેવાને વિષે અતિશય શ્રદ્ધા હોય, ને ભગવાનની નવધા ભકિતએ યુક્ત હોય, તેના જીવનેતો તત્‍કાળ અતિશે બળ આવે છે. માટે જીવને બળ પામવાને અર્થે, ભગવાન ને ભગવાનના ભક્તની સેવા બરોબર બીજો કોઇ ઉપાય નથી.

અને વળી અમે અમારા અંતરની વાર્તા કહીએ જે, જ્યારે અમે અગનોતરાની સાલમાં માંદા થયા હતા, ત્‍યારે કૈલાસ ને વૈકુંઠ દેખ્‍યામાં આવ્‍યાં, ને નંદીશ્વરની અસવારી ને ગરૂડની અસવારી પણ અમે કરી. એમ અમારા દીઠામાં આવ્‍યું, પણ તે સામર્થિમાં અમને કાંઇ સારૂં લાગ્‍યું નહિ. પછી તો અમે કેવળ સત્તારૂપે રહેવા માંડયું, ત્‍યારે સર્વે ઉપાધિની શાંતિ થઇ. પછી એમાં પણ અમને વિચાર થયો જે, સત્તારૂપે રહેવું તેથી પણ ભગવાન ને ભગવાનના ભક્ત ભેળે દેહ ધરીને રહેવું એ શ્રેષ્‍ઠ છે. માટે અમને એમ બીક લાગી જે, રખે સત્તારૂપે રહીએ ને પાછો દેહ ન ધરાય. માટે દેહ ધરીને ભગવાન ને ભગવાનના ભક્તની ભેળે રહીએ, ને તેને અર્થે જે સેવા બની આવે, એ જ અતિશે શ્રેષ્‍ઠ સાધન છે. અને જ્યારે જીવને અંત સમો આવે છે, ત્‍યારે અનંત જાતની આધિ ને ૨વ્‍યાધિ પ્રકટ થાય છે. પછી ભગવાન કે ભગવાનના સંતનું જ્યારે દર્શન થાય છે, ત્‍યારે સર્વે દુ:ખનો નાશથઇ જાય છે, એવો ભગવાનનો ને ભગવાનના ભક્તનો મહિમા મોટો છે અને ભગવાનના ભક્ત છે, તે તો કેવળ બ્રહ્મની જ મૂર્તિઓ છે. એને વિષે તો મનુષ્યભાવ લાવવોજ નહિ અને જેમ પોતાના દેહનાં કુટુંબી હોય છે, ને તેને તેના હીતને અર્થે આપણે વઢીને કહીએ ને આપણને તે વઢીને કહે પણ અંતરમાં કોઇને આંટી પડતી નથી, તેમ ભગવાનના ભક્ત સંધાથે વર્ત્યું જોઇએ અને જેને ભગવાન કે ભગવાનના ભક્ત સંધાથે આંટી પડી જાય છે, તે તો અમને દીઠો પણ ગમતો નથી, ને તે ઉપરથી રીસ પણ કોઇ દિવસ ઉતરતી નથી અને આ સંસારમાં પંચ મહાપાપના કરનારાનો કોઇ દિવસ છુટકો થાય, પણ ભગવાનના ભક્તના દ્રોહના કરનારાનો કોઇ દિવસ છુટકો થતો નથી. માટે ભગવાનના ભક્તની જે સેવા કરવી, તે બરોબર કોઇ પુણ્‍ય નથી, ને ભગવાનના ભક્તનો દ્રોહ કરવો, તે બરોબર કોઇ પાપ પણ નથી. માટે જેને પોતાના જીવને બળવાન કરવો હોય, તેને તો ભગવાન કે ભગવાનના ભક્તને મન, કર્મ, વચને શુદ્ધભાવે કરીને સેવવા. ઇતિ વચનામૃતમ્ ગઢડા મઘ્યનું ||૬૩|| ૧૯૬ ||