અધ્યાય - ૨૯ - શ્રીહરિએ રાજધર્મોમાં અહિંસાદિક સનાતન ધર્મનું કરેલું નિરૃપણ.

Submitted by swaminarayanworld on Tue, 08/08/2017 - 9:35pm

અધ્યાય - ૨૯ - શ્રીહરિએ રાજધર્મોમાં અહિંસાદિક સનાતન ધર્મનું કરેલું નિરૃપણ.

શ્રીહરિએ રાજધર્મોમાં અહિંસાદિક સનાતન ધર્મનું કરેલું નિરૃપણ.

ભગવાન શ્રીનારાયણમુનિ કહે છે, હે બ્રહ્મન્ ! રાજાએ માંસનું ભક્ષણ ન કરવું. મૃગ્યાદિક પ્રાણીઓની હિંસા ન કરવી. માંસભક્ષી અન્ય જનોને પણ હિંસા કરતાં રોકવા.૧

કારણ કે અહિંસા છે તે જ પરમ ધર્મ કહેલો છે. એથી હિંસા તો મન, વચન, શરીર અને સંગે કરીને પણ ન કરવી.૨

જે રીતે ચારપગવાળા બળદ આદિક પશુઓનો જો એક પગ ઓછો હોય તો ચાલી શકતાં નથી અને અલ્પ કાળમાં જ તે મૃત્યુ પામે છે.૩

તેવી રીતે આ અહિંસા ધર્મ પણ મન આદિક પૂર્વોક્ત ચારે પ્રકારે પાલન કરવો. અને જો તેમાંથી એકાદનો લોપ થાય તો અહિંસા ધર્મ નાશ પામે છે.૪

જે પુરુષ પ્રથમ મનના સંકલ્પથી, વાણીથી અને દેહથી હિંસાનો ત્યાગ કરે છે અને પછી હિંસા કરનારાઓના સંગનો પણ ત્યાગ કરે છે. અને માંસનું ભક્ષણ ક્યારેય પણ કરતો નથી, તે જ પુરુષ સંસૃતિના દુઃખ થકી મુક્ત થાય છે.૫

રાજા તો સર્વેનો પિતા કહેવાય ને સર્વે જીવો રાજાના પુત્રો કહેવાય તેથી જીવપ્રાણી માત્રની રાજાએ હિંસક જનો થકી રક્ષા કરવી અને તેમના ભયથી પણ સદાય રક્ષા કરવી.૬

જે રાજા માંસને પુત્રના માંસયોગ્ય જાણતો હોવા છતાં રસમાં લુબ્ધ થઇ મોહ પામીને માંસભક્ષણ કરે છે, તે રાજાને રાક્ષસ કહેલો છે.૭

અહિંસા આદિક સદાચારમાં નિષ્ઠાવાળા ઘણા બધા શિબિ આદિક રાજાઓ પોતાના જીવનની આશાઓ છોડીને પોતાના માંસથી પરનું પોષણ કરીને સ્વર્ગે સીધાવ્યા છે.૮

સપ્તર્ષિઓ, વાલખિલ્યાદિ મુનિઓ અને મરીચ્યાદિ મહર્ષિઓ પણ માંસભક્ષણનો નિષેધ કરેલો છે. તેમજ બીજા સર્વે મુનિઓએ પણ માંસભક્ષણના નિષેધની પ્રશંસા કરી છે.૯

યજ્ઞામાં પણ પ્રત્યક્ષ પશુ હોમ કરવો તે વેદને સંમત નથી. અને જે કહ્યું છે તે તો રજોગુણી અને તમોગુણી પુરુષોના રાગથી થતી હિંસાની નિવૃત્તિ માટે કહ્યું છે. પરંતુ હિંસાપરક યજ્ઞો કરવા, એવો વેદનો અભિપ્રાય નથી.૧૦

તેમજ ધર્મપરાયણ રાજાએ વિધિપૂર્વક રાજ્યનું પ્રશાસન ચલાવતાં આયુષ્યના ત્રીજા ભાગમાં મોટા પુત્રને વિધિપૂર્વક રાજ્ય સોંપી પોતે વનમાં જઇ ભગવાનના એકાંતિક ભક્ત કે સંતોનો સમાગમ કરવો. એમ કરતાં જો રાજાને શ્રીહરિમાં દૃઢ ભક્તિ થાય તો ભગવાનના પરમ પદને પ્રાપ્ત કરે છે.૧૧-૧૨

ધાર્મિક રાજા રાજ્ય કરતાં કરતાં જો મૃત્યુ પામે અથવા રણસંગ્રામમાં મરાય તો તે પણ સ્વર્ગને પામે છે. અને ત્યાં અનેક પ્રકારના ભોગને ભોગવે છે.૧૩

પછી કાળે કરીને બચેલાં પુણ્યના પ્રતાપે મનુષ્યશરીર પામીને સંતોનો સમાગમ કરી ભગવાનની ભક્તિ કરે છે ત્યારે સંસારમાંથી મુક્ત થાય છે.૧૪

અને જો રાજા રાજ્યના મદથી ઉદ્ધત અને સ્વેચ્છાચારી થઇ મેં કહેલી આ ધર્મમર્યાદાને ઉલ્લંઘન કરીને વર્તે છે. તે રાજા આલોકમાં અતિશય અપકીર્તિને પામી છે અને મૃત્યુ સમયે પ્રજાનું પાપ સાથે લઇ યમપુરીમાં પાપકર્મનું ફળ સૂર્ય-ચંદ્ર તપે ત્યાં સુધી ભોગવે છે.૧૫-૧૬

ત્યાર પછી બહુ કાળે કરીને કીટ, પક્ષી આદિક યોનિઓમાં ભટકે છે. તેથી રાજાએ ધર્મનિષ્ઠ થઇ ઇન્દ્રિયોને નિયમમાં રાખી પ્રજાનું પાલન કરવું.૧૭

પૂર્વે બ્રહ્માજીએ રાજાઓને ધર્મનું જ્ઞાન આપવા અને પ્રજાના સુખને વાસ્તે એક લાખ અધ્યાયવાળા નીતિશાસ્ત્રની રચના કરી.૧૮

પછી શિવજીએ મનુષ્યોની અલ્પ આયુષ્યને જોઇ તે નીતિશાસ્ત્રનો સંક્ષેપ કરી વૈશાલાક્ષા નામના દશહજાર અધ્યાયવાળા મનોહર નીતિશાસ્ત્રની રચના કરી.૧૯

તેના પછી ઇન્દ્રે શિવજીએ કરેલા નીતિશાસ્ત્રનો પણ સંક્ષેપ કરી બાહુદંતક નામના પાંચ હજાર અધ્યાયવાળા સર્વોત્તમ નીતિશાસ્ત્રની રચના કરી.૨૦

હે વિપ્ર ! ત્યાર પછી સમય જતાં બૃહસ્પતિ મનુએ એજ નીતિશાસ્ત્રનો સંક્ષેપ કરી ત્રણ હજાર અધ્યાયવાળા બાર્હસ્પત્ય નામનું નીતિશાસ્ત્ર કર્યું.૨૧

તેનો સંક્ષેપ કરી શુક્રાચાર્યે સહસ્રાધ્યાયી નામના પ્રસિદ્ધ નીતિશાસ્ત્રની રચના કરી તેનો મુનિઓએ પૃથ્વી પર ચારે બાજુએ પ્રસાર કર્યો.૨૨

ત્યાર પછી મનુષ્યોની અલ્પબુદ્ધિ અને આયુષ્ય જોઇ ભારદ્વાજાદિ મુનિઓએ એજ શાસ્ત્રનો સંક્ષેપ કરી તેમનું પ્રવર્તન કર્યું.૨૩

તે નીતિશાસ્ત્રનો અહીં મેં તમને માત્ર સાર જ કહ્યો છે. બીજાં નીતિશાસ્ત્રમાં તેનો બહુ વિસ્તાર રહેલો છે. તે પ્રમાણે રાજાઓએ ધર્મથી પ્રજાનું રક્ષણ કરવું, આટલું નિશ્ચિત છે.૨૪

હે વિપ્ર ! આ પ્રમાણે મેં તમને રાજધર્મો કહ્યા. તે ધર્મોનો આશ્રય કરી વર્તતા રાજાઓ સ્વર્ગમાં ઇન્દ્રની સાથે આનંદ ભોગવે છે.૨૫

હે વિપ્ર શ્રેષ્ઠ ! જે પુરુષ મેં કહેલા આ ગૃહસ્થ ધર્મોનું વિષ્ણુ ભગવાનની ભક્તિ સાથે આચરણ કરે છે. તે પુરુષ તેમના પરમ અક્ષરધામને પામે છે તે નિઃસંશય છે.૨૬

જે પુરુષ આલોકમાં ભગવાનની ભક્તિએ રહિત હોય છતાં પણ મેં કહેલા ધર્મોનું પરમ શ્રદ્ધાથી આચરણ કરે છે તે મનુષ્ય સ્વર્ગને પામે છે. તે નક્કી વાત છે.૨૭

તે સ્વર્ગમાં ગયેલો પુરુષ પોતાના પુણ્યથી પ્રાપ્ત કરેલા ભોગોને ભોગવી ફરી આ ભૂમિપર કોઇ પુણ્યશાળીના ઘેર જન્મ ધારણ કરી પૂર્વથી અધિક પુણ્યકર્મ કરીને આગળ વધે છે.૨૮

આ પ્રમાણે અવતારી શ્રીનારાયણના ચરિત્રરૃપ શ્રીમત્સત્સંગિ-જીવન નામે ધર્મશાસ્ત્રના પંચમ પ્રકરણમાં ધર્મનો ઉપદેશ કરતા ભગવાન શ્રીહરિએ રાજધર્મમાં અહિંસાદિક સનાતન ધર્મોનું નિરૃપણ કર્યું, એ નામે ઓગણત્રીસમો અધ્યાય પૂર્ણ થયો. --૨૯--