અધ્યાય - ૩૦ - સધવા સ્ત્રીઓમાં કુલટા અને પતિવ્રતા એ બે ભેદનું શ્રીહરિએ કરેલું નિરૃપણ.

Submitted by swaminarayanworld on Tue, 08/08/2017 - 9:35pm

અધ્યાય - ૩૦ - સધવા સ્ત્રીઓમાં કુલટા અને પતિવ્રતા એ બે ભેદનું શ્રીહરિએ કરેલું નિરૃપણ.

સધવા સ્ત્રીઓના કુલટા અને પતિવ્રતા એ બે ભેદનું શ્રીહરિએ કરેલું નિરૃપણ.

ભગવાન શ્રીનારાયણમુનિ કહે છે, હે દ્વિજ ! હવે હું તમને સ્ત્રીઓના ધર્મો કહું છું, કે જે સધવા અને વિધવા નારીઓને આલોક તથા પરલોકમાં સુખને આપનારા છે.૧

પૂર્વે કૈલાશને વિષે શિવજીના સાંનિધ્યમાં સતી પાર્વતીજીએ ગંગા આદિક સ્ત્રીઓ પ્રત્યે સ્ત્રીઓના સર્વ ધર્મો કહેલા છે.૨

હે દ્વિજ ! આ પૃથ્વીપર મોટા સુખને ઇચ્છતી સ્ત્રીઓના હિતને માટે થોડી વિશેષતા સાથે તે જ સતીએ કહેલા ધર્મો હું તમને સંભવાવું છે.૩

કુળ, રૃપ અને ગુણોને યોગ્ય વરને જોઇ પિતા આદિકે તેવા વરને વિધિપૂર્વકના વિવાહકર્મમાં જે સ્ત્રીનું દાન કરેલું હોય તે જ સ્ત્રીને સધવા જાણવી.૪

જે નારીનો પતિ કાળગતિથી મૃત્યુ પામ્યો હોય તે નારીને વિધવા જાણવી. આવી વિધવા નારી સંન્યાસીની સમાન જ કહેલી છે. તેથી સંન્યાસીઓને જેમ અષ્ટ પ્રકારે સ્ત્રીઓનો ત્યાગ કહેલો છે, તેમ વિધવા નારીને પણ અષ્ટ પ્રકારે પુરુષનો ત્યાગ રાખવો.૫

સધવા નારીના બે પ્રકાર છે. તેમાં પહેલી સધવા સ્ત્રીઓ પણ કુલટા અને પતિવ્રતા એમ બે પ્રકારની છે. તેમાં જે સ્ત્રી પોતાના પતિ સિવાય બીજા પુરુષોમાં આસક્ત હોય તે સ્ત્રીઓને કુલટા જાણવી.૬

તે કુલટા નારી કોઇ અસદ્વંશમાં જ જન્મેલી હોય છે એવું નથી. સત્કુળમાં ઉત્પન્ન થયેલી હોવા છતાં વ્યભિચારનો દુષ્ટ સ્વભાવ ધરાવતી કુલટા હોય છે. તેવી સ્ત્રી હમેશાં પતિ, પુત્ર આદિકને મરાવી નાખવા આદિક અધર્મ સ્વભાવવાળી તથા સદાય ક્રોધ પરાયણ દુર્મુખી અને કજીયાખોર હોય છે.૭

દુર્બુદ્ધિવાળી એ કુલટા સ્ત્રી નિત્યે પોતાના પતિનો તિરસ્કાર કરતી હોય છે. અને જારપુરુષની સાથે નિત્યે ક્રીડા કરે છે, પોતાનો પતિ ધર્મિષ્ઠ હોવા છતાં તેને હમેશાં ઝેર જેવો લાગે છે.૮

સદાય પાપની પાળ, તે કુલટા સ્ત્રી કામબુદ્ધિથી જાર પુરુષને જાણે સાક્ષાત્ કામદેવ હોય તેવો ભાવ રાખી શુભ દૃષ્ટિ તથા કટાક્ષ ભરેલી દૃષ્ટિથી અતિ આનંદ પૂર્વક નિહાળે છે.૯

સદાય કામોપભોગની ઇચ્છા ધરાવતી તે કુલટા સ્ત્રી સુંદરવેશવાળા, યુવાન અવસ્થાવાળા અને વારંવાર સંભોગપ્રદાન કરવામાં સમર્થ પુરુષને જોઇ તે અતિશય કામાતુર થઇ જાય છે.૧૦

કુલટા સ્ત્રી ગુરુ, પિતા, અથવા સસરાની બહુ જ વઢ ખાતી હોય, પોતાના પુત્રાદિકથી બહુ જ રક્ષણ કરાતી હોય, છતાં જાર પુરુષને સેવે છે. અને આવી સ્ત્રીઓને રાજાઓ પણ પોતાના દંડથી વશ કરી શકતા નથી.૧૧

આવી કુલટા સ્ત્રીઓને બીજું કોઇ પણ પ્રિય હોતું નથી, પોતાના કામોપભોગના સ્વાર્થને સિદ્ધ કરવા સર્વે પ્રિય થઇ જાય છે. જેવી રીતે ગાયોને નવું નવું જંગલ અને નવું ઘાસ ગમે છે, તેમ આવી કુલટા સ્ત્રીઓને નવો પુરુષ ગમે છે, તેથી તેની પ્રાર્થના કરતી હોય છે.૧૨

તેનું મન એકાદશી આદિક વ્રતનું આચરણ કરવામાં તો કોઇ દિવસ લાગતું નથી. તેમજ કુચ્છ્રાદિવ્રતમાં, દાન ધર્માદિક નિયમમાં કે ઘરના કામમાં પણ તેનું મન લાગતું નથી. તેમજ ગુરુ, પિતા કે સસરાદિકના શિક્ષા-વચનો તેને ગમતાં નથી. તેને એક જાર પુરુષનો જ સંગ ગમે છે, અને તેમાં તે અતિ ચંચળ થાય છે.૧૩

આવી કુલટા સ્ત્રીઓને પુરાણાદિ ગ્રંથોમાં સ્વૈરિણી, કામિની અને પુંશ્ચલી એમ ત્રણ પ્રકારની કહેલી છે.૧૪

એ ત્રણમાં પોતાના સમાન વર્ણના પુરુષોમાં કામભાવે આસક્ત સ્ત્રીને સ્વૈરિણી કહેલી છે.અસવર્ણના સર્વે પુરુષોમાં આસક્ત સ્ત્રીને કામિની કહેલી છે.૧૫

અને ત્રીજી સવર્ણ કે અસવર્ણ ઉપરાંત પોતાના સંબંધી પુરુષોમાં પણ આસક્ત હોય તેમને પુંશ્ચલી કહેલી છે.૧૬

આ ત્રણે પ્રકારની કુલટા સ્ત્રીઓ દેહ મૂકયા પછી યમપુરીમાં નરકના દુઃખો કલ્પ પર્યંત ભોગવે છે, અને તેઓની સદ્ગતિ પણ ક્યારેય થતી નથી.૧૭

અને જે સ્ત્રીનું વ્રત પતિની સેવા કરવી એ જ હોય છે તેને પતિવ્રતા કહેલી છે. આવી પતિવ્રતા નારીને તેમનો પતિ તેમને પ્રાણ કરતાં પણ વધુ વ્હાલો હોય છે.૧૮

વળી તે પતિવ્રતાને પોતાનો પતિ દેવ, દૈત્ય અને મનુષ્ય કરતાં પણ અધિક હોય છે. તેથી જ એ હમેશાં નિષ્કપટભાવે પ્રીતિપૂર્વક પતિમાં પરમેશ્વરનો ભાવ રાખી સેવાપરાયણ જીવન જીવે છે.૧૯

જે સ્ત્રી વ્રત, દાન, તપ, પૂજા, જપ અને હોમાદિક જે કાંઇ કરે તે સર્વે પોતાના પતિની આજ્ઞા લઇને કરે છે, તેને જ પતિવ્રતા સ્ત્રી કહેલી છે.૨૦

જેવી રીતે એક પુત્રવાળા જનોને પોતાનું મન પુત્રમાં જ હોય છે, વૈષ્ણવોનું મન ભગવાનમાં જ હોય છે, એક નેત્રવાળાને નેત્રમાં, તૃષાતુરને જળમાં, ક્ષુધાતુરને અન્નમાં, કામાતુરને સ્ત્રીઓમાં, ચોરોને પરધનમાં, કુલટા સ્ત્રીઓને જારમાં, વિદ્વાનોને શાસ્ત્રમાં અને વેપારીઓને વેપારમાં મન રહે છે, તેમ પતિવ્રતા નારીઓને હમેશાં પોતાના પતિમાં જ મન રહે છે.૨૧-૨૩

હે ઉત્તમ વિપ્ર ! આવી પતિવ્રતા સ્ત્રીઓના ધર્મો તમને પ્રથમથી હું કહું છું. જે ધર્મોનો આશ્રય કરી પતિવ્રતા નારી પતિદેવની સાથે દેવતાઓને પણ દર્શન કરવા યોગ્ય એવા સતી પાર્વતીના લોકને પામે છે.૨૪

આ પ્રમાણે અવતારી શ્રીનારાયણના ચરિત્રરૃપ શ્રીમત્સત્સંગિ-જીવન નામે ધર્મશાસ્ત્રના પંચમ પ્રકરણમાં ધર્મનો ઉપદેશ કરતા ભગવાન શ્રીહરિએ સધવા સ્ત્રીઓના બે ભેદનું નિરૃપણ કર્યું, એ નામે ત્રીસમો અધ્યાય પૂર્ણ થયો. --૩૦--