અધ્યાય - ૩૮ - ભગવાન શ્રીહરિએ સંતો ભક્તો સાથે એકાદશીનું જાગરણ કર્યું.

Submitted by swaminarayanworld on Wed, 02/08/2017 - 5:52pm

અધ્યાય - ૩૮ - ભગવાન શ્રીહરિએ સંતો ભક્તો સાથે એકાદશીનું જાગરણ કર્યું.

ભગવાન શ્રીહરિએ સંતો ભક્તો સાથે એકાદશીનું જાગરણ કર્યું.

સુવ્રતમુનિ કહે છે, હે પ્રતાપસિંહ રાજન્ ! ભાગવતધર્મનું રક્ષણ કરવા માટે આ મનુષ્યલોકમાં અવતાર ધારણ કરી મનુષ્યલીલાને કરતા મહાઉદાર ચરિત્રવાળા સમર્થ ભગવાન શ્રીહરિ પણ તે પ્રબોધની એકાદશીના દિવસે નિરાહાર વ્રત કર્યું.૧

રાત્રીના સમયે સંધ્યા આરતી પછી નારાયણ ધૂન્યનો ઉદ્ઘોષ કરી સ્વયં પોતાના ઊંચા સિંહાસન ઉપર આવીને વિરાજમાન થયા ને વસિષ્ઠમુનિએ કહેલ એકાદશીના માહાત્મ્યનું શ્રવણ કર્યું. અને રાધાએ સહિત દામોદર ભગવાનનું પૂજન કર્યું.૨

પછી શ્રીહરિએ ભગવાનના ગુણકીર્તનોનું ગાન કરી જાગરણ કરવાની સભામાં બેઠેલા સંતો તથા હરિભક્તોને આજ્ઞા આપી. તે સમયે સંતો-ભક્તોએ ગાન કરેલા ભક્તજનોના મનને આનંદ પમાડનારા સદ્ગુણોનું શ્રવણ કરવા લાગ્યા. સંતો-ભક્તો તાલીના નાદની સાથે ભગવદ્ગુણોનું સંકીર્તન કરી રહ્યા હતા ત્યારે રાત્રીનો ત્રીજો પ્રહર થયો તે સમયે શ્રીહરિ પોતાના સિંહાસન ઉપરથી નીચે ઉતરી જયાબાની પાકશાળામાં તૈયાર થતા પાકોનું નિરીક્ષણ કરવા પધાર્યા.૩-૪

ત્યાં પકવાનોના ઢગલા તૈયાર કરાવી એક ક્ષણ પહેલાં જ રમાબા આદિ સ્ત્રીભક્તજનો થોડી વિશ્રાંતિ લેવા બેઠાં જ હતાં ત્યાં પાકશાળા જોવા પધારતા પોતાના પ્રાણપ્યારા ભગવાન શ્રીહરિને દૂરથી જોઇ તત્કાળ ઊભાં થઇ, સામે જઇ પંચાંગ પ્રણામ કર્યાં અને ભગવાન શ્રીહરિને બેસવા આસન આપ્યું.૫

તે આસન ઉપર વિરાજમાન થઇને સામે નજર કરી ત્યાં એક જલેબીનો પર્વત જેવડો મોટો ઢગલો જોયો તેની પાસેના ભાગમાં ચતુર સ્ત્રીઓએ બનાવેલા મોટા પર્વતની નીચે પડેલી એક મોટી શીલા જેવડા શ્વેતવર્ણના ખાજાંના ઢગલાને જોયો.૬

આના કરતાં અન્નકૂટોત્સવ પર બે ગણા વધુ પક્વાન્નો તૈયાર કરાવ્યાં હતાં. એ વાતને પોતાના અંતરમાં જાણતાં લલિતાબાએ ભગવાન શ્રીહરિને પૂછયું કે હે પ્રભુ ! અમોએ આટલા પ્રમાણમાં જલેબી આદિ સર્વે પક્વાન્નો તૈયાર કર્યાં છે, તે સંતો આદિ સર્વને પર્યાપ્ત થઇ રહેશે, કે હજુ બીજાં વધુ બનાવીએ ? તેમનું વચન સાંભળી ભગવાન કહેવા લાગ્યા કે, હે રાજકુમારી ! જો સંતોને હું પીરસવા ન જાઉં તો પ્રથમ પંક્તિમાં જમવા બેઠેલા સંતોને કદાચ તપોનિષ્ઠ તમારા પુણ્યના પ્રતાપે આટલાં પક્વાન્ન મહાકષ્ટથી પૂર્ણ થાય.૭-૮

હે રાજન્ ! શ્રીહરિનું આવું વચન સાંભળી બોલવામાં ચતુર અને વિશુદ્ધમનવાળાં લલિતાબા મંદમંદ હસતાં હસતાં શ્રીહરિને કહેવા લાગ્યાં કે, હે પ્રભુ ! શું આ જલેબી આદિ પક્વાન્નો માત્ર બારસના પારણામાંજ પૂર્ણ થઇ જશે એમ માનો છો ? અમે તો આ પક્વાન્નો પાંચ દિવસ ચાલશે એમ માનીએ છીએ.૯

હે શ્રીહરિ ! આ પક્વાનોને તપોનિષ્ઠ તમારા હાથનો જ્યાં સુધી સ્પર્શ નથી થયો ત્યાં સુધી જ તમારા કહેવા પ્રમાણેની અપૂર્ણતાની શંકા કરવી શક્ય છે. પરંતુ જ્યારે તમારા હસ્તનો સ્પર્શ થશે, પછી વાત પૂરી. કારણ કે અમે તમારા હાથનો પ્રતાપ જાણીએ છીએ.૧૦

હે રાજન્ ! આ પ્રમાણે લલિતાબાએ કહ્યું ત્યારે ભગવાન શ્રીહરિ કાંઇક નીચું મુખ કરી મસ્તક ધુણાવા લાગ્યા અને મનુષ્યનાટય કરતા હોય તેમ ચિંતા કરવા લાગ્યા. ત્યારે ભગવાન શ્રીહરિની ચિંતાને સહન નહીં કરી શકનાર રમાબા બીજા ભવનમાં તૈયાર થઇ રહેલાં પક્વાન્નો શ્રીહરિને બતાવવા લઇ ગયાં.૧૧

ત્યાં જઇને શ્રીહરિએ ગંગા, રમા, યમુના, રેવા આદિ અનેક સ્ત્રી ભક્તજનોને જોયાં, અને તેઓએ તૈયાર કરેલાં અને તૈયાર થઇ રહેલાં પક્વાન્નો ચારે તરફ જોયાં.૧૨

નિરીક્ષણ કરતા શ્રીહરિએ મોતૈયા લાડુનો મોટો ઢગ જોયો. ફુલેલી ગોળાકાર પૂરીઓનો ઊંચો ઢગ જોયો. તે બન્ને ઢગલા દૂરથી તો સરખા જણાતા હતા છતાં ભગવાન શ્રીહરિએ પીળાવર્ણથી મોતૈયા અને શ્વેત વર્ણથી પૂરીઓનો ભેદ સ્પષ્ટરૂપે નિહાળ્યો.૧૩

તેજ રીતે શિયાળાને કારણે થીજી ગયેલા ઘી ભરેલા ગોળાકાર શ્વેતવર્ણના ચૂરમાના લાડુઓ પણ જોયા. તેમજ બે વખત પાયેલી ચાંસણીને કારણે અત્યંત ધોળાં જણાતાં દશપ્રકારના ઠોર નામનાં પક્વાન્નો પણ નિહાળ્યાં.૧૪

મોટા ચૂલા ઉપર મોટું કઢાયું મૂકી બન્ને હાથમાં ગ્રહણ કરેલા મોટા તાવેથાઓ વડે સામસામે હલાવી શીરો શેકી રહેલાં રમાબા તથા યમુનાબાને ભગવાન શ્રીહરિ નિહાળવા લાગ્યા.૧૫

હે રાજન્ ! ફૂલેલી ફૂલવડી મોટા પાત્રમાં ભરીને મૂકેલી, પછી પુડલા તૈયાર કરવા તત્પર થયેલાં નાથી નામનાં સ્ત્રી ભક્તને શ્રીહરિએ જોયાં. તેમજ ભજીયાં તૈયાર કરી, સૂતરફેણી કરવા તત્પર થયેલાં મૌના નામનાં સ્ત્રીને પણ શ્રીહરિએ જોયાં.૧૬

આ પ્રમાણે શ્રીહરિ બીજા રસોડામાં જઇ અનેક પ્રકારનાં શાક તૈયાર કરી રહેલાં અમરીબાને જોયાં. તેમજ માંડાને તૈયાર કરી વડાં તૈયાર કરતાં ગુલાલાદેવીને શ્રીહરિએ જોયાં.૧૭

પછી દહીંથરાં, ગાંઠીયા અને ઘુઘરા આદિના ઢગલા પાસે આવી ઊભા ત્યારે હસતાં હસતાં અમૃતબા ત્યાં આવીને ઊભાં રહ્યાં. તેને જોઇ આ પક્વાન્નો અમૃતબાએ કર્યાં છે, એમ માની શ્રીહરિ રાજી થયા.૧૮

હે રાજન્ ! પછી શ્રીહરિએ ઉત્તમરાજાની બન્ને પત્નીઓ કુમુદા અને જશુબા પોતાની સેવીકાઓ દ્વારા દૂધના અનેક કળશો વારંવાર મંગાવી દૂધપાક તૈયાર કરી રહ્યાં હતાં તે જોયાં.૧૯

કુશળ કંદોઇ વિપ્રોએ તૈયાર કરેલા બરફી તથા પેંડાને રમાબાની સમીપે લાવીને મૂકતી ઉત્તમરાજાની બન્ને નાની બહેનો પાંચાલી અને નાનીબાને પણ શ્રીહરિ નિહાળવા લાગ્યા.૨૦

તેમજ પાક કરવામાં તત્પર થયેલી અને પોતાને જ એક રાજી કરવા મનમાં ઇચ્છા ધરાવતી લાડુ, યતી, જીવી, ઉમા, કુમારી, કુશલા, સુખા આદિક અનેક સ્ત્રી ભક્તજનોને પણ શ્રીહરિ નિહાળવા લાગ્યા.૨૧

હે રાજન્ ! પછી ધર્મદેવના પુત્ર ભગવાન શ્રીહરિ બીજા રસોડામાં ગયા. ત્યાં પાકશાળામાં તત્પર થયેલી ક્ષેમા, અમલા, અમરી, અદિતિ, ફુલ્લા, રત્નમાલા, રતિ, દેવિકા આદિ અનેક સ્ત્રી ભક્તજનો હતી તેને પણ ભગવાન શ્રીહરિએ નિહાળી.૨૨

પોતાને પ્રસન્ન કરવા માટે ક્ષત્રિય સ્ત્રી ભક્તજનો બહુજ પ્રયત્ન કરતી હતી તે જોયું, અને તૈયાર કરેલાં પક્વાન્નો પણ જોયાં. ત્યારે બીજા રસોડામાં વિપ્રસ્ત્રીઓએ જેટલાં પક્વાન્નો તૈયાર કર્યા હતા તેને સરખાંજ આ તૈયાર થયેલાં પક્વાન્નો જોઇ ભગવાન શ્રીહરિ ખૂબજ આશ્ચર્ય પામી નિહાળવા લાગ્યા.૨૩

ત્યારે પાક બનાવવામાં કુશળ ઉદાર બુદ્ધિશાળી અને તપસ્વિની આ સર્વે વિપ્ર અને ક્ષત્રિય સ્ત્રીભક્તજનોને જયાબાની આજ્ઞા અનુસાર રસોઇ કરવામાં તત્પર થયેલી જોઇ, સર્વે સ્ત્રીઓની અને જયાબાની ભગવાન શ્રીહરિ ખૂબજ પ્રશંસા કરવા લાગ્યા.૨૪

હે રાજન્ !અન્નકૂટોત્સવ વખતે લલિતાબાના ભવનમાં જેટલાં પક્વાન્નો તૈયાર થયાં હતાં, તેના કરતાં પણ જયાબાના ભવનમાં બમણાં જોયાં. સંખ્યા એકસો ને એક જેટલી જ છે. આટલું જાણ્યા પછી મહા ઐશ્વર્ય સંપન્ન ભગવાન શ્રીહરિ મનમાં ખૂબજ હર્ષ પામવા લાગ્યા.૨૫

પછી શ્રીહરિ તે રસોઇ કરનાર સર્વે બહેનોને ભાત, કઢી, દાળ, વગેરે રસોઇઓ પ્રાતઃકાળે કરજો. એવી આજ્ઞા આપીને પોતાના નિવાસ સ્થાને પધાર્યા ત્યાં તો કૂકડાઓ બોલવા લાગ્યા.૨૬

હે રાજન્ ! આ પ્રમાણે કીર્તનાદિકવડે સર્વે સંતો તથા ભક્તોને એકાદશીનું જાગરણ કરાવી ભગવાન શ્રીહરિએ પણ તેઓની સાથે જાગરણ કર્યું ને પછી પ્રાતઃકાળે સ્નાનાદિ સમસ્ત નિત્યવિધિને જાણનારા શ્રીહરિએ ઉન્મત્તગંગામાં સ્નાન અને નિત્યકર્મનું અનુષ્ઠાન કર્યું.૨૭

આ પ્રમાણે અવતારી શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમત્ સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રના તૃતીય પ્રકરણમાં પ્રબોધનીના ઉત્સવ ઉપર ભગવાન શ્રીહરિ સંતો-ભક્તોની સાથે કરેલું જાગરણ તથા પાકશાળામાં પક્વાન્ન કરતાં નરનારીઓને આપેલાં દર્શનનું નિરૂપણ કર્યું, એ નામે આડત્રીસમો અધ્યાય પૂર્ણ થયો. --૩૮--