અધ્યાય - ૩૯ - સ્વયં શ્રીહરિએ પીરસીને સંતોને જમાડયા.

Submitted by swaminarayanworld on Wed, 02/08/2017 - 5:53pm

અધ્યાય - ૩૯ - સ્વયં શ્રીહરિએ પીરસીને સંતોને જમાડયા.

સ્વયં શ્રીહરિએ પીરસીને સંતોને જમાડયા.

સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! ભગવાન શ્રીહરિ કાર્તિક સુદ બારસના દિવસે પ્રાતઃકાલીન સ્નાન-સંધ્યા આદિ નિત્યકર્મ સમાપ્ત કરી લક્ષ્મીજીએ સહિત યોગેશ્વર ભગવાનનું ઉત્તરપૂજન કરી તે મૂર્તિનું બ્રાહ્મણોને દાન કર્યું. પછી લીંબતરુ નીચે સ્થાપન કરેલા ઊંચા સિંહાસન ઉપર વિરાજમાન થયા.૧

તે સમયે સંતોની સાથે દેશદેશાંતરથી પધારેલા સર્વે ભક્તજનો પણ પોતપોતાનો નિત્યવિધિ પૂર્ણ કરીને શ્રીહરિ સમીપે આવી પોતાની મર્યાદા પ્રમાણે સભામાં બેઠા.૨

હે રાજન્ ! તે સમયે જયાબાએ પણ લક્ષ્મીજીએ સહિત યોગેશ્વર ભગવાનનું ઉત્તરપૂજન કરી તે મૂર્તિનું આચાર્યને દાન કરી, ગૌદાનાદિ સર્વ પ્રકારનો વિધિ આદરપૂર્વક પૂર્ણ કર્યો.૩

તેટલામાં લાંબી તથા પીળા વર્ણની જટાને ધારણ કરતા વર્ણિરાજ મુકુન્દાનંદ બ્રહ્મચારી શ્રીહરિ સમીપે આવીને કહેવા લાગ્યા કે, હે સ્વામિન્ ! રસોઇ તૈયાર થઇ ચૂકી છે.૪

ત્યારે ભગવાન શ્રીહરિએ સર્વે સંતોને પારણાં કરવાની આજ્ઞા આપી. ત્યારે સર્વે સંતો પણ ખૂબજ આનંદ પામી ભોજન લેવા પોતપોતાના સંતોનાં મંડળની સાથે તત્કાળ આવ્યા.૫

હાથ, પગ, મુખ ધોઇ, કોગળા કરીને જળ ગાળવાનાં વસ્ત્રોથી જળ ગાળીને તુંબડાંઓ ભરવા લાગ્યા. સર્વે સંતો ભગવાન શ્રીહરિના મુખકમળની સામેજ દૃષ્ટિ સ્થિર કરીને મર્યાદા પ્રમાણે ભોજન કરવા પંક્તિબદ્ધ બેઠા.૬

કેડ સંગાથે ધારણ કરેલા વસ્ત્રનો કછોટો બાંધી પીરસવામાં ચતુર વિપ્રો પ્રથમ પત્રાવળીઓ તથા પડીયાઓ આપી, મીઠું ગાળેલું જળ તુંબડાંઓમાં આપવા લાગ્યા.૭

હે રાજન્ ! ત્યારપછી પીરસનારા વિપ્રો ભક્ષ્ય, ભોજ્ય, લેહ્ય અને ચોષ્ય આ ચાર પ્રકારનાં ભોજનો યથાયોગ્ય ભોજન કરનારા સંતોને જે જે રુચિ હોય તે પ્રમાણે પંક્તિમાં પીરસવા લાગ્યા.૮

સર્વ પ્રકારનાં ભોજનો સર્વના પાત્રમાં પીરસાઇ ગયાં છે. આ પ્રમાણે ભગવાન શ્રીહરિએ જોયું, પછી હાથ ઊંચા કરી સંતોને જમવાની આજ્ઞા આપી.૯

આજે તો સમગ્ર સંતોના સ્વામી ભગવાન શ્રીહરિએ મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી આદિ સમસ્ત પીરસનારા સંતોને પણ સાથે જ જમવા બેસાડયા હતા અને સ્વયં પોતે જ એક બ્રાહ્મણો સાથે પીરસતા હતા.૧૦

હે રાજન્ ! સર્વેશ્વર શ્રીહરિ શિઘ્રતાથી પીરસી રહેલા ભૂદેવોની સાથે ઉતાવળી ગતિએ સર્વે પંક્તિમાં ફરી જમનારા સંતોને પીરસવા લાગ્યા.૧૧

પાછા પગે ચાલતા પીરસનારા બ્રાહ્મણોએ ધારણ કરેલા પાત્રમાંથી ભગવાન શ્રીહરિ જલેબી આદિ સર્વે પક્વાન્નો વારંવાર પીરસવા લાગ્યા.૧૨

ભોજન પદાર્થો હાથમાં લઇ શ્રીહરિ જ્યારે જ્યારે જે જે પંક્તિમાં જતા ત્યારે તે તે પંક્તિમાં ભોજન કરતા સંતો કહેતા કે હે મહારાજ ! મને પ્રસાદી આપો, મને પ્રસાદી આપો. એ પ્રમાણે પ્રાર્થના કરતા સંતો સર્વત્ર દેખાતા હતા.૧૩

હે રાજન્ ! સંતોની પ્રાર્થના સાંભળી ભગવાન શ્રીહરિ હસતા હસતા તેમનાં પાત્રો ભોજનના પદાર્થોથી ભરપૂર કર્યાં, આમ સર્વે સંતોને ખૂબજ ભોજનો પીરસી તૃપ્ત કરવા લાગ્યા.૧૪

હે રાજન્ ! દર્શન કરનારા જનોને અત્યંત આશ્ચર્ય ઉપજાવતા ભગવાન શ્રીહરિ પ્રાર્થના કરનારા સંતોને યથા યોગ્ય પીરસીને તેમજ દિવ્ય શરીર ધારણ કરીને ભગવાનની પ્રસાદીનું માહાત્મ્ય જાણીને અદૃશ્ય સ્વરૂપે આવેલા અક્ષરધામના મુક્તોને તથા અનંત ધામના મુક્તોને પણ ભોજન કરાવવા લાગ્યા.૧૫

તે સમયે ભગવાન શ્રીહરિની કૃપાથી દિવ્ય દૃષ્ટિ પામેલા કેટલાક નરનારી ભક્તજનોને દિવ્યસ્વરૂપે આવેલા મુક્તાત્માઓનાં તથા બ્રહ્મા, શિવ, ઇન્દ્રાદિ દેવતાઓનાં પણ દર્શન થતાં હતાં.૧૬

તેવી જ રીતે તે દિવ્ય દૃષ્ટિવાળા નરનારીઓને ભગવાન શ્રીહરિના સંકલ્પમાત્રથી નિર્માણ પામતા પકવાન્નોના મોટામોટા મનોહર પર્વતો તથા ઘીનાં કુંડલાંઓ તથા દૂધ તેમજ દૂધપાકની નદીઓ જાણે વહી રહી હોય એવાં દર્શન થતાં હતાં.૧૭

હે રાજન્ ! તે સમયે દિવ્ય દૃષ્ટિ પામેલા નરનારીઓને મુક્તો, દેવતાઓ અને સંતોને પીરસી રહેલા અને સર્વ પંક્તિમાં ફરી રહેલા અનેક સ્વરૂપવાળા શ્રીહરિનાં દર્શન થવા લાગ્યાં.૧૮

પંક્તિમાં પીરસી રહેલા સાક્ષાત્ ભગવાન શ્રીહરિના હસ્તકમળમાંથી અર્પણ કરેલાં પક્વાન્નો જેવી રીતે સંતો ગ્રહણ કરતા હતા તેજ રીતે આદરપૂર્વક ગ્રહણ કરી રહેલા મુક્તાત્માઓનાં અને દેવતાઓનાં પણ દર્શન દિવ્યદૃષ્ટિવાળાં નરનારીઓને થવા લાગ્યાં.૧૯

પક્વાન્નો જમીને તૃપ્ત થયેલા સંતો જ્યારે મુખેથી ફુત્કારી મારી હાંફવા લાગ્યા ત્યારે ભગવાન શ્રીહરિએ બ્રાહ્મણોને રાંધેલો ભાત અને દાળ લાવવાની આજ્ઞા કરી.૨૦

હે રાજન્ ! ભાત પીરસનારા બ્રાહ્મણોએ પંક્તિમાં ભાત પીરસી દીધો. પછી ભગવાન શ્રીહરિ પોતાના ડાબા હાથમાં મોતૈયા લાડુ અને જમણા હાથમાં દૂધપાકનો ડંકો ભરીને સર્વે પંક્તિમાં ફરી રહ્યા હતા.૨૧

જ્યારે કોઇ પણ સંતોએ માગણી કરી નહિ ત્યારે ભગવાન શ્રીહરિ પાછા જવા લાગ્યા. તેમને જોઇ પ્રસાદની દુર્લભતા જાણતા બ્રહ્માનંદ સ્વામી ઉચ્ચ સ્વરે શ્રીહરિને બોલાવી કહેવા લાગ્યા કે, હે ભગવાન્ ! અહીં પધારો અમારૂં પાત્ર ભૂલી ગયા કે શું ? આ નિત્યાનંદ સ્વામી ખાલી પાત્રે બેઠા છે અને વારંવાર માંગવામાં શરમાય છે.૨૨-૨૩

હે રાજન્ ! બ્રહ્મમુનિનું વચન સાંભળી ભગવાન શ્રીહરિ તેમની સમીપે પધાર્યા ને તેમનાં પાત્રમાં દૂધપાક પીરસવા લાગ્યા, ત્યારે બ્રહ્મમુનિ શ્રીહરિના હાથમાં રહેલા લાડુ સામું જોઇને કહે કે, હે સ્વામિન્ ! જો હું કેવળ દૂધપાક જમીશ તો આ નિત્યાનંદ સ્વામી મને દાંત વગરનો બોખો કહેશે, તેથી આ લાડુ પણ મને પીરસી દ્યો.૨૪-૨૫

બ્રહ્માનંદ સ્વામીનો એવો ભાવ હતો કે, દૂધપાકને મહારાજનો સંબંધ પરંપરાથી છે. જ્યારે લાડુનો સાક્ષાત્ સંબંધ છે, તેથી લાડુ પીરસવાનું કહ્યું, તે સાંભળી ભગવાન શ્રીહરિ હસવા લાગ્યા ને સર્વે સંતોને હસાવતા બ્રહ્માનંદ સ્વામીના પાત્રમાં લાડુ પીરસીને સિંહગર્જના કરાવી.૨૬

તે સમયે મુકુન્દાનંદ બ્રહ્મચારી પોતાના હાથમાં મોતૈયા લાડુનું ભરેલું પાત્ર લઇને ભગવાન શ્રીહરિની સમીપે આવીને ઊભા રહ્યા. તે સમયે શ્રીહરિએ પાત્રમાંથી બે લાડુ તત્કાળ લીધા અને ભોજન કરી તૃપ્ત થયેલા મુક્તાનંદ સ્વામી પાસે આવવા લાગ્યા, તે જોઇને મુક્તાનંદ સ્વામી પોતાના પાત્રમાં બાકી રહેલા લાડુ દેખાડીને ના પાડતા હતા. પરંતુ શ્રીહરિએ જાણ્યું કે, બસ, આટલો બીજો આપી દ્યો એમ કહે છે. એમ સમજીને તેમના પાત્રમાં એક લાડુ પીરસી દીધો. ત્યારે મુક્તમુનિએ પણ સિંહગર્જના કરી.૨૭-૨૯

હે રાજન્ ! પોતાના પાત્ર ઉપર હાથ આડા રાખી માથું ધુણાવતા ચૈતન્યાનંદ સ્વામીને જોઇ ભગવાન શ્રીહરિ તેમની સમીપે જઇ તેના પાત્રમાં એક લાડુ પીરસી દીધો. ત્યારે તેમણે પણ સિંહગર્જના કરી.૩૦

વળી ઊંચું માથું રાખીને ધૂણાવતા અને મુખેથી હસતા નિત્યાનંદ સ્વામીને તૃપ્ત થયેલા છે એવું જાણીને શ્રીહરિએ તેમના પાત્રમાં અર્ધો લાડુ મૂક્યો તેથી નિત્યાનંદ સ્વામીએ પણ સિંહગર્જના કરી. પછી શ્રીહરિ આનંદાનંદ મુનિ પાસે ગયા તેમના દાંત શિથિલ હતા તેથી તેમના પાત્રમાં દૂધપાક પીરસ્યો.૩૧-૩૨

તેમની સમીપે મિતાહારી ગોપાળાનંદ સ્વામીને જોઇ હસતા હસતા શ્રીહરિએ સિંહગર્જના કરાવવા માટે જ લાડુના અર્ધાનો પણ અર્ધો ભાગ પીરસ્યો ને સિંહગર્જના કરાવી.૩૩

ભગવાન શ્રીહરિ પધારે તેના પહેલાં જ મિથ્યા સિંહગર્જના કરી રહેલા સચ્ચિદાનંદ સ્વામીને જોઇ શ્રીહરિ તેમની સમીપે પધાર્યા. અને ખાલી થયેલા પાત્રમાં બે લાડુ પીરસી દીધા.૩૪

પછી પોતાની પ્રતીક્ષા કરી રહેલા કૃપાનંદ સ્વામીને જોઇ હાથમાં બે લાડુ લઇ તેમની સમીપે પધાર્યા. તેમને તૃપ્ત થયેલા જાણી, લાડુ ભાંગી અર્ધો આપવા જતા શ્રીહરિને જોઇ કૃપાનંદ સ્વામી કહે પ્રભુ ! લાડુને ભાંગવા જતાં તમારી કોમળ આંગળીને પરિશ્રમ પડશે માટે આખો આપી દ્યો. તેથી તેમના પાત્રમાં શ્રીહરિએ આખો પીરસી દીધો અને બીજો લેવા જાય ત્યાં કૃપાનંદ સ્વામીએ ઉચ્ચ સ્વરે સિંહગર્જના કરી. તેની બાજુમાં સ્વયંપ્રકાશાનંદ સ્વામી હતા તેમના પાત્રમાં પણ એક પીરસીને બીજો પીરસવા જાય ત્યાં તેમણે પણ સિંહગર્જના કરી. પછી ત્યાંથી શુકાનંદ સ્વામી પાસે પધાર્યા.૩૫-૩૭

હે રાજન્ ! શુકાનંદ સ્વામી પોતાના પાત્રમાં શ્રીહરિએ પહેલાં આપેલી જલેબી ધીરે ધીરે જમી રહ્યા હતા, ત્યાંતો ફરી અર્ધી જલેબી પીરસી. પછી લાડુની માંગણી કરવામાં શરમ રાખતા આત્માનંદ સ્વામી પાસે પધાર્યા ને કહેવા લાગ્યા કે હે આત્માનંદ સ્વામી ! આ બ્રહ્માનંદ સ્વામીએ 'હે ભગવાન ! અહીં આવો, અમને લાડુ પીરસો' એમ સર્વેની વચ્ચે ઊંચે સાદે બોલીને શરમને તો અહીંથી કાઢી મૂકી છે. હવે શરમાઓ છો શું ? તેથી તમને પ્રિય પક્વાન્ન સ્વીકારોને આરોગો. આ પ્રમાણે કહીને તેમના પાત્રમાં બે લાડુ પીરસ્યા.૩૮-૩૯

હે રાજન્ ! પછી મુખમાં જલેબી હોવાથી અસ્પષ્ટ બોલતા, ન જોઇતું હોવા છતાં જાણે જોઇએ છે, એવું બોલતા મહાનુભાવાનંદ સ્વામીને ભગવાન શ્રીહરિએ પોતાના હાથમાં રહેલો અર્ધો લાડુ જ્યાં પીરસ્યો ત્યાં તેમણે સિંહ ગર્જના કરી.૪૦

આ પ્રમાણે સર્વે મુનિઓને પીરસી ભગવાન શ્રીહરિએ બ્રાહ્મણો પાસે દાળ-ભાત, કઢી વગેરે પીરસાવ્યાં અને સ્વયં જળથી પોતાના હાથ શુદ્ધ કર્યા.૪૧

સર્વે સંતોએ પણ ભોજન કરી પોતાના હાથ, મુખ ધોઇને શુદ્ધ કર્યા ને બહુ ભોજન કરવાથી ફુલેલી ફાંદવાળા અને મુખે ફુત્કાર કરી રહેલા સર્વે સંતો પોતપોતાની ધર્મશાળામાં પધાર્યા.૪૨

પછી શ્રીહરિએ સોમલાખાચર, સુરાખાચર આદિ પોતાના પાર્ષદોને તથા હેમંતસિંહ આદિ અન્ય ક્ષત્રિય ભક્તજનોને તથા અન્ય સર્વે અન્નાર્થી ભક્તજનોને પણ અન્નકૂટોત્સવની માફક ખૂબ ભોજન કરાવી આનંદ પમાડયા.૪૩

પછી શ્રીહરિ જયા, લલિતા આદિ સર્વે સ્ત્રી ભક્તજનોને પણ પારણાં કરવાની આજ્ઞા આપી સ્વયં પોતાના ભવનમાં પધાર્યા.૪૪

ધર્મવત્સલ ભગવાન શ્રીસહજાનંદ સ્વામીએ રસોઇ તૈયાર કરી શ્રીકૃષ્ણ ભગવાનને નૈવેદ્ય ધરી, વૈશ્વદેવવિધિ કરીને પારણાં કર્યાં.૪૫

હે રાજન્ ! આજે પણ દિવસની નિદ્રાનો ત્યાગ કરી બ્રહ્મચારીના ધર્મનું પાલન કરતા પોતાના સોમલાખાચર આદિ પાર્ષદોની આગળ જયાબાના ગુણોની પ્રશંસા કરતા કરતા પોતાની અક્ષર ઓરડીએ એક પ્રહર સુધી બેસી રહ્યા.૪૬

હે રાજન્ ! તમે કહેશો કે, પૂર્ણકામ ભગવાનને જયાબાની પ્રશંસા કરવાનું શું પ્રયોજન હતું ? તો કહું છુ કે, ભગવાનને પોતાના નિર્દંભ સેવકો સિવાય બીજું કાંઇ અધિક નથી. તેથી આવો પોતાનો સ્વભાવ દેખાડવાનું જ એક માત્ર પ્રયોજન હતું. જગત્પતિ ભગવાન શ્રીહરિ પૂર્વોક્ત પ્રકારે જ્યારે ભક્તવત્સલ થાય છે ત્યારે દંભહીન નિષ્કપટ પોતાના ભક્ત સિવાય તેમને કોઇ પણ વસ્તુ અધિક નથી.૪૭

આ પ્રમાણે અવતારી શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમત્ સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રના તૃતીય પ્રકરણમાં પ્રબોધનીના ઉત્સવ પર બારસના પારણામાં સંતોને શ્રીહરિએ પીરસીને જમાડયા એ લીલાનું નિરૂપણ કર્યું એ નામે ઓગણચાલીસમો અધ્યાય પૂર્ણ થયો. --૩૯--