તરંગઃ - ૧૦૧ - સો તરંગનો સંકેત કહ્યો

Submitted by swaminarayanworld on Sat, 13/02/2021 - 12:17pm

ચોપાઇ

ઉત્તરાર્ધનો કહું જે સાર, તેને સાંભળજયો તદાકાર । પ્રથમે અસુરે શ્રીહરિને, સર્યુમાં નાખ્યા ક્રોધ કરીને ।।૧।। 

બીજે સખાના વિલાપ કહ્યા, ત્રીજે બે ભાઇ ઉદાસી થયા । ચોથે સુવાસનીનું રુદન, મોટાભાઇને વાણી ગગન ।।૨।। 

પાંચમે સરવાઘાટથી ગયા, એક ચરણવડે ઉભા રહ્યા । છઠ્ઠે બાવાને મળી અલબેલો, તેહનો મોક્ષ કર્યો છે પેલો ।।૩।। 

સાતમે ગયા ઉત્તર દેશ, વિપ્રસુતને ઘેર દેવેશ । આઠે નસીદપુરનો રાય, કર્યો મોક્ષ તેનો જદુરાય ।।૪।। 

નવે શ્વેત શિખરીયે ગયા, કૈક દિવસ ત્યાં પોતે રહ્યા । દશે ધોળા પર્વત પર આપ, પૂજારીને બતાવ્યો પ્રતાપ ।।૫।। 

એકાદશે મળ્યા જેહ સિદ્ધ, તેનો મોક્ષ કર્યો છે પ્રસિદ્ધ । દ્વાદશે વળી પર્વત પર, યોગીયે કરી પૂજા સુંદર ।।૬।। 

ત્રયોદશે હિમાલય ફરી, આવ્યા પુલહાશ્રમમાં હરિ । ચતુર્દશે સૂર્યે દર્શન દઇ, કરી સ્તુતિ હરિની તે કઇ ।।૭।। 

પંચદશે ગોપાળ મેળાપ, હર્યો પિબેકનો ગર્વ આપ । ષોડશમાં યોગી નવ લક્ષ, તેનો મોક્ષ કર્યો છે સમક્ષ ।।૮।। 

સત્તરે બાવાને તેહ કાળે, પોતાનો નિશ્ચે કરાવ્યો વ્હાલે । અષ્ટાદશે વનમાં અસુર, તેનો નાશ કરાવ્યો જરુર ।।૯।। 

ઓગણીસે જગન્નાથ ધામ, તેમાં આવી પોચ્યા ઘનશ્યામ । વીસે ધુલેગામ બહુનામી, આવ્યા તેસ્થળે અંતર્યામી ।।૧૦।। 

એકવીસે તો બુરાનપુર, તાપીમાં નાહ્યા ઉમંગ ઉર । દધિ જમીને ત્યાંથી સધાવ્યા, બાવીસે બોચાસણમાં આવ્યા ।।૧૧।। 

ત્રેવીસે ભીમનાથજી થઇ, લોઢવા ગામમાં જયા રહી । ચોવીસે માંગરોળમાં આવી, પુતળીને નરકથી મુકાવી ।।૧૨।। 

એવી રીત્યે બાલા યોગિરાજ, કરતા આવ્યા અનેકનું કાજ । પચીસે લોજપુરમાં શ્યામ, મુક્તમુનિને મળ્યા તેઠામ ।।૧૩।। 

છવીસે લોજપુરમાં ધાર્યું, મુક્તાનંદ સ્વામીયે વિચાર્યું। સત્તાવીસે લોજમાં રહાવ્યા, સ્વામી ઉપર પત્ર લખાવ્યા ।।૧૪।। 

અઠાવીસે પિપલાણામાંય, થયો સ્વામીનો મેળાપ ત્યાંય । ઓગણત્રિસે તો ભાડેર ગામ, એક માસ રહ્યા સુખધામ ।।૧૫।। 

ત્રીસે તરંગે શ્રીઅવિનાશ, મુળીપુર રહ્યા અઢી માસ । કૃપા સમાધિ વડે અભીષ્ટ, પોત પોતાના દેખાડ્યા ઇષ્ટ ।।।૧૬।। 

એકત્રીસે શ્રીનગરમાં વાત, આવી ગાદીયો કરાવી સાત । બત્રીસે શ્રીનગરમાં પવિત્ર, વ્હાલે કર્યું મનુષ્ય ચરિત્ર ।।૧૭।। 

તેત્રીસે ભુજમાં કૃપા કીધી, લાધિબાને કરાવી સમાધિ । ચોત્રીસે ભુજમાં રાજી થયા, હીરજીભાઇને ઘેર ગયા ।।૧૮।। 

પાંત્રીસે ભુજમાં કર સ્થાપી, બે વૈરાગીને દીક્ષા ત્યાં આપી । છત્રીસે ભુજથી અલબેલો, ગામ અંજારે પધાર્યા છેલો ।।૧૯।। 

સાડત્રીસે ભુજ નગર ફરતા, દેશમાં ફરીને સુખ કરતા । આડત્રીસે માનકુવા ગામ, ત્યાંથી પધાર્યા ભુજ મુકામ ।।૨૦।। 

ઓગણચાલીસે ભુજ નગ્ર, સર્વદેશી વાત કરી અગ્ર । ત્યાંથી કાળે તળાવ સધાવ્યા, વળી ચાલીસે ભુજમાં આવ્યા ।।૨૧।। 

શાંતિનો પ્રશ્ન પુછ્યો ત્યાંય, એકતાલીસે ભુજની માંય । બેતાલીસે અઢળક ઢળ્યા, જખૌના રણથી પાછા વળ્યા ।।૨૨।। 

કાળેતળાવે આવ્યા પ્રમાણો, તેંતાલીસે માનકુવે જાણો । ભુજ નગર થઇને તે સદ, ચુંવાલીસે આવ્યા હળવદ ।।૨૩।। 

પિસ્તાલિસમાં તે ઉંઝે ગામ, છેંતાલીસે સિધ્ધપુર શ્યામ । સુડતાલીસે યજ્ઞ કરીને, વિપ્રને દાન આપ્યાં ઠરીને ।।૨૪।। 

અડતાલીસે દુરગપુર, ચડોતરે ગયા ધારી ઉર । ઓગણપચાસે પાટણ જોઇ, પધાર્યા પ્રભુ ગામ આધોઇ ।।૨૫।। 

પચાસે ભુજથી જીર્ણગઢ, પધારી કર્યાં જન ત્યાં દઢ । એકાવનમાં તેને તે સ્થાન, ઘણી લીલા કરી ભગવાન ।।૨૬।। 

બાવને ભાદરમાં તે ફરી, સંતને ફરવાની આજ્ઞા કરી । ત્રેપને પધાર્યા છે પંચાળે, ચોપને ઉમરેઠ વડતાલે ।।૨૭।। 

પછે પંચાવને અલબેલો, જેતલપુરે યજ્ઞ કરેલો । છપ્પને થયો લડાઇમાં વાદ, તેતો ખોખરા મેમદાવાદ ।।૨૮।। 

સત્તાવને અઠાવને બેઉ, આધોઇમાં યજ્ઞ કર્યો તેઉ । ઓગણસાઠે શ્રીહરિવર, ગયા હાથરોલી ઘોડાસર ।।૨૯।। 

સાઠે ડભાણ થઇ દયાળુ, ભુજ નગરે પધાર્યા કૃપાળુ । એકસઠે જેતલપુર માંય, મોટી સભા તે કરી છે ત્યાંય ।।૩૦।। 

વળી બાસઠમાં મહારાજ, ડભાણે ધારી ગયા છે કાજ । ત્રેસઠે ભુજમાં લીલા કરી, ચોસઠે વૌઠે પધાર્યા હરિ ।।૩૧।। 

પાંસઠે પ્રાંતિજમાં તે આવ્યા, છાસઠે વિજાપુર સધાવ્યા । સડસઠે પધાર્યા જે રીતે, અડસઠે ડાંગરવે પ્રીતે ।।૩૨।। 

અગણોતેરે સારંગપુર, ત્યાંથી ગઢડે ગયા જરૂર । સીત્તેરે કરજીસણે જઇ, જન્માષ્ટમી કરી સુખદાઇ ।।૩૩।। 

ઇકોતેરે ધર્મપુરમાંય, કર્યો વસંત સમૈયો ત્યાંય । વળી બોતેરમાં વડતાલે, ફુલડોલ કર્યો છે ત્યાં વ્હાલે ।।૩૪।। 

મુગટ ધાર્યો છે ત્યાં જરૂર, ત્યાં થકી પધાર્યા દુર્ગપુર । તોંતેરે જેતલપુરમાંય, આસોપાલવનો તરુ જ્યાંય ।।૩૫।। 

ચુમોતેરે ગઢપુર થકી, વડતાલે પધાર્યા તે નક્કી । પંચોતેરે ગઢપુરમાંથી, દંઢાવ્ય દેશે પધાર્યા ત્યાંથી ।।૩૬।। 

છોતેરમાં શ્રીગઢપુર, તેર લક્ષણ કહ્યાં જરૂર । સિત્યોતેરમાં શ્રીનગર શ્યામે, કરી સામગ્રી ભેળી તે ધામે ।।૩૭।। 

ઇઠોતેરે શ્રીનગરમાંય, સ્થાપ્યા નરનારાયણ ત્યાંય । ભુજ નગરમાં નરવીર, મુળીમાં રાધાકૃષ્ણ અચીર ।।૩૮।। 

અગણ્યાશીયે ગઢપુર, વડતાલે ગયા છે જરૂર । એંશીયે વડતાલની માંય, સ્થાપ્યા લક્ષ્મીનારાયણ ત્યાંય ।।૩૯।। 

તથા વૈરાટ નગરમાંય, સ્થાપ્યા મોરલીમનોહરરાય । સ્થાપ્યા જેતલપુર મોઝાર, રેવતી બળદેવ મુરાર ।।૪૦।। 

એકાશીયે અન્નકોટ કરી, આચારજ સ્થાપન કર્યા હરિ । બાશીયે શ્રીનગરમાં રહ્યા છે, સાત ધામના મુક્ત કહ્યાછે ।।૪૧।। 

ત્ર્યાશીયે સભા ગોમતી તીર, કરીછે પોતે શ્રીનરવીર । ચોરાશીયે જાુનાગઢમાંહી, સ્થાપ્યા રાધારમણ દેવ ત્યાંહી ।।૪૨।। 

તેમ ગઢપુરમાં ગોપીનાથ, સ્થાપ્યા હરિયે પોતાને હાથ । એવી રીતે મંદિર કરાવી, મૂરતીઓ પોતે પધરાવી ।।૪૩।। 

પંચાશીયે અંગો અંગ ચિહ્ન, તેનું વર્ણન કર્યું નવીન । છાશીમાં ધ્યાનસંબંધી જેહ, મૂર્તિનાં ચિહ્ન વર્ણવ્યાં તેહ ।।૪૪।। 

સત્યાસીયે અંગે તિલ ચિહ્ન, તેનું કર્યું તે રુડું વર્ણન । તેનું ધ્યાન જે કોઇ ધરશે, સંસાર સમુદ્ર તે તરશે ।।૪૫।। 

અઠ્યાશીથી છન્નુ સુધી જાણો, હરિવિચરણ પરમાણો । પછે વેણીરામનું ચરિત્ર, સત્તાણુમાં કહ્યું છે પવિત્ર ।।૪૬।। 

અઠ્ઠાણુમાં સંત મુક્યા દોય, ધર્મકુળ બોલાવાને સોય । નવાણુમાં જેહ લોયા ગામ, સ્વકુટુંબ મળ્યું તેહ ઠામ ।।૪૭।। 

પછે દેહોત્સવની જે વાત, સોમા તરંગમાં તે પ્રખ્યાત । સોને એકમાં હુંડાની વાત, ઉત્તરાર્ધની લખી વિખ્યાત ।।૪૮।। 

આ ભરત ભૂમિની મોઝાર, શ્રીજી વિચર્યા તે નિરધાર । વર્ષ ઓગણપચાશ જાણો, બે માસ દિન એક પ્રમાણો ।।૪૯।। 

વર્ષ એકાદશ પિતા ઘેર, કર્યાં ચરિત્ર તે સુખભેર । વર્ષ સાત તે વનમાં ફર્યા, અનંત જીવના મોક્ષ કર્યા ।।૫૦।। 

બાકી વર્ષ રહ્યા એકત્રીસ, ફર્યા સત્સંગમાં ચારે દિશ । અધર્મરૂપી વૃક્ષને કાપી, કલ્યાણનો કર પોતે સ્થાપી ।।૫૧।। 

તે રીતે પ્રભુ વિચર્યા જાણ, તેનાં લખ્યાં ગ્રંથમાં એધાણ । જે જે સ્થળે રમ્યા અને જમ્યા, લીલા કરી ભક્ત મનગમ્યા ।।૫૨।। 

પૂર્વાર્ધના છે તરંગ જેહ, સો ઉપર દશ જાણો તેહ । ઉત્તરાર્ધના એકસો એક, ધારી લેજ્યો તે પરમ વિવેક ।।૫૩।। 

બેઉ મળીને સંખ્યા તે જાણો, બસેને અગિયાર પ્રમાણો । તેને વાંચે ગાશે રૂડી રીત, મોક્ષ પામશે પ્રીત સહીત ।।૫૪।।

 

 

ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામી શિષ્યભૂમાનંદમુનિ વિરચિતે શ્રી ઘનશ્યામલીલામૃતસાગરે ઉત્તરાર્ધે આચાર્યશ્રી અયોધ્યાપ્રસાદજી રામશરણજી સંવાદે સો તરંગનો સંકેત કહ્યો એ નામે એકસો ને એકમો તરંગઃ ।।૧૦૧।।