મંત્ર (૧૦) ૐ શ્રી હરિકૃષ્ણાય નમઃ

Submitted by Dharmesh Patel on Sat, 30/01/2010 - 10:22pm

શતાનંદસ્વામી કહે છે, હે પ્રભુ ! તમો આધિ, વ્યાધિ અને ઊપાધિને હરો છો. કૃષ્ણનો અર્થ થાય પોતાના સ્વરૂપમાં આકર્ષે, માર્કંડેયઋષિ કહે છે- મૈયા ! બે નામ ભેગાં કરીને એનું નામ હરિકૃષ્ણ પણ કહી શકાશે, હરિકૃષ્ણ "હરિકૃષ્ણ" મંત્રને હરતાં ફરતાં દરેક ક્રિયામાં જો કોઈ અખંડ જપ કરશે તો તેનું મન સ્થિર થશે. હૃદયમાં પ્રકાશ થશે, મન આડું અવડું દોડધામ નહિ કરે. માટે આ જનમંગળના મંત્રો એક બીજાથી ચડિયાતા મંત્રો છે, દિવ્ય છે. જીવનાં હૃદય ભુવનમાં જ્ઞાનદીપક પ્રગટાવનારા છે. જેમ સાબુથી વસ્ત્રનો મેલ જાય છે, તેમ આ મંત્ર જપવાથી મનના મેલ ધોવાય છે.

વ્રત ઊપવાસાદિકે કરીને ગમે તેવા દેહને સૂકવી નાખે, તો પણ જેવું ભગવાનનું નામ જપવાથી મન નિર્વિષયી, નિર્વિકારી અને નિર્મોહી થાય છે. તેવું તપ કરવાથી પણ થતું નથી. દેહનો ખોરાક અન્ન છે, અને અન્ન દેહનું જીવન છે. તેવી જ રીતે ભક્તિનું જીવનપ્રાણ હરિકૃષ્ણ મહારાજ છે. હરિકૃષ્ણ મંત્ર જન્મમરણરૂપી મહારોગનો નાશ કરનારી સંજીવની ઔષધી છે, અમૃત છે.

અમૃત પીવે તે અમર થાય તેમ આ નામામૃત છે તે અમૃત છે, ભગવાને કલ્યાણ કરવાના ઘણા સહેલા રસ્તા રાખ્યા છે, આ સાવ સહેલો રસ્તો છે. એક ટકાનો પણ ખર્ચ નથી. સેવાપૂજા કરો, મનથી પ્રભુનું નામ લો, દેહ સાજો ન હોય તો સૂતાં સૂતાં ભગવાનનું નામ લ્યો. ભગવાન વિના બધું નકામું છે.

દેહથી કામ કાજ કરતા રહો, મુખથી પ્રભુને જપતા રહો, તમારું કામ સફળ થશે, તમને કામમાં ભગવાન મદદ કરશે, તમને સંસારનાં કામનો ભાર નહિ લાગે. ને જે કામ કરશો તે ભગવાનના નામની સાથે કરશો તો તમારું કામ બધું પવિત્ર થશે, એક વાતનો

ખટકો રાખવો, ભગવાનને ન ભૂલો, ભગવાનને તમે નહિ ભૂલો તો ભગવાન તમને નહિ ભૂલે, ભગવાનને તમે નહિ છોડો તો ભગવાન તમને નહિ છોડે, ભગવાનનાં નામને પકડી રાખો.

ભગવાનનું નામ સ્મરણ કરે તેનાં દુઃખ દૂર થાય જ છે. પણ ભગવાનનાં ચરણરજથી પણ દુઃખ દૂર થાય છે આપણા ધર્મગ્રંથોમાં એક કથા છે. ચરણરજનો અદભુત મહિમા છે.

-: અહીં ખુદાની ચરણરજ હોવી જોઈએ :-

વડોદરાના રાજા સયાજીરાવ સરકારના મુખ્ય મંત્રી મીર સાહેબ તેઓ જ્ઞાતિએ મુસલમાન હતા. તેનો પગાર બાર મહિનાનો ત્રણ લાખ રૂપિયા હતો. તે વખતમાં બહુ કહેવાય, સરકારના માનીતા મંત્રી, પણ કર્મયોગે માથું સખત દુઃખ્યા જ કરે. રાત દિવસ જરાય ઊંઘ ન આવે. તેથી શરીર ફીકું, પીળું, દુબળું ને સુસ્તીવાળું ફેફર થઈ ગયું. ઘણી દવાઓ કરી કાંઈ ફરક પડ્યો નહિ. મીરસાહેબે જુનાગઢના પીરાણા પીરની માનતા કરી કે, મારું દુઃખ મટી જશે તો અઠ્યાવીશ હજારની સુંદર ચાદર પીરને ઓઢાડીશ.

કાંઈ ફરક પડ્યો નહિ. છતાં પણ માનતા ઊતારવા માટે જુનાગઢ જાય છે. સયાજી રાજા પાસે મંત્રી રડી પડ્યા, દુઃખ ભલાભલાને રડાવે છે. સરકારે કહ્યું, ચિંતા ન કરો હું તમને બધો બંદોબસ્ત કરી આપું, દશ ઘોડેશ્વાર જાવ આ સાહેબ સાથે. ભોઈને કહ્યું- તમે

આઠ જણા પાલખી લઈ જાવ. વારા ફરતી ઊપાડજો. સાથે ખૂબ પૈસા પણ આપ્યા, તે પાલખીમાં મીરસાહેબ સૂતા રહેતા, બેસાતું નહીં એવી માથામાં પીડા હતી.

નવ દિવસે જુનાગઢ પહાચ્યા, ત્યાં પીરને પગે લાગી પાંત્રીસ હજારની ચાદર ઓઢાડી, છ દિવસ ત્યાં રોકાયા, પણ દુઃખાવામાં જરાય ફેર પડ્યો નહિ. તેથી નિરાશ થઈ ગયા, હવે શું કરવું ? પાછા ફર્યા, રસ્તામાં ગઢપુરની નજીક રાધાવાડી છે ત્યાં પાલખી ઊતારી વિશ્રાંતિ લીધી, પછી સફેદ પછેડી પાથરી ઊત્તર તરફ મીરસાહેબ નમાજ પઢવા માથું ધરતીમાં નમાવ્યું, પ્રભુ અને સંતોના ચરણરજથી અંકિત પૃથ્વીની માટી માથાંને અડી ત્યાં તો મીરસાહેબ ઢડી પડ્યા. શાન્તિ શાન્તિ થઈ ગઈ, ઘસઘસાટ ઊંઘી ગયા, બધા જોતા જ રહી ગયા.

આતો નવાઈની વાત છે. નમાજ પઢતાં ઊંઘી ગયા. ભલે થોડીવાર ઊંઘી જાય. કલાક પછી જાગ્યા અને વાત કરી કે- અહીં ચોક્કસ ખુદાની ચરણરજ હોવી જ જોઈએ. અહીં ખુદાના ઓલિયા પણ આવ્યા હશે. નહિતર આવું બને નહિ. આ પવિત્ર સ્થાન છે.

ત્યાં સામે સચ્ચિદાનંદસ્વામી પ્રભુનું સ્મરણ કરતા કરતા શાકભાજી વીણે છે, ત્યાં મીરસાહેબ ગયા અને પૂછ્યું, ‘ફકીરજી ! અહીં આજુબાજુની જગ્યામાં કયાંક ખુદા છે ?" સ્વામીએ કહ્યું, હા છે. નજીકમાં ગઢપુર ગામે દાદાખાચરના દરબારમાં છે. કેમ પૂછવું પડ્યું ? "ત્યારે મંત્રીએ વિસ્તારથી વાત સંભળાવીને કહ્યું કે," આ ભૂમિ નિર્ગુણ અને સાત્ત્વિક છે. અલ્લાના સંબંધવાળી રજ છે. તો મને એ અલ્લા મળશે ?" "હા ચોક્કસ મળશે, ચાલો મારી સાથે."

દાદાના દરબારમાં પ્રવેશ કરતાની સાથે હૃદયમાં શાંતિ છવાઈ ગઈ, અને દુઃખ હરાઈ ગયું, શ્રીજીમહારાજ પાસે બધી વિસ્તારીને મીરસાહેબે વાત કરી. ભગવાનનો ગુણ આવ્યો દુઃખ માત્ર દૂર થઈ ગયું. પછી વર્તમાન ધરાવી ભગવાન સ્વામિનારાયણના આશ્રિત થયા, આ છે પ્રભુની તથા સંતની ચરણરજનો પ્રતાપ. હવે પછીનો મંત્ર છે તે બહુ લાડલો છે.