આવો રે વાલાજી હુંતો તારા મોળીડા પર મોઇ રે (૪) ?

Submitted by swaminarayanworld on Wed, 24/10/2012 - 7:18pm

 

રાગ : પ્રભાતી

 

પદ - ૧

આવો રે વાલાજી હું તો તારા મોળીડા પર મોઇ રે;

વાલાજી લાગો છો વા’લા તમને રહી છું જોઇ રે. આવો૦ ૧

લટકંતી ચાલ રૂડી મીઠાં મીઠાં વેણાં રે;

રસિયોજી જોઇને ઠરે છે મારાં નેણાં રે. આવો૦ ૨

આંખડલી રૂપાળી વાલા મુને કામણીયાં કરે છે રે;

મધુર મધુર હસવું તે પ્રાણને હરે છે રે. આવો૦ ૩

મંદિર પધારો મારે શ્યામ પટ ધારી રે;

તન મન ધન લઇને પ્રેમસખી વારી રે. આવો૦ ૪

 

પદ - ૨

વા’લા તમ સાથે મારે પ્રીતડી બંધાણી રે;

જનમ સંગાથી મારા સ્નેહી તમને જાણી રે. વાલા૦ ૧

લોકડીયાંની લાજ મેલિ, કુટુંબથી તોડિ રે;

શામળીયા સ્નેહિ વા’લા મેં તો તમસાથે જોડી રે. વાલા૦ ૨

ઘરડાંનો ધંધો મુને કાંઇ નવ સુઝે રે;

લાગ્યાં રે નેહનાં બાણ હવે કેમ રૂઝે રે. વાલા૦ ૩

પ્રેમ સખી કે’છે નિરખી નયણાં ઠરે છે રે;

વા’લા તમ સાથે મારું મનડું ફરે છે રે. વાલા૦ ૪

 

પદ - ૩

સખી રે શામળીયે વા’લે મુને મોહની લગાડી રે;

વા’લોજી જોવાને જાઇશ હું તો દાડી દાડી રે. સખી૦ ૧

ચિતડાં ચોર્યાં છે મારાં છેલવર છબીલે રે;

હવે હું તો રહી ન શકું જાઇશ નંદને ફળીયે રે. સખી૦ ૨

ઘોડલાં ખેલવશે વા’લો સાંભળ સૈયર મારી રે;

ત્યારે હું તો જાઇને બેસીશ સામી બારી રે. સખી૦ ૩

મુજ સામું જોશે હેતે વા’લો ઉભા રહીને રે;

શ્યામળીયો બોલાવશે મુજને પ્રેમસખી કહીને રે. સખી૦ ૪

 

પદ - ૪

વિસરીમાં જાજો વા’લા મુને શ્યામળીયા ગિરધારી રે;

વારે વારે કહું છું વા’લા, અરજ એ છે મારી રે. વિસરી૦ ૧

અમ જેવા ઘણા તમને, મને આશ તમારી રે;

તે માટે રાખજો વા’લા મને, પોતાની સંભારી રે. વિસરી૦ ૨

અધર અમૃત પાજો, રસિયા બોલાવી રે;

પાતળીયા પાવન કરજો, મંદિર મારે આવી રે. વિસરી૦ ૩

પ્રેમસખી મોહી છે વા’લા,રાજીવ નેણે રે;

બીજું નવ માગું વા’લા, બોલાવજો મીઠે વેણે રે. વિસરી૦ ૪

Facebook Comments