પ્રાત સમે મારા પ્રાણજીવનનું, મુખડું જોવા જાઈએ રે (૪) ?

Submitted by swaminarayanworld on Wed, 24/10/2012 - 6:01pm

 

રાગ : ભૈરવ

પદ-૧

પ્રાત સમે મારા પ્રાણજીવનનું, મુખડું જોવા જાઈએ રે;

નલવટ રેખા નૌતમ નિરખી, અંતર સુખિયાં થાઈએ રે. પ્રાત ૦ ૧

દક્ષણ ગોળ કપોળે તીલનું, શ્યામ ચિહ્ન ચિત્ત લાઈએ રે;

શ્રવણ વામમાં શ્યામ બિંદુ જોઈ, કામધામ વિસરાઈએ રે. પ્રાત ૦ ૨

સુંદર શ્યામ જગાડ્યા સારુ, ઘેરે સાદે ગાઈએ રે;

ભૃકુટી ભાલતિલકને ભાળી, પરમાનંદ સુખ પાઈએ રે. પ્રાત ૦ ૩

નંદજીને આંગણીએ નિત્ય નિત્ય, જાતાં નહીં લજાઈએ રે;

બ્રહ્માનંદ કહે ભાગ્ય હોય તો, કૃષ્ણ તણા કહેવાઈએ રે. પ્રાત ૦ ૪

 

પદ-૨

પ્રાત સમે પાતળિયા કેરું, કોડે દર્શન કરીએ રે;

મહા મનોહર નૌતમ મૂરતિ, લોચનિયામાં ધરીએ રે. પ્રાત ૦ ૧

જગજીવનને જગાડવા સારુ, મંદિરીયામાં ગરીએ રે;

માત જશોમતી રીસ કરે તોય, નીરખીને નીસરીએ રે. પ્રાત ૦ ૨

શામળિયા સારુ સજની, લોક લાજ પરહરીએ રે;

હોંસેથી હડસેલા ખાઈએ, નંદજીની ઓસરીએ રે. પ્રાત ૦ ૩

પૂરવ ભવમાં પુણ્ય હોય તો, વહાલમજીને વરીએ રે;

બ્રહ્માનંદ કહે કહાનકુંવરને, કેડે કેડે ફરીએ રે. પ્રાત ૦ ૪

 

પદ-૩

થયું સવાર ચાલી સખી, જાઈએ નંદરાયને ફળીએ રે;

આ ટાણે આળસ મેલીને, હેતે હેતે હળીએ રે; થયું૦ ૧

જદુપતિ કેરે દર્શન જાતાં, ખાળે તોય નવ ખળીયે રે;

ગિરિધર સારુ ગાળ્યું ખાઈએ, આંગણીએ ટળવળીએ રે. થયું૦ ૨

અલબેલાને ઉઠ્યા જાણીને, ચરણ કમળમાં ઢળીએ રે;

ગુંથી હાર ગળે આરોપું, નવલ ગુલાબી કળીએ રે. થયું૦ ૩

જશોમતીને ઘેર જોરે જોરે, દળણું લેઈને દળીએ રે;

બ્રહ્માનંદ કહે જેમ તેમ કરીને, મોહનજીને મળીએ રે. થયું૦ ૪

 

પદ-૪

પ્રભાતે ઊઠીને પેહેલું, મુખ જોઈયે માવાનું રે;

લોચનિયાંથી વહાલું લાગે, મંદિર નંદબાવાનું રે... પ્રભાતે૦ ૧

નવરાં ત્યાં ઊભા નવ રહીએ, જે હોય તે લાવાનું રે;

કહાન કુંવરને નીરગરમ લઈ, નિત્ય દઈએ નહાવાનું રે... પ્રભાતે૦ ૨

દધી માખણ ઘૃત સાકર દેઈએ, ખાંતે કરી ખાવાનું રે;

જગજીવનને જમતા જોઈને, અંતર સુખ થાવાનું રે... પ્રભાતે૦ ૩

ચૌદ લોકના ભોગ સંપત્તિ, વશ એને વાવાનું રે;

બ્રહ્માનંદ કહે મારે જોઈએ, નિત્ય દર્શન માવાનું રે... પ્રભાતે૦ ૪

Facebook Comments