૮ શ્રીકૃષ્ણ અને બળદેવનાં ગર્ગાચાર્યે નામ પાડ્યાં તથા માટી ખાતાં માતાને વિશ્વરૂપ દેખાડ્યું.

Submitted by swaminarayanworld on Tue, 07/02/2012 - 10:25am

અધ્યાય ૮

શ્રીકૃષ્ણ અને બળદેવનાં ગર્ગાચાર્યે નામ પાડ્યાં તથા માટી ખાતાં માતાને વિશ્વરૂપ દેખાડ્યું.

શુકદેવજી કહે છે- હે રાજા ! મહા તપસ્વી અને યાદવોના ગોર ગર્ગાચાર્ય વસુદેવની પ્રેરણાથી નંદરાયના વ્રજમાં આવ્યા. ૧ તેમને જોઇ બહુ જ રાજી થયેલા નંદરાયે સામા ઊભા થઇ હાથ જોડીને તથા તેમને પરમેશ્વરરૂપ જાણીને નમસ્કારપૂર્વક પૂજા કરી. ૨ પૂજા કર્યા પછી સારી રીતે બેઠેલા તે મુનિને નંદરાયે સુંદર વાણીથી કહ્યું કે હે મહારાજ ! જે આપ પરિપૂર્ણ છો. આપનું શું કામ કરીએ ? ૩  મહાત્મા પુરુષોનું આવવું, થોડીવાર પણ ઘરને નહીં છોડી શકતા ગૃહસ્થોનું કલ્યાણ કરવા સારુ જ હોય છે. કદીપણ તેઓના પોતાના સ્વાર્થને માટે હોતું નથી. ૪  જે જ્ઞાનને ઇન્દ્રિયો નજ પહોંચી શકે, એવા જ્ઞાનને આપનાર જયોતિષશાસ્ત્ર આપે કર્યું છે, કે જેથી પુરુષને પૂર્વ તથા વર્તમાન જન્મના ભૂત અને ભાવિફળનું જ્ઞાન થાય છે. ૫  આપ જયોતિષશાસ્ત્રના કર્તા અને વેદ જાણનારાઓમાં પણ શ્રેષ્ઠ છો, તેથી આ બે બાળકોના સંસ્કાર કરો. બ્રાહ્મણ જન્મથી જ મનુષ્યોના ગુરુ કહેવાય છે. ૬

ગર્ગાચાર્ય કહે છે- હું યાદવોનો આચાર્ય છું અને પૃથ્વીમાં સર્વદા પ્રખ્યાત છું, તેથી જો હું તમારા પુત્રના સંસ્કાર કરું, તો પાપ બુદ્ધિવાળો કંસ તમારા પુત્રને દેવકીનો પુત્ર માને અને વળી વસુદેવની સાથે તમારે મૈત્રી છે તે પણ કંસ જાણે છે, અને દેવકીની  દીકરી યોગમાયાનું વચન સાંભળી ‘દેવકીનો આઠમો ગર્ભ સ્ત્રી ન જ થવો જોઇએ’ એમ પણ વિચાર કર્યા કરે છે. માટે આઠમા ગર્ભની શંકાથી તે જો તમારા પુત્રને મારે તો તેમાં અમારું બહુ જ ભૂંડું થાય. ૭-૯  

નંદરાય કહે છે- આ વ્રજમાં મારા લોકોના પણ જાણવામાં ન આવે, એવા એકાંત સ્થળમાં સ્વસ્તિવાચન કરીને આ પુત્રોના સંસ્કાર કરો, કે જે સંસ્કાર બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્યને અવશ્ય થવા જોઇએ. ૧૦

શુકદેવજી કહે છે- આ પ્રમાણે નંદરાયે પ્રાર્થના કરતાં ગર્ગાચાર્યે એકાંતમાં ગુપ્ત રીતે તે બે બાળકોનાં નામ પડ્યાં, કે જે કરવાની ઇચ્છાથી જ પોતે આવ્યા હતા. ૧૧

ગર્ગાચાર્ય કહે છે- આ રોહિણીનો પુત્ર પોતાના ગુણોથી સંબંધીઓને રમાડે છે, માટે ‘રામ’ કહેવાશે. અધિક બળ હોવાથી બલભદ્ર કહેવાશે, અને કોઇ પણ કારણથી વિવાદ કરીને વિખૂટા પડેલા યાદવોને એકઠા કરશે, તેથી સંકર્ષણ પણ કહેવાશે. ૧૨  આ જે તમારો પુત્ર છે તે પ્રત્યેક યુગમાં અવતાર ધરે છે અને એનો શ્વેત, રક્ત, તથા પીત વર્ણ હતો, હમણાં કૃષ્ણ વર્ણ છે તેથી તેનું ‘‘કૃષ્ણ’’ એવું નામ કહેવાશે. ૧૩  પૂર્વે કોઇ સમયે આ તમારો પુત્ર વસુદેવનો પુત્ર થયેલ હતો. તેથી જ્ઞાની લોકો આનું ‘વાસુદેવ’ એવું નામ પણ કહેશે. ૧૪  ગુણ અને કર્મને અનુસારે તમારા પુત્રનાં નામ અને રૂપ ઘણાં છે કે જે સઘળાને હું  જાણતો નથી અને લોકો પણ જાણતા નથી. ૧૫  ગોવાળિયા અને ગાયોને રાજી કરનાર આ તમારો પુત્ર તમારું કલ્યાણ કરશે અને તેના પ્રભાવથી તમે સઘળાં કષ્ટોને  અનાયાસથી તરી જશો. ૧૬  હે વ્રજના પતિ ! પૂર્વે કોઇ રાજા ન હતો તે સમયમાં ચોર લોકોએ પીડેલા સજજનોની, આ તમારા પુત્રે રક્ષા અને વૃદ્ધિ કરી હતી, તેથી તમોએ ચોરલોકોને જીત્યા હતા.  ૧૭  જે ભાગ્યશાળી માણસો આ તમારા પુત્રમાં પ્રીતિ રાખશે તેઓને દૈત્યો જેમ વિષ્ણુના પક્ષવાળાઓનો પરાભવ કરી શકતા નથી, તેમ શત્રુઓ પરાભવ કરી શકશે નહિ. ૧૮  હે નંદ ! આ તમારો પુત્ર ગુણ, ર્કીતિ, લક્ષ્મી અને પ્રભાવથી નારાયણ સમાન છે માટે સાવધાન રહીને આની રક્ષા કરજો. ૧૯

શુકદેવજી કહે છે- આ પ્રમાણે આજ્ઞા કરી ગર્ગાચાર્ય પોતાને ઘેર ગયા અને રાજી થયેલા નંદરાયે પોતાના સઘળા મનોરથો પૂર્ણ થયા માન્યા. ૨૦  થોડો સમય જતાં બળભદ્ર અને શ્રીકૃષ્ણ ગોકુળમાં ગોઠણ અને હાથવતે જમીન પર સરકી ભાંખોડિયે ચાલવાની લીલા કરવા લાગ્યા. ૨૧  એ બન્ને ભાઇઓ ઘરેણાંની ઘુઘરીઓના શબ્દથી સુંદર લાગે એવી રીતે પોતાના પગને ઢસડી ઢસડીને વ્રજનાં કાદવોમાં બહુ જ ચાલવા લાગ્યા, ઘુઘરીઓના શબ્દથી રાજી થવા લાગ્યા અને વળી કોઇ જતા આવતા માણસની પછવાડે ત્રણ ચાર પગલાં જઇને અણસમજુ અને ભય પામેલાની પેઠે પોતાની માતાઓની પાસે જતા હતા. ૨૨  દયાથી જેઓને પાનો આવતો હતો, એવી તેઓની માતાઓ કાદવથી અને ચંદનના લેપનથી સુંદર લાગતા પોતાના પુત્રને હાથવતે આલિંગન કરી ધવરાવતી હતી. તે સમયે મંદહાસ્ય અને થોડા દાંતવાળા બળદેવ તથા કૃષ્ણનું મુખ જોઇને રાજી થતી હતી. ૨૩ જયારે એ બાળકની કુમાર અવસ્થાની લીલા સ્ત્રીઓને જોવા જેવી થઇ ત્યારે અર્થાત્ બન્ને બાળકો મોટા થયા ત્યારે, વ્રજમાં વાછરડાંઓનાં પૂછડાં પકડતા અને વાછરડાંઓ દ્વારા આમ તેમ ચારે બાજુ  ખેંચી જવાતા એ બાળકોને જોઇ, ગોપીઓ પોતાનાં કામને ભૂલી જઇ હસતી હતી અને હર્ષ પામતી હતી. ૨૪  ક્રીડામાં લાગેલા અને અત્યંત ચપળ પોતાના પુત્રોને શીંગડાંવાળાં પશુ, દાઢવાળા પ્રાણી, અગ્નિ, જળ, પક્ષી અને કાંટાઓથી અટકાવવાને અને ઘરનાં કામ કરવાને જયારે રોહિણી અને યશોદાની શક્તિ રહી નહીં, ત્યારે તે બન્ને માતાઓ મનની બહુ જ આકુળતાને પામ્યાં. ૨૫  હે પરીક્ષિત રાજા ! પછી થોડો કાળ જતાં બળભદ્ર અને શ્રીકૃષ્ણ ભગવાન ગોકુળમાં પગથી ચાલવા લાગ્યા. ૨૬  પછી બળભદ્ર સહિત શ્રીકૃષ્ણ ભગવાન પોતાના સરખી અવસ્થાના બાળકો સાથે ગોપીઓને આનંદ ઊપજે એવી રીતે ક્રીડા કરવા લાગ્યા. ૨૭  ભગવાનની પ્રિય લાગે એવી બાળઅવસ્થાની ચપળતા જોઇને, સઘળે ઘેરથી ભેળી થયેલી ગોપીઓ યશોદાજીના સાંભળતાં, આ પ્રમાણે રાવ ખાતી હતી. ૨૮  ‘‘હે યશોદા ! અમારું ચિત્ત ઘરનાં કામકાજમાં બહુ જ લાગેલું હોય છે ત્યારે આ તમારો પુત્ર ક્યારેક દોહવાના સમય વગર પણ અમારાં વાછરડાંઓને છોડી મૂકે છે. અમે વઢીએ છીએ તો હસે છે. ચોરીના ઉપાયો કરીને મીઠા મીઠા પદાર્થ દહીં અને દૂધ ચોરી લઇને ખાઇ જાય છે. એટલું જ નહીં પણ પોતે ખાધા પહેલાં વાંદરાઓને વહેંચી દે છે. તેઓમાં તૃપ્ત હોવાને લીધે કોઇ વાંદરો ન ખાય તો પોતે ઠામ ફોડી નાખે છે. કોઇ સમયે કાંઇ વસ્તુ ન મળે તો અમારી ઉપર ક્રોધ કરી, અમારાં સૂતેલાં બાળકોને રોવરાવીને ભાગી જાય છે. કોઇ વસ્તુ ઊંચી રાખવાને લીધે હાથમાં આવે એમ ન હોય તો પાટલા અને ખાંડણિયા આદિ માંડી, તેના ઉપર ચઢીને પહોંચાય તેવો ઉપાય કરે છે. વાસણ ઊંચાં શીંકાઓમાં રાખેલાં હોય છે તો તેઓમાં રાખેલી વસ્તુ જાણી લઇને તેમાં ફાંકું પાડે છે. ઘરમાં અંધારું હોય તો પોતાના અંગમાં અનેક મણિ પહેરી આવીને અજવાળું કરે છે. ૨૯-૩૦  અરે ચોર ! એમ કહી અમે બરકીએ છીએ તો સામી ઠેકડી કરે છે કે, હું તો ઘરનો માલિક, તું ચોર છે. અને સારાં સારાં ઘરમાં મળમૂત્ર કરી જાય છે, આમ ચોરીના ઉપાયોનું કામ કરે છે તો પણ તમારી પાસે સારા માણસની પેઠે બેઠેલ છે.’’ આ પ્રમાણે ભય સહિત નેત્રવાળા ભગવાનના શ્રીમુખને જોયા કરતી ગોપીઓએ સઘળી વાતો કહી દેખાડતાં યશોદા હસી પડ્યાં, પણ પુત્રને ઠપકો દેવાની ઇચ્છા ન કરી. ૩૧ એક દિવસે ક્રીડા કરતા બળભદ્ર આદિ છોકરાઓ યશોદા પાસે જઈને કહ્યું કે ‘કૃષ્ણે માટી ખાધી’.૩૨  હિતની ઇચ્છાવાળાં યશોદાએ જેની આંખો ભયથી ચકળવકળ થયેલી હતી, એવા શ્રીકૃષ્ણનો હાથ પકડી ઠપકો દઇને કહ્યું કે- ‘‘અરે અટકચાળા ! તેં માટી શા માટે ખાધી ? આ તારા મિત્ર બાળકો કહે છે અને તારા મોટોભાઇ પણ કહે છે’’૩૩-૩૪ ભગવાન બોલ્યા ‘‘હે મા !’’ મેં માટી ખાધી નથી. બધાલોકો ખોટું બોલે છે. જો તમને તેનું બોલવું સાચું લાગતું હોય તો પ્રત્યક્ષ રીતે મારું મુખ જુઓ.’’ જો એમ હોય તો મુખ ઉઘાડ. એમ યશોદાએ કહેતાં અખંડિત ઐશ્વર્યવાળા અને લીલાથી મનુષ્ય જેવા થયેલા ભગવાને પોતાનું મુખ ઉઘાડ્યું. ૩૫-૩૬ એ મુખમાં યશોદાએ સ્થાવર, જંગમ, જગત, અંતરિક્ષ, દિશાઓ, પર્વતો, દ્વીપો, સમુદ્રો, ભૂગોળ, પ્રવહ નામનો વાયુ, વીજળી, ચંદ્ર, તારા, સ્વર્ગલોક, જળ, તેજ, વાયુ, આકાશ, ઇંદ્રિયોના દેવ, ઇંદ્રિયો, મન, શબ્દાદિક પાંચ વિષય, ત્રણ ગુણ, જીવ, કાળ, સ્વભાવ, કર્મના સંસ્કાર અને તેઓથી થતા શરીરના ભેદ એક સામટા દીઠા. ૩૭-૩૮ આ પ્રમાણે પુત્રના નાના મુખમાં સઘળું વિચિત્ર જગત અને તેની સાથે વ્રજ સહિત પોતાના શરીરને પણ જોઇને યશોદાને વિચાર થયો કે આ તે શું સ્વપ્ન છે ? ના, આ સ્વપ્ન તો નહીં, ત્યારે શું ભગવાનની માયા છે ? ના, તે પણ નહીં. કેમકે માયા હોય તો બીજાઓને દેખાવામાં પણ આવવી જોઇએ. ત્યારે જેમ અરીસામાં મુખ પ્રતિબિંબરૂપે દેખાય છે, તેમ શું આ મારી બુદ્ધિનું જ પ્રતિબિંબ છે ? ના, એમ તો નહીં; કેમકે એમ હોય તો અરીસામાં જેમ આરસી દેખાય નહીં તેમ આ પુત્રના મોઢામાં એજ પુત્ર દેખાવો જોઇએ, અને બહાર તથા અંદર એકરૂપથી જગત દેખાવું જોઇએ. તો શું આ મારા પુત્રનું સ્વાભાવિક કાંઇ ઐશ્વર્ય છે? ૩૯-૪૦ આ છેલ્લો પક્ષ જ મને પ્રબળ લાગે છે, માટે બુદ્ધિ, મન, કર્મ અને વચનથી જેમ છે તેમ ધારી શકાય નહિ, એવું આ જગત જેના થકી ઉત્પન્ન થાય છે, જેના થકી પાલનને પામે છે અને જેમાં લય પામે છે, આવું અતર્ક્ય ભગવાનના સ્વરૂપને હું પ્રણામ કરૂં છું. ૪૧ હું યશોદા છું, આ મારો પતિ છે, આ મારો પુત્ર છે, નંદરાયના સઘળા ધનની ધણીઆણી હું તેની સ્ત્રી છું અને ગોપીઓ, ગોવાળિયા તથા ગાયોનાં ધણ મારાં છે, આવી રીતની કુબુદ્ધિ જેની માયાથી થઇ છે, તે ઇશ્વર મારું શરણ છે. ૪૨ આ પ્રમાણે યશોદાને તત્ત્વજ્ઞાન થતાં તે શ્રીકૃષ્ણે પાછી પુત્રના સ્નેહરૂપી માયા વિસ્તારી દીધી. ૪૩ માયાથી તુરત સ્મરણ જતું રહેતાં તે યશોદા પોતાના પુત્રને ખોળામાં બેસાડીને પ્રથમની પેઠે જ વૃદ્ધિ પામેલા સ્નેહથી ઘેરાએલાં હૃદયવાળાં થઇ ગયાં.૪૪ કર્મકાંડરૂપ ત્રણ વેદ, જે શ્રીકૃષ્ણ ભગવાનના સ્વરૂપને ઇંદ્રાદિકરૂપ કહે છે, ઉપનિષદો બ્રહ્મ કહે છે, સાંખ્ય પુરુષ કહે છે, યોગ પરમાત્મા કહે છે અને ભક્તલોકો ભગવાન કહે છે, આવા શ્રીકૃષ્ણને યશોદાએ પુત્ર માન્યા. ૪૫

પરીક્ષિત રાજા પૂછે છે હે મહારાજ ! નંદરાયે એવું મોટું કયું પુણ્ય કર્યું હતું ? અને ભાગ્યશાળી યશોદા કે જેનું સ્તનપાન પોતે ભગવાને કર્યું તેણે પણ કયું પુણ્ય કર્યું હશે? ૪૬  લોકોના પાપને મટાડનારી ભગવાનની બાળલીલા કે જેને કવિઓ અદ્યાપિ સુધી ગાય છે, તે બાળલીલાનો અનુભવ સાચાં મા-બાપને નહીં મળતાં નંદ અને યશોદાને મળ્યો તેનું કારણ શું? ૪૭

શુકદેવજી કહે છે- આઠ વસુઓમાં ઉત્તમ દ્રોણ વસુ અને તેની સ્ત્રી ધરાને બ્રહ્માએ ગાયોનું પાલન કરવા આદિ કામની આજ્ઞા કરતાં તે આજ્ઞાનો સ્વીકાર કરી, તે બન્નેએ માગ્યું કે- અમો સ્ત્રી-પુરુષ પૃથ્વીમાં જન્મ ધારણ કરીએ ત્યારે જગતના નાથ ભગવાનમાં અમને પરમ ભક્તિ થવી જોઇએ કે જેથી અનાયાસે જન્મ મરણના ફેરા મટે છે. ૪૮-૪૯  બ્રહ્માએ તથાસ્તુ કહેતાં, એ મોટી ર્કીતિવાળા દ્રોણ વસુ વ્રજમાં નંદરાય થયા અને તેની સ્ત્રી ધરા યશોદા થઇ. ૫૦  જો કે સઘળા ગોવાળિયા અને ગોપીઓને પણ ભગવાનમાં ભક્તિ હતી જ, તો પણ નંદરાય અને યશોદાને પુત્રરૂપ થયેલા ભગવાનમાં બ્રહ્માના વરદાનને લીધે બહુ જ ભક્તિ થઇ હતી. ૫૧ પરમાત્મા શ્રીકૃષ્ણ ભગવાને બ્રહ્માની આજ્ઞા સત્ય કરવા સારુ બળભદ્રની સાથે વ્રજમાં રહીને પોતાની લીલાથી નંદ યશોદાને પ્રીતિ ઉત્પન્ન કરી હતી.

૫૨

ઇતિ શ્રીમદ્ મહાપુરાણ ભાગવતના દશમ સ્કંધનો અષ્ટમો અધ્યાય સંપૂર્ણ.