પુરૂષોત્તમપ્રકાશ પ્રકાર - ૧૯

Submitted by swaminarayanworld on Sat, 17/09/2011 - 12:59pm

દોહા

દરશનનું કહી દાખિયું, કહું સ્પરશનું જે પુનિત ।

સ્પર્શ કરી જન પામિયા, અતિ સુખ અમિત ।। ૧ ।।

સ્પર્શ પુરુષોત્તમનો, કહો જીવને થાશે કેમ ।

એ વાત નથી વાત સરખી, સહુ ઉર વિચારજો એમ ।। ૨ ।।

અમાયિક માયિકનો, જાણો મોંઘો થાવો મેળાપ ।

ભાનુ૨ રજની ભેળાં મળે, એવો કર્યો નથી કેણે થાપ ।। ૩ ।।

તે અમળતી વાત મળી, વળી સ્પર્શ્યા પુરુષોત્તમ ।

ત્રિલોકમાં વળી તેહની, શોધતાં ન મળે સમ ।। ૪ ।।

ચોપાઈ

પુરુષોત્તમ જે પરબ્રહ્મ રે, જેને નેતિ નેતિ કે’ નિગમ રે ।

અતિ દુર્લભ દર્શન જેનાં રે, ભવ બ્રહ્માને ન થાય તેનાં રે ।। ૫ ।।

જયારે અજ ઈશને૫ અગમ રે, ત્યારે મનુષ્યને કયાંથી સુગમ રે ।

જેનાં દરશન પણ ન થાય રે, ત્યારે તેને કેમ સ્પર્શાય રે ।। ૬ ।।

અતિ દરશ સ્પરશ જેનાં દૂર રે, તે તો કર્યા હરિયે હજૂર રે ।

માટે જે પ્રાણી પામિયા સ્પર્શ રે, તે તો થયા સહુથી સરસ રે ।। ૭ ।।

જેને મળિયા હૈયામાં ઘાલી રે, તેને બેઠા છે અક્ષર આલી રે ।

જેની છાપી છે ચરણે છાતી રે, તેની પ્રાપતિ નથી કે’વાતી રે ।। ૮ ।।

જેને માથે હાથ મૂકયો નાથે રે, તે તો મળી બેઠા મુકત સાથે રે ।

જેને ચાંપવા આપ્યા છે ચરણ રે, તેને રહ્યું નહિ જન્મ મરણ રે ।। ૯ ।।

જેણે અત્તર ચોળ્યાં છે અંગે રે, થયો સ્પર્શ એહ પ્રસંગે રે ।

જેણે ચોળ્યું છે તેલ ફૂલેલ રે, અતિ સારી સુગંધી ભરેલ રે ।। ૧૦ ।।

અંગે ચોળ્યું તેલ મીણતણું રે, એમ સ્પર્શાણું અંગ આપણું રે ।

એહ સ્પર્શનું ફળ જે પામે રે, જાયે તે જન અક્ષર ધામે રે ।। ૧૧ ।।

વળી નવરાવતાં નાથને રે, થયો સ્પર્શ તેનો હાથને રે ।

અંગ ચોળી નવરાવ્યા નીરે રે, સ્પર્શ્યા હાથ તે નાથ શરીરે રે ।। ૧૨ ।।

વસ્ત્ર પે’રાવતાં થયો સ્પર્શ રે, તે આપનાર સુખનો સરસ રે ।

ચરચ્યાં ચંદન મળિયાગર રે, સારી સુખડ્ય કાજુ કેસર રે ।। ૧૩ ।।

કર્યો કુંકુમનો ચાંદલો રે, ભાવે કરી હરિભકતે ભલો રે ।

માળા પે’રાવતાં સ્પર્શ થયો રે, કુંડળ ધરતાં કર અડી ગયો રે ।। ૧૪ ।।

બાજુ બેરખા બાંધતાં બાંયે રે, પૂજા કરીને લાગતાં પાયે રે ।

પૂજા કરતાં સ્પર્શાણું પંડ રે, તે તો પામશે ધામ અખંડ રે ।। ૧૫ ।।

લેતાં હાથોહાથ વળી તાળી રે, સ્પર્શી સુંદર મૂર્તિ રૂપાળી રે ।

નખશિખા સ્પર્શતાં નાથ રે, ગયા સ્વધામે થઈ સનાથ રે ।। ૧૬ ।।

એવો સ્પર્શ પુરુષોત્તમ તણો રે, નથી કે’વાતો છે અતિ ઘણો રે ।

સ્પર્શ્યા ચરણારવિંદ પાવન રે, સહુ જતને પૂજે છે જન રે ।। ૧૭ ।।

સ્પર્શ્યા વસ્ત્ર છે પૂજવા જેવા રે, પૂજયાં ચંદન અંગધારી લેવા રે ।

પૂજયા હાર તે પે’રવા હૈયે રે, જેથી અક્ષરધામમાં જૈયે રે ।। ૧૮ ।।

જે જે વસ્તુ સ્પર્શી હરિ અંગ રે, તે તો કલ્યાણકારી જેમ ગંગ રે ।

સ્થાવર જંગમ જળ સ્થળ જેહ રે, થયાં હરિ સંબધે શુદ્ધ તેહ રે ।। ૧૯ ।।

સ્પર્શી વસ્તુએ મંગળકારી રે, ત્યારે પુરુષોત્તમની રીત્ય ન્યારી રે ।

માટે જેને સ્પર્શા પરબ્રહ્મ રે, તેને પરમ ધામ છે સુગમ રે ।। ૨૦ ।।

ઇતિ શ્રીસહજાનંદસ્વામી ચરણકમલ સેવક નિષ્કુળાનંદ મુનિ વિરચિતે પુરુષોત્તમપ્રકાશ મધ્યે એકોનવિંશઃ પ્રકારઃ ।।૧૯।।