ગઢડા પ્રથમ – ૭૩ : કામ જીત્‍યાનું, નિર્વાસનિક થયાનું

Submitted by swaminarayanworld on Thu, 20/01/2011 - 10:03pm

ગઢડા પ્રથમ – ૭૩ : કામ જીત્‍યાનું, નિર્વાસનિક થયાનું

સંવત્ ૧૮૭૬ ના ચૈત્ર વદિ ૩૦ અમાસને દિવસ રાત્રિને સમે સ્‍વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં પોતાના ઉતારાને વિષે ઉત્તરાદે બાર ઓરડાની ઓસરીએે વિરાજમાન હતા ને શ્વેત ખેસ પહેર્યો હતો અને શ્વેત ચાદર ઓઢી હતી તથા શ્વેત ફેંટો મસ્‍તક ઉપર બાંઘ્‍યો હતો અને પોતાના મુખારવિંદની આગળ મુકતાનંદ સ્‍વામી આદિક મોટેરા સાધુ ચાર તથા પચાસને આશરે હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી.

પછી ગોપાળાનંદસ્‍વામીએ પ્રશ્ર્ન પુછયો જે, ”કામનું શું રૂપ છે?” પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, ‘વીર્ય એજ કામનું રૂપ છે’ પછી આશંકા કરી જે, “વીર્ય તો સાત ધાતુ માંહિલો એક ધાતુ છે, માટે એ જ કામનું રૂપ કેમ કહેવાય ? અને તે વીર્યની ઉત્‍પત્તિ શાણે કરીને છે. ?” પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, મનોવહા નામે નાડીને વિષે મન રહ્યું છે, તે મનને વિષે જ્યારે સ્‍ત્રી સંબંધી સંકલ્‍પ થાય છે ત્‍યારે, જેમ દહીં હોય તે રવાઇએ કરીને મથાય ત્‍યારે ધી હોય તે સર્વ ઉપર તરી આવે છે, તેમ સ્‍ત્રી સંબંધી સંકલ્‍પે કરીને વીર્ય જે તે શરીરમાંથી મથાઇને મનોવહા નાડીને વિષે ભેળું થઇને શિશ્ર્ન દ્વારે આવે છે અને જેને વીર્ય શિશ્ર્ન દ્વારે ન આવે તે ઉઘ્‍ર્વરેતા પુરૂષ કહેવાય અને તે નૈષ્‍ઠિક બ્રહ્મચારી કહેવાય અને શ્રીકૃષ્ણભગવાને રાસક્રીડાને વિષે સ્‍ત્રીઓનો સંગ કરીને પણ વીર્યપાત થવા દીધો નહિ, તેમાટે ઉઘ્‍ર્વરેતા બ્રહ્મચારી કહેવાણા ને કામને જીત્‍યો. માટે વીર્ય તેજ કામનું રૂપ છે, જેણે વીર્યને જીતીને વશ રાખ્‍યું તેણે કામને જીત્‍યો.

પછી વળી ગોપાળાનંદ સ્‍વામીએ પુછયું જે, “જ્યારે એ દેહને બાળી દે છે ત્‍યારે સપ્‍તધાતુ દેહ ભેળા બળી જાય છે. માટે જો વીર્યજ કામનું રૂપ હોય તો દેહ ભેળે વીર્યને બળવે કરીને કામ પણ બળી ગયો જોઇએ, ત્‍યારે એ જીવ બીજા દેહમાં જાય છે ત્‍યારે કામના કેમ ઉદય થાય છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, સૂક્ષ્મદેહ ભેળું વીર્ય રહે છે તે સૂક્ષ્મ દેહને યોગે કરીને સ્‍થૂળ દેહ ઉદય થઇ આવે છે, જેમ ભૂત હોય તે સૂક્ષ્મ દેહપ્રધાન હોય, પછી સૂક્ષ્મ દેહમાંથી સ્‍થૂળ દેહને ધરીને સ્‍ત્રીનો સંગ કરે છે અને તે સ્‍ત્રીને ભૂત થકી બાળક ઉત્‍પન્ન થાય છે, માટે સૂક્ષ્મ દેહ ભેળું જ વીર્ય રહે છે.

પછી વળી ગોપાળાનંદ સ્‍વામીએ પુછયું જે, “શિવજી ઉઘ્‍ર્વરેતા હતા પણ મોહિનીરૂપને જોઇને વીર્યપાત થયો, તેમ જેના દેહમાં વીર્ય હોય અને તેને જાગ્રતમાં અથવા સ્‍વપ્નમાં સ્‍ત્રીનો યોગ થાય ત્‍યારે વીર્યપાત થયા વિના રહે નહિ, માટે જ્યાં સુધી દેહમાં વીર્ય હોય ત્‍યાં સુધી નિષ્કામી કેમ કહેવાય? પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, શિવજીને પણ એટલી યોગકળામાં ખોટ કહેવાય છે અને જેને જાગ્રત અથવા સ્‍વપ્નને યોગે કરીને સ્‍ત્રીના સંકલ્‍પ થકી વીર્યપાત થાય તો તેને પાકો બ્રહ્મચારી કહેવાય નહિ, માટે આ સંસારમાં દૃઢ બ્રહ્મચર્યવાળા તો એક નરનારાયણ ઋષિ છે અને તે નરનારાયણનો આપણે આશ્રય છે, તેના પ્રતાપ થકી ધીરે ધીરે એ નરનારાયણનું ભજન કરીને આપણે પણ એ સરખાજ નિષ્કામી થઇશું. અને દેહમાં જે વીર્ય રહે છે તેને બાળી નાખવાને અર્થે યોગી કેટલાક પ્રકારનું યત્‍ન કરે છે અને શ્રીકૃષ્ણ ભગવાને સ્‍ત્રીઓને સંગે રહીને નૈષ્‍ઠિકબ્રહ્મચર્ય રાખ્‍યું, તે એવું સામથ્‍ર્ય તો ભગવાનમાંજ હોય પણ બીજાથી એમ રહેવાય નહિ. માટે બીજા યોગીને તો જાગ્રતમાં અથવા સ્‍વપ્નમાં સ્ત્રીનો સંકલ્‍પ ન થાય એવું યત્‍ન કરવું.

પછી શુકમુનિએ પુછયું જે, “દ્વારિકામાં સોળ હજાર એકસો ને આઠ જે ભગવાનની સ્‍ત્રીઓ હતી, તેમાં એક એક સ્‍ત્રીને વિષે દશ દશ પુત્ર અને એક એક પુત્રી થઇ એમ પણ કહ્યું છે. તેનું કેમ સમજવું ?” પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, દ્વારિકાની વાત બીજી છે અને વ્રજની બીજી છે, દ્વારિકામાં તો ભગવાન સાંખ્‍યમતને આશર્યા હતા તે સાંખ્‍યમતવાળો હોય તે દેહ, ઇન્‍દ્રિયો મન, એ સર્વે થકી પોતાનું સ્‍વરૂપ ભિન્ન સમજે અને સર્વ ક્રિયાને કરતો થકો પોતાને અકર્તા સમજે અને તે ક્રિયાએ કરીને હર્ષ શોકને પામે નહિ, એ મતને ભગવાન આશર્યા હતા. માટે ભગવાનને નિલર્પ કહ્યા અને ભગવાન દ્વારિકામાં જે સાંખ્‍યમતને આશર્યા હતા તે મત તો જનક જેવા રાજાઓનો છે, જે રાજા ગૃહસ્‍થાશ્રમમાં રહીને પ્રભુને ભજે તેજ સાંખ્‍યમતને અનુસરે, એમ ભગવાન પણ ગૃહસ્‍થાશ્રમમાં હતા અને દ્વારિકાના રાજા કહેવાતા હતા માટે સાંખ્‍યમતને અનુસર્યા થકા એમ નિલર્પ હતા અને વૃંદાવનને વિષે તો યોગકળાને આશર્યા હતા તે સ્‍ત્રીઓનો સંગ કરીને પણ નૈષ્‍ઠિક બ્રહ્મચર્ય વ્રત રાખ્‍યું, એ ઠેકાણે તો પોતાને વિષે નરનારાયણ ઋષિપણું દેખાડયું, તે શ્રીમદ્ભાગવતમાં કપિલદેવે દેવહૂતી પ્રત્‍યે કહ્યું છે જે ”સ્‍ત્રીરૂપ જે મારી માયા તેને જીતવાને અર્થે નરનારાયણ ઋષિ વિના બીજો કોઇ સમર્થ નથી.” માટે શ્રીકૃષ્ણ ભગવાને સ્‍ત્રીઓને સંગે રહીને કામને જીત્‍યો. અને જ્યારે દુર્વાસા ઋષિ આવ્‍યા ત્‍યારે ભગવાને સર્વે ગોપીયોને અન્નના થાળ ભરાવીને મોકલવા માંડી ત્‍યારે ગોપીયો બોલી જે, ‘અમે યમુનાજી કેમ ઉતરીશું ?’ પછી શ્રીકૃષ્ણભગવાને કહ્યું જે, યમુનાજીને એમ કહેજો જે ‘જો શ્રીકૃષ્ણ સદા બાળબ્રહ્મચારી હોય તો અમને માગ દેજો.’ પછી ગોપીયોએ એમ કહ્યું ત્‍યારે યમુનાજીએ માગ દીધો, પછી સર્વે ગોપીયો ઋષિને જમાડીને બોલિયો જે, ‘અમારે આડાં યમુનાજી છે તે અમે ઘેર કેમ કરીને જઇશું ?’ પછી ઋષિએ કહ્યું જે, ‘કેમ કરીને આવ્‍યાં હતાં ?’ પછી ગોપીયોએ કહ્યું જે, યમુનાજીને એમ કહ્યું જે, ‘શ્રીકૃષ્ણ સદા બ્રહ્મચારી હોય તો માગ દેજો’ એટલે યમુનાજીએ માગ દીધો, પણ હવે કેમ કરીને ઘેર જઇએ ? પછી દુર્વાસા ઋષિ બોલ્‍યા જે યમુનાજીને એમ કહેજો જે, ‘દુર્વાસા ઋષિ સદા ઉપવાસી હોય તો માગ દેજો’ પછી ગોપીઓએ એમ કહ્યું ત્‍યારે યમુનાજીએ માગ દીધો, ત્‍યારે ગોપીઓના મનને વિષે અતિ આશ્વર્ય થયું, પણ ભગવાનનો તથા તે ઋષિનો જે મહિમા તેને ન જાણી શકતી હવી અને ભગવાન તો નૈષ્‍ઠિક વ્રત રાખીને ગોપીયોને સંગે રમ્‍યા હતા માટે બ્રહ્મચારી હતા, અને દુર્વાસા ઋષિ તો વિશ્વાત્‍મા જે શ્રીકૃષ્ણ ભગવાન તેને વિષે પોતાના આત્‍માને એક કરીને સર્વે ગોપીયોના થાળ જમી ગયા, માટે ઋષિ પણ ઉપવાસી જ હતા અને અન્ન તો સર્વે ભગવાનને જમાડયું હતું, માટે એવા અતિ મોટા હોય તેની ક્રિયા કળ્‍યામાં આવે નહિ. અને સાંખ્‍યવાળાને ખોળીએ તો હજારો જડે, પણ યોગકળાએ કરીને ઉઘ્‍ર્વરેતા હોય, એવા તો એક નરનારાયણ જ છે. અથવા જે નરનારાયણના અનન્‍ય ભક્ત હોય તે પણ તેના ભજનને પ્રતાપે કરીને દઢ બ્રહ્મચર્યવાળા થાય છે. પણ બીજાથી થવાતું નથી અને જેને ઇન્‍દ્રિયદ્વારે કરીને જાગ્રત અથવા સ્‍વપ્નમાં વીર્યનો પાત થાય છે તે બ્રહ્મચારી કહેવાય નહિ અને જે સ્‍ત્રીનો અષ્‍ટ પ્રકારે ત્‍યાગ રાખે છે તે તો બ્રહ્મચર્યને માર્ગે ચાલ્‍યો છે, તે હવે નરનારાયણને પ્રતાપે કરીને ધીરે ધીરે દૃઢ બ્રહ્મચારી થશે. અને જ્યારે અમે નાના હતા ત્‍યારે એમ સાંભળ્‍યું હતું જે, ‘વીર્ય તો પરસેવા દ્વારે કરીને પણ નીકળી જાય છે’ પછી તે વીર્યને ઉઘ્‍ર્વ રાખવાને સારૂં અમે બે ૧પ્રકારની જળબસ્‍તિ શીખ્‍યા હતા અને કુંજર ક્રિયા શીખ્‍યા હતા અને કામને જીત્‍યા સારૂં કેટલાંક આસન શીખ્‍યા હતા, અને રાત્રિએ સુતા ત્‍યારે ગોરખ આસન કરીને સુતા, જેણે કરીને સ્‍વપ્નમાં પણ વીર્યનો પાત થવા પામે નહિ, પછી તે કામ જીત્‍યાનું એવું સાધન કર્યું જે, ‘શરીરમાંથી પરસેવો જ નીકળે નહિ અને ટાઢ તડકો પણ લાગે નહિ’ પછી અમે રામાનંદ સ્‍વામી પાસે આવ્‍યા ત્‍યારે સ્‍વામીએ પરસેવો વાળ્‍યા સારૂં બધે શરીરે આવળના પાટા બંધાવ્‍યા હતા તો પણ શરીરમાં પરસેવો આવ્‍યો નહિ, માટે કામ જીત્‍યાનું સાધન તો સૌથી ઘણું કઠણ છે. એતો જેને ભગવાનના સ્‍વરૂપની ઉપાસનાનું દૃઢ બળ હોય અને અતિશય પંચવિષયમાંથી નિર્વાસનિક થયો હોય અને તે નિર્વાસનિકપણાની અતિશય ગાંઠ બંધાણી હોય, તો તે પુરૂષ ભગવાનને પ્રતાપે કરીને નિષ્કામી થાય છે.

પછી નિત્‍યાનંદ સ્‍વામીએ પુછયું જે ”નિર્વાસનિક થયાનું કારણ તે આવી વાત સાંભળવી તે છે કે વૈરાગ્‍ય છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, વૈરાગ્‍ય તો એકલો ટકી શકે નહિ, અંતે જતો નાશ થઇ જાય છે. અને જ્યારે આત્‍મનિષ્‍ઠા હોય અને ભગવાનની મૂર્તિનું યથાર્થ જ્ઞાન હોય પછી એમ વિચારે જે ‘હું તો આત્‍મા છું, સચ્‍ચિદાનંદ રૂપ છું અને પિંડબ્રહ્માંડ તો માયિક છે, ને નાશવંત છે, માટે હું કયાં ? ને એ પિંડબ્રહ્માંડ કયાં ? અને મારા ઇષ્‍ટદેવ જે પુરૂષોત્તમ ભગવાન તે તો અનંતકોટિ બ્રહ્માંડના આધાર જે અક્ષર, તે થકી પણ પર છે. તે ભગવાનનો મારે દૃઢ આશરો થયો છે.’ એવા વિચારમાંથી જે વૈરાગ્‍ય ઉદય થાય તે વૈરાગ્‍ય જ્ઞાને યુક્ત કહેવાય ને એ વૈરાગ્‍યનો કોઇ કાળે નાશ થાય નહિ. જેમ અગ્‍નિ બળતો હોય તેને માથે જળ પડે તો ઓલાઇ જાય અને વડવાનળ અગ્‍નિ સમુદ્રને વિષે છે તે જળનો ઓલાવ્‍યો ઓલાતો નથી, તેમ જે જ્ઞાને યુક્ત વૈરાગ્‍ય છે તે તો વડવાનળ અગ્‍નિ તથા વીજળીનો અગ્‍નિ તેવો છે, તે કોઇ કાળે ઓલાય નહિ, અને તે વિના બીજા વૈરાગ્‍યનો તો વિશ્વાસ આવે નહી અને અમારો જે વૈરાગ્‍ય તે તો જેવો વીજળીનો અગ્‍નિ તથા વડવાનળ અગ્‍નિ તે સરખો છે, તે અમારા સ્‍વભાવને તો જે અતિશે અમારા ભેળા રહ્યા હશે તે જાણે છે અને જે છેટે રહે છે તેને અમારો સ્‍વભાવ જાણ્‍યામાં આવતો નથી અને આ મુકુંદ બ્રહ્મચારી છે તે ભોળા જેવા જણાય છે, તો પણ અમારા સ્‍વભાવને યથાર્થ જાણે છે જે ‘મહારાજ તો આકાશ જેવા નિલર્પ છે.’ અને એમને કોઇ પોતાનું પણ નથી અને પારકું પણ નથી અને એવી રીતે એ અમારા સ્‍વભાવને જાણે છે તો જેવા ઇશ્વરમાં ગુણ હોય તેવા ગુણ બ્રહ્મચારીમાં વર્તે છે અને અંતર્યામી સહુમાં રહ્યા છે, તે બાઇ ભાઇને મનમાં એમ સમજાવે છે જે, ‘બ્રહ્મચારીમાં કોઇ વાતની ખોટ નથી.’ તે એવા રૂડા ગુણ આવ્‍યાનું કારણ એ છે જે, મોટા પુરૂષોને વિષે જે નિદર્ોષ બુદ્ધિ રાખે છે, તે પોતે સર્વે દોષ થકી રહિત થાય છે અને જે મોટા પુરૂષને વિષે દોષ પરઠે છે તે દોષના પરઠનારાની બુદ્ધિ ભ્રષ્‍ટ થઇ જાય છે. અને કામાદિક જે શત્રુ હોય તે સર્વે તેના હૈયામાં આવીને નિવાસ કરે છે. પછી એ સત્‍પુરૂષને વિષે દોષબુદ્ધિનો પરઠનારો જે પુરૂષ તેના હૈયામાં ભૂંડા ભૂંડા ઘાટ પણ પીડયા કરે છે અને એ સત્‍સંગ કરે છે તોય પણ દુ:ખીયો મટે નહિ. અને જે બુદ્ધિમાન છે તે તો અમારે સમીપે રહીને અમારી સર્વે પ્રકૃતિને જાણે છે જે, ‘જેટલાં સંસારમાં મોહ ઉપજાવવાનાં પદાર્થ ધન, સ્‍ત્રી, અલંકારાદિક તથા ખાનપાનાદિક છે તે કોઇમાં મહારાજને હેત નથી અને મહારાજતો સર્વે થકી ઉદાસી છે અને કોઇકને દયા કરીને પાસે બેસવા દે છે, કે જ્ઞાનવાર્તા કરે છે, તે તો કેવળ તેના જીવના કલ્‍યાણને અર્થે દયા કરીને કરે છે’ અને જે મૂર્ખ હોય તે તો પાસે રહે તોય પણ અમારા સ્‍વભાવને એમ ન જાણે અને છેટે રહે તે પણ એમ ન જાણે.

અને આ વાત સમજાય પણ તેને, જેને આત્‍મનિષ્‍ઠા હોય અને તે આત્‍માને વિષે પરમેશ્વરની મૂર્તિને ધારીને તેની ભકિત કરતો હોય અને પોતે બ્રહ્મરૂપ થઇ ગયો હોય તોય પણ ભગવાનની ઉપાસનાનો ત્‍યાગ કરે નહિ. માટે આત્‍મનિષ્‍ઠા અને ભગવાનની મૂર્તિનો મહિમા સમજ્યા  થકી કોઇ પદાર્થને વિષે વાસના રહેતી નથી અને વાસના ટળ્‍યા પછી જેવું પોતાના દેહનું પ્રારબ્‍ધ હોય તેવા સુખદુ:ખને ભોગવે ખરો, પણ ઇન્‍દ્રિયોની તીક્ષ્ણતા મટી જાય છે અને મનોમય ચક્રની જે ધારા તે તો ઇન્‍દ્રિયો છે, તે જ્યારે બ્રહ્મ અને તેથી પર જે પરબ્રહ્મ તેનું સાક્ષાત્ દર્શન થાય છે ત્‍યારે બુઠિયો થઇ જાય છે. પછી જેમ કોઇ પુરૂષે લીંબુ ચુશ્‍યાં હોય ને દાંત અંબાઇ ગયા હોય ને પછી તેને ચણા ચાવવા પડે ત્‍યારે તેથી  કોઇ રીતે ચવાય નહિ અને અતિશે ભૂખ્‍યો થયો હોય તો તે ચણાને ગળી જાય પણ ચવાય નહિ, તેમ જેણે આત્‍માનો ને ભગવાનનો મહિમા જાણ્‍યોછે તેને કોઇ લોકના વિષયસુખને વિષે આનંદ થાય નહિ અને દેહનું પ્રારબ્‍ધ હોય ત્‍યાં સુધી ખાનપાનાદિક સર્વે ભોગ ભોગવે ખરો, પણ જેમ દાંત અંબાઇ ગયા હોય ને ચણા આખા ગળી જાય એમ ભોગવે. અને વાસના ટળવી એ પણ કામ અતિશે ભારે છે, વાસના તો સમાધિ-નિષ્‍ઠ થાય તો પણ રહી જાય છે. અને સમાધિ થયા કેડે તો બ્રહ્મના સ્‍વરૂપમાંથી દેહમાં કોઇ રીતે અવાતું નથી અને જો અવાય છે તો તેના ત્રણ હેતુ છે, તેમાં એક તો જો કાંઇ સંસારના સુખની વાસના હોય તો સમાધિમાંથી પાછો દેહમાં આવે અને કાંતો અતિસમર્થ હોય તે સમાધિમાં જાય ને પોતાની ઇચ્‍છાએ પાછો દેહમાં આવે અને કાંતો કોઇક પોતા થકી અતિ સમર્થ હોય તે પાછો સમાધિમાંથી દેહમાં લાવે એ ત્રણ પ્રકારે સમાધિમાંથી પાછો દેહમાં આવે છે. અને જ્યારે સમાધિ થાય છે અને તેમાં બ્રહ્મનું દર્શન થાય છે, ત્‍યારે કોટિ કોટિ સૂર્ય સરખો બ્રહ્મનો પ્રકાશ દેખીને, જો થોડી સમજણ હોય તો પ્રત્‍યક્ષ પુરૂષોત્તમ ભગવાનની જે મૂર્તિ છે તેને વિષે ન્‍યૂનપણું સમજે અને બ્રહ્મમાં અધિકપણું માની લે, એટલે ઉપાસનાનો ભંગ થયો. માટે પ્રત્‍યક્ષ મૂર્તિને વિષે અતિ દૃઢ નિશ્વય થયો જોઇએ તો સર્વે કામ સરે અને અમે પણ એમ દૃઢ નિશ્વય કર્યો છે જે, ‘કોઇ અમને સાચો થઇને મન અપર્ અને લેશ માત્ર અંતરાય રાખે નહિ, તો તેમાં અમે કોઇ વાતની કસર રહેવા દઇએ નહિ.’

પછી મુકતાનંદ સ્‍વામીએ પુછયું જે, ”જેણે મન દીધું હોય તેનાં કેવાં લક્ષણ હોય અને મન ન દીધું હોય તેનાં કેવાં લક્ષણ હોય ?” પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, જેણે મન અર્પણ કર્યું હોય તેને જો પરમેશ્વરની વાત થતી હોય તથા પરમેશ્વરનાં દર્શન થતાં હોય અને તે સમે જો પોતે ન હોય તો તેની અતિશે પોતાના હૈયામાં દાઝ (દુ:ખ) થાય અને જ્યારે ભગવાનની વાત સાંભળે તથા ભગવાનનાં દર્શન કરે તેને વિષે અધિક અધિક પ્રીતિ થતી જાય, પણ તેમાંથી મન પાછું હઠે નહિ. અને પરમેશ્વર જ્યારે કોઇકને પરદેશ મુકયાની આજ્ઞા કરતા હોય, ત્‍યારે જેણે મન અપર્યું હોય તેના મનમાં એમ થાય જે ‘જો મને આજ્ઞા કરે તો બુરાનપુર તથા કાશી જ્યાં મુકે ત્‍યાં રાજી થકો જઉ.’ એવી રીતે પરમેશ્વરના ગમતામાં રહીને જે રાજી રહેતો હોય, તે તો હજાર ગાઉ ગયો હોય તોય અમારે પાસે છે અને જેણે એવી રીતે મન ન અપર્યું હોય અને તે અતિશે અમારી સમીપે રહેતો હોય, તોય લાખો ગાઉ છેટે છે અને જેને અમને મન ન અપર્યું હોય તેને તો ઉપદેશ કરતાં પણ બીક લાગે, જે શું જાણીએ સવળું સમજશે કે અવળું સમજશે, એવી રીતે મન અપર્યું હોય અને ન અપર્યું હોય તેનાં લક્ષણ છે. ઇતિ વચનામૃતમ્ ગઢડા પ્રથમનું ||૭૩||