ગઢડા પ્રથમ – ૫૪ : ભાગવત ધર્મના પોષણનું, મોક્ષના દ્વારનું

Submitted by swaminarayanworld on Thu, 20/01/2011 - 11:17am

ગઢડા પ્રથમ – ૫૪ : ભાગવત ધર્મના પોષણનું, મોક્ષના દ્વારનું

સંવત્ ૧૮૭૬ના માઘ વદિ ૧૧ એકાદશીને દિવસ સ્‍વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં શ્રીવાસુદેવનારાયણના મંદિરની આગળ આથમણે બાર ઓરડાની ઓશરીએ ઢોલિયા ઉપર ગાદી તકીયા નંખાવીને વિરાજમાન થયા હતા, ને ધોળો ખેસ પહેર્યો હતો ને જરિયાની છેડાવાળો કસુંબલ રેંટો ઓઢયો હતો અને આસમાની રંગનો જરિયાની રેશમનો ફેંટો માથે બાંઘ્‍યો હતો, ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી.

પછી મુકતાનંદ સ્‍વામીએ પ્રશ્ર્ન પુછયો જે “હે મહારાજ ! શ્રીમદ્ભાગવત-ના એકાદશ સ્‍કંધમાં જનકરાજા અને નવ યોગેશ્વરના સંવાદે કરીને કહ્યા જે ૧ભાગવતધર્મ, તેનું જે પોષણ તે કેમ થાય ? અને વળી જીવને મોક્ષનું જે દ્વાર તે ઉધાડું કેમ થાય ?” પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “સ્‍વધર્મ, જ્ઞાન, વૈરાગ્‍ય અને માહાત્‍મ્‍ય જ્ઞાન તેણે સહિત જે, ભગવાનની ભકિત તેણે યુક્ત એવા જે ભગવાનના એકાંતિક સાધુ તેના પ્રસંગ થકી ભાગવત ધર્મનું પોષણ થાય છે અને વળી જીવને મોક્ષનું જે દ્વાર તે પણ એવા સાધુના પ્રસંગ થકી ઉધાડું થાય છે. તે કપિલદેવ ભગવાને દેવહૂતિ પ્રત્‍યે કહ્યું છે, જે,

“પ્રસંગમજરં પાશમાત્‍મન: કવયો વિદુ: | સ એવ સાધુષુ કૃતો મોક્ષદ્વારમપાવૃતમ્ ||”

જેવો એ જીવને પોતાના સંબંધિને વિષે દૃઢ પ્રસંગ છે, તેવો ને તેવોજ પ્રસંગજો ભગવાનના એકાંતિક સાધુને વિષે થાય તો, જીવને મોક્ષનું દ્વાર ઉધાડું થાય છે.”

પછી શુકમુનિએ પુછયું જે, “ગમે તેવો આપત્‍કાળ પડે અને પોતાના ધર્મમાંથી ન ખસે તે કયે લક્ષણે કરીને ઓળખાય ?” પછી શ્રીજી મહારાજ બોલ્‍યા જે, જેને પરમેશ્વરના વચનની ખટક રહે, અને નાનું મોટું વચન લોપી શકે નહિ એવી રીતનો જેનો સ્‍વભાવ હોય, તેને ગમે તેવો આપત્‍કાળ આવે તોય પણ એ ધર્મ થકી પડેજ નહિ. માટે જેને વચનમાં દૃઢતા છે, તેનો જ ધર્મ દૃઢ રહે અને તેનો જ સત્‍સંગ પણ દૃઢ રહે.” ઇતિ વચનામૃતમ્ ગઢડા પ્રથમનું ||૫૪||