તરંગઃ - ૧૩ - હિમાચલમાં ફરતા શ્રીહરિ પુલહાશ્રમમાં આવ્યા

Submitted by swaminarayanworld on Fri, 12/02/2021 - 10:59pm

પૂર્વછાયો

રામશરણજી બોલિયા, સુણો ગુરુ મહારાજ । બાલાયોગીએ શું કર્યું, પર્વત ઉપર કાજ ।।૧।।

ત્યારે અવધપ્રસાદજી, બોલ્યા મધુરવચન । સુણો કહું બાલાયોગીનાં, ચરિત્ર પરમ પાવન ।।૨।।

મનમોહન મંદિરમાં, બેઠાછે બલવાન । પૂજા નિત્યવિધિ કરેછે, દયાળુ ભગવાન ।।૩।।

નિત્યવિધિ થયો પૂરણ, શું કરેછે જગરાય । બાલાયોગીની ઇચ્છાયે, આવી કામદુઘા ગાય ।।૪।।

ધેનુએ નમસ્કાર કર્યો, નીલકંઠને નિરધાર । ચરણ સ્પર્શ કરીને ઉભી, સુખમય તે સાર ।।૫।।

 

 

ચોપાઈ

આવી સનમુખ તે ઉભી શરણ, જિહ્વાએ ચાટે પ્રભુનાં ચરણ । તેહ સમે એક યોગી ત્યાંય, ઉઠ્યા વિચારીને મનમાંય ।।૬।।

સુરભિને દોઈ કાઢ્યું છે દુધ, બાલાયોગીને પાયું તે શુધ । એવો દેખ્યો છે યોગીનો ભાવ, થયા રાજી નટવરનાવ ।।૭।।

પછે ચાલવા થયા તૈયાર, બોલ્યા યોગી કરીને વિચાર । હે કૃપાનાથ હે મહારાજ, સુણો અમારી વિનંતિ આજ ।।૮।।

ભક્તિ કરતાં વિત્યાછે કાળ, હવેતો કૃપા કરો દયાળ । કરો અમારું કલ્યાણ એવ, તવ ભક્તિ આપો વાસુદેવ ।।૯।।

આશીર્વાદ સહિત વચન, બોલ્યા શ્રીહરિ થઈ પ્રસન્ન । સુણો યોગીજન સહુ જાણ, સત્ય વચન કૈયે પ્રમાણ ।।૧૦।।

અમે વિચર્યા છૈયે આ વન, કરવા કલ્યાણ ધારી મન । કોઈ મુક્ત ને મુમુક્ષુજન, તપ કરતા હશે પાવન ।।૧૧।।

એના તપની સમાપ્તિ કાજ, અમે તો ફરીએ છૈયે આજ । મુક્ત મુમુક્ષુનાં કર્યાં કામ, કૈકને આપ્યું અક્ષરધામ ।।૧૨।।

તે માટે તમે સર્વે સમાન, હમણાં ધરો અમારું ધ્યાન । નવલખો પર્વતછે જ્યાંય, હાલ જાવું છે અમારે ત્યાંય ।।૧૩।।

ત્યાં નવલાખ નિર્મળ સિદ્ધ, તપશ્ચર્યા કરેછે પ્રસિદ્ધ । અમે જઈશું તે સર્વની પાસ, અપવર્ગ આપીશું હુલ્લાસ ।।૧૪।।

તેની સાથે તમારું કલ્યાણ, નિશ્ચે કરીશું જાણો પ્રમાણ । સર્વેના ભેગા તમને જોય, અક્ષરધામે મોકલું સોય ।।૧૫।।

સુણો રામશરણજી પાવન, બાલાયોગી દયાળુ છે મન । વન વિચરતા થકા શ્યામ, કર્યાં કૈકનાં કલ્યાણ કામ ।।૧૬।।

પછે ચાલ્યા ત્યાંથી કિરતાર, દૂર ગયાછે જગદાધાર । તિયાં આવીછે સરિતા એક, મોટી વિશાળ વારિ વિશેક ।।૧૭।।

તેના કાંઠે ઝુકી રહ્યાં સાર, મલિયાગર વૃક્ષ અપાર । એને વિંટાણાછે ઘણા નાગ, શીતલતાનો જાણી ત્યાં લાગ ।।૧૮।।

બ્રહ્મચારી ગયાછે સમીપ, નીચે ઉતરી આવ્યા સૌ સર્પ । જીહ્વાયેથી કરે ચરણ સ્પર્શ, સ્નેહવડે ચાટે ઉતકર્ષ ।।૧૯।।

ઉંચી કરી ફણાઓ તે ઠાર, વારંવાર કરે નમસ્કાર । બાલાયોગીની ઇચ્છાનુસાર, કેટલાને વાચા થૈ તેવાર ।।૨૦।।

બોલે નમ્ર થઈને વચન, હે કૃપાનિધિ હે ભગવન । અક્ષરપતિ પુરૂષોત્તમ, યોગીરૂપે થયા પરબ્રહ્મ ।।૨૧।।

વનવિચરણ કરોછો હરિ, પ્રાણીનાં કરવા કલ્યાણ ફરી । હવેતો કૃપા કરો અજીત, જન્મમરણથી કરો રહિત ।।૨૨।।

ઘણા દિવસથી અમે સર્વ, સ્તુતિ કરીયે છૈયે અપૂર્વ । હવે મેર કરો મહારાજ, મોક્ષ આપો કરો અમકાજ ।।૨૩।।

આ સમે પ્રભુ ઉતારો પાર, પછે પધારો જીવનસાર । એવાં નિરમાની સુણ્યાં વચન, નીલકંઠ થયાછે પ્રસન્ન ।।૨૪।।

દયા કરી તેને નરવીર, સર્વે પન્નગને આપી ધિર । મોકલ્યા બદ્રીવન મોઝાર, ચક્રી ચાલ્યા ગયા નિરધાર ।।૨૫।।

પછે ચાલ્યા ત્યાંથી સુખરાશ, ઉતર્યા નગથી અવિનાશ । આવ્યાછે તેની તળેટીમાંય, એક વડવૃક્ષ દેખ્યો ત્યાંય ।।૨૬।।

તેને હેઠે બેઠા યોગી એક, મહા તપસ્વી ધારીને ટેક । સિદ્ધે ઇન્દ્રિઓ કરીછે સ્થિર, બેઠા આસન વાળીને ધીર ।।૨૭।।

ગીતાજીનું પુસ્તક છે હાથ, તેનો પાઠ કરેછે સનાથ । બાલાયોગીયે દેખિયા ઇષ્ટ, સાચા સિદ્ધ દેખાયછે સ્પષ્ટ ।।૨૮।।

યોગીયે વરણીને દેખ્યા એમ, પ્રગટ પ્રભુરૂપે છે જેમ । વૃત્તિ ખેંચાવા લાગીછે ત્યાંય, નીલકંઠના સ્વરૂપમાંય ।।૨૯।।

યોગી કરેછે મન વિચાર, આનું કારણ શું છે આ ઠાર । મારી વૃત્તિ કદી ન ખેંચાય, પ્રભુ વિના બીજે તે ન જાય ।।૩૦।।

સામા આવેછે આ વરણીરાજ, તેમાં દૃષ્ટિ બંધાણીછે આજ । માટે નિશ્ચે એેછે ભગવાન, તેમાંજ લાગ્યું છે મુજ ધ્યાન ।।૩૧।।

યોગી ઉભા થયા ધારી એમ, આવ્યા સન્મુખ શ્રીહરિ જેમ । જેવો પ્રણામ કરવા જાય, ત્યાંતો આવી મલ્યા સુખદાય ।।૩૨।।

યોગીને પૂર્વનો જાણ્યો સિદ્ધ, જાતિપવિત્ર પોતે પ્રસિદ્ધ । હેત સહિત મલ્યાછે ત્યાંય, પછે આવ્યાછે સ્થાનકમાંય ।।૩૩।।

ઘણા દિન રહ્યા છે તે સ્થાન, તેને આપ્યું છે પોતાનું જ્ઞાન । પછે દેહ તજાવ્યોછે પાસ, અક્ષરધામમાં આપ્યો વાસ ।।૩૪।।

કર્યોછે તે ભૂમિ કેરો ત્યાગ, ત્યાંથી ચાલી નિકળ્યા સોહાગ । ઘોર કાનનમાં ચાલ્યા જાય, અતિ આનંદ ઉર ન માય ।।૩૫।।

ચાલતાં ચાલતાં વનમાંય, ભુલ્યા મારગને પ્રભુ ત્યાંય । ઉત્તર દિશા ભુલ્યા છે આપ, પશ્ચિમ દિશા ચાલ્યા અમાપ ।।૩૬।।

હિમાચલ મળ્યો તેહ ઠાર, મૂર્તિમાન થઈ એણી વાર । સામો આવી ઉભો નિરધાર, કર્યો પ્રેમવડે નમસ્કાર ।।૩૭।।

બોલ્યો ગદ્ગદ્ થઈ વચન, કયાંથી પધાર્યા પ્રાણજીવન । હે કૃપાનાથ હે દીનબંધુ, ક્યાં જાવું છે કહો ગુણસિંધુ ।।૩૮।।

ત્યારે બોલ્યા છે વરણિરાજ, સુણો અમારો વિચાર આજ । સુંદર પુલહાશ્રમ નામ, અમારે જાવું છે તેહ ઠામ ।।૩૯।।

હિમાચલે આપ્યાં તેણી વાર, આમ્રફળ બે મિષ્ટ અપાર । તેને જમી ગયા બળવાન, થયા પ્રસન્ન તે ભગવાન ।।૪૦।।

મારગ બતાવી હિમાચલ, પછે અદર્શ થયો તે પલ । બાલાયોગી ચાલ્યા મહાવન, નથી ભય લેતા કાંઇ મન ।।૪૧।।

ગુફાઓ આવે મોટી ગંભીર, તેને જોતા થકા ચાલે ધીર । નગઝરણનું આવે છે નીર, તેના ધારા પડ્યા છે ગંભીર ।।૪૨।।

સામી ધારાઓમાં અવિનાશ, ચાલે હિમ્મત ધારીને ખાસ । એમ કરતાં શ્રીસુખરાશ, આવ્યા પુલહાશ્રમે અવિનાશ ।।૪૩।।

 

 

ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામી શિષ્યભૂમાનંદમુનિ વિરચિતે શ્રી ઘનશ્યામલીલામૃતસાગરે ઉત્તરાર્ધે આચાર્યશ્રી અયોધ્યાપ્રસાદજી રામશરણજી સંવાદે હિમાચલમાં ફરતા શ્રીહરિ પુલહાશ્રમમાં આવ્યા એ નામે તેરમો તરંગઃ ।।૧૩।।