તરંગ - ૨૧ - શ્રીહરિએ મીનસાગરમાં બુડીને, ભક્તિમાતાને અલૌકિક ઐશ્વર્ય દેખાડયું

Submitted by swaminarayanworld on Thu, 17/08/2017 - 9:50am

 

પૂર્વછાયો- બાળલીલાસાગરમાંથી, ઉઠે તરંગ અનેક । મહિમા જાણે સુખમાણે, જે સુણે ધરીને ટેક ।।૧।।

પુન્યશાળી જન પામશે, છુપૈયાપુરનો પંથ । અનેક જન્મ સંસિદ્ધને, મળે સાંભળવા આ ગ્રંથ ।।૨।।

અનંત ગુણ છે પ્રભુના, પામે નહિ કોઇ પાર । અલ્પ બુદ્ધિએ ગાઉં છું, યથા મતિ અનુસાર ।।૩।।

પ્રભુ થયા ત્રણ વર્ષના, કરે ચરિત્ર અપાર । સખા સર્વેને સંગ લઇ, રમે છે વારમવાર ।।૪।।

એકદિન ઘનશ્યામજી, નારાયણસર તીર । વેણી માધવ પ્રયાગ સાથે, રમે છે ત્યાં બલવીર ।।૫।।

ચોપાઇ- જુવો ધર્મધુરંધરધીર, રમે નારાયણસર તીર । રમ્યા કાંઠા ઉપર દેવેશ, પછે જળમાં કર્યો પ્રવેશ ।।૬।।

લીલા કરે છે તેમાં અપાર, એમ કર્તાં થઇ ઘણીવાર । પછે જળથી નીકળ્યા બાર, વસ્ત્ર પેરી થયા છે તૈયાર ।।૭।।

ઉગમણી આંબાવાડી આવ્યા, વેણી માધવ પ્રાગને લાવ્યા । અલબેલો આવીને ત્યાં અડયા, નવરંગા આંબા પર ચડયા ।।૮।।

સારી સ્વાદિષ્ટ કેરીઓ લીધી, સખાને જમવા સારૂ દીધી । પોતે તો જમ્યા ઉપર બેઠે, પણ આવ્યા નહિ પ્રભુ હેઠે ।।૯।।

એવામાં આવ્યા બ્રાહ્મણ ઘણા, ગુણવાન ગામ ગૌરા તણા । હિમતરામ આદિ તે ઠામ,બીજા બ્રાહ્મણ છે ઘણા નામ ।।૧૦।।

કેતાં ગ્રંથ પામે છે વિસ્તાર, નામ લખ્યાં નથી આણે ઠાર । જાય છે દેવી પાટણ મેળે, બીજા જન ઘણાછે તે ભેળે ।।૧૧।।

આવીને તે આંબાતળે જોવે, કેરીયો દેખીને મન મોવે । વેણીરામે જ્યાં ભેગી કરી છે, તેના ઉપર દ્રષ્ટિ ઠરી છે ।।૧૨।।

ગયા તેમાંથી કેરીયો લેવા, બોલ્યા ઉગ્ર વેણીરામ તેવા । ભાઇ ઢગલામાંથી ન લેશો, પછે પાછળથી દોષ દેશો ।।૧૩।।

બીજી પડી છે તે વીણી લેજ્યો, અમારી કેરીયો રેવા દેજ્યો । એવું સુણી એકે આંખ્યો ફાડી, બીજે મારવા ડાંગ ઉપાડી ।।૧૪।।

આંબા ઉપર છે અલબેલો, દેખીને બોલ્યા સુંદરછેલો । જોઇ બ્રાહ્મણનો તે અન્યાય, સત્યવચન કે જગરાય ।।૧૫।।

અલ્યા બાળક દેખી ડરાવો, કાંઇ ધાસ્તી તો મન ધરાવો । એવું કહી લાંબો કર્યો હાથ, બેઠે બેઠે આંબાપર નાથ ।।૧૬।।

રામદત્ત બ્રાહ્મણ છે મોટો, તેને ખભે હતો દોરી લોટો । ઉપાડીને લીધો ઘનશ્યામે, વળી ઉઠયો બ્રાહ્મણ તે ઠામે ।।૧૭।।

ઘનશ્યામને મારવા કાજ, ચડયો આંબાપર દ્વિજરાજ । મૂઢમતિ મરે છે ત્યાં મથી, વાલો માર્યા મરે એવા નથી ।।૧૮।।

કેવળ વિપ્ર વેદિયો ઢોર, ચડયો કરતો શોર બકોર । પ્રભુ બેઠા હતા તેજ ડાળે, ગયો બ્રાહ્મણ ત્યાં તતકાળે ।।૧૯।।

બીજી ડાળે ગયા ઘનશ્યામ, બોલ્યા વચન તેહજ ઠામ । રામદત્ત લ્યો દોરીને લોટો, તમે ધાર્યો છે વિચાર ખોટો ।।૨૦।।

વળી ગયો તે શાખાએ વિપ્ર, ત્રીજી ડાળે ગયા પ્રભુ ૧ક્ષિપ્ર । આંબા ઉપર ફેરવ્યો બધે, ઘેર્યું વિપ્રનું મન વિરોધે ।।૨૧।।

તોય હાથમાં નાવ્યા શ્રીહરિ, થાક્યો બ્રાહ્મણ ત્યાં ફરી ફરી । ઘણો ગભરાયો છે તે રીશે, દાંત દાબીને અધર પીસે ।।૨૨।।

મંદ મંદ કરે છે ત્યાં હાસ, તાળી પાડી બોલ્યા અવિનાશ । રામદત્તજી આવો લ્યો દોરી, ભારે કરી તમે શીરજોરી ।।૨૩।।

પ્રભુજીએ તેને ચીડવાયો, કર્યો વાડવને રઘવાયો; થયો કાયર કાંઇ ન સુજે, દ્વિજ ઉભો રહ્યો થકો ધ્રુજે ।।૨૪।।

નીચે હતા જે એહને સાથે, બધા આંબે ચડયા છે સંઘાથે । ઘનશ્યામને ઝાલવા ગયા, ડાળે ડાળે સહુ બેસી રહ્યા ।।૨૫।।

આંબા ઉપર નવ જણાણા, ઘનશ્યામ તો હેઠે દેખાણા । કરે છે મનમાંહીં વિચાર, નોયે મનુષ્યનો આવો ભાર ।।૨૬।।

એમ નિશ્ચે કર્યો સહુ નરે, પામી આશ્ચર્ય ઉમંગ ધરે । હેઠે આવેછે કરી વિચાર, પછે શું કરે ધર્મકુમાર ।।૨૭।।

છુટી કેરીઓ મારે છે શ્યામ, ઉતરી ગયા સહુ તેહ ઠામ । ભોંય ઉતરવા દીધા નહિ, બોલ્યા બ્રાહ્મણ આજીજી કહી ।।૨૮।।

સુણ્યાં વાલિડે નમ્ર વચન, ઉતરવા દીધા ભગવન । ત્યારે આપ્યો છે દોરી ને લોટો, કર્યો વિચાર એમનો ખોટો ।।૨૯।।

કરે પ્રારથના તે સમાજ, અમે ભૂલ કરી મહારાજ । તમે તો ઈશ તણા છો ઈશ, પુરૂષોત્તમ અક્ષરાધીશ ।।૩૦।।

એમ રાજી થઇને તે ગયા, નિસ્સંશય વાડવ થયા । પછે પ્રભુ પધાર્યા છે ઘેર, સખાસંગે કરી લીલાલેર ।।૩૧।।

વળી એક સમે બેઉ ભાઇ, બેઠા ભક્તિમાતા પાસે આઇ । માતાએ બે ભાઇને જમાડયા, રૂડી રીતે પ્રેમથી રમાડયા ।।૩૨।।

પાનબીડાં આપ્યાં કરી પ્યાર, ત્યાંથી ઉઠયા છે બન્ને કુમાર । બેઠા ચોતરા ઉપર આવી, મુખમાં પાનબીડાં સુહાવી ।।૩૩।।

એવે ટાણે સખા સહુ આવ્યા, બેઉ ભાઇ તણે મન ભાવ્યા । ઘનશ્યામ કહે વેણીરામ, આવો કરીયે કુસ્તીનું કામ ।।૩૪।।

પ્રથમ પોતે થયા તૈયાર, વેણીરામ સાથે તેહ વાર । મોટાભાઇને પણ ગમેછે, મંછારામની સાથે રમે છે ।।૩૫।।

રમતા એક એકને ભાવ્યા, એવામાં ધર્મદેવ ત્યાં આવ્યા । બોલ્યા ધર્મ વિચારીને મન, સુણો ઘનશ્યામ મારા તન ।।૩૬।।

બેઉ ભાઇ ઘણા મને ગમો, નારાયણ સરોવરે રમો । એવું સુણીને સર્વે સધાવ્યા, સખા સહિત તે સ્થળે આવ્યા ।।૩૭।।

કરી રમત નાના પ્રકાર, ઘણીવાર સુધી તે કુમાર । રમી રૈને ચાલ્યા ઘનશ્યામ, આવ્યા બગીચામાં સુખધામ ।।૩૮।।

બેઠા છે સર્વે સખાએ જુક્ત, આવ્યા અક્ષરધામના મુક્ત । ઉભા અનેક જોડીને હાથ, કરે પ્રારથના સહુ સાથ ।।૩૯।।

જોયો પૂરણ તેમનો પ્રેમ, મહારાજે જાણ્યું મન એમ । કેરી આંબાની સર્વે ઉતારી, જમાડી દીધી મુક્તને સારી ।।૪૦।।

મુક્તમંડળનું થયું કામ, જમીને ગયા પોતાને ધામ; એટલામાં રખવાળ આવ્યો, દેખીને મોટો ૧દ્વંદ્વ મચાવ્યો ।।૪૧।।

ધર્મદેવે જાણી છે તે વાત, કહે ઘનશ્યામને સાક્ષાત । મારા તન તમે આણે ઠામ, આવે ઠબકો એ કર્યું કામ ।।૪૨।।

દાદા મેં તો કેરી નથી પાડી, એ તો જુઠું બોલે છે અનાડી । ચાલો જુવો તપાસીને એહ, પાડીછે કે નથી પાડી તેહ ।।૪૩।।

રખવાલે જોયું જઇ ફરી, કૃષ્ણ કહે છે તે વાત ખરી । એક કેરી કોય નથી પાડી, મુને શું તે આ માયા દેખાડી ।।૪૪।।

આવ્યો પ્રભુ પાસે રખવાળ, કરે છે વંદના તતકાળ । એકે કેરી પાડી નથી આજ, મારી ભુલ થઇ મહારાજ ।।૪૫।।

અકળિત કળ્યા નવ જાય, પ્રભુનો પાર કેમ પમાય । ભવબ્રહ્માને ભાન ભુલાવે, કોણ મનુષ્યમાત્ર કહાવે ।।૪૬।।

લીલા કરીને ઘેર પધાર્યા, પ્રેમ તેમના ભાવ વધાર્યા । ભક્તિમાતાએ રસોઇ કરી, ધર્મસહિત જમાડયા હરિ ।।૪૭।।

વળી એક સમે અવિનાશ, બોલાવ્યા બાલમિત્રને પાસ । મીનસાગર ઉપર ગયા, નાવા કારણે તૈયાર થયા ।।૪૮।।

મધુવૃક્ષનીચે મુક્યાં પટ, પડયા ૨ઝીલવા કારણ ઝટ । કરી જલમાં ક્રિડા અપાર, ઘનશ્યામજીએ ઘણીવાર ।।૪૯।।

હરિકૃષ્ણ મહામતી ધીર, ગયા તરતા એ સામે તીર । વેણીરામે એ હિમત કરી, ગયા સામા કીનારે તે તરી ।।૫૦।।

જતી વેળાયે ગયા બળમાં, વળતાં થાકી ગયા જળમાં । જાતાં જાતાં વેણીરામ બુડયા,ગયા ઘણાં પાણીમાં તે ઉંડા ।।૫૧।।

ધોબીરામ અવધ છે નામ, દેખીને બુમ પાડી તે ઠામ । હે હરિકૃષ્ણ હે ઘનશ્યામ, ઓલ્યો ડુબી મુવો વેણીરામ ।।૫૨।।

સુણી સર્વે થયા છે ઉદાસ, બન્યું વિપ્રીત આતો વિનાશ । કહે ભાઇ હવે તે શું થાશે, એનાં મા બાપને શું કેવાશે ।।૫૩।।

હમણાં આવશે આણે ઠાર, આપણને એ મારશે માર । એમ કેછે પરસ્પર વાત, એવામાં આવ્યાં છે ભક્તિમાત ।।૫૪।।

જાણ્યું મુજને મારશે માતા, એવું સમજીને સુખદાતા; કૃપાસાગર દેવ મુરારી, ઉંડા પાણીમાં ડૂબકી મારી ।।૫૫।।

પેલવાન આદિ ઘણા જન, વિચારીને બોલે છે વચન । વેણીરામને શ્રીઘનશ્યામ, ક્યાં ગયા ને તે છે કિયે ઠામ ।।૫૬।।

ભક્તિમાતા કે અદૃશ થયા, કે આ જળમાં શું ડૂબી ગયા । એવું સુણીને ત્યાં સર્વે રુવે, સરોવરના જળમાં જુવે ।।૫૭।।

એટલામાં તો બેજણ સાથ, ગ્રહ્યા છે એક એકના હાથ । આવે ગામ ભણીથી ઉમંગે, દેખ્યા કુશળ બેઉને સંગે ।।૫૮।।

સગાં સબંધી મળીને પુછે, ભાઇ કહો આ કારણ શું છે । તમે ડુબી ગયાતા જળમાં, આમ ક્યાંથી આવ્યા આ પળમાં ।।૫૯।।

હરિ કે અમે તો ડૂબ્યા નોતા, ઘણીવારથી ઘેરજ હતા । એમ બોલી વિસ્મય પમાડયા, પણ પાણીમાં પર્ચા દેખાડયા ।।૬૦।।

સર્વે રાજી થઇ ઘેરજ આવ્યા, પ્રાણજીવનને તેડી લાવ્યા । નિત્ય આપે છે એવો આનંદ, કાપે છે જનના ભવફંદ ।।૬૧।।

ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામી શિષ્યભૂમાનંદમુનિ વિરચિતે શ્રીઘનશ્યામ-લીલામૃતસાગરે પૂર્વાર્ધે આચાર્ય શ્રી અયોધ્યાપ્રસાદજી રામશરણજી સંવાદે શ્રીહરિએ મીનસાગરમાં બુડીને, ભક્તિમાતાને અલૌકિક ઐશ્વર્ય દેખાડયું એ નામે એકવીશમો તરંગઃ ।।૨૧।।