અધ્યાય - ૭૦ - સત્સંગિજીવન ગ્રંથની અનુક્રમણિકાનું નિરૃપણ.

Submitted by swaminarayanworld on Tue, 08/08/2017 - 10:10pm

અધ્યાય - ૭૦ - સત્સંગિજીવન ગ્રંથની અનુક્રમણિકાનું નિરૃપણ.

સત્સંગિજીવન ગ્રંથની અનુક્રમણિકાનું નિરૃપણ.

સુવ્રતમુનિ કહે છે, હે પ્રતાપસિંહ રાજન્ !
આ પ્રમાણે મેં ભગવાન શ્રીનારાયણનાં મંગલકારી ચરિત્રો તમારા પ્રશ્નને અનુસારે અનુક્રમે કરીને કહ્યાં.૧

તેમાં સૌ પ્રથમ હિમાલયમાં બદરિકાશ્રમને વિષે ભગવાન શ્રીનરનારાયણની સાથે મરીચ્યાદિક મહર્ષિઓનો સમાગમ તમને કહ્યો. તેમાં મહર્ષિઓએ ભારતની ભૂમિ ઉપર થઇ રહેલા અધર્મ ઉદ્ભવનું નિવેદન કર્યું. તે પણ કહ્યું.ર

હે રાજન્ !
ત્યારપછી ભગવાન શ્રીનારાયણની સમીપે પત્ની મૂર્તિદેવીની સાથે ધર્મનું આગમન થયું, તે કહ્યું. ત્યારપછી દુર્વાસાના શાપથી એ સર્વેને મનુષ્ય જન્મ લેવા પડયા તે કથા કહી.૩

તેમાં ઉદ્ધવજી ધર્મદેવ, મૂર્તિદેવી અને ઋષિમુનિઓના પૃથ્વીપર જ્યાં જ્યાં જન્મ થયા તે કથા કહી ને તે પછી ભક્તિદેવીની સાથે ધર્મદેવના વિવાહની કથા પણ કહી.૪

હે રાજન્ !
ત્યારપછી અસુરો દ્વારા અતિશય પીડા પામેલા પત્ની મૂર્તિદેવીની સાથે ધર્મદેવે સદ્ગુરુ રામાનંદ સ્વામીનો સમાશ્રય કર્યો, તે કથા કહી.પ

ફરી દૈત્યોના અંશભૂત રાજા આદિક જનો દ્વારા અતિશય પીડા અપાયેલા ધર્મદેવે હનુમાનજીની આરાધના કરી, ને પ્રસન્ન થયેલા હનુમાનજીની આજ્ઞાથી પોતાના ઘેરેથી નીકળી વૃંદાવનમાં ગયા.૬

ત્યારપછી વિષ્ણુયાગથી ભગવાન શ્રીકૃષ્ણની આરાધના કરવામાં આવી, તેનાથી પ્રસન્ન થયેલા ભગવાને ધર્મદેવ ભક્તિદેવી અને મરીચ્યાદિ મહર્ષિઓને પોતાનું પ્રત્યક્ષ દર્શન અને પ્રાદુર્ભાવ થવાનું વરદાન આપ્યું. તે કથા કહી. ત્યારપછી ધર્મ - ભક્તિને જંગલમાં અશ્વસ્થામાનો શાપ થયો તે કથા કહી.૭

ત્યારપછી વિંધ્યવાસિની દેવીનો કાલિદત્તાદિ અસુરોને શાપ થયો, તે કથા કહી. ત્યારપછી ધર્મ - ભક્તિને ઘેર ભગવાન શ્રીહરિનો પ્રાદુર્ભાવ થયો, તે કથા કહી.૮

ત્યારપછી શ્રીહરિના નામકરણાદિ સંસ્કારોની કથા, ચૌલસંસ્કારની કથા, કાલીદત્તના વિનાશની કથા, અયોધ્યામાં ભગવાન શ્રીહરિની પૌગંડ લીલાની કથા અને યજ્ઞોપવિત સંસ્કારની કથા તમને સંભળાવી.૯

ત્યાર પછી હરિગીતા કહીને ભક્તિ - ધર્મની દિવ્યગતિની કથા કહી સંભળાવી. ત્યારપછી ભગવાન શ્રીહરિના ગૃહત્યાગની કથા અને વડના વૃક્ષ નીચે ભૈરવના પરાજયની કથા કહી.૧૦

હે રાજન્ !
ત્યારપછી પુલહાશ્રમમાં શ્રીહરિએ સૂર્યનારાયણની કરેલી પ્રસન્નતાની કથા કહી. ગોપાળયોગીની પાસે શ્રીહરિએ અષ્ટાંગ યોગનો અભ્યાસ કર્યો તે કથા, ને મહાશક્તિ પિબેકનો પરાજય કર્યો તે કથા કહી.૧૧

ત્યારપછી ઓરીસાદેશમાં જગન્નનાથપુરી આદિકને વિષે અસુર સમુદાયના પરાભવની કથા કહી. શ્રીહરિની તીર્થયાત્રાની કથા તથા પાર્વતી અને શંકર શ્રીહરિનાં દર્શને પધાર્યાં, તે કથા કહી.૧ર

ત્યારપછી લોજપુરને વિષે ઉદ્ધવાવતાર શ્રીરામાનંદ સ્વામીના મુક્તાનંદ સ્વામી આદિક શિષ્યોની સાથે થયેલા સમાગમની કથા કહી. ત્યારપછી રામાનંદ સ્વામીનાં દર્શન અને તેમના શિષ્યપણાના સ્વીકારની કથા કહી.૧૩

ત્યારપછી ગુરુની આજ્ઞાથી તેમના શિષ્યોના ગુરુપણાના સ્વીકારની કથા ને ગુરુ રામાનંદ સ્વામીની દુર્વાસાના શાપથકી મુક્તિની કથા કહી પ્રથમ પ્રકરણની સમાપ્તિ કરી.બીજા પ્રકરણમાં માંગરોળાદિ પુરમાં પોતાના દિવ્ય સ્વરૃપનાં પોતાના ભક્તોને આપેલાં દર્શનની કથા કહી. મેઘજી વણિકના પરાજયની કથા તથા માંગરોળમાં મતવાદીઓને પોતપોતાના ઇષ્ટદેવનાં દર્શન કરાવ્યાની કથા કહી.૧૪

સમાધિ પ્રકરણ પ્રગટ કર્યાની કથા, ને પોતાના સાક્ષાત્ શ્રીકૃષ્ણરૃપનાં દર્શનની કથા કહીને નારાયણગીતાની કથા તથા લોભાદિ પાંચ દોષોની દુષ્ટતાની કથા કહી.૧૫

હે રાજન્ !
ત્યારપછી પૃથ્વીપર ભગવાન શ્રીહરિએ કરેલા અહિંસામય ધર્મસ્થાપનની કથા કહી, ને પછી ખટવાંગ રાજા તથા અભયરાજાના સંવાદની કથા કહી.૧૬

ત્યારપછી અભયરાજાની પ્રાર્થનાથી ભગવાન શ્રીહરિનું કારીયાણીથી દુર્ગપુર પ્રત્યેનું આગમન કહ્યું, ને રાજકોટમાં ગવર્નર સાથેના મેળાપની કથા કહી.૧૭

ત્યારપછી શિવરામ વિપ્રના પ્રશ્નથી ઉદ્ધવસંપ્રદાય પ્રકાશનની કથા કહી. ત્યારપછી જુદા જુદા ગામોમાં ભગવાન શ્રીહરિના વિચરણની કથા કહી, ને તે તે ગામોને વિષે થયેલા યથાર્થ ધર્મસ્થાપનની કથા કહી.૧૮

ત્યારપછી અનેક પ્રકારના યજ્ઞોના વિધાનની કથા તથા કૌલાદિમત ખંડનની કથા કહી. શ્રીહરિના દિગ્વિજયની કથા ને દુર્ગપુરમાં પધારી કરેલા નિવાસની કથા, કહી બીજું પ્રકરણ સમાપ્ત કર્યું.૧૯

હે રાજન્ !
ત્યારપછી ઉત્તમરાજા અને તેમની બહેનો આદિ અભયપરિવારની ભક્તિને વિષે ઉત્કર્ષની કથા કહી ભગવાન શ્રીહરિની સેવાની સુંદર વ્યવસ્થાની કથા કહીને વિસ્તાર પૂર્વક અન્નકૂટ મહોત્સવની કથા કહી.ર૦

ત્યારપછી પ્રતિદિનની સભાઓમાં ભક્તજનોને રંજન કર્યાની કથા, ને તેમાં શ્રીહરિએ કરેલા સત્સંગદીપ પ્રકાશનની કથા કહી.ર૧

ત્યારપછી ભગવાન શ્રીહરિએ ધર્મરક્ષા, સ્પર્શ વિવેક, ધર્મસિદ્ધિ, નિષ્કામશુદ્ધિ અને સાધુઓના આહ્નિકકર્મનું નિરૃપણ કર્યું તે કથા કહી.રર

ત્યારપછી ભગવાન શ્રીકૃષ્ણના સ્વરૃપાદ્વૈતની કથા, કૃષ્ણમંત્રજપના વિધિની કથા, એકાદશીવ્રત વિધિની કથા, અને મહાન પ્રબોધની ઉત્સવની કથા કહી.ર૩

ત્યારપછી શ્રીહરિએ વડતાલપુરમાં મહાન પુષ્પદોલોત્સવ ઉજવ્યો, તે કથા કહીને, ત્રીજા પ્રકરણની સમાપ્તિ કરી. ત્યારપછી પુરાણ શ્રવણના સર્વે વિધિના નિરૃપણની કથા કહી.૨૪

હે રાજન્ !
ત્યારપછી શ્રીમદ્ભાગવતના માહાત્મ્ય સંબંધી વિશેષકથા કહી. ત્યારપછી સારંગપુરમાં ઉજવેલા જન્માષ્ટમીના ઉત્સવની કથા કહી.રપ

ત્યારપછી કારિયાણીથી નાગડકા ને લોયા, ત્યાંના શાકોત્સવની કથા, ને ત્યાંથી પંચાળા ગામ પ્રત્યે આગમનની કથા કહી. ત્યાં વેદની શ્રુતિઓના અર્થનો નિર્ણય કહી સંભળાવ્યો તે કથા કહી.ર૬

ત્યારપછી શ્રીનગરને વિષે શ્રીનરનારાયણદેવની પ્રતિષ્ઠા વિધિની કથા, ને ભુજનગરને વિષે શ્રીનરનારાયણદેવની પ્રતિષ્ઠા વિધિની કથા કહી.ર૭

ત્યારપછી વડતાલપુરમાં લક્ષ્મીનારાયણદેવની પ્રતિષ્ઠા અને પોતાની મૂર્તિ શ્રીહરિકૃષ્ણ આદિક મૂર્તિઓની પ્રતિષ્ઠાવિધિની કથા કહી. તથા વડતાલમાં થયેલા દ્વારિકાધીશના આગમનની કથા કહી.ર૮

ત્યારપછી મુક્તાનંદ સ્વામી દ્વારા કરવામાં આવેલા ત્રિયુગ શબ્દાર્થના નિર્ણયની કથા કહી. રામપ્રતાપજી તથા ઇચ્છારામજીના પુત્ર અયોધ્યાપ્રસાદજી તથા રઘુવીરજીનો દત્તકવિધિથી પોતાના પુત્રપણે સ્વીકાર અને તે બન્નેને પોતાના આશ્રિત જનોના ગુરુપણાને વિષે સ્થાપન કર્યાની કથા કહી.ર૯

ત્યારપછી વડોદરા શહેરમાં મુનિમંડળે સહિત શ્રીહરિના આગમનની કથા, તથા સયાજીરાવ સરકાર દ્વારા કરવામાં આવેલ ભગવાન શ્રીહરિના સન્માનની કથા કહી. ને વડતાલ પધારી શ્રીહરિએ કરેલ શિક્ષાપત્રી લેખનની કથા કહી.૩૦

હે રાજન્ !
ત્યારપછી શ્રીનગરને વિષે ઉજવેલા ફૂલડોલ ઉત્સવની કથા, ને ભાલપ્રદેશમાં વિચરણ, તથા ધોલેરામાં મદનમોહનજી નામે શ્રીરાધાકૃષ્ણની સ્થાપનવિધિની કથા કહી.૩૧

ત્યારપછી દીક્ષાવિધિનો ઉપદેશ અને પૃથ્વીપર તેની પ્રવૃત્તિ કરવાનો ઉપદેશ તથા વ્રતો અને ઉત્સવો ઉજવવાના વિધિનો ઉપદેશ, તેમજ સાધુઓના ધર્મના ઉપદેશની કથા કહી.૩ર

ત્યાર પછી જ્ઞાનનો ઉપદેશ, અને સાંખ્યશાસ્ત્રના અર્થનું નિરૃપણ કરનારી કથા કહીને ચોથા પ્રકરની સમાપ્તિ કરી. હે રાજન્ ! ત્યારપછી શિવરામવિપ્રના પ્રશ્નથી જે ધર્મોપદેશ કર્યો, તે કથા તમને સંભળાવી.૩૩

તે ધર્મોપદેશમાં વર્ણ અને આશ્રમના ધર્મો, તથા તેનાથી બહાર મૂકાઇ ગયેલાઓના ધર્મો, તથા સર્વે સ્ત્રીઓના ધર્મોનું ભગવાન શ્રીહરિએ જે વિસ્તારથી નિરૃપણ કર્યું છે, તે કથા તમને સંભળાવી.૩૪

ત્યારપછી ભગવાન શ્રીહરિએ નાનાં - મોટાં સર્વે પાપોના પ્રાયશ્ચિતવિધિનું નિરૃપણ કર્યું તે કથા કહી. તથા ચાંદ્રાયણાદિ કૃચ્છ્રવ્રતોનાં લક્ષણોનું જે નિરૃપણ કર્યું, તે કથા કહી.૩૫

હે રાજન્ !
ત્યારપછી જુનાગઢને વિષે શ્રીદ્વારિકાધીશની પ્રતિષ્ઠાવિધિ કરી ને રાધારમણ દેવ તથા સિદ્ધેશ્વરમહાદેવની પ્રતિષ્ઠાવિધિ કરી, તે કથા તમને સંભળાવી. ત્યારપછી નૈષ્ઠિક બ્રહ્મચારીઓના ધર્મો મુકુંદબ્રહ્મચારીના પૂછવાથી સંભળાવ્યા તે કથા કહી.૩૬

ત્યારપછી દુર્ગપુરને વિષે કરેલા શ્રીગોપીનાથજીના પ્રતિષ્ઠા વિધિની કથા કહી, ને સાંખ્યયોગના ઉપદેશની કથા તથા યોગશાસ્ત્રના સંગ્રહની કથા કહી સંભળાવી.૩૭

ત્યારપછી ભગવાન શ્રીહરિએ શતાનંદ મહર્ષિને આપેલા વરદાનની કથા, ને પછીથી શતાનંદ સ્વામીદ્વારા કરવામાં આવેલ આ સત્સંગિજીવન શાસ્ત્ર રચવાની કથા કહી.૩૮

ત્યારપછી ભગવાન શ્રીહરિએ વિચારેલા પોતાના આવિર્ભાવ કારણની કથા કહી, ને પોતાના સ્વધામગમન પછી ભક્તજનોએ કેમ વર્તવું, તેના ઉપદેશની કથા અને શ્રીહરિના અંતર્ધાનલીલાની કથા કહી. તથા શ્રીહરિજયંતી વ્રતના વિધિની કથા કહી.૩૯

હે રાજન્ !
આ પ્રમાણે તમે જે રીતે ચરિત્રો પૂછયાં હતાં તે રીતે જ ભગવાન શ્રીહરિનાં અદ્ભુત ચરિત્રોની કથા મેં તમને સંભળાવી.૪૦

પરમ પવિત્ર એવા આ સત્સંગિજીવન શાસ્ત્રની રચના કરીને શતાનંદ સ્વામીએ શિષ્ય એવા મને તત્ત્વ પૂર્વક ભણાવ્યું છે.૪૧

હે રાજન્ !
મેં પણ અતિશય પ્રેમથી સાંભળવા ઇચ્છતા તમને આ સકલ સત્સંગિજીવન શાસ્ત્રની કથા સંભળાવી. આ શાસ્ત્ર વેદ - પુરાણોના પરમ સારરૃપ છે.૪ર

તેમનું સત્સંગિજીવન એવું નામ સાર્થક છે. કારણ કે સદાય સત્યસ્વરૃપ પરમેશ્વર ભગવાન શ્રીહરિના આશ્રિત ભક્તજનોને સત્સંગી કહેલા છે. અને તેઓને માટે આ શાસ્ત્ર જીવનરૃપ છે. તેથી સત્સંગીઓએ આ સત્સંગિજીવન શાસ્ત્રનું સર્વપ્રકારે સદાય પઠન, શ્રવણાદિકથી સેવન કરવું.૪૩

આ શાસ્ત્રનો પાઠ કરવાથી દ્વિજાતિ જનોને વેદાદિકના પાઠ કર્યાનું ફળ પ્રાપ્ત થાય છે. તેવી જ રીતે સર્વ યજ્ઞો કર્યાનું પણ ફળ નક્કી પ્રાપ્ત થાય છે.૪૪

ચારે વર્ણના નર - નારીઓ આ શાસ્ત્રનું પરમ આદરથી શ્રવણ કરે, તો આલોક તથા પરલોકમાં ઇચ્છિત સુખને પ્રાપ્ત કરે છે.૪૫

હે રાજન્ !
બ્રાહ્મણ જો આ શાસ્ત્રનું શ્રવણ કરે છે, તો શાસ્ત્રોમાં પારંગત બુદ્ધિને વરે છે. ક્ષત્રિય રાજ્ય સુખને પામે છે. વૈશ્ય ધનસંપત્તિ પામે છે, તથા શૂદ્ર પણ ઇચ્છિત સુખને પામે છે.૪૬

સકામી પુરુષ જે કામના રાખીને આ શાસ્ત્રનો પાઠ કરે છે. અથવા શ્રવણ કરે છે, તે ઇચ્છેલી કામનાને પામે છે. નિષ્કામી પુરુષ ઉત્તમ એકાંતિકી ભક્તિને પામે છે.૪૭

જે દ્વિજાતિજનો આ શાસ્ત્રનું વિધિપૂર્વક પુરશ્ચરણ કરે છે. તેના સર્વે મનોરથ સિદ્ધ થાય છે, તેમાં કોઇ સંશય નથી.૪૮

જે મનુષ્યોને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિનાં લક્ષણો જાણવાની ઇચ્છા હોય તેઓએ આ ગ્રંથનું પ્રયત્નપૂર્વક સેવન કરવું.૪૯

તેમજ જે મનુષ્યોને પોતાના કલ્યાણની ઇચ્છા હોય તેઓએ પણ ઇચ્છિત ફળને આપનારા આ ગ્રંથને વિશેષ રીતે સાંભળવો અને અભ્યાસ કરવો - પાઠ કરવો.૫૦

હે રાજન્ !
આ શાસ્ત્રનું જેને સંપૂર્ણ જ્ઞાન થઇ ગયું, તેવા પુરુષને આ જગતમાં કાંઇ પણ જાણવું બાકી રહેતું નથી, તેણે સર્વે જાણી લીધું છે. તેથી પોતાનું હિત ઇચ્છતા જનોએ આ ગ્રંથનું સર્વપ્રકારના પ્રયત્નો કરી સેવન કરવું.૫૧

કથાની સમાપ્તિમાં સુવ્રતમુનિ પોતાના ઇષ્ટદેવને અને ગુરુને વંદન કરે છે. નારાયણમુનિ અને કૃષ્ણ નામવાળા ભગવાન શ્રીહરિને મારા નમસ્કાર છે, તેમજ તેમના એકાંતિક ભક્ત અને મારા ગુરુ શતાનંદ સ્વામીને પણ મારા નમસ્કાર છે.પર

આ પ્રમાણે મુનિવર્ય સુવ્રતમુનિએ કહેલા ભગવાન શ્રીનારાયણનાં ચરિત્રો સાંભળીને પ્રતાપસિંહ રાજા અતિશય આનંદ પામ્યા, ને કહેવા લાગ્યા કે હે મુનિશાર્દુલ સુવ્રતમુનિ ! હું ધન્ય થયો છું. અને મારો મનુષ્ય જન્મ પણ આપના સમાગમથી સફળ થયો છે. આ બાબતમાં મને હવે કોઇ સંશય નથી.પ૩-પ૪

હે મહામુનિ !
નારાયણનાં ચરિત્રો સાંભળીને મારા મનમાં અત્યારે મહા આનંદ ઉભરાય છે, તેને કોઇ શબ્દોમાં હું વ્યક્ત કરી શકું તેમ નથી.પપ

હે સુવ્રતમુનિ !
તમે તો ધન્ય ભાગ્યશાળી છો. કારણ કે તમે આ લોકમાં પ્રત્યક્ષ ભગવાન શ્રીહરિનું દર્શન - સ્પર્શ - પૂજન આદિક અનેક ઉપાયે સેવન કરેલું છે. ને એ ભગવાન શ્રીહરિને તમે ભક્તિથી વશ પણ કરેલા છે. અને તેથી જ તમે તેમના કૃપાપાત્ર થયા છો.૫૬

હે મુનિ!
તમારા જેવા સંતોનો સાહજિક પરોપકારી સ્વભાવ હોય છે. જેને કારણે તમે અમારા જેવા જનોને સાક્ષાત્ ભગવાન શ્રીહરિના સ્વરૃપનું જ્ઞાન આપવા આ પૃથ્વી પર વિચરણ કરો છો.પ૭

હું તમારો શિષ્ય છું, ને તમારે શરણે આવ્યો છું. એથી આપ મારા ઉપર અનુગ્રહ કરો. તેનાથી હું સાક્ષાત્ ભગવાન શ્રીહરિનું પ્રત્યક્ષ દર્શન કરી શકું .૫૮

આ પ્રમાણે પ્રતાપસિંહ રાજાએ પ્રાર્થના કરી, તેથી સુવ્રતમુનિ તેમને કહેવા લાગ્યા કે હે રાજન્ ! તમે કથાદ્વારા જેવા ભગવાન શ્રીહરિના સ્વરૃપને સાંભળ્યું છે, તેવા જ સ્વરૃપનું એકાગ્ર મનથી ધ્યાન કરો. ભગવાન શ્રીહરિ તમને ચોક્કસ પ્રત્યક્ષ દર્શન આપશે.પ૯

કારણ કે આ સત્સંગિજીવન શાસ્ત્રનું પ્રેમથી કોઇ શ્રવણ કરે, તેમને સાક્ષાત્ પરમેશ્વર ભગવાન શ્રીહરિ પોતાનું પ્રગટ દર્શન આપશે, તેવું મારા ગુરુ શતાનંદ સ્વામીએ મને કહ્યું છે.૬૦

ત્યારપછી પ્રતાપસિંહ રાજાએ સુવ્રતમુનિને નમસ્કાર કરી દૃઢ નિશ્ચયપૂર્વક સ્થિર આસને બેસી, કથામાં જેવા ભગવાન શ્રીહરિને સાંભળ્યા હતા, તેવા જ ભગવાન શ્રીહરિનું હૃદયમાં ધ્યાન કર્યું.૬૧

અપરોક્ષ અનુભૂતિવાળા અર્થાત્ પ્રત્યક્ષ ભગવાનના જ્ઞાનવાળા ગુરુ સુવ્રતમુનિના અનુગ્રહથી તેમજ સત્સંગિજીવન શાસ્ત્રના શ્રવણજન્ય પુણ્યના પ્રતાપથી પ્રતાપસિંહ રાજાને ભગવાન શ્રીહરિએ હૃદયમાં પ્રત્યક્ષ દર્શન આપ્યું.૬ર

અક્ષરબ્રહ્માત્મક તેજ તેજના પુંજની મધ્યે પ્રત્યક્ષપણે વિરાજમાન, અને કરોડા કામદેવોના ગર્વને હરી લે તેવા રૃપાળા, તથા ભક્ત એવા અક્ષરમુક્તોદ્વારા દિવ્ય ચંદન પુષ્પાદિક વડે પૂજન કરાયેલા, સાક્ષાત્ ભગવાન શ્રીહરિનું દર્શન કરીને રાજા પરમ આનંદ પામ્યા.૬૩

આ પ્રમાણે પોતાના હૃદયમાં ભગવાન શ્રીહરિનું સાક્ષાત્ દર્શન પામી સમાધિમાંથી બહાર આવેલા પ્રતાપસિંહ રાજા ખૂબ જ પ્રસન્ન થયા, ને સુવ્રતમુનિને નમસ્કાર કરી કહેવા લાગ્યા કે હે મુનિ ! તમારી કૃપાથી હું હવે નક્કી કૃતાર્થ થયો છું.૬૪

તે સમયે સુવ્રતમુનિ પણ પ્રતાપસિંહ રાજાને કહેવા લાગ્યા કે હે રાજન્ ! આ પ્રમાણે જ ભગવાન શ્રીહરિનું તમે હમેશાં ધ્યાન કરજો અને સ્વધર્મમાં રહી તેમનું ભજન કરજો, તેનાથી દેહને અંતે સર્વોત્કૃષ્ટ તે ભગવાન શ્રીહરિના અક્ષરધામને પામશો.૬પ

પરમ પવિત્ર આ જગન્નાથપુરીને વિષે રહીને શ્રીહરિનું સદાય ભજન કરો. તે સમયે આજ્ઞા માથે ચડાવી રાજાએ નમસ્કાર કર્યા, ને સુવ્રતમુનિ બીજા તીર્થક્ષેત્રોમાં જવા માટે ત્યાંથી નીકળી ગયા.૬૬

પ્રતાપસિંહ રાજા જગન્નાથપુરીમાં નિવાસ કરીને રહ્યા, ને અતિશય ગાઢ પ્રેમથી ભગવાન શ્રીહરિનું ભજન કરતા કરતા અલ્પ સમયમાં જ ગોલોકાંતરવર્તી ભગવાન શ્રીહરિના પરમ અક્ષરધામને વિષે સિધાવ્યા.૬૭

જે ભગવાન શ્રીહરિના ગુણ ચરિત્રાદિકનું શ્રવણ કરવું તે મંગળરૃપ છે. ને તેનું કીર્તન કરવું તે પણ મંગળરૃપ છે. તથા તેમનું સ્મરણ કરવું, તે પણ મંગળરૃપ છે, એવા ભગવાન શ્રીહરિ અમારૃં સર્વ મંગળ વિસ્તારો.૬૮

અધર્મ સર્ગનો વિનાશ કરતા, ને ધર્મસર્ગનું અધિકને અધિક પોષણ કરતા, સમગ્ર પાપનું અને સમગ્ર દુઃખનું હરણ કરતા, પુરુષોત્તમનારાયણ ભગવાન શ્રીહરિ પોતાના ભક્તજનોએ સહિત મારી ઉપર પ્રસન્ન થાઓ, પ્રસન્ન થાઓ.૬૯


આ પ્રમાણે અવતારી શ્રીનારાયણના ચરિત્રરૃપ શ્રીમત્સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રના પંચમ પ્રકરણમાં ગ્રંથની અનુક્રમણિકાનું નિરૃપણ કર્યું એ નામે સિત્તેરમો અધ્યાય પૂર્ણ થયો. --૭૦--

શ્રીમત્ સત્સંગિજીવન પાંચે પ્રકરણનું કચ્છ ભુજ નિવાસી
સાધુ વિજ્ઞાનસ્વરૃપદાસજી કૃત સરળ ગુજરાતી ભાષાંતર સમાપ્ત.