અધ્યાય - ૬ - સંધ્યાકાળના અતિક્રમણમાં કહેલું પ્રાયશ્ચિત.

Submitted by swaminarayanworld on Tue, 08/08/2017 - 8:51pm

અધ્યાય - ૬ - સંધ્યાકાળના અતિક્રમણમાં કહેલું પ્રાયશ્ચિત.

સંધ્યાકાળના અતિક્રમણમાં કહેલું પ્રાયશ્ચિત. ષટ્કર્મમાં હોમ કરવાનો વિધિ. ષટ્કર્મમાં સ્વાધ્યાયનો વિધિ. ષટ્કર્મમાં દેવતા તથા પિતૃતર્પણનો વિધિ.

ભગવાન શ્રીનારાયણમુનિ કહે છે, હે બ્રહ્મન્ !

જે દ્વિજાતિ પુરુષ પ્રમાદથી સાયંકાળનું ઉલ્લંઘન કરી જાય તે પુરુષ તો પ્રાયશ્ચિત કરીને જ તે દોષથી શુદ્ધ થાય છે.૧

જો સંધ્યાકાળનું અતિક્રમણ થઇ જાય તો તીર્થજળમાં સ્નાન કરી વિધિ પૂર્વક આચમન કરી એકસો ને આઠ ગાયત્રીમંત્રના જપ કરવા, પછી જ સંધ્યાવિધિનું અનુષ્ઠાન કરવું.૨

દ્વિજાતિ પુરુષોએ અવશ્યનું કામ હોય તો જ મધ્યાહ્ને કરવાની સંધ્યા પ્રાતઃકાળે કરી લેવી, પરંતુ હમેશાં એવું કરવું નહિ. તેજ રીતે પ્રાતઃકાળે કરવાની સંધ્યા અવશ્યના કામકાજને કારણે સવારે ન થઇ શકી હોય તો મધ્યાહ્ને સાથે કરવી. પહેલી પ્રાતઃસંધ્યા ને પછી મધ્યાહ્ન સંધ્યા કરવી, એ પણ જાણી રાખવું.૩

હે વિપ્ર !
જે મૂઢમતિ દ્વિજાતિજનો પ્રાતઃ કે સાયંકાળની સંધ્યા ઉપાસના કરતા નથી. તે દ્વિજાતિને શૂદ્રની સમાન સર્વકર્મમાં અયોગ્ય જાણવા.૪

વળી જન્મ કે મરણના સૂતકમાં અર્ઘ્યપ્રદાન પર્યંત દર્ભ ને જળ રહિત કેવળ માનસી સંધ્યા કરવી, પરંતુ સંપૂર્ણ સંધ્યા કરવી નહિ.૫

પોતાને ઘેર, ગૌશાળામાં અને નદીતીરે કરેલી સંધ્યા અનુક્રમે દશ દશ ગણી અધિક ફળ આપનારી થાય છે. નદીઓના સંગમમાં કરવામાં આવેલી સંધ્યા સોગણા અધિક ફળને આપનારી થાય છે. અને જો ભગવાનના સાંનિધ્યમાં કરવામાં આવે તો અનંતગણા ફળને આપનારી થાય છે.૬

ષટ્કર્મમાં હોમ કરવાનો વિધિ :-

હે વિપ્ર !
દ્વિજાતિ પુરુષોએ સંધ્યાકર્મની સમાપ્તિમાં સ્વયં જાતે હોમ કરવો. તેથી જે ફળ પ્રાપ્ત થાય છે, તે ફળ પોતાવતી બીજા કોઇ હોમ કરે તો પ્રાપ્ત થતું નથી. પ્રવાસાદિકને સમયે પોતાવતી બીજા હોમ કરે છતાં પોતે કરેલો ગણાય. તે કોણ છે ? તે કહે છે.૭

જેની વિધિ પૂર્વક વરણી કરવામાં આવી હોય તે ઋત્વિજ, પોતાનો પુત્ર, ગુરુ, ભાઇ, બહેનનો પુત્ર અને પોતાનો જમાઇ આ છ જણ જો પોતાવતી હોમ કરે તો તે સ્વયં હોમ કરેલો ગણાય છે.૮

તેમ છતાં દ્વિજાતિપુરુષ પોતે હોમ કરે ને જે ફળ પ્રાપ્ત થવાનું કહેલું છે તે બીજા દ્વારા કરાવેલા હોમમાં અર્ધુ ફળ પ્રાપ્ત થાય છે.૯

તેથી ક્યારેક અવશ્યનું કામકાજ હોય ત્યારે અથવા આપત્કાળમાં જ પક્ષહોમ કરાવવો, પરંતુ હમેશાં પક્ષહોમ કરાવવો નહિ.૧૦

હવે હોમની રીત કહીએ છીએ. દ્વિજાતિ પુરુષે હાથમાં પવિત્રાં ધારણ કરી શુદ્ધ અંતઃકરણવાળો થઇ શ્વેતવસ્ત્રો ધારણ કરી ઇન્દ્રિયોને નિયમમાં રાખી એકાગ્રમનથી નિત્યે હોમ કરવો.૧૧

દર્ભ, તાંબુ, રૃપુ, અને સોનાને પવિત્રાં કહેલાં છે, તે ઉત્તરોત્તર શ્રેષ્ઠ છે. તે પવિત્રાંને જમણા હાથમાં ધારણ કરવું, સુંદર અક્ષરોથી જેમાં ભગવાનનું નામ અંકિત કરાયેલું હોય તેવી સુવર્ણની વીંટીને પવિત્રું જાણવું. તે સર્વકર્મોમાં શુભ મનાયેલું છે.૧૨-૧૩

અનામિકા આંગળીમાં સુવર્ણ નિર્મિત અને કનિષ્ઠિકા આંગળીમાં ખડગ પવિત્રું ધારણ કરવું, તેનાથી મનુષ્ય પવિત્ર થાય છે.૧૪

ષટ્કર્મમાં સ્વાધ્યાયનો વિધિ :-

હે વિપ્ર !
પછી આહૂત કરેલા યજ્ઞાનારાયણાદિ દેવતાઓને નમસ્કાર કરવા ને તે દેવોને ઉચિત ઉપહારનું નિવેદન કરવું, પુષ્પાદિક અર્પણ કરીને ગુરુ આદિક વૃદ્ધોનું અભિવાદન કરવું.૧૫

પછી એકાગ્રચિત્તવાળા થઇ દ્વિજાતિ પુરુષે પવિત્ર પ્રદેશમાં પૂર્વદિશા તરફના અગ્રભાગવાળા દર્ભના આસન ઉપર બેસીને યથાશક્તિ વેદનો પાઠ કરવો. દ્વિજાતિ પુરુષે પોતાની રુચિ અનુસાર શિક્ષા આદિક છ અંગો સહિત ચાર વેદ અથવા શ્રીમદ્ભાગવતાદિ પુરાણો, અથવા, મહાભારત આદિ ઇતિહાસોમાં કહેલા સ્તોત્રો અને રામાયણાદિ આર્ષગ્રંથોનો પાઠ સ્વાધ્યાયની સિદ્ધિ માટે યથાશક્તિ નિરંતર કરવો, તેના પ્રારંભમાં અને સમાપ્તિમાં ઁકારનો રૃડી રીતે ઉચ્ચાર કરવો, આ સ્વાધ્યાય પોતાના ગૃહ્યસૂત્રના વિધિ પ્રમાણે કરવો.૧૬-૧૮

ષટ્કર્મમાં દેવતા તથા પિતૃતર્પણનો વિધિ :-

હે વિપ્ર !
દ્વિજાતિએ પોતાના ગૃહ્યસૂત્રને અનુસારે શ્રદ્ધાપૂર્વક ચોખા, યવ અને જળથી દેવતા અને બ્રહ્મર્ષિનું તર્પણ કરવું.૧૯

અને તિલ મિશ્રિત જળથી પિતૃઓનું તર્પણ કરવું, પૂર્વદિશા તરફ મુખ રાખી દેવતાઓનું તર્પણ કરવું, ઉત્તર દિશા તરફ મુખ રાખી ઋષિઓનું તર્પણ કરવું, દક્ષિણ દિશા તરફ મુખ રાખી પિતૃઓનું તર્પણ કરવું, આ પ્રમાણે તર્પણ કરવાનો વિધિ કહ્યો છે.૨૦

બુદ્ધિમાન દ્વિજાતિ પુરુષ દક્ષિણદિશા તરફ ઊભા રહી પિતૃઓનું તર્પણ કરે ત્યારે યજ્ઞોપવીતને અપસવ્ય કરે, અર્થાત્ જમણે ખભે જનોઇ કરીને તલમિશ્રિત તીર્થજળથી પિતૃઓનું તર્પણ કરે, અને યમ આદિક દેવ હોવાથી દેવતીર્થથી તેમનું તર્પણ કરે.૨૧

આ પ્રમાણે સંક્ષેપથી તર્પણ કરતાં કરતાં દ્વિજાતિ પુરુષે આ બ્રહ્મસ્તંબપર્યંત આખુ જગત તૃપ્ત થાઓ ,આમ બોલીને તિલોદકને ભૂમિપર રેડવું.૧૯-૨૨

પિતૃદેવાદિના તર્પણને અંતે તર્પણ કરનારે એમ બોલવાનું હોય છે કે અમારા કુળમાં જન્મેલા અપુત્રોવાળા ગોત્રીઓ મૃત્યુ પામ્યા હો, તેઓ પણ મેં આ અર્પણ કરેલા વસ્ત્ર નીચોવવારૃપ કર્મથી આપેલા જળનો સ્વીકાર કરો, આ વસ્ત્ર નીચોવવારૃપ કર્મમાં અમુક સમયનો અપવાદ છે તે કહીએ છીએ, બારસની તિથિ, સંક્રાંતિ, ચૌદશની તિથિ અને શ્રાદ્ધના દિવસે પૃથ્વી પર વસ્ત્રો નીચોવવાં નહિ. તેમજ આ દિવસોમાં ક્ષાર નાખી વસ્ત્રો ધોવાં નહિ.૨૩

હે વિપ્રો !
દેવસંબંધી તર્પણ કરવાનું હોય ત્યારે યજ્ઞોપવીતને ડાબા ખભે જ ધારણ કરી રાખવી અને ઋષિસંબંધી તર્પણમાં નિવીત- કંઠમાં હારની જેમ લટકતી ધારણ કરવી અને પિતૃસંબંધી તર્પણમાં પ્રાચીનાવીતી- જમણાખભે યજ્ઞોપવીતને ધારણ કરવી. ત્યારપછી તે તે દેવ ઋષિ અને પિતૃઓના તર્પણ યોગ્ય મંત્રોનું ઉચ્ચારણ કરતાં કરતાં તર્પણ કરવું.૨૪

બ્રહ્માદિ દેવતાઓનું દૈવતીર્થથી તર્પણ કરવું, અને અગ્નિષ્વાતાદિ પોતાના પિતૃઓનું તથા કવ્યવાટ્ આદિ આઠ દૈવિકોનું પણ પિતૃતીર્થથી જ તર્પણ કરવું.૨૫

હે વિપ્ર !
દ્વિજાતિ પુરુષે અભગ્ન એવા અગ્રભાગ તથા મૂળિયા સહિતના દર્ભને ધારણ કરી ડાબા હાથને જેની પાછળ પૃષ્ઠભાગમાં લગાવવામાં આવ્યો છે એવા જમણા હાથથી દેવતા આદિ સર્વનું તર્પણ કરવું. દર્ભના અગ્ર ભાગથી દેવતાઓનું તર્પણ કરવું, દર્ભના મધ્યભાગથી સનકાદિક મુનિઓનું તર્પણ કરવું, અને દર્ભના મૂળના ભાગથી પિતૃઓનું તર્પણ કરવું. આ પ્રમાણે કહેલા ક્રમથી તર્પણ કરવું.૨૬-૨૭

કુશ, કાશ, યવ, દુર્વા, ઉસીરા, કુંદર, ઘઉ, ડાંગર, અને શણ આટલાને દર્ભ કહેલા છે. અહીં પૂર્વાપરના અભાવે ઉત્તરોત્તર ગ્રહણ કરવું.૨૮

જે દર્ભો શ્રાવણ માસની દર્શ અમાવાસ્યાએ લાવવામાં આવ્યા હોય તે દર્ભો શુદ્ધ કહેવાય છે. તેથી તેનો વારંવાર કર્મોમાં ઉપયોગ કરી શકાય છે.૨૯

અંગુઠા અને તર્જની આંગળીના વચ્ચેના માપનો કુશ કહેવાય, બે પ્રાદેશ માત્રનો હોય તો દર્ભ કહેવાય છે. જો તે હાથ જેટલો લાંબો હોય તો વજ્ર કહેવાય ને ગાયના પૂછડાં જેટલા લાંબા દર્ભને તૃણ કહેવાય છે.૩૦

તેમાં શ્રાદ્ધના સમયે કુશ શ્રેષ્ઠ છે. દાન કર્મમાં દર્ભ શ્રેષ્ઠ છે, આવસથ્યકર્મમાં વજ્ર શ્રેષ્ઠ છે અને પ્રેત કર્મમાં ગોપુચ્છ શ્રેષ્ઠ છે.૩૧

હાથથી પિતૃઓનું તર્પણ એકગણું ફળ આપનાર કહેલું છે, દર્ભથી કરવામાં આવતું સો ગણું ફળ આપનાર કહેલું છે, ખડ્ગપાત્રથી આપેલું તર્પણ અક્ષયફળને આપનારૃં કહેલું છે.૩૨

દેવતાઓ એક અંજલીથી તૃપ્ત થાય છે, સનકાદિકો બે અંજલીથી, પિતૃઓ ત્રણ અંજલીથી અને સ્ત્રીઓ પણ એક અંજલીથી તૃપ્ત થાય છે.૩૩

તેમા પોતાની માતા વિગેરે નારીઓને ત્રણ અંજલી અર્પણ કરવી, તે સિવાયનીને સ્ત્રીને એક અંજલી અર્પણ કરવી.૩૪

રવિવારે, શુક્રવારે, તેરસની તિથિએ, સાતમની તિથિએ, રાત્રીના સમયે, બન્ને સંધ્યાના સમયે, મઘાનક્ષત્રમાં, મંગળવારે અને નંદા- પડવો, છઠ્ઠ અને એકાદશીની તિથિએ તિલતર્પણ ન કરવું.૩૫

હે વિપ્ર !
તીર્થમાં તથા જે તિથિમાં તલ અર્પણનો ખાસ ઉલ્લેખ હોય તેવી તિથિ વિશેષમાં, ગંગામાં અને પિતૃપક્ષમાં પણ તલમિશ્રિત તર્પણ, નિષેધના દિવસે પણ કરવું.૩૬

તલના અભાવમાં ને તલના નિષેધ દિવસોમાં સુવર્ણ અને રૃપાએ સહિત તર્પણ કરવું, જો તેનો અભાવ હોય તો દર્ભથી અથવા મંત્રજળથી તર્પણ કરવું.૩૭

હે વિપ્ર શ્રેષ્ઠ !
દ્વિજાતિજનો માટે વિધાન કરેલી પ્રાતઃહોમ વગેરે સમસ્ત ક્રિયા મેં તમને સ્મૃતિકારોના કહેલા વચનો પ્રમાણેજ કહી છે, હવે દ્વિજાતિ જનોએ પ્રતિદિન અવશ્ય કરવા યોગ્ય દેવાર્ચનનો સમસ્ત વિધિ કહું છું.૩૮

આ પ્રમાણે અવતારી શ્રીનારાયણના ચરિત્રરૃપ શ્રીમત્સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રના પંચમ પ્રકરણમાં ધર્મનો ઉપદેશ કરતા ભગવાન શ્રીહરિએ પ્રાતઃકાળનો હોમ, બ્રહ્મયજ્ઞા, દેવતા અને પિતૃઓના તર્પણનો વિધિ કહ્યો,એ નામે છઠ્ઠો અધ્યાય પૂર્ણ થયો. --૬--