અધ્યાય - ૭૩ - ભગવાન શ્રીહરિએ કહેલું જ્ઞાન પ્રાપ્તિનું ફળ તથા તેના અધિકારી અને અનધિકારીનું કરેલું વર્ણન.

Submitted by swaminarayanworld on Tue, 08/08/2017 - 8:37pm

અધ્યાય - ૭૩ - ભગવાન શ્રીહરિએ કહેલું જ્ઞાન પ્રાપ્તિનું ફળ તથા તેના અધિકારી અને અનધિકારીનું કરેલું વર્ણન.

ભગવાન શ્રીહરિએ કહેલું જ્ઞાન પ્રાપ્તિનું ફળ તથા તેના અધિકારી અને અનધિકારીનું કરેલું વર્ણન.

ભગવાન શ્રીનારાયણમુનિ કહે છે, હે મુનિવર્ય ! જે મુમુક્ષુ યોગીભક્તને ભગવાન શ્રીહરિને વિષે ભક્તિની અતિશય દૃઢતા થાય છે, ત્યારે તેના પ્રાણ અને ઇન્દ્રિયો પિંડીભાવ પામે છે, અર્થાત્ ભગવાનની મૂર્તિમાં અતિશય સ્નેહને લીધે તેનો નિરોધ થઇ જાય છે. તેનું શરીર કાષ્ઠની જેમ સ્થિર થાય છે.૧

ભક્તિથી વિવશ થયેલા તે યોગીનું અંતર આનંદથી ભરાઇ જાય છે. જેથી તે ઉન્મત્તની પેઠે વર્તે છે, તેની ઇન્દ્રિયો પોતપોતાના વિષયો ગ્રહણ કરવા સમર્થ થતી નથી.૨

આવી સ્થિતિ પામેલા યોગીનો દેહ પ્રારબ્ધવશ કર્મને આધીન થઇ આ પૃથ્વી પર ભમ્યા કરે છે, ને યોગી સર્વત્ર ભગવાન શ્રીહરિનું જ દર્શન કરે છે, પરંતુ તેમની નજરમાં ક્યારેય પણ વિશ્વનું દર્શન થતું નથી.૩

હે મુનિ ! આવો તે યોગીપુરુષ પ્રારબ્ધને અંતે જ્ઞાનરૂપી આત્યંતિક પ્રલય થયા પછી પોતાના પાંચભૌતિક શરીરનો ત્યાગ કરી જેવી રીતે પરમપદ એવા અક્ષરધામને પામે છે, તેનો પ્રકાર હવે અમે તમને કહીએ છીએ.૪

ભગવાનની મૂર્તિમાં એક ધ્યાનનિષ્ઠ થયેલા યોગીને પોતાના શરીરનો પાત થાય તે પહેલાં મૂલાધારચક્રથી આરંભીને બ્રહ્મરંધ્ર એવા જ્ઞાનચક્ર પર્યંત અખંડિત સળંગ પ્રકાશ દેખાય છે. તે બ્રહ્મરૂપ પોતાના આત્માનો પ્રકાશ હોય છે.૫

ત્યારપછી તે પ્રકાશને સ્વયં યોગી વૃદ્ધિ પામતો ને પોતાની ઇન્દ્રિયોના છિદ્રોમાંથી તથા રોમાવલીના છિદ્રોમાંથી ધીરે ધીરે બહાર પ્રસરતો ને શરીરમાંથી બહાર નીકળતો નિહાળે છે.૬

જેવી રીતે રાત્રીના સમયે અસંખ્ય દીવડા પ્રગટાવેલા કાચના મંદિરમાંથી કિરણો બહાર નીકળીને પ્રસરે છે, તેવી રીતે આ વૃદ્ધિ પામેલું યોગીનું સ્વરૂપભૂત તેજ યોગીના દેહમાંથી બહાર નીકળી પ્રસાર પામે છે.૭

તે સર્વે તેજ એક થઇ જાય છે. તે તેજને વિષે મહાઘંટના કે દુંદુભિના ધ્વનિ જેવા શબ્દો ઉત્પન્ન થાય છે.૮

એ નાદ સાંભળ્યા પછી યોગીને બાહ્ય અને આતંરિક ભાવના નિવૃત્ત પામે છે. પછી શરીરની અંદર રહેલું અને બહાર રહેલું તેજ પરસ્પર એક થઇ જાય છે.૯

જેથી જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ આ ત્રણે અવસ્થાનો લય થઇ જાય છે. ને એ યોગી પોતાના આત્મસ્વરૂપને વિષે અતિશય પ્રકાશમાન તુરીયપદરૂપ શ્રીવાસુદેવ ભગવાન વિરાજમાન હોય એવા પ્રકાશમાન જ્યોતિર્લિંર્ગ પોતાના દિવ્યસ્વરૂપને નિહાળે છે.૧૦

પોતાની આવી રીતની તેજોમય દૃષ્ટિ થઇ હોવાથી પોતાની જેમ જ અન્ય અંડજ, ઉદ્ભિજ, સ્વેદજ અને જરાયુજ આ ચારપ્રકારના દેહધારી પ્રાણીઓને પણ તે પુરુષ કે સ્ત્રીના ચિહ્ને રહિત માત્ર તેજોમય સ્વરૂપે નિહાળે છે. ત્યારપછી અલગ અલગ દેખાતી તે સર્વે જ્યોતિઓને એકરૂપ થઇ ગયેલા મોટા તેજપુંજ સ્વરૂપે નિહાળે છે. ૧૧

ફરી આ તેજપુંજ વૃદ્ધિ પામતો પૃથ્વી આદિકની સમાન વિશાળ થઇ આખા બ્રહ્માંડના ગોળામાં વ્યાપીને તે પૃથ્વી આદિ અષ્ટ આવરણોને ભેદીને બહાર ચારે તરફ પ્રસરતો તે નિહાળે છે.૧૨

એ સમયે ભગવાન શ્રીહરિની કાળશક્તિથી તે યોગીના સ્થૂળ શરીરને વિષે પ્રલયકાળમાં ઉત્પન્ન થતા સૂર્ય, અગ્નિ, વાયુ અને મેઘો વીજળીએ સહિત મેઘગર્જના કરતા પ્રકાશે છે, ત્યારે સત્તારૂપે વર્તતો યોગી પોતાના શરીરને વૈરાજપુરુષના શરીરની સાથે લીન થઇ ગયેલું જાણે છે. આ રીતે યોગીના શરીરનો ત્યાગ થયો, તે કહ્યું.૧૩-૧૪

હે મુનિ ! પછી તુરીય શબ્દ વાચ્ય શ્રીવાસુદેવના પ્રકાશે યુક્ત થઇ કેવળ બ્રહ્મતેજોમય સ્વરૂપે વિરાજતો યોગી ભગવાન શ્રીહરિની ઇચ્છાથી દિવ્ય ભાગવતી તનુને પામી સર્વોત્કૃષ્ટ ભગવાનના અક્ષરધામને પામે છે, ને ત્યાં મહા આનંદ યુક્ત વર્તે છે.૧૫

યોગીને આ દિવ્ય ભાગવતી તનુ કોઇ કર્મજન્ય પ્રાપ્ત થયું નથી, પરંતુ તે કેવળ ચૈતન્યમય છે. જેથી કરીને આવા દિવ્ય શરીરવાળો યોગી આત્યંતિક પ્રલયકાળમાં પણ કોઇ પીડા પામતો નથી. ને સૃષ્ટિ સમયે ફરી ઉત્પન્ન થતો નથી.૧૬

સત્ય સંકલ્પ અને અપહતપાપ્મત્વાદિ જે ભગવાનના અનંત કલ્યાણકારી ગુણો છે તેને યુક્ત થઇ તે મુક્તાત્મા પરમ પ્રેમથી ભગવાન શ્રીહરિની સેવા કરતો કરતો તે અક્ષરધામમાં જ નિવાસ કરીને રહે છે.૧૭

હે મુનિવર્ય ! આ પ્રમાણે તમે જે જ્ઞાન પૂછયું હતું તે મોક્ષના સાધનરૂપ તેમજ જીવાત્માઓના અજ્ઞાનનો વિનાશ કરતું જ્ઞાન સર્વે ઉપનિષદોના સારરૂપે ગ્રહણકરીને તમને કહ્યું.૧૮

આ જ્ઞાનનો અધિકારી ભગવાનનો નિર્દંભ ભક્ત જિતેન્દ્રિય, શાંત, પવિત્ર, તેમજ પોતાનું હિત ઇચ્છતો મુમુક્ષુ છે. માટે તેમને આ જ્ઞાન આપવું.૧૯

વળી હિંસા રહિત પારકાના દ્રોહે રહિત, નિષ્કામી, પંચવિષયના સુખમાં વિરક્ત ને મોક્ષ ઉપયોગી શુભ બુદ્ધિવાળા પુરુષને પણ આ જ્ઞાન વિશેષપણે આપવું.૨૦

પરંતુ કામી, ક્રોધી, લોભી અને નિર્દયને આ જ્ઞાન ક્યારેય પણ ન આપવું. તેવીજરીતે દેહાભિમાની અને ભગવાનની ભક્તિહીન હોય, પંચવિષયના સુખમાં આસક્ત હોય, મન, કર્મ, વચને જીવપ્રાણિની હિંસામાં વર્તતો હોય, અને મત્સરવાળો સ્વભાવ હોય તેને પણ આ જ્ઞાન ક્યારેય પણ ન આપવું.૨૧-૨૨

હે મુનિવર્ય ! જે પુરુષ નિયમમાં તત્પર થઇ આદરપૂર્વક આ જ્ઞાનનું શ્રવણ કરશે અથવા પાઠ કરશે તે પુરુષને આત્મકલ્યાણનું
સાધન સંપાદન કરાવનારી બુદ્ધિ પ્રાપ્ત થશે.૨૩

સુવ્રતમુનિ કહે છે, હે પ્રતાપસિંહ રાજન્ ! આ પ્રમાણે ભગવાન શ્રીહરિએ કહેલા સર્વોત્કૃષ્ટ જ્ઞાનનું શ્રવણ કરી અતિશય પ્રસન્ન થયેલા નિત્યાનંદ સ્વામી સંશય રહિત થઇને મનુષ્યાકૃતિમાં વિરાજતા સ્વયં અક્ષરપતિ શ્રીવાસુદેવ એવા ભગવાન શ્રીહરિની બ્રહ્મરૂપે થઇ નિરંતર ભક્તિ કરવા લાગ્યા.૨૪

આ પ્રમાણે અવતારી શ્રીનારાયણના ચરિત્રરૂપ શ્રીમત્સત્સંગિ-જીવન નામે ધર્મશાસ્ત્રના ચતુર્થ પ્રકરણમાં જ્ઞાનના નિરૂપણમાં ભગવાન શ્રીહરિએ જ્ઞાનના ફળસ્વરૂપે ભગવદ્ધામની પ્રાપ્તિનું નિરૂપણ કર્યું, એ નામે તોતેરમો અધ્યાય પૂર્ણ થયો. --૭૩--

શ્રીમત્ સત્સંગિજીવન ચતુર્થ પ્રકરણ સમાપ્ત.