અધ્યાય - ૪૭ - મહાદીક્ષા ક્યારે આપવી અને ક્યારે ન આપવી તે સમયનું શ્રીહરિએ કરેલું નિરૂપણ.

Submitted by swaminarayanworld on Thu, 03/08/2017 - 6:30pm

અધ્યાય - ૪૭ - મહાદીક્ષા ક્યારે આપવી અને ક્યારે ન આપવી તે સમયનું શ્રીહરિએ કરેલું નિરૂપણ.

મહાદીક્ષા ક્યારે આપવી અને ક્યારે ન આપવી તે સમયનું શ્રીહરિએ કરેલું નિરૃપણ. મહાદીક્ષાને યોગ્ય શિષ્યનાં લક્ષણો. મહાદીક્ષાના અનધિકારીનાં લક્ષણો.

શ્રીનારાયણમુનિ કહે છે, હે પુત્રો ! દેવો અને દૈત્યોના પુરોહિત ગુરુના અને શુક્રના અસ્તપણાના વૃદ્ધપણાના અને બાળપણાના યોગમાં તથા ગુરુ નીચના સ્થાને સિંહરાશિમાં હોય અને વક્રગતિમાં વર્તતો હોય ત્યારે મહાદીક્ષા ન આપવી. ગુરુ અને શુક્રના અસ્તાદિ લક્ષણો નિર્ણયસિંધુમાંથી અથવા માર્તંડાદિથકી જાણી લેવા.૧

પ્રબોધની એકાદશી, જન્માષ્ટમી તિથિ કે રામનવમી તિથિએ મહાદીક્ષા આપવામાં ગુરુ શુક્રના અસ્તાદિ દોષ બાધરૂપ નથી.૨

હે પુત્રો ! અધિકમાસમાં કે વર્ષાઋતુમાં ગુરુએ શિષ્યને શ્રીકૃષ્ણના અષ્ટાક્ષરમંત્રનો ક્યારેય પણ ઉપદેશ કરવો નહિ. અને શિષ્યે ક્યારેય સ્વીકારવો નહીં. તેમાં સૂર્ય અને ચંદ્રના ગ્રહણનો સમય વચ્ચે આવી જાય તો તે સમયે મંત્ર ઉપદેશમાં દોષ લાગતો નથી.૩

ગ્રહણવાળી પર્વણિની તિથિ, અમાવાસ્યા કે પૂર્ણિમાના દિવસે માસ, તિથિ, વાર આદિકનો વિચાર ન કરવો. કારણ કે સૂર્ય-ચંદ્રર્ના ગ્રહણની સમાન બીજો દીક્ષા આપવાનો કે દીક્ષા ગ્રહણ કરવાનો પવિત્ર સમય કોઇ નથી.૪

હે પુત્રો ! અસ્તાદિ દોષ રહિતની સર્વે એકાદશી તથા દ્વાદશીના દિવસે સંગવ સમયે દીક્ષા આપવી.૫

સ્કંદાદિ પુરાણમાં પ્રસિદ્ધ પવિત્ર દેશોને વિષે મહાદીક્ષાનો વિધિ કરવો યોગ્ય માનેલો છે. તેમાં પણ ધર્મવંશી ગુરુએ પ્રથમ શિષ્યની પરીક્ષા કરી પછીથી જ દીક્ષા આપવી.૬

શિષ્યની ધર્મપાલન શીલતાનું એક વર્ષ પર્યંત પરીક્ષણ કરવું ને પછીથી દીક્ષા આપવી. પરંતુ પરીક્ષા કર્યા વિના ન આપવી.૭

જે ગુરુ શિષ્યની ધર્મપાલન સામર્થ્યની પરીક્ષા કર્યા વિના દીક્ષા આપે છે, તે ગુરુ શિષ્યે કરેલા પાપના અર્ધા ભાગીદાર થાય છે.૮

જેવી રીતે રાજાના મંત્રીઓએ કરેલા પાપનો ભાગીદાર રાજા થાય છે, પત્નીએ કરેલા પાપનો ભાગીદાર પતિ થાય છે, તેવી જ રીતે શિષ્યે કરેલા પાપનો ભાગીદાર ગુરુ થાય છે, એ ચોક્કસ વાત છે.૯

મહાદીક્ષાને યોગ્ય શિષ્યનાં લક્ષણો :- હે પુત્રો ! ગુરુએ સાવધાન થઇ પ્રથમ શિષ્યની પરીક્ષા કરવી. તેથી શિષ્ય પરીક્ષાના શાસ્ત્રોક્ત લક્ષણો તમને સંક્ષેપથી કહું છું.૧૦

જે શિષ્ય શાંત અને સુશીલ હોય, બહાર અંદર શુદ્ધાત્મા હોય, શ્રદ્ધાવાળો, પોતાના ધર્મમાં દૃઢ સ્થિતિ વાળો, અચપળ હોય, અસૂયા રહિતનો મુમુક્ષુ અને સત્યવાદી હોય.૧૧

પોતાની શક્તિ પ્રમાણે શાસ્ત્રાધ્યયન કરેલું હોય, પોતાના નિર્વાહને ઉપયોગી દ્રવ્ય રાખતો હોય, મત્સર સ્વભાવે રહિત હોય.૧૨

વિધવાના સ્પર્શમાં મોટો દોષ માનતો હોય, પાપ કર્મથી ભય પામતો હોય, તપશ્ચર્યા કરવામાં પ્રીતિવાળો હોય.૧૩

પાંચ મહાપાપો માહેલું કોઇ પણ પાપ તેમણે ક્યારેય પણ ન કર્યું હોય, (પંચ મહાપાપ-બ્રહ્મહત્યા, મદ્યનુપાન, ચોરી અને ગુરુસ્ત્રીનો સંગ, આ ચાર મહાપાપના કરનારાની સાથે મિત્રતા આ પાંચ મહાપાપ કહેલાં છે.) ગૌહત્યાનું પાપ ક્યારેય ન કર્યું હોય, કોઇના ઉપકારને ભૂલીને કૃતઘ્ની ન થયો હોય.૧૪

જે આપત્કાળ પડયા વિના ભોજનમાં પંક્તિભેદ ન કર્યો હોય, જેને ધર્મપાલનમાં ક્યારેય શિથિલતા ન હોય.૧૫

પોતાના સગાભાઇની વસ્તુ પણ તેમને પૂછયા વિના ક્યારેય લીધી ન હોય,વિશ્વાસઘાત ન કરતો હોય.૧૬

નોકર વર્ગને પોતાના કામમાં રોકીને જે રીતે ધનધાન્ય આપવાની પ્રતિજ્ઞા કરી હોય તેને તે રીતે સદાય આપતો હોય પરંતુ તેમાંથી એક કોડી પણ ઓછી આપી વચનનો ભંગ ન કરતો હોય.૧૭

અતિશય લોભી કે કામી સ્વભાવનો ન હોય, માન, ઇર્ષ્યા, ક્રોધથી રહિત હોય, સરળ સ્વભાવ અને દયાળુ પ્રકૃતિનો હોય, ભૂખ-તરસ આદિ દ્વન્દ્વોને સહન કરવાના સ્વભાવવાળો હોય, બહુજ ધીરજશાળી અને બહાર અંદર પવિત્ર આચરણવાળો હોય.૧૮

જે વ્રત કરવામાં ભૂખથી વ્યાકુળ થતો ન હોય, સાધુની સેવામાં રુચિવાળો હોય, નિષ્કપટી અને જીતેન્દ્રિય પુરુષ હોય.૧૯

જેને પૂર્વે કોઇ સ્ત્રીની પાસેથી દીક્ષા લીધેલી ન હોય, કૌલમાર્ગમાં ક્યારેય ન જોડાયો હોય, દિવસે સુવાના સ્વભાવવાળો ન હોય, પ્રમાદી અને આળસુ ન હોય.૨૦

ગૃહસ્થના પ્રવૃત્તિધર્મમાંથી એકદમ ઉદાસી થયો હોય, અને ત્યાગીના નિવૃત્તિ ધર્મનું આચરણ કરવામાં ઇચ્છાવાળો હોય, આવા લક્ષણવાળા જે પુરુષો હોય તે મહાદીક્ષા ગ્રહણ કરવાના અધિકારી કહેલા છે.૨૧

મહાદીક્ષાના અનધિકારીનાં લક્ષણો :- હે પુત્રો ! પૂર્વોક્ત લક્ષણોથી રહિત જે પુરુષો હોય તેમને ગુરુએ દીક્ષા આપવી નહિ. તેમાં પણ લક્ષણોથી યુક્ત હોવા છતાં કોઇ અંગમાં વિકલાંગ હોય તો પણ તેને ક્યારેય મહાદીક્ષા ન આપવી.૨૨

અંધ, કાણો, ત્રાંસી આંખવાળો, પાંગળો, કુબડો, ઠીંગણો, ઓષ્ઠ, નાક અને કાન કપાયેલો, મૂંગો, બહેરો, હાથે વાંકો, ખોડખાપણયુક્ત, ભૂત-પ્રેતાદિકના પ્રવેશથી વિકળ ચિત્તવાળો, કુષ્ટ રોગવાળો, હમેશાં બિમાર રહેતો, ક્ષયરોગવાળો, જડબુદ્ધિવાળો, નીચ કર્મ કરવાવાળો અને અતિશય વૃદ્ધ થયેલાને પણ કયારેય મહાદીક્ષા ન આપવી.૨૩-૨૪

હે પુત્રો !કોઇ પણ ગુરૂ ઊપરોકત અધિકારપણાનો તપાસ કર્યા વિના કોઇને પણ મહાદીક્ષા આપે છે,તે ગુરૂ જેમ કોઇ હાથે કરીને પોતાના પગ ઊપર મોટી પથ્થરની શિલા મુકીને દુઃખી થાય તેમ મહા દુઃખ પામે છે અને બલાત્કારે અપયશનો અધિકારી થાય છે.૨૫

આ પ્રમાણે અવતારી શ્રીનારાયણના ચરિત્રરૂપ શ્રીમત્સત્સંગિ-જીવન નામે ધર્મશાસ્ત્રના ચતુર્થ પ્રકરણમાં શ્રીહરીએ મહાદીક્ષા ગ્રહણ કરવાનો યોગ્ય સમય અને અધિકારી તથા અનધિકારી શિષ્યનું નિરૂપણ કર્યું એ નામે સુડતાલીસમો અધ્યાય પૂર્ણ થયો. --૪૭--