અધ્યાય - ૨ - ધર્મસિદ્ધિનું સાધન અને શ્રદ્ધાનો મહિમા.

Submitted by swaminarayanworld on Thu, 06/07/2017 - 9:31am

અધ્યાય - ૨ - ધર્મસિદ્ધિનું સાધન અને શ્રદ્ધાનો મહિમા.

ધર્મસિદ્ધિનું સાધન અને શ્રદ્ધાનો મહિમા. નિયમિતતાના પાયા પર શ્રદ્ધાની સફળતા. ધર્મસિદ્ધિનાં સાત મૂળ. સંતસમાગમની આવશ્યકતા. સત્શાસ્ત્રસેવનની આવશ્યકતા. શ્રીહરિને પ્રિય સત્શાસ્ત્રો. 'હરિ' નામ કર્યું સાર્થક.

ભગવાન શ્રીનારાયણમુનિ કહે છે, હે ભક્તજનો ! જે ધર્મનો મેં મહિમા કહ્યો, તેની સિદ્ધિનો ઉપાય સાધન માત્ર એક ''શ્રદ્ધા'' છે. દેવતાઓ પણ શ્રદ્ધાહીન હોય તો તેને પણ ધર્મની સિદ્ધિ થતી નથી. કોઇ શરીરને બહુ પ્રકારે કષ્ટ આપે, અઢળક સંપત્તિ વાપરે છતાં પણ જો ધર્મ ઉપર શ્રદ્ધા ન હોય તો ધર્મની સિદ્ધિ થતી નથી. કોઇ પોતાનું સકલ ધન અર્પણ કરીદે તથા પોતાનું સર્વસ્વ જીવન સમર્પણ કરી દે પણ અંતરમાં જો ધર્મ ઉપર શ્રદ્ધા ન હોય તો તેમનું કાંઇ પણ ફળ મળતું નથી, તેથી મનુષ્યોએ સૌ પ્રથમ ધર્મ ઉપર શ્રદ્ધાવાન થવું.૧-૨

માત્ર ધર્મ નહિ, કોઇપણની સિદ્ધિમાં પ્રથમ શ્રદ્ધા રાખવી અવશ્ય છે. મૂળપ્રકૃતિ, તેના નિયંતા પુરુષ અને તે બન્નેના નિયંતા પરમાત્મા છે. તેઓનાં સ્વરૂપ અતિ સૂક્ષ્મ છે. તેઓના વિષે સાંભળવા માત્રથી આપણને સૌને આનંદરસ વરસે છે. પરંતુ તેઓનો સ્વીકાર કેવળ શ્રદ્ધાથી જ શક્ય છે, પણ હાથ કે નેત્રોથી તે દેવતાઓને પણ ગ્રહણ કરી શકાતા નથી.૩

હે ભક્તજનો ! શ્રદ્ધા તો સર્વેની મા છે. જ્ઞાન અને વૈરાગ્યની પ્રસૂતા પણ શ્રદ્ધા છે, માટે એક શ્રદ્ધાથીજ ધર્મ સિદ્ધ થાય છે, પણ બીજાં કોઇ સાધનથી તેની સિદ્ધિ શક્ય નથી. તદ્દન ગરીબ હોવા છતાં શ્રદ્ધાવાન વિપ્રો સ્વર્ગના સુખને પામ્યા છે. માટે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચારે પુરુષાર્થનું પરમ સાધન એક માત્ર શ્રદ્ધા છે.૪-૫

પ્રથમ મનુષ્ય ધર્મ અને અધર્મના સ્વરૂપને યથાર્થ જાણે, પછી ધર્મ ઉપર તે શ્રદ્ધાવાન થાય, જેથી પોતાના વર્ણાશ્રમધર્મનું તથા મોક્ષના સાધનનું યથાર્થ અનુષ્ઠાન કરવા લાગે, તથા પોતાના ધર્મ પ્રમાણે સત્પાત્રમાં દાન કરતો રહે, જેથી તેનું અંતર અસૂયાએ રહિત થતાં નિર્મળ થાય, ત્યારે તે નિર્મળ અંતરમાં આત્મજ્ઞાન પ્રગટ થતાં તે પ્રાજ્ઞા મનુષ્ય મહાકષ્ટથી પણ પાર ન કરી શકાય તેવા આ અજ્ઞાનરૂપી અંધકારમય સંસારને તત્કાળ તરી જાય છે.૬

નિયમિતતાના પાયા પર શ્રદ્ધાની સફળતા - હે ભક્તજનો ! શ્રદ્ધાપૂર્વક અનુષ્ઠાન કરાયેલો ધર્મ પણ શિથિલ મનવાળા પ્રમાદી પુરુષને યથાર્થ ફળ આપનારો થતો નથી. તેથી કર્મના અનુષ્ઠાનમાં નિયમિતતા હોવી જોઇએ. પ્રતિદિન આટલા જપ મારે કરવા જ, વગેરે નિયમ વિના શ્રદ્ધા ફળતી નથી. અને નિયમનું સાતત્ય જાળવવું એતો તલવારની ધાર ઉપર ચાલવા જેવું કઠિન છે. તેમાં પણ વિષયોમાં રાગ અને ધનાદિકના લોભથી વ્યાકુળ મનવાળા મનુષ્યોને નિયમનું સાતત્ય જાળવવું અતિ કઠિન છે.૭-૮

નિયમોનું પાલન કરવાથી જ દેવતાઓ દૈવત પામ્યા છે. આકાશમાં તારામંડળ પણ નિયમના આધારે પ્રકાશી રહ્યું છે. નિયમ પાલન કરવાના કારણે જ સમુદ્ર પોતાની મર્યાદાનું ઉલ્લંઘન કરતો નથી.૯

અગ્નિ પણ નિયમના કારણે પ્રકાશી રહ્યો છે. સૂર્ય પણ નિયમ પ્રમાણે જ તપે છે. વાયુ પણ નિયમથી જ વાય છે. આ રીતે આખું જગત નિયમની ધરી ઉપર સ્થિર છે.૧૦

આપણે આ પૃથ્વી ઉપર જોઇ શકીએ છીએ કે જ્યાં નિયમોનું પાલન થાય છે ત્યાં સમૃધ્ધિ અને ફળની સિદ્ધિઓ જોવા મળે છે. અને જ્યાં નિયમોનું પાલન નથી ત્યાં ઘોર આપત્તિઓ આવી પડેલી જોવા મળે છે.૧૧

તેથી શ્રદ્ધાવાન મનુષ્યોએ પરલોકમાં સહાય કરનારા ધર્મને તેનું પ્રતિદિન નિયમપૂર્વક પાલન કરી વૃદ્ધિ પમાડવો.૧૨

ધર્મસિદ્ધિનાં સાત મૂળ - હે ભક્તજનો ! શાસ્ત્રવેત્તાઓએ ધર્મસિદ્ધિનાં સાત મૂળ બતાવેલાં છે. એક દેશ- પવિત્ર તીર્થક્ષેત્રનું સેવન, બીજું કાળ- સક્રાંતિ આદિનો સમય અને બ્રાહ્મમુહૂર્તાદિ પવિત્ર સમય. ત્રીજું ઉપાય અર્થાત્ શાસ્ત્રમાં કહેલા વિધિ-નિષેધ પ્રમાણે વર્તન. ચોથું દ્રવ્ય અર્થાત્ ન્યાયથી મેળવેલાં ધન ધાન્યાદિ પદાર્થો. પાંચમું શ્રદ્ધા અર્થાત્ વિશ્વાસ તથા આસ્તિક બુદ્ધિ. છઠ્ઠું પાત્રતા અર્થાત્ વિદ્યા, વિનય અને તપથી યુક્ત હોય અને ભગવાનના એકાંતિક ભક્ત હોય. અને સાતમું ત્યાગ અર્થાત્ પારકા ધનમાં નજર ન બગાડવી અને પોતાના ધનનું સત્પાત્રમાં યથાશક્તિ દાન આપવું. આ સાત ધર્મનાં મૂળ કહેલાં છે.૧૩

ઉપર ગણાવેલાં સાત સાધનો જો શુદ્ધ હોય તો જ ધર્મ છે તે વિશુદ્ધ ફળને આપનારો થાય છે અને જો અશુદ્ધ હોય તો ધર્મ પણ અશુદ્ધ ફળ આપે છે. આ વાત વિચક્ષણ પુરુષોએ અવશ્ય જાણી રાખવી.૧૪

વળી મનુષ્યોને ધર્માદિ ગુણોમાં અને અધર્માદિ દોષોમાં જે પ્રવૃત્તિ થાય છે. તે પણ સંત અને અસંતના સમાગમથી થાય છે. માટે મુમુક્ષુઓએ સત્પુરુષોનો સંગ કરવો પણ અસત્પુરુષોનો કરવો નહિ.૧૫

પ્રતિદિન અસત્પુરુષોનો પ્રસંગ દોષોની ઉત્પત્તિનું કારણ છે. અને પ્રતિદિન સત્પુરુષોનો પ્રસંગ સદ્ગુણોની ઉત્પત્તિનું કારણ છે.૧૬

સંતસમાગમની આવશ્યકતા - હે ભક્તજનો ! જેમની વિદ્યા, જન્મ અને કર્મ આ ત્રણે શુદ્ધ છે એવા સંતની પરીક્ષા કરીને જ બુદ્ધિમાન પુરુષોએ તેમનો સમાગમ કરવો.૧૭

આ લોકમાં ધર્મનું આચરણ નહિ કરનારા પુરુષો પણ જો ધાર્મિક પુરુષોનું સેવન કરે તો ધાર્મિક થાય છે. અને જો ધાર્મિક પુરુષો હોય અને પાપીઓનું સેવન કરે તો તે પાપાચારી થાય છે.૧૮

આવા અસત્પુરુષોનાં સ્નેહથી દર્શન કરે, તેનો સ્પર્શ કરે, તેની સાથે વાતચીત કરે સાથે ઊઠ-બેઠ રાખે તો સજ્જન મનુષ્યો પણ ધર્મમાર્ગમાંથી ભ્રષ્ટ થાય છે. એટલું જ નહિ ભગવાનની કૃપાથી પ્રાપ્ત થયેલો મનુષ્યજન્મ પણ નિષ્ફળ જાય છે.૧૯

હે ભક્તજનો ! મનુષ્યોની બુદ્ધિ નીચ પુરુષોનો સમાગમ કરવાથી નીચ થાય છે, મધ્યમ પુરુષોનો સમાગમ કરવાથી મધ્યમ અને ઉત્તમ પુરુષોનો સમાગમ કરવાથી ઉત્તમ થાય છે.૨૦

એટલા જ માટે બુદ્ધિશાળી મનુષ્યોએ જ્ઞાનવૃદ્ધ, સરળ સ્વભાવના, તપસ્વી અને જીતેન્દ્રિય સંતોનો સમાગમ કરવો.૨૧

કારણ કે, પાલન કરવા યોગ્ય યથાર્થધર્મનું લક્ષણ અને નહીં પાળવા યોગ્ય અધર્મનું યથાર્થ લક્ષણ આવા સંત થકી જ જાણી શકાય છે.૨૨

તમો સર્વે સત્પુરુષોનો સમાગમ કરી પોતપોતાના ધર્મનું યથાયોગ્ય પાલન કરજો.૨૩

અને તે ધર્મો શ્રીવાસુદેવમાહાત્મ્ય નામના ગ્રંથ થકી જાણવા. એમ સ્વયં ગુરુ રામાનંદસ્વામીએ મને કહ્યું છે. તેથી તે ગ્રંથ થકી ધર્મનું યથાર્થ સ્વરૂપ સૌને જાણવું.૨૪

તથા તે ધર્મમાં દૃઢપણે વર્તી પોતાને ઇચ્છીત ફળને આપનારી શ્રી રાધાકૃષ્ણ ભગવાનની એકાંતિકી ભક્તિ નિત્યે કરવી.૨૫

સત્શાસ્ત્રસેવનની આવશ્યકતા - હે ભક્તજનો ! ધર્મ, અધર્મ, સાધુ, અસાધુ, ન્યાય અને અન્યાય તેમજ ભગવાન શ્રીકૃષ્ણનું સ્વરૂપ અને તેની ભક્તિનું સ્વરૂપ વગેરે સત્શાસ્ત્ર થકી જ સમજાય છે.૨૬

તે માટે મારા આશ્રિત તમે સર્વેએ પોતપોતાની બુદ્ધિને અનુસારે સત્શાસ્ત્રનો અભ્યાસ આદર થકી અવશ્ય કરવો.૨૭

ભગવાનનો ભક્ત નિર્ગુણ સ્થિતિને પામેલો હોય છતાં પણ તેણે સત્શાસ્ત્રના સેવનનો ત્યાગ ન કરવો. કારણ કે, સિદ્ધદશાને પામેલા પુરુષો પણ જો સત્શાસ્ત્રના સેવનનો ત્યાગ કરે તો તેની બુદ્ધિ જડ થાય છે.૨૮

અને ભગવાનની ભક્તિ કરવામાં ઉત્સાહ શક્તિનો ભંગ થાય છે. તથા વિપરીતભાવથી બુદ્ધિમાં મોહ વ્યાપે છે અને આસ્તિક બુદ્ધિમાં શિથિલતા આવે છે, માટે હમેશાં સત્શાસ્ત્રનું જ સેવન કરવું.૨૯

શ્રીહરિને પ્રિય સત્શાસ્ત્રો - હે ભક્તજનો ! હવે હું તમને સત્શાસ્ત્રોનાં લક્ષણ કહું છું. જે શાસ્ત્રોમાં શ્રીકૃષ્ણ ભગવાનનું સાકારપણું અને નિર્દોષપણું પ્રતિપાદન કર્યું હોય તથા જે શાસ્ત્રો વેદને અનુસરતાં હોય તેને જ સત્શાસ્ત્રો જાણવાં. તેમાં પણ મને જે અતિશય પ્રિય છે તે સત્શાસ્ત્રો હું જણાવું છું કે જે તમારા સર્વેનું હિત કરનારાં છે તે તમે સાંભળો.૩૦-૩૧

ચાર વેદ, વ્યાસસૂત્ર, શ્રીકૃષ્ણ ભગવાને કહેલી શ્રીમદ્ ભગવદ્ગીતા, વિષ્ણુસહસ્રનામ, શ્રીમદ્ ભાગવત પુરાણ, શ્રીવાસુદેવમાહાત્મ્ય, વિદુરજીએ કહેલી નીતિ અને યાજ્ઞાવલ્ક્યસ્મૃતિ આ આઠ સત્શાસ્ત્રો અમને નિશ્ચય પ્રિય છે.૩૨-૩૩

તેમાં પણ શ્રીરામાનુજ આચાર્યના ભાષ્યે યુક્ત શ્રીમદ્ભગવદ્ગીતા અને શારીરિકસૂત્રો આ બે ગ્રંથો અમને અતિશય પ્રિય છે. અને આ બે સત્શાસ્ત્રના વારંવાર અભ્યાસથી પોતાની બુદ્ધિ શ્રીકૃષ્ણ ભગવાનની ભક્તિ અને ઉપાસનાના સંસ્કારોથી યુક્ત થાય છે. ત્યારપછી વિપરીત અર્થોનું પ્રતિપાદન કરનારા ગ્રંથોનું શ્રવણ કરે છતાં ઉદ્ધવ સંપ્રદાય થકી તેનું પતન થતું નથી.૩૪-૩૫

આ બે ગ્રંથોનો અભ્યાસ કરવા અસમર્થ હોય તેણે તેમાંથી માત્ર શ્રીરામાનુજાચાર્યના ભાષ્યે સહિત શ્રીમદ્ભગવદ્ગીતાનો અભ્યાસ કરવો.૩૬

હે ભક્તજનો ! યાજ્ઞાવલ્ક્યઋષિની સ્મૃતિ છે તે પણ વિજ્ઞાનેશ્વર નામના પંડિતજીએ રચેલી મિતાક્ષરા ટીકાએ યુક્ત હોય તે જ ગ્રહણ કરવી. આચાર, વ્યવહાર અને પ્રાયશ્ચિતનો નિર્ણય આ સ્મૃતિને આધારે ઉદ્ધવસંપ્રદાયને અનુસારે કરવો.૩૭-૩૮

આ આઠ સત્શાસ્ત્રોમાં શ્રીમદ્ભાગવત પુરાણના દશમ અને પંચમ બે સ્કંધ તથા યાજ્ઞાવલ્ક્યઋષિની સ્મૃતિ આ ત્રણ ગ્રંથો પણ અમને અતિશય પ્રિય છે. તેટલા જ માટે પોતાનું શ્રેય ઇચ્છતા મારા આશ્રિત ભક્તજનોએ આ સર્વશ્રેષ્ઠ ત્રણ ગ્રંથોનો નિરંતર પાઠ કરવો અને સ્વસ્થ મને તેનું ચિંતન-પરિશીલન પણ કરવું.૩૯-૪૦

'હરિ' નામ કર્યું સાર્થક - હે ભક્તજનો ! મારા આશ્રિત તમારે સર્વએ પૂર્વોક્ત મારી સર્વે આજ્ઞાઓનું પાલન કરવું તથા પ્રાકૃત જીવોની જેમ સ્વામીનો શોક ન કરવો.૪૧

અખંડ સ્વસ્વરૂપની બ્રહ્મસ્થિતિમાં રહી ભગવાનની એકાંતિકી ભક્તિ પરાયણ જીવન જીવતા મહાપુરુષોનો આલોકમાં જન્મ અન્ય જીવોના કલ્યાણને અર્થે જ થાય છે, એમ જાણવું.૪૨

તેઓનો આ પૃથ્વી પર આવિર્ભાવ અને તિરોભાવ સ્વતંત્રપણે હોય છે. બીજા પ્રાકૃત જીવોની પેઠે પોતાનાં કર્મને આધીન થઇને તેઓ ક્યારેય જન્મ લેતા નથી.૪૩

તેના દેહત્યાગની રીત જોઇને આસુરીજનો મોહ પામે છે ને કહે છે કે, તે મૃત્યુ પામ્યા. પરંતુ તે મહાપુરુષોનો મહિમા જાણનારા દૈવીજીવો તેમના શરીર ત્યાગને પણ તિરોધાનલીલા કહે છે.૪૪

હે ભક્તજનો ! સમર્થ એવા ગુરુ રામાનંદ સ્વામીનો શોક છોડી તમે સૌ તમારા દેશ પ્રત્યે જાઓ અને હું પણ આજને દિવસે જ ધોરાજીપુર પ્રત્યે જાઉં છું.૪૫

સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! ભગવાન શ્રીહરિએ આ પ્રમાણે સુંદર સદ્બોધ આપ્યો, તેથી સર્વે ભક્તજનો શોક રહિત થયા અને તેમને નમસ્કાર કરી તે શ્રીહરિને જ પોતાના ગુરુ માની સૌ પોતપોતાના દેશ પ્રત્યે ગયા. હે ધરણીપતિ ! સમગ્ર વેદ અને ધર્મશાસ્ત્રના સારરૂપ, સ્પષ્ટ તેમજ સુંદર નિર્ણયસભર સદ્બોધ આપીને ભગવાન શ્રીહરિએ મુકુન્દાનંદ આદિ સમસ્ત ગુરુભાઇઓનો શોક હરી ''હરિ'' એવું પોતાનું નામ સાર્થક કર્યું.૪૬-૪૭

આ પ્રમાણે અવતારી શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમત્ સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રના દ્વિતીય પ્રકરણમાં નારાયણમુનિ અને મુકુન્દાનંદ આદિ ભક્તજનોના સંવાદમાં શ્રદ્ધાદિ સાધનનોની પ્રશંસા કરી અને સત્શાસ્ત્રનો ઉપદેશ આપ્યો એ નામે બીજો અધ્યાય પૂર્ણ થયો. --૨--