અધ્યાય ૩ - શાસ્ત્રનો વિશેષ શ્રવણવિધિ કહ્યો અને તેની પૂજાવિધિનું નિરૂપણ

Submitted by swaminarayanworld on Sat, 24/06/2017 - 3:46pm

અધ્યાય ૩ - શાસ્ત્રનો વિશેષ શ્રવણવિધિ કહ્યો અને તેની પૂજાવિધિનું નિરૂપણ

શતાનંદમુનિ કહે છે હે રાજન્ ! તમે યોગ્ય પાત્ર શ્રોતા છો. તેથી તમને આ સત્સંગિજીવન શાસ્ત્રના શ્રવણનો વિધિ વિશેષપણે કહું છું, તેનું આદર પૂર્વક તમે શ્રવણ કરો. ૧


અગ્નિના રૂપમાં કથા :- કથાશ્રવણના સમયે સર્વ પ્રકારના પાપો રૂદન કરવા લાગે છે કે અરે..રે ! ! ! આ કથા તો આપણો હમણાંજ પ્રલય કરી નાખશે. જેમ અગ્નિ લીલાં, સૂકાં તેમજ નાના, મોટાં સર્વે કાષ્ઠને બાળી નાખે છે, તેમ આ કથારૂપ અગ્નિ મન, વાણી અને શરીરથી ઉદ્ભવેલાં સમગ્ર પાપોને ભસ્મસાત્ કરી નાખે છે. આ ભારત દેશમાં કથાશ્રવણ કર્યા વિનાના મનુષ્યોનો જન્મ દેવસભામાં દેવતાઓએ નિષ્ફળ કહ્યો છે. આ શાસ્ત્રની કથા સાંભળ્યા વિના માત્ર મોહથી રક્ષણ કરાયેલા, સારી રીત પુષ્ટિ પામેલા, બળવાન તેમજ નાશવંત શરીરનું શું પ્રયોજન છે ? ૨-૫


સાચો પંડિત :- હાડકાંના માળાવાળું, સ્નાયુથી બંધાયેલું, માંસ અને લોહીથી લેપાયેલું, ચામડાંથી મઢેલું, દુર્ગંધથી ભરેલું, મળમૂત્રના પાત્રરૂપ, જરા અને શોકના પરિપાકથી દુઃખદેનારું, રોગનું મુખ્ય ઘર, ક્યારેય ન પૂરી શકાતું અર્થાત્ સદાય ભૂખથી પીડા આપતું અને તેથી જ કૃતઘ્ની, દોષોથી ભરેલું, ક્ષણભંગુર, મૃત્યુ પછી કીડા, વિષ્ટા, કે રાખ બની જતું આ શરીર છે. આવાં નાશવંત શરીરથી જે બુદ્ધિમાન મનુષ્ય પોતાનું મોક્ષકાર્ય સિધ્ધ કરે છે તે જ સાચો પંડિત છે. ૬-૮


જેમ સવારના સમયે રાંધેલું અન્ન સાંજ પડતાં જ વિકૃતિ પામી નાશ પામે છે, તેમ તે જ અન્નના રસથી સારી રીતે પુષ્ટ થયેલા અનિત્ય શરીરમાં નિત્યતા ક્યાંથી હોય ? પાણીમાં જેમ પરપોટા અને જંતુઓમાં જેમ મચ્છર મરવા ખાતર જ જન્મે છે, તેમ ભગવદ્કથા-શ્રવણ વિનાના મનુષ્યો કેવળ મરવા ખાતર જ જન્મ્યા છે, એમ જાણવું. ૯-૧૦


કથા પ્રારંભનો યોગ્ય સમય :- પૂર્વે બતાવેલા અષાઢ આદિ પવિત્ર મહિનાઓની મધ્યે જે મહિનામાં પોતાનું ચિત્ત સ્વસ્થતા અનુભવે તે મહિનામાં પાપના સમૂહોને નાશ કરનાર આ સત્સંગિજીવન-શાસ્ત્રની કથા સાંભળવી. ૧૧

 

સપ્તાહ, નવાહ, પક્ષની, મહિનાની આ કથાશ્રવણનો પ્રારંભ કરવાનો હોય તો સુદ (૨) બીજ તિથિએ જ કથાનો પ્રારંભ કરવો, અને બે માસ પર્યંતની કથાનો પ્રારંભ કરવો હોય તો તૃતીયા તિથિએ પ્રારંભ કરવો. ૧૨-૧૩


હે રાજન્ ! આ ગ્રંથની કથાનો પ્રારંભ કરવામાં પડવો, ચોથ, આઠમ અને ચૌદશ આટલી તિથિઓ ન લેવી. આ સિવાયની અન્ય સર્વે તિથિઓ કથા પ્રારંભ માટે શુભ કહેલી છે. અશ્વિની, રેવતી, હસ્ત, પુષ્ય, મૃગશીર્ષ, પુનર્વસુ, અનુરાધા, અભિજીત, સ્વાતી, રોહિણી, શ્રવણ, ધનિષ્ઠા અને શતભીષા આ નક્ષત્રો શુભ હોવાથી કથાપ્રારંભમાં ગ્રહણ કરવાનાં કહ્યાં છે. માટે તેમાં કથાનો પ્રારંભ કરવો. ૧૪-૧૬

 

શ્રોતાજનોને નિમંત્રણ પત્રિકા મોકલવી :- દેશાંતરમાંથી બંધુજનો, જ્ઞાતિજનો, મિત્રો તેમજ કથા શ્રવણમાં જેઓને શ્રદ્ધા હોય તેઓને પ્રારંભના દિવસથી પહેલાં જ બોલાવી લેવા. દેશ-વિદેશમાં જે વિરક્ત અને દંભ રહિતના વૈષ્ણવો હોય તેમને પણ પત્રિકા લખી બોલાવવા અને તેઓ આવે ત્યારે યથાયોગ્ય સન્માન કરવું. કથાના પ્રારંભથી પાંચ દિવસ પહેલાંથી જ આસન આદિ ઉપકરણો પ્રયત્નપૂર્વક ભેળાં કરી રાખવાં અને જ્યાં ઘણા બધા જનો સુખેથી બેસી શકે એવી વિશાળ ભૂમિ હોય ત્યાં કથા સ્થળ રાખવું. ૧૭-૧૯


મંડપ અને વ્યાસાસન રચનાની રીત :- એ પવિત્ર સ્થળે મનને ગમે તેવો કેળના સ્તંભો, પુષ્પો, ફળો, તેમજ શ્રેષ્ઠ વસ્ત્રોથી સજાવેલો મંડપ બનાવવો. ચતુર મનુષ્યે એ રમણીય મંડપમાં સ્ત્રી, પુરુષોને બેસવાનાં સ્થાનો તેમજ સુંદર વ્યાસાસનની યથાયોગ્ય રચના કરવી. તે વ્યાસાસન શ્રોતાઓના આસનથી ઊંચું બનાવવું, તેના પર ગાદલું બિછાવી તેના પર કોમળ ઓછાડ પાથરવો અને પડખે ઓઠીંગણ મૂકવાં. આ રીતે વ્યાસાસનથી થોડા ઊંચા બાજોઠપર બિછાવેલા કોમળ તેમજ ઉત્તમ આસન પર સુંદર પાટિયાવાળું અને કસુંબલ સુંદર વસ્ત્રથી બંધાયેલું કથાનું પુસ્તક પધરાવવું. પૂર્વે કહેલા શુભ લક્ષણોથી યુક્ત આ કથાના વક્તાએ પ્રતિદિન પ્રભાતમાં જાગ્રત થઇ સ્નાન સંધ્યા આદિ નિત્ય વિધિથી પરવારી શ્રોતાજનોના બોલાવવાથી કથા મંડપમાં આવવું, ત્યારબાદ હાથ, પગ અને મુખ પ્રક્ષાલન કરી ત્રણ વખત આચમન કરવું. ૨૦-૨૫


ધોયેલાં શ્વેત વસ્ત્રધારી એ વક્તાએ પ્રથમ હૃદયમાં પોતાના સદ્ગુરુનું સ્મરણ કરી સભામાં બેઠેલા વિપ્ર તથા સાધુને નમસ્કાર કરી સત્સંગિજીવન ગ્રંથને વંદન કરવા. ત્યારબાદ પોતાના ગુરુ આદિની આજ્ઞાથી વિનયયુક્ત થઇ ઉત્તર મુખે અથવા પૂર્વમુખે વ્યાસાસને બેસવું. ત્યારબાદ સવારનો પૂજા આદિ નિત્યવિધિ કરી પરવારીને આવેલા મુખ્ય શ્રોતાએ આ સત્સંગિજીવન ગ્રંથના અધિદેવતા સર્વેશ્વર તેમજ શાસ્ત્રસ્વરૂપે બિરાજતા ભગવાન શ્રીહરિનું ધ્યાન કરી આ મંત્રોથી પૂજન કરવું. ૨૬-૨૮


શાસ્ત્રસ્વરૂપ ભગવાનનો ધ્યાન મંત્ર :- એકથી પાંચ પ્રકરણો અનુક્રમે આ શાસ્ત્રરૂપી પરમાત્માના દિવ્ય મુખ, હૃદય, ઉદર, જાનુ અને ચરણ કહ્યા છે એવા કરૂણાનિધિ ભક્તિનંદન શ્રીહરિનું હું હૃદયમાં ધ્યાન ધરું છું. ૨૯-૩૦


રૂપ માધુરી :- પોતાના આશ્રિત જનોને આનંદ ઉપજાવતા, સંતો તેમજ બ્રહ્મચારીઓથી સેવાયેલા અતિ રમણીય મનુષ્યાકૃતિમાં શોભતા, તરુણ અવસ્થામાં રહેલા, પોતાના રૂપને અનુરૂપ દિવ્ય અવયવોને ધારણ કરતા, નવીન કમળના પત્ર સમાન વિશાળ નેત્ર કમળથી શોભતા, અતિશય દર્શનીય, શાંત, સ્મિત સાથે મધુર ભાષણ કરતા, નવીન લાલ કમળની સમાન હાથ તેમજ ચરણનાં તળાંથી શોભતા, ચળકતા અને કાંઇક ઉપડતા લાલ રંગના નખરૂપી ચંદ્રની પંક્તિથી વિરાજમાન, મંદ મંદ હાસ્યથી ચળકતા તેમજ સરખી દાંત પંક્તિથી યુક્ત, જાનુ પર્યંત લાંબી તેમજ ભરાવદાર બન્ને ભૂજાઓથી શોભતા, વિશાળ વક્ષસ્થળવાળા, ઉપડતા વિશાળ લલાટથી શોભતા, સુંદર ગાલ અને અધરોષ્ઠથી શોભતા, ભાલમાં કેસરથી કરેલા ઊર્ધ્વપુંડ્ર તિલકના મધ્યે કુંકુમનો ચાંદલો ધારી રહેલા, મેઘની સમાન શ્યામ સુંદર રૂપવાળા, જમણા હાથમાં તુલસીની માળાને ધારી રહેલા, ડાબા હાથથી અભયદાન આપતા, કંઠમાં તુલસીના કાષ્ઠની સૂક્ષ્મ બેવડી કંઠીને ધારી રહેલા, ડાબા ખભા ઉપર શ્વેત સુશોભિત યજ્ઞોપવિતને ધારી રહેલા, શ્વેત, સૂક્ષ્મ અને કોમળ વસ્ત્રનો કેડમાં દૃઢ કછોટો બાંધી રહેલા, હંસની પાંખ સમાન ધોળું ને કોમળ ઉત્તરીય વસ્ત્રને ધારી રહેલા, અતિ કોમળ ને શ્વેત પટકાને મસ્તક પર ધારી રહેલા, ભક્તોની પ્રાર્થનાથી તેમના મનને રાજી કરવા ઉત્સવના દિવસોમાં દિવ્ય વિવિધ આભૂષણો ધારણ કરનારા, ભક્તો દ્વારા અનેકવિધ પુષ્પના હાર અને ચંદનથી પૂજા કરાયેલા, લાંબા લટકતા તોરાઓથી અલંકૃત તેમજ મંદ મંદ હાસ્યથી મનોહર મુખકમળથી શોભતા, તારામંડળના મધ્યે ઉદય પામેલા પૂર્ણિમાના ચંદ્રમાની પેઠે ભક્તજનોના મંડળ મધ્યે શોભી રહેલા, સર્વ લોકથી નમસ્કાર કરાયેલા, દિવ્ય હાથનાં લટકાંથી ભક્તોના મનને આકર્ષણ કરતા તેમજ કરૂણામય અમૃત ભરેલી દિવ્ય દૃષ્ટિથી ભક્તજનોને નિહાળી રહેલા તે ભગવાન શ્રીહરિનું હું ચિંતવન કરું છું. આ પ્રમાણે બોલીને ''ધ્યાયામિ'' હું ધ્યાન કરું છું. એમ છેલ્લે બોલવું. અથવા ''ઇતિ શ્રી સત્સંગિજી- વનાકૃતયે શ્રીહરિકૃષ્ણ-પરમાત્મને નમઃ'' અર્થાત્ શ્રી સત્સંગિજીવન સ્વરૂપી શ્રીહરિકૃષ્ણ પરમાત્માને નમસ્કાર. આ પ્રમાણે છેલ્લે ઉચ્ચારણ કરવું. ૩૧-૪૨


આવાહન મંત્ર :- આ પૃથ્વીમાં અપાર કરૂણા કરી કળિયુગના મળ નિવારવા પ્રગટ થયેલા આ સત્સંગિજીવન-શાસ્ત્રસ્વરૂપી શ્રીહરિને હું આહવાહન કરું છું. ૪૩


આસન મંત્ર :- હે હરિ ! સુવર્ણ નિર્મિત રત્નજડિત તેમજ તમને પ્રીતિ ઉપજાનારું આ સિંહાસન હું અર્પણ કરું છું. હે પ્રભુ ! કૃપા કરીને આનો સ્વીકાર કરો. ૪૪


પાદ્યમંત્ર :- હે દેવેશ ! અનન્યભાવથી આપનું ભજન કરનાર ભક્તજનોને સંસાર-સાગરમાંથી આપ તારનારા છો. એવા હે હરિ ! મારી ઉપર કૃપા કરી આ પાદ્ય (ચરણ-પ્રક્ષાલન જળ)નો સ્વીકાર કરો. ૪૫


અર્ઘ્ય મંત્ર :- હે અનેક પ્રકારના ચરિત્રોથી સાધુઓના સંકટનો નાશ કરતા ! હે શ્રીહરિ ! તમે ચંદન આદિ અષ્ટાંગ દ્રવ્યયુક્ત આ અર્ઘ્ય (હસ્ત-પ્રક્ષાલન જળ)નો અંગીકાર કરો. ૪૬


આચમન મંત્ર :-હે શ્રીદુર્ગપુર નિવાસી જનોને આનંદ ઉપજાવતા ! હે અસુર રાજાઓના મદને હરનારા ! હે પોતાના ભક્તજનરૂપ કુમુદને વિકસાવવામાં ચંદ્રમા સમાન ! તમો મુખે આચમનીનો સ્વીકાર કરો. ૪૭

 

સ્નાન મંત્ર :- હે ઉન્મત્ત ગંગાના સ્વચ્છ જળમાં પોતાના પરમહંસોની સાથે જળક્રીડા કરવામાં પ્રીતિવાળા ! હે હરિ ! ઉન્મત્તગંગાના નીરની આપ પ્રશંસા કરો છો. તેથી સ્નાન માટે મેં અર્પણ કરેલ આ જળને અંગીકાર કરો. ૪૮


વસ્ત્રપ્રદાન મંત્ર :- હે કૃષ્ણ ! હે ધર્મનંદન ! તમને જ પહેરવા લાયક નવીન તેમજ સુવર્ણના સમાન વર્ણવાળું આ પીતાંબર તમે ધારણ કરો. ૪૯


યજ્ઞોપવિત મંત્ર :- હે દેવોના દેવ ! સાવિત્રી-ગ્રંથીએ યુક્ત તેમજ સુવર્ણના તંતુથી નિર્મિત આ શુભ બ્રહ્મસૂત્ર તમે ગ્રહણ કરો. ૫૦


આભૂષણપ્રદાન મંત્ર :- હે સંતોની સ્વામી ! હે કૃષ્ણ ! કુંડળ વગેરે દિવ્ય આભૂષણો મેં ભક્તિભાવપૂર્વક અર્પણ કર્યાં છે. તેનો કૃપા કરી તમે અંગીકાર કરો. ૫૧


ચંદન અર્પણ મંત્ર :- હે ભક્તિધર્મના નંદન ! હે પ્રભુ ! કપૂર રસથી મિશ્રિત કુંકુમથી સુશોભિત તેમજ દિવ્ય આ ચંદનનો અંગીકાર કરો. ૫૨


પુષ્પપ્રદાન મંત્ર :- હે શ્રીકૃષ્ણ ! હે પ્રભુ ! અનેક પ્રકારના સુગંધીમાન પુષ્પોના હાર, તોરા તેમજ તુલસીની વનમાળાનો આપ સ્વીકાર કરો. ૫૩


સુગંધીતૈલપ્રદાન મંત્ર :- હે ભગવન્ ! સુગંધીમાન અનેક પ્રકારના પદાર્થોથી અધિવાસિત તેમજ સમગ્ર લોકોએ ઇચ્છવા યોગ્ય મેં ભક્તિભાવથી અર્પણ કરેલા મનોહર આ વિષ્ણુતૈલનો સ્વીકાર કરો. ૫૪


ધૂપપ્રદાન મંત્ર :- હે દૃષ્ટિમાત્રથી કૃત્યાઓના ગણને ભગાડનાર ! તેમજ બાલક્રીડા વિનોદમાત્રથી કાલિદત્ત અસુરનો સંહાર કરનાર ! તમે ધૂપ અંગીકાર કરો. ૫૫


દીપપ્રદાન મંત્ર :- હે સ્વયંપ્રકાશ ! હે પ્રમાણોના ઇશ ! (પ્રત્યક્ષ પ્રમાણ, શબ્દ પ્રમાણ અને અનુમાન પ્રમાણના માલિક) હે અનેક ભાસ્કર સમાન પ્રકાશમાન ! અંધકારને નિવારનારા આ દીપનો કૃપા કરી સ્વીકાર કરો. ૫૬

 

નૈવેદ્ય અર્પણ મંત્ર :- હે વિશ્વંભર ! છ પ્રકારના રસોએ સહિત મનોહર તેમ જ અનેકવિધ પકવાનોનું નૈવેદ્ય પ્રીતિથી હું અર્પણ કરું છું. તેનો તમે સ્વીકાર કરો અને મને વરદાન આપો. ૫૭


ભોજન મધ્યે જલપાન પ્રદાન મંત્ર :- હે હરિ ! એલચી તેમજ વીંરણના વાળા આદિ સુગંધીમાન શીતળ પદાર્થોથી અધિવાસિત સર્વજીવોનું જીવનરૂપ આ પવિત્ર નિર્મળ જળ, પાન કરવા માટે આપ એનો અંગીકાર કરો. ૫૮


ફરી આચમનીય પ્રદાન મંત્ર :- હે ભક્તિનંદન ! અત્યંત પવિત્ર, અતિ નિર્મળ તેમજ સુગંધી દ્રવ્યોથી સુવાસિત આ ગંગાજળ ફરી આચમન માટે અંગીકાર કરો. ૫૯


તાંબૂલ સમર્પણ મંત્ર :- હે શ્રીકૃષ્ણ ! લવિંગ, એલાયચી, જામફળ તેમજ સોપારીએ સહિત બનાવેલું આ પાનબીડું અંગીકાર કરો. ૬૦


ફલ અર્પણ મંત્ર :- હે ધર્મધુરંધર ! સર્વે ફળોમાં શ્રેષ્ઠ તેમજ સર્વે દેવતાઓને પ્રિય એવા આ નાળિયેરના ફળનો સ્વીકાર કરો. ૬૧


દક્ષિણા પ્રદાન મંત્ર :- હે વડતાલપુરવાસી ! મેં યથાશક્તિ સમર્પણ કરેલ રૂપાની મુદ્રા તેમજ સુવર્ણની મુદ્રા આપ દક્ષિણારૂપે સ્વીકાર કરો. ૬૨


નીરાજન પ્રદાન મંત્ર :- હે દેવેશ ! હે જ્યોતિષિઓના પતિ ! હે મુનિવલ્લભ ! મારા આપશ્રીને નમસ્કાર. હું તમારી આરતી ઉતારું છું, મેં અર્પણ કરેલ આરતીનો સ્વીકાર કરો. ૬૩


પ્રદક્ષિણા મંત્ર :- હે વરદાન અને અભયદાન આપનારા ! દેવોના દેવ ! હે પ્રભુ ! આપશ્રીને નમસ્કાર કરું છું. હે કૃષ્ણ ! તમને પ્રદક્ષિણા કરવાથી સર્વે દેવતાઓને પ્રદક્ષિણા થઇ જાય છે. ૬૪


નમસ્કાર મંત્ર :- આ પૃથ્વી પર સર્વ જીવોના ઉદ્ધાર માટે પ્રગટેલા અને સત્સંગિજીવન શાસ્ત્રસ્વરૂપે વિરાજેલા શ્રીહરિ તમને હું પ્રણામ કરું છું. ૬૫


પ્રાર્થના મંત્ર :- અનાદિકાળથી સંચિત મારાં પોતાનાં કર્મના પરિપાકથી હું આ ભવસાગરમાં ડુબેલો છું. હે દેવેશ ! હે કરૂણાનિધિ ! કૃપા કરીને મારો ઉદ્ધાર કરો. હે જગતપતિ ! અત્યારે આપ સત્સંગિજીવન-શાસ્ત્રસ્વરૂપે પ્રત્યક્ષ પુરુષોત્તમ સદા અહીં વિરાજો છો. તમારે શરણે આવેલા મારા ઉપર કૃપા કરો. ૬૬-૬૭


આ પ્રમાણે સત્સંગિજીવન શાસ્ત્ર સ્વરૂપે વિરાજતા શ્રીહરિનું પૂજન કરી ત્યારબાદ ચંદન અને પુષ્પમાળાથી પ્રીતિપૂર્વક વક્તાનું પૂજન કરવું. નવીન વસ્ત્ર અને આભૂષણોથી પૂજન કરી, દક્ષિણા આપી પૂર્વોક્ત મંત્રથી નમસ્કાર કરી પ્રાર્થના કરવી. હે સુવ્રતમુનિ સ્વરૂપ ! હે બોધને જાણનારા ! હે સર્વ શાસ્ત્ર વિશારદ ! આ સત્સંગિજીવનની કથાના પ્રકાશથી મારા અજ્ઞાનરૂપી અંધકારનો વિનાશ કરો. ૬૮-૭૦
હે પૃથ્વીપાલક ! રાજન્ ! આ પ્રમાણે તે વક્તાની પૂજા કરી પ્રાર્થના કરીને મુખ્ય શ્રોતાએ અન્ય શ્રોતા વિપ્રોની પૂજા કરવી. અને ત્યારબાદ સર્વે શ્રોતાજનોએ પોતાના કહેલા નિયમમાં રહી આ સત્સંગિજીવનશાસ્ત્રનું શ્રવણ કરવું. ૭૧


ઇતિ શ્રી મુક્તાનંદ સ્વામી વિરચિત શ્રીમત્ સત્સંગિજીવન ગ્રંથના માહાત્મ્યમાં શતાનંદ સ્વામી અને હેમંતસિંહ રાજાના સંવાદરૂપે તે શાસ્ત્રનો વિશેષ શ્રવણવિધિ કહ્યો અને તેની પૂજાવિધિનું નિરૂપણ કર્યું એ નામે ત્રીજો અધ્યાય પૂર્ણ થયો. ।। ૩ ।।