નંદના નાનકડા નિર્લજ છોરા કેમ રોકો પરનારી રે (૪)

Submitted by swaminarayanworld on Fri, 08/04/2016 - 4:48pm

રાગ - ગરબી

પદ - ૧

નંદના નાનકડા નિર્લજ છોરા કેમ રોકો પરનારી રે;

કેમ રોકો પરનારી ગિરધારી. કેમ૦ ૧

દા’ડી ઊઠીને અમે જાઈએ ગોકુળથી, મહીં વેંચવા મહીયારી રે;

મહીં વેચવા મહીયારી ગિરધારી. કેમ૦ ૨

અવળ કરીને આવી અચાનક, હાર તોડો હજારી રે;

હાર નવ  તોડો હજારી ગિરધારી. કેમ૦ ૩

અમે જઈ કહેશું કંસની આગે, થાશે ફજેતી ભારી રે;

થાશે ફજેતી ભારી ગિરધારી. કેમ૦ ૪

હાશ અતિ જો હોય હૈયામાં, પરણો  પ્રીતમ જઈ પ્યારી રે;

પરણો  પ્રીતમ જઈ પ્યારી ગિરધારી. કેમ૦ ૫

અવિનાશાનંદના સ્વામી શ્યામળીયા, મેલોને કેડ અમારી રે;

મેલોને કેડ અમારી ગિરધારી. કેમ૦ ૬

 

પદ - ૨

મૈડ ઘણો મહીયારી છે મનમાં, મૈડ ઘણો મહીયારી રે;

ધીરે રે નાખું ઉતારી ધુતારી. મૈડ૦ ૧

વાતની વાતમાં બળ બહુ ભાખે, કંસ  તણો  તું નઠારી રે;

કંસ  તણો  તું નઠારી ધુતારી. મૈડ૦ ૨

આજકાલમાં જાણ કંસરાજાનો, વંશ નાખીશ હું મારી રે;

વંશ નાખીશ હું મારી ધુતારી. મૈડ૦ ૩

દાણ દીધા વિના જાવા ન દીયું, કોટી ઊપાય કર પ્યારી રે;

કોટી ઊપાય કર પ્યારી ધુતારી. મૈડ૦ ૪

વાર લાગે કેમ માને ન વિનતા, દેને  તું રીત અમારી રે;

દેને  તું રીત અમારી ધુતારી. મૈડ૦ ૫

અવિનાશાનંદ કહે જોરે કરીને, મઈની મટુકી ઉતારી રે;

મઈની મટુકી ઉતારી ધુતારી. મૈડ૦ ૬

 

પદ - ૩

પ્રીત કરી પ્યારે ગોરસ પીધું, પાયું ગોવાળને પ્રીતે રે;

પાયું ગોવાળને પ્રીતે રૂડી રીતે. પાયું૦ ૧

ગોપતણી કરી ગોવાળ મંડળી, હરિ ગોરસ પાય હિતે રે;

હરિ ગોરસ પાય હિતે રૂડી રીતે. પાયું૦ ૨

બીજું વધ્યું  તે નાખ્યું ઢોળીને, ભાંગી મટુકી ભીંતે રે;

ભાંગી મટુકી ભીંતે રૂડી રીતે. પાયું૦ ૩

હાર  તોડ્યો નાખી હાથ હૈયા પર, અતિ કરીને અનીતે રે;

અતિ કરીને અનીતે રૂડી રીતે. પાયું૦ ૪

ગાલ ઊપર માર્યા ગોવિંદે ગુલછા, ચાનક લગાડી ચિત્તે રે;

ચાનક લગાડી ચિત્તે રૂડી રીતે. પાયું૦ ૫

અવિનાશાનંદને સ્વામી શામળીયે, કરી પોતાની જીતે રે;

કરી પોતાની જીતે રૂડી રીતે. પાયું૦ ૬

 

પદ - ૪

દાવ ન ફાવ્યો દેખીને વિનતા, રાવે ગઈ વિલખાઈ રે;

રાવે ગઈ વિલખાઈ, સુખદાઈ સુણો જસોદા માઈ રે. ૧

આજ સવારે હું જાતીતિ એકલી, મટુકી ભરી મહ માઈ રે;

મટુકી ભરી મહ માંઈ સુખદાઈ. સુણો૦ ૨

જાતા મારગમાં જોઈ મુને જીવને, રોકી અચાનક આઈ રે;

રોકી અચાનક આઈ સુખદાઈ. સુણો૦ ૩

મુખેથી એલફેલ બોલી મોહન, મનમાં કરી મસ્તાઈ રે;

મનમાં કરી મસ્તાઈ સુખદાઈ. સુણો૦ ૪

મટુકી ફોડી મહીં મોહને પીધું, હાર તોડ્યો હરખાઈ રે;

હાર  તોડ્યો હરખાઈ સુખદાઈ. સુણો૦ ૫

અવિનાશાનંદના સ્વામીની લીલા, કહતાં  તે ગોપી લજાઈ રે;

કહતાં  તે ગોપી લજાઈ સુખદાઈ. સુણો૦ ૬

Facebook Comments