આંગણીયે ઝાઝું શું ભણીએ, આવો કાના મારે આંગણીએ (૪)

Submitted by swaminarayanworld on Wed, 06/04/2016 - 1:32pm

રાગ - પરજ ખમાચ

પદ - ૧

આંગણીયે ઝાઝું શું ભણીએ, આવો કાના મારે આંગણીએ;

ભાવકરી નટનાગર ભેટ્યા, હૈડાના તાપ પિયા હણીએ. આવો૦ ૧

હાથકડાં મોતીડાં કેરી માળા, સુંદર છેલ બણી ઠણીએ. આવો૦ ૨

નૌતમ સુંદર પાઘલડીના, પેંચઝુકયા આવી પાંપણીએ. આવો૦ ૩

બ્રહ્માનંદ કહે પ્રેમ કરીને,  તૃપ્ત કરું મહી માખણીએ. આવો૦ ૪

 

પદ - ૨

ઓસરીએ મનડાં હરિએ, આવો પ્યારા મારી ઓસરીએ;

મારું મંદિરીયું તે શ્યામ તમારું, છેટે છેલા શીદને ફરીએ. આવો૦ ૧

પ્રીતમ નૌતમ પાઘલડીમાં, સુંદર છોગલિયાં ધરીએ. આવો૦ ૨

ફુલડાંના હાર અનુપમ પહેરી, કોડે કોડે લટકાં કરીએ. આવો૦ ૩

બ્રહ્માનંદના નાથ છબી  તારી, જોઈજોઈ અંતરમાં ઠરીએ. આવો૦ ૪

 

પદ - ૩

ડોલરિયા રંગના ભરીયા, હસીને બોલો હરિ ડોલરિયા;

નટવર સુંદર નાથજી રે, તમને  મેં અંતરમાં ધરીયા. હસિ૦ ૧

મિથ્યા જગની મેં લાલચ મેલી, પ્રાણથકી પ્યારા કરીયા. હસિ૦ ૨

જગજીવન  તારા રૂપને જોઈને, સર્વે વિષયરસ વિસરીયા. હસિ૦ ૩

બ્રહ્માનંદના છેલછબીલા, કહાન ચતુરવર કેસરિયા. હસિ૦ ૪

 

પદ - ૪

વાતડલી રહોને રાતડલી, વા’લા પૂછું એક વાતડલી;

પીતાંબર સાટે મારા  પ્રીતમ, સાડી લાવ્યા નવી ભાતડલી. વા’લા૦ ૧

મોરલડી લઈને મનમોહન, દીધું વેલણ કોણે દાતડલી. વા’લા૦ ૨

જેને ઘેર રજની  તમે જાગ્યા, કોણ હતી  તેની જાતડલી. વા’લા૦ ૩

બ્રહ્માનંદકહે સંશય થયો નહિ, ધન્ય છે  તમારી છાતડલી. વા’લા૦ ૪

Facebook Comments