માણકીએ ચડ્યા રે મોહન વનમાળી (૪)

Submitted by swaminarayanworld on Tue, 15/03/2016 - 9:03pm

 

રાગ - કાલિંગડાની ગરબી

પદ - ૧

માણકીએ ચડ્યા રે મોહન વનમાળી,

શોભે રૂળી કરમાં લગામ રૂપાળી. માણકી૦ ટેક.

માણીગર સૌને કહે છે થાઓ  તૈયાર, મુનિ વરણી પદાતી ને અસવાર;

વ્રતપુરી જાવા કર્યો નિરધાર. માણકી૦ ૧

કેસર બેરી બોદલી ને ફુલમાળ,  તાજણ  તીખી વાંગળીનો ઘણો  તાલ;

શોભે ઘણા વા’લા લાગે છે મરાલ. માણકી૦ ૨

પ્રેમીભક્ત વિનંતિ કરે દોડી દોડી, લોહચુંબક  તુલ્ય વૃત્તિ મુરતીમાં જોડી;

નથી જાતી દરબારમાંથી ઘોડી. માણકી૦ ૩

આજ્ઞા આપો અમે જઈએ વ્રતપુરી, જાવો પ્રભુ રામનવમી નથી દુરી;

સેવક દાસ પ્રેમાનંદ હજુરી. માણકી૦ ૪

 

પદ - ૨

વા’લમજી વે’લા વળજો ગઢપુર, વ્રતપુરી નથી દેશાંતર દુર. વાલ૦

માણકીનો વેગ દેખ્યો સુણ્યો કોઈ, આકાશેથી  તારો ખર્યો જાણ્યું જોઈ;

ગરુડ લાજ લોપી માણકીએ સોઈ. વાલમજી૦ ૧

મન વેગે ગાંફ જઈ રહ્યા રાત, સીંજીવાડે સ્વામી ગયા પ્રભાત;

હાં હાં કરતાં વડતાલમાં ગઈ વાત. વાલમજી૦ ૨

વ્રતપુરી હાલ કિલોલ આનંદ, સામૈયે ચાલો આવ્યા જગવૃંદ;

ભલે ભલે સ્વામી તમે સહજાનંદ. વાલમજી૦ ૩

વાજાંવાગે આવ્યા નારાયણ સ્વામી, સભા મધ્યે શોભે હેલી બહુનામી;

પ્રેમાનંદ કહે અક્ષરધામના ધામી. વાલમજી૦ ૪

 

પદ - ૩

ડોલરિયો જમવા ઊઠ્યા રંગરેલ,

માણીગર અવળ ભર્યો અલબેલ. ડોલ ટેક.

જમ્યા વ્હાલો સંતને પીરસવા આવ્યા, મોતી ચુર થાળ ભરીને મંગાવ્યા;

પાંચવાર ફરી સંતોને હરાવ્યા. ડોલરીયો૦ ૧

પોઢ્યા વહાલો બંગલે જઈ સુખકારી, જાગ્યા સાંજે સભા કરી ઓટે સારી;

ધન્ય ધન્ય બે આંબા અઘહારી. ડોલરીયો૦ ૨

યુગલ કુંડ રંગના કરાવેલ  તાલ, ત્યાં તો શોભે ઊર્વી ઘણી રે વિશાળ;

આવ્યા સંઘ ઘણા ઘણા સાયંકાળ. ડોલરીયો૦ ૩

દર્શન બહુ આપ્યાં  તમે સુખધામ, ઘોડે ચડી સંઘમાં ફર્યા ઘનશ્યામ;

પ્રેમાનંદ કહે બંગલે ગયા ભગવાન. ડોલરીયો૦ ૪

 

પદ - ૪

સવારે ગોમતી ગયા ભગવાન, રટે ત્રણ લોક નારાયણ નામ.સ૦

આજ રામનવમી જનનો હિલોલ, સત્સંગી સર્વે કરે છે કિલોલ;

ગાન  તાન ઊત્સવ ઝાંઝ ઝકોળ. સવારે૦ ૧

આવ્યા હેલી મંદિરમાં મતવાલો, સંતસભા મધ્યે શોભે ધર્મલાલો;

સત્સંગી પૂજા કરવાને ચાલો. સવારે૦ ૨

પૂજા કરી આરતી ભક્ત ઉતારે, સંતસભા મૂર્તિ અંતરમાં ધારે;

રઢીયાળો લટકાં કરીને રીઝાવે. સવારે૦ ૩

દસ દિવસ જમી જમાડી સીધાવ્યા, વ્રતપુરીવાસી ગઢપુરે આવ્યા;

પ્રેમાનંદ કહે મોંઘે મોતીડે વધાવ્યા. સવારે૦ ૪

Facebook Comments