મંત્ર (૪૯) ૐ શ્રી સ્વામિનારાયણાય નમઃ

Submitted by swaminarayanworld on Mon, 29/02/2016 - 8:11pm

મંત્ર (૪૯) ૐ શ્રી સ્વામિનારાયણાય નમઃ

શતાનંદસ્વામી કહે - જીવ પ્રાણી માત્રના સ્વામિનારાયણ છે. સ્વામી અને નારાયણ જુદા મંત્ર છે. તે બેને એક સ્વરૂપ આપી અને અવતારના અવતારી એ પોતે જ શ્રીમુખે એ મંત્ર આપણને આપ્યો છે. સોરઠ દેશના તેમાં ફણેણી ગામ. ત્યાં જગદ્ગુરૂ રામાનંદસ્વામીએ પોતાના પંચભૌતિક શરીરનો ત્યાગ કર્યો. દિવ્ય ધામમાં ગયા પછી ચૌદમાને દિવસે શ્રીહરિએ ત્યાં સભા કરી, ત્યારે પ્રભુએ કહ્યું :-

-: એક પ્રભાવશાળી મંત્ર બનાવ્યો :-

"હે ભકતજનો ! તમો હજારોની સંખ્યામાં છો. ભગવદીય છો મને વહાલા છો. તમે બધા જુદા જુદા મંત્રનો જપ કરો છો. કોઇ કૃષ્ણ, કૃષ્ણ કહો છો. કોઇ રામ, રામ કહો છો, કોઇ હરિ, કૃષ્ણ, ગોપાલ, મુકુંદનું ભજન કરો છો. તે બહુ સારૂં છે, પણ આજ તમને હું એક પ્રભાવશાળી મંત્ર આપું છું. વેદ પણ એ મંત્રની ઊપાસના કરે છે. તે મંત્ર છે, સ્વામિનારાયણ. તમે આજથી બધા આ વૈદિક મંત્ર પરાત્પર બ્રહ્મના નામનો જપ કરજો. ત્યારે સભામાં બેઠેલા બધા ભકતજનોએ કહ્યું," હવેથી અમે રાત દિવસ સ્વામિનારાયણ મંત્રનો જપ કરશું. વહાલામાં વહાલો મંત્ર છે સ્વામિનારાયણ.

સ્વામિનારાયણ નામ વહાલું લાગે સ્વામિનારાયણ નામ,

રાત દિવસ મારા હૃદિયા ભીતર, જંપીશ આઠો જામ... વહાલું...

ભવજળ તરવા પાર ઊતરવા, ઠરવાનું છે મારે ઠામ ...વહાલું...

સર્વોપરી શ્યામ છે નરવીર નામ, સુંદર સુખડાંનું ધામ ...વહાલું...

નિષ્કુળાનંદના નાથને ભજતાં, વારે તેનું નહિ કામ ...વહાલું...

સ્વામિનાાયણ મંત્ર ફણેણી ગામમાં જાહેર કર્યો, ભગવાને કહ્યું :- "હું એવો આધાર રૂપી જહાજ તમારી પાસે મૂકું છું કે, જેના બાવડાંમાં તાકાત નથી. તપ કે સાધાનાનું કોઇ સામર્થ્ય નથી. એવા ભકતો પણ સુખેથી ભવસાગર પાર થઇ જાય, આ બન્ને મંત્ર વેદમાં છે. ‘નારાયણ’ મંત્ર વેદમાં છે. ‘સ્વામિ’ મંત્ર પણ વેદમાં છે, શ્રીજી મહારાજે બે મંત્રને એક કર્યો, અને પ્રભાવશાળી મંત્ર બનાવયો.

સ્વામી નામની ભાવના નારાયણ સાથે જોડી મૂળ મંત્ર તરફ પ્રભુએ વધારે ભાર આપ્યો. અયોધ્યામાં રામનું પ્રાગટ્ય થયું, વશિષ્ઠ મુનિએ નામ રાખ્યું રામ. આપણે બધાએ જપ કર્યો રામનો. રામ નામ જપીને અનેક જીવો તરી ગયા. પથ્થર પણ રામ નામથી તર્યા. પતિતને પણ તાર્યા. મથુરામાં શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય થયું, ગંર્ગાચાર્યજીએ નામ રાખ્યું શ્રીકૃષ્ણ, ગોપી અને ગોપ બાળ વગેરે અનેક ભકતજનો, તેમજ આખું ગોકુળ, વૃંદાવન અને આખી દુનિયાએ કૃષ્ણનો જપ કર્યો. અનેક તરી ગયા, અનેકનો ઊધ્ધાર થયો.

છપૈયામાં ઘનશ્યામનું પ્રાગટ્ય થયું. માર્કંડેય ઋષિએ નામ રાખ્યું હરિ, કૃષ્ણ અને નીલકંઠ, હરિકૃષ્ણનું નામ જપાવવું હોત તો શ્રીજીમહારાજ જપાવી શકત, પણ નારાયણ મંત્ર તરફ, મૂળ મંત્ર તરફ પ્રભુએ ઘણી ભાવના આપી અને સ્વામિનારાયણ નામ જપવાનું જાહેર કર્યું.

પરાત્પર નારાયણના નામનો ઊચ્ચાર ગૌણ થયો હતો. સ્વામી એટલે સર્વે બ્રહ્માંડનો માલિક આખા જગતનો એક જ ધણી તે છે નારાયણ. નારાયણ તો ઘણાને કહેવાય, વિરાટને પણ નારાયણ કહેવાય, સૂર્યને પણ નારાયણ કહેવાય,આ ધરતીને ધરી રહેલા શેષજીને પણ નારાયણ કહેવાય, લક્ષ્મીજીની સાથે હોય ત્યારે લક્ષ્મીનારાયણ કહેવાય, પણ શ્રેષ્ઠતા તો એ છે કે. "પ્રભુ સર્વેના સ્વામી છે. એનો કોઇ સ્વામી નહિ, એ બધાયના સ્વામી છે.

-: સ્વામિનારાયણ નામ છે એ મણિ છે :-

ભાગવતજીમાં કથા છે, સત્રાજીતે તપશ્ચર્યા કરી, ને સૂર્યનારાયણ રાજી થયા, ત્યારે સ્યમંતક મણિ સૂર્યનારાયણે સત્રાજીત જાદવને આપ્યો. એ સ્યમંતક મણિનો પ્રભાવ કેટલો ? એ મણિ જેની પાસે હોય ત્યાં કયારેય દુષ્કાળ ન પડે, રોગચાળો ન થાય, એ મણિ જયાં હોય ત્યાં કાળા સર્પો આવી શકે નહિ. એ સ્યમંતક મણિ જયાં હોય ત્યાં દુષ્ટ માયાવી શકિતનો પ્રવેશ ન થાય. એ મણિ રોજ ૮૦ ભાર મણ સોનું આપે.

ભગવાનનું નામ છે એ પણ મણિ છે. આ સ્વામિનારાયણનો કાયમ જપ કરે તો એને ખોટા વિચાર ન આવે. આ મણિને સદાય જીભ ઊપર રાખે તો એ અમર બની જાય, જન્મ મરણનો રોગ મટી જાય. આ મણિ જયાં હોય ત્યાં અજ્ઞાનરૂપ અંધારું ગાયબ થઇ જાય. આ મણિ જયાં હોય ત્યાં દુષ્ટ માયાવી શકિત, કામ, ક્રોધ, લોભ આદિક અધર્મ સર્ગ આવી ન શકે. આ મણિ

પ્રભાવશાળી છે, એનો પ્રભાવ શું છે ? તમને સમજાવું. પહેલી વાત એ છે કે, સીધી પરમાત્મા સાથે વાતચીત કરાવી આપે. પણ એક શરત, વૃત્તિ રૂપી લાઇન બગડેલી ન હોવી જોઇએ, લાઇન કલીયર હોવી જોઇએ, વૃત્તિરૂપી લાઇન બરાબર પ્રભુમાં જ સતત પરોવેલી હોય તો જ લાઇન કલીયર થાય. લાઇન કલીયર હોય તો જ તમે ટેલીફોન ધ્વારા વાત કરી શકો. ભલેને દૂર દેશમાં હોય. લાઇન કલીયર જોઇએ.

યુગાન્ડા હોય કે કેનિયા હોય, આરબિયા હોય કે ઇન્ડિયા હોય, અમેરિકા હોય કે ઓસ્ટ્રેલિયા હોય, જયાં ફોન કરો ત્યાં તેની સાથે વાતચીત કરી શકો, શરત એક જ લાઇન કલીયર હોવી જોઇએ, તેમ વૃત્તિરૂપી લાઇન સાવ ચોખ્ખી હોય, કોઇ ગળબળાટ કે ડખો ન હોય તો પ્રભુ સાથે વાત કરી શકો.

કોઇએ વાત કરી ખરી!....હા.... દ્રોપદીજીએ કેશવ સાથે વાત કરી કે- "હે કૃષ્ણ ! જલ્દી પધારો ! મારી લાજ જાય છે. પ્રભુને ચોખ્ખી વૃત્તિરૂપી દોરીથી પોકાર્યા તો પ્રભુ આવ્યા અને ૯૯૯ સાડીના થપ્પા મૂકી દીધા. લાઇન કલીયર છે તેથી પ્રભુ સાંભળી ગયા, જીવુબાએ ભગવાનને પોકાર્યા, દૂધ પી જાવ નહિતર મારા બાપુ મને મારશે, તો તરત આવ્યા દૂધ પી ગયા.

દાદાખાચરે પ્રભુ વિયોગમાં પ્રભુને પોકાર્યા તો સાદ સાંભળી ગયા અને ફૂલના હાર પહેરાવીને કહ્યું "દાદા ! હું કયાંય ગયો નથી, તમારી સાથે જ છું, તમે ચિંતા ન કરો." સંત સખુબાઇને પૂરી મૂકયાં ઓરડામાં, તો લાઇન કલીયર હતી તો વૃત્તિ દ્વારા ભગવાન સાદ સાંભળી ગયા, તરત દોડતા આવ્યા. "સખુ ! ચિંતા ન કર. હું આવી ગયો છું. તું યાત્રા કરવા જા, હું તારા સાટે ઘરનું બધું કામ કરીશ." આવા તો અનેકના સાદ ભગવાને સાંભળ્યા છે, ને વર્તમાનકાળે પણ સાંભળે છે, શરત એકજ છે કે વૃત્તિ રૂપી લાઇન આપણી કલીયર હોવી જોઇએ.

વૃત્તિમાં કામ, ક્રોધ, લોભ, માન, મોટાઇ, ઇર્ષા, અદેખાઇ, વેર, ઝેર, કુડ, કપટ એ બધો કચરો ન હોવો જોઇએ, લાઇન બગડેલી હોય તો કાંઇ ન સંભળાય. ખોટો અવાજ ડખો થાય તો કંટાળીને ફોન રાખી દઇએ, જો ભગવાન સાથે વાત કરવી હોય તો વૃત્તિ રૂપી લાઇન કલીયર રાખવી પડશે.

લાઇનને કલીયર કરવા માટે આ સ્વામિનારાયણ મંત્ર છે. રાતદિવસ મારું, તારું બધું મૂકીને સ્વામિનારાયણ સ્વામિનારાયણ જપ્યા કરો, તો હૃદય ચોખ્ખું થાશે અને ભગવાન સાથે વાત કરાશે. આપણા ઘણા સંતો ભગવાન સાથે વાતો કરે છે. નામથી તરત પરમાત્મા મળે, આ સાધન સીધું, સરળ અને સાદું છે સરળ હોવાં છતાં સર્વોપરી છે. આ મંત્ર સાંભળીને યમદૂતો ધ્રુજી જાય છે.

સ્વામિનારાયણ આજ પ્રગટ મહા મંત્ર છે, શ્રવણે સુણતાં કંપે દિનકર દૂત જો,

ભવનાં બંધન કાપી સદા સુખિયા કરે,

શું કહી દાખું મહિમા અતિ અદ્ભુત જો ! સ્વામિનારાયણ

જે માણસે આ જીવનમાં પાપ જ કર્યાં હોય, કોઇ સત્કાર્ય ન કર્યું હોય, એવો પાપી મનુષ્ય, મરણ પથારીએ પડ્યો હોય. અને હમણાંજ પ્રાણ પંખેરું ઊડી જશે, આવી સ્થિતિ હોય,એના ખાટલાની આજુબાજુ જો બેસીને સ્વામિનારાયણ મંત્રનો જપ કરે તો ગમે તેવો પાપી હોય, છતાંય તાકાત નથી, કે જમદૂત એને અડી શકે. એવો સ્વામિનારાયણ નામનો પ્રભાવ છે.

પ્રભુના નામના જાપ કરવાથી ભૂત, પ્રેત, પિશાચ, ડાકણી, રાક્ષસ, ગ્રહ કે પનોતી વિગેરે ઊપદ્રવ એને નડતા નથી. એવો અજબ ગજબનો ભગવાન નામમાં પ્રતાપ છે. આ કથા જે કોઇ સાંભળે છે, સંભળાવે છે, તેનું હૃદય ગંગાજળ જેવું પવિત્ર થાય છે. મનની ચંચળતા દૂર થાય છે. ધન, યશની પ્રાપ્તિ થાય છે અને અંતે ઊત્તમ ગતિને પામે છે. આટલા આશીર્વાદ આપી શતાનંદ સ્વામી અક્ષરાધિપતિ સ્વામિનારાયણ ભગવાનને વંદન કરે છે.