૫૭ શતધન્વાને મારવાથી ફરી મણિ ચોરવાનો આરોપ આવતાં ભગવાને અક્રૂર પાસેથી મણિ મંગાવીને આરોપ દૂર કર્ય

Submitted by swaminarayanworld on Fri, 19/02/2016 - 1:20pm

અધ્યાય ૫૭

શતધન્વાને મારવાથી ફરી મણિ ચોરવાનો આરોપ આવતાં ભગવાને અક્રૂર પાસેથી મણિ મંગાવીને આરોપ દૂર કર્યો.

શુકદેવજી કહે છે હે રાજા ! પાંડવો ભોંયરામાં થઇને લાખાગૃહમાંથી નીકળી ગયા છે, એ વાત ભગવાન જાણતા હતા, તોપણ પાંડવોને અને કુંતીને બળી ગયેલા સાંભળી, બલરામને સાથે લઇને શ્રીકૃષ્ણ ભગવાન લૌકિક વ્યવહાર સાચવવા સારુ હસ્તિનાપુરમાં ગયા.૧ સમાન જેમને દુઃખ છે એવા ભીષ્મપિતામહ, કૃપાચાર્ય, વિદુર, ગાંધારી અને દ્રોણાચાર્ય આટલાને મળી, એ બે ભાઇઓ હાય !! ભુંડું થયું, એમ ખરખરો કરવા લાગ્યા.૨ હે રાજા ! આ તાકડો મળતાં દ્વારકામાં અક્રૂરજી તથા કૃતવર્માએ શતધન્વાને શીખવ્યું કે તું સત્રાજિત પાસેથી મણિને શા માટે લઇ લેતો નથી ?૩ જેણે રત્ન જેવી કન્યા આપવાની આપણને હા કહીને પછી કૃષ્ણને આપી દીધી. તે સત્રાજિત તેના ભાઇ પ્રસેનની પાસે શા માટે નહીં જવો જોઇએ ?૪ (અર્થાત તેને મારી નાખવો જોઇએ) આ પ્રમાણે તે બન્ને જણાએ બુદ્ધિ ફેરવતાં જેનું મોત નજીક આવ્યું હતું, એવા એ પાપી અને અત્યંત ક્રૂર શતધન્વાએ સત્રાજિતને સૂતો માર્યો.૫ કસાઇ જેમ પશુને મારે તેમ સત્રાજિતને મારીને અનાથની પેઠે રુદન કરતી અને વિલાપ કરતી એવી સત્રાજિતની સ્ત્રીઓનો અનાદર કરી શતધન્વા મણિ લઇને ભાગી ગયો.૬ પોતાના બાપને મારી નાખેલો જોઇ શોકથી વ્યાપ્ત થયેલાં અને મુંઝાએલાં સત્યભામા હે બાપ ! હે બાપ ! હાય !! હું મરી ગઇ. એમ વિલાપ કરવા લાગ્યાં.૭ પછી મરી ગયેલા બાપને તેલની કોઠીમાં નાખી, સંતાપ પામેલાં સત્યભામા હસ્તિનાપુર ગયાં, અને જે શ્રીકૃષ્ણ ભગવાન આ બધી વાતને જાણતા જ હતા, તેમની પાસે પોતાના બાપનો વધ થવાની વાત કરી.૮ હે રાજા ! આ વાત સાંભળી શ્રીકૃષ્ણ તથા બલરામ કે જેઓ ઇશ્વર હતા તેઓ પોતાના મનુષ્યાવતારને અનુસરી આંખોમાં આંસુ લાવીને અહો !!! આપણને મોટી વિપત્તિ આવી છે. એમ વિલાપ કરવા લાગ્યા.૯ પછી સત્યભામા અને બલરામની સાથે ભગવાન હસ્તિનાપુરમાંથી દ્વારકામાં આવીને, શતધન્વાને મારવાની અને તેની પાસેથી મણિ લઇ લેવાની ગોઠવણ કરવા લાગ્યા.૧૦ ભગવાનને એવી ગોઠવણમાં લાગેલા જોઇ, ભય પામેલા તે શતધન્વાએ પોતાને સહાયતા આપવા માટે કૃતવર્માની પ્રાર્થના કરી, ત્યારે કૃતવર્માએ કહ્યું કે શ્રીકૃષ્ણ અને બલરામ મોટા સમર્થ છે. તેઓનો અપરાધ હું નહીં કરું, તેનો અપરાધ કરવાથી કોણ સુખી થાય ?૧૧-૧૨ તેઓનો દ્વેષ કરવાથી પોતાના અનુચરો સહિત કંસ, રાજ્ય લક્ષ્મીથી ભ્રષ્ટ થઇને મરી ગયો અને જરાસંધ પણ સત્તરવાર સંગ્રામમાં હાર ખાઇને જતો રહ્યો હતો.૧૩ આ પ્રમાણે કૃતવર્માએ ના પાડતાં તે શતધન્વાએ પોતાને પડખે રહેવાને માટે અક્રૂરજીની પ્રાર્થના કરી, ત્યાં અક્રૂરજીએ પણ કહ્યું કે શ્રીકૃષ્ણ અને બળદેવજી તો ઇશ્વર છે તેઓના બળને જાણનારો કયો પુરુષ તેની સાથે વિરોધ કરે.૧૪ જે ભગવાન આ જગતને પોતાની લીલાથી સ્રજે છે, પાળે છે અને નાશ કરે છે, તેની ગતિને માયાથી મોહ પામેલા બ્રહ્માદિક પણ જાણતા નથી અને જેણે સાત વર્ષની બાલ્યાવસ્થામાં બાળક જેમ બિલાડીના ટોપને ઊખેડી નાખે તેમ લીલામાત્રમાં પર્વતને ઊખેડીને એક હાથથી ધર્યો હતો. આવું અદ્ભુત કર્મ કરનાર, અનંત, સર્વના કારણ, અવિનાશી આવા પરમાત્મા શ્રીકૃષ્ણ ભગવાનને હું પ્રણામ કરું છું.૧૫-૧૭ આ પ્રમાણે અક્રૂરજીએ પણ ના પાડતાં તે શતધન્વા પોતાના મોટા મણિને અક્રૂરજીની પાસે થાપણ રાખી, એક સો યોજન ચાલવાની શક્તિવાળા ઘોડા પર બેસીને ભાગી ગયો.૧૮ હે રાજા ! શ્રીકૃષ્ણ અને બળદેવજી ગરુડની ધ્વજાવાળા રથમાં બેસીને મોટા વેગવાળા ઘોડાઓથી, એ પોતાના સસરાને મારનારા શતધન્વાની પછવાડે ગયા.૧૯ મિથિલા નગરીના ઉપવનમાં ઘોડો પડી જતાં તેને છોડી દઇ ત્રાસ પામેલો શતધન્વા પગથી દોડ્યો, ત્યારે ભગવાન પણ ક્રોધથી તેની પછવાડે પગથી જ દોડ્યા.૨૦ ભગવાને એ શતધન્વાનું માથું તીક્ષ્ણ ધારવાળાં ચક્રથી કાપી નાખીને તેના કપડાંમાં મણિને શોધ્યો.૨૧ મણિ નહીં મળતાં ભગવાને મોટા ભાઇ બલરામની પાસે આવીને કહ્યું કે શતધન્વાને વૃથા માર્યો. તેની પાસે મણિ નથી.૨૨ આથી બળદેવજીને શંકા થઇ કે ભગવાન પોતાની સ્ત્રીને આપવા સારુ પોતાની પાસે મણિ રાખીને મને ઠગે છે.૨૩ તોપણ તે વાત મનમાં રાખી, અરુચિથી ભગવાનને કહ્યું કે એ મણિ શતધન્વાએ કોઇને ત્યાં થાપણ રાખેલો હશે, માટે તેની શોધ કરો અને દ્વારકામાં જાઓ.૨૪ જે મને બહુ જ પ્યારા છે તેવા વિદેહ રાજાને મળવાની ઇચ્છા રાખું છું. એમ કહી બલરામ મિથિલા નગરીમાં ગયા.૨૫ પૂજન કરવા યોગ્ય એ બળભદ્રને આવ્યા જોઇ, રાજી થયેલા મિથિલા નગરીના પતિ વિદેહ રાજાએ તરત ઊઠીને પૂજાના પદાર્થોથી વિધિ પ્રમાણે તેમની પૂજા કરી. બળદેવજી કેટલાંક વર્ષ સુધી મિથિલામાં જ રહ્યા. ત્યાં યોગ્ય સમયમાં ધૃતરાષ્ટ્રનો દીકરો દુર્યોધન કે જેને પ્રીતિવાળા મહાત્મા જનકે માન દઇને રાખ્યો હતો, તે દુર્યોધન બલરામની પાસેથી ગદાયુદ્ધ શીખ્યો.૨૬ આ બાજુ સત્યભામાને રાજી કરનારા ભગવાને દ્વારકામાં આવીને શતધન્વાને મારી નાખવાની અને મણિ નહીં મળવાની વાત કરી દેખાડી. (સત્યભામાને પણ શંકા થઇ કે મણિ પોતાના મોટા ભાઇને આપી, તેમને મિથિલામાં રાખી આવ્યા છે અને ખોટું બોલીને મને ઠગે છે.)૨૭ પછી ભગવાને મરણ પામેલા સસરાની જે જે પરલોક સંબંધી ક્રિયાઓ કરવી જોઇએ તે સર્વ  સંબંધીઓને સાથે રાખીને કરાવી.૨૮ શતધન્વાને શીખવનારા અક્રૂરજી અને કૃતવર્મા શતધન્વાને મારી નાખવાની વાત સાંભળી બીકના માર્યા દ્વારકામાંથી ભાગી ગયા.૨૯ અક્રૂરજી દ્વારકામાંથી જતા રહેતાં દ્વારકાના રહેવાસીઓને શરીરમાં અને મનમાં દેવ તથા ભૂત સંબંધી કેટલાક તાપ અને અનિષ્ટ થવા લાગ્યાં, આમ કેટલાક મુનિઓ પોતે જ કહેલા શ્રીકૃષ્ણના માહાત્મ્યને ભૂલી જઇને કહે છે, કેમકે મુનિઓના નિવાસરૂપ શ્રીકૃષ્ણ જ્યાં રહેતા હોય ત્યાં ઉત્પાત દેખાવા ઘટે જ કેમ ?૩૦-૩૧ કેટલાક મુનિઓ કહે છે અક્રૂરજી જતા રહેતાં દ્વારકાના વૃદ્ધલોકો કહેવા લાગ્યા કે જે સમયે ઇંદ્ર વૃષ્ટિ કરતો ન હતો તે સમયે કાશીના રાજાએ પોતા પાસે આવેલા શ્વફલ્ક યાદવને પોતાની ગાંદિની નામની કુંવરી આપી હતી, તેથી કાશી દેશમાં વૃષ્ટિ થઇ હતી. તો એ શ્વફલ્કના પુત્ર અક્રૂરજી પણ પોતાના બાપ જેવા પ્રભાવવાળા છે, માટે તે જ્યાં હોય ત્યાં ઇંદ્ર વૃષ્ટિ કરે અને ઉત્પાત કે અકાળ મૃત્યુ પણ ન થાય.૩૨-૩૩ આવું વૃદ્ધલોકોનું બોલવું સાંભળી તથા આમ થવામાં આટલું જ કારણ નથી પણ મણિ ગયો છે એ પણ કારણ છે, એમ માની ભગવાને કાશીમાંથી અક્રૂરજીને તેડાવ્યા. ત્યાર પછી તેમનો સત્કાર કરી બોલાવી તથા પ્રિય લાગે તેવી વાતો કરી સર્વને તથા સર્વના ચિત્તને જાણનારા ભગવાને હસતાં હસતાં કહ્યું કે હે દાનપતિ ! શતધન્વાએ સ્યમંતક નામનો ઉત્તમ મણિ તમારી પાસે થાપણ મૂકેલો છે. એ વાત પ્રથમથી જ અમારા જાણવામાં છે.૩૪-૩૬ જોકે સત્રાજિત અપુત્ર હોવાને લીધે તેને જળદાન તથા પીંડદાન દઇ તથા તેમનું અવશેષ રહેલું કરજ ચૂકવી તેની સર્વે મિલ્કત લેવાને ધર્મશાસ્ત્ર પ્રમાણે તેની દીકરીના દીકરાઓ અધિકારી છે, તોપણ એ મણિ તમ વિના બીજાઓથી રાખી શકાય તેમ નથી, તમે સારા નિયમો પાળનારા છો તેથી તમારી પાસે જ રહેવા દઇશું, પરંતુ મણિના વિષયમાં મોટાભાઇ મારો સંપૂર્ણ વિશ્વાસ કરતા નથી, માટે એ મણિ દેખાડો અને બંધુઓમાં પરસ્પર મન દુઃખ થયું છે તેની શાંતિ કરો. તમે એમ તો નહિં જ કહી શકો કે મણિ મારી પાસે નથી; કારણ કે હમણાં સુધી સોનાની વેદીવાળા તમારા યજ્ઞો ચાલ્યા કરે છે.૩૭-૩૯ આ પ્રમાણે ભગવાનનાં સત્ય વચન અક્રૂરજીના હૃદયમાં લાગી ગયાં, તેથી અક્રૂરજીએ સૂર્ય સરખી કાંતિવાળો મણિ હાથમાં લઇ વસ્ત્રથી ઢાંકીને ભગવાનને આપ્યો.૪૦ જ્ઞાતિઓને એ સ્યમંતકમણિ દેખાડી અને તેથી પોતા ઉપરનો અભિશાપ ટાળીને ભગવાને તે મણિ પાછો અક્રૂરજીને જ આપ્યો.૪૧ આ આખ્યાન કે જે જગતના ઇશ્વર વિષ્ણુ ભગવાનના પરાક્રમવાળું, દુઃખને હરનાર અને મહા મંગળરૂપ છે, તેનો જે કોઇ માણસ પાઠ કરે, સાંભળે અથવા સ્મરણ કરે તે પોતાની  અપકીર્તિને અને અપકીર્તિ કરાવનારા પાપને દૂર કરી શાંતિ પામે છે.૪૨

ઇતિ શ્રીમદ્‌મહાપુરાણ ભાગવતના દશમ સ્કંધનો સત્તાવનમો અધ્યાય સંપૂર્ણ.