પુરણબ્રહ્મ પુરુષોત્તમ પોતે, કૃપા કરીને આજ જીરે (૪)

Submitted by swaminarayanworld on Sun, 10/04/2011 - 5:49pm
રાગ ગરબી
પદ - ૧
પુરણબ્રહ્મ પુરુષોત્તમ પોતે, કૃપા કરીને આજ જીરે
ભક્તિ ધરમને ઘેર પ્રગટ્યા, જન ઉદ્ધારવા કાજ રે
ધામ છપૈયા જીરે. ૧
સંવત્ અઢાર સાડત્રિસો વર્ષ, ચૈત્ર શુદિ નોમ કહીએ જીરે;
દશ ઘડી રાત જાતે પ્રગટ્યા, સોમવાર શુભ લઈએ રે. ધામ. ૨
ભવ બ્રહ્માદિક ભાવ કરીને, આવ્યા પ્રભુજી પાસ જીરે;
કર જોડી સૌએ વિનંતી કીધી, હૈયે લાવી ઊલાસ રે. ધામ. ૩
અપસરા ગણ નૃત્ય કરે છે, ભાવ ભરી દિલ સાચે જીરે;
નારદ નૌતમ વિણા વજાવે, શિવજી થેઈ થેઈ નાચે રે. ધામ. ૪
દેવ વજાવે દુંદુભી વાજાં, સિદ્ધ ચારણ ગુણ ગાવે જીરે;
દાસ બદ્રિનાથના શ્યામ ઊપરે, પુષ્પ વૃષ્ટિ વરસાવે રે. ધામ. ૫
 
પદ - ૨
છેલ છપૈયે પ્રગટ થયા જોઈ, જન મન મોદ ન માય જીરે;
જય જયકાર થયો ત્રિભુવનમાં, ઘેર ઘેર મંગલ ગાય રે;
                                      આનંદ વાધ્યો જીરે. ૧
ધરમદેવ ઘેર નોબત્ય વાગે, ઘર ઘર વાગે વધાઈ જીરે;
મુનિવર સુંદર આશિષ આપી, મગન થયા મનમાંહી રે. આ.૨
છપૈયા શહેરની સુંદરી સરવે, શણગાર સારા બનાવી જીરે;
રમઝમ કરતી મંગલ ગાતી, ધરમદેવ ઘરે આવી રે. આનંદ. ૩
માવાનું મુખ જોઈ આનંદ પામે, માઘે મોતીડે વધાવે જીરે;
વાલાનાં વારે વારે વારણાં લઈને, ગીત મધુરાં ગાવે રે. આ. ૪
ખમા ખમા ઘનશ્યામ જીવો ઘણું, ભાવ કરી એમ ભાખે જીરે;
દાસ બદ્રિનાથ શ્યામ છબી પર, પ્રાણ વારી વારી નાખે રે. આ.૫
 
પદ - ૩
પ્રેમવતી અતિ પ્રિત કરીને, શ્યામ સુંદરને બોલાવે જીરે;
વિવિધ ભોજન ભાવે જમાડી, વસ્ત્ર ઘરેણાં પહેરાવે રે; 
                                        પ્રિતમ પ્યારાને. ૧
સુંથણલી સારી હીરની નાડી, ફુંમકે સોનેરી તાર જીરે;
બુટાદાર અંગરખી અંગે, ઓપે છે અપાર રે. પ્રિતમ. ૨
બાંયે બાજુબંધ બેરખા બાંધી, મંદ મંદ હસે નાથ જીરે;
માતાજીએ માથે ટોપી પહેરાવી, હેમ કડાં હાથ રે. પ્રિતમ. ૩
કંઠે કંઠી મોતીની માળા, હેમ હાર ચિત લોભે જીરે;
પગમાં તોડા ઝાંઝર ઝમકે, કંદોરો અતિ ઓપે રે. પ્રિતમ. ૪
છેલ છબિલાની મૂર્તિ જોઈને, મોહી રહે નરનારી જીરે;
દાસ બદ્રિનાથ શ્યામને નીરખી, સર્વસ્વ નાખે વારી રે. પ્રિ. ૫
 
પદ - ૪
પ્રાણ જીવનને પ્રિત કરીને, માનીનિ મળિને ખેલાવે જીરે;
શ્યામ સુંદરને લાડ લડાવી, ખાંતે ખાંતે બોલાવે રે;
                                             જગના જીવનને. ૧
કોઈ સખી શ્યામને કેડે બેસાડે, કોઈ સખી ખેલે ખેલાવે જીરે;
કોઈ સખી ઊદરમાં ચુંબન કરીને, હાસે હાસે હસાવે રે. જ. ૨
કોડે કોડે કાન કુંવરને, રમકડાં લઈ રમાડે જીરે;
થેઈ થેઈ થેઈ થેઈ કહી ઊભા રાખે, હેતે હરિને હડાડે રે. જ. ૩
કોઈ સખી માતા મામો માસી, કાકો કેવા શીખાડે જીરે;
કાલું કાલું બોલીને મોહન, સૌને મોહ પમાડે રે. જગના. ૪
શ્યામ છપૈયે લીલા કરે છે, બ્રહ્માદિક જેને ગાય જીરે;
દાસ બદ્રિનાથ શ્યામને ઊપરે, વારે વારે વારી જાય રે. જગ. ૫ 
Facebook Comments