ડભાણનો ગરબો - ગામ ડભાણમાં દેવ આવ્યા રે. સાંભળો સાહેલી (૧)

Submitted by swaminarayanworld on Sun, 10/04/2011 - 11:52am
રાગ ગરબો પદ - ૧
ગામ ડભાણમાં દેવ આવ્યા રે. સાંભળો સાહેલી.
સર્વે જન તણે મન ભાવ્યા રે. સાંભળો સાહેલી. ૧
કહું સંક્ષેપથી તેનો સાર રે. સાંભળો સાહેલી.
સૌ સાંભળજો કરી પ્યાર રે. સાંભળો સાહેલી. ૨
સદગુરુ  તે બલરામ દાસ રે. સાંભળો સાહેલી.
જેને હૈયે હરિનો નિવાસ રે. સાંભળો સાહેલી. ૩
જાણે વેદ પુરાણનો સાર રે. સાંભળો સાહેલી.
તેનો લેશ નહિ અહંકાર રે. સાંભળો સાહેલી. ૪
તેને સ્વપ્ન થયું એક દિન રે. સાંભળો સાહેલી.
થયાં શ્રીહરિનાં દર્શન રે. સાંભળો સાહેલી. ૫
પછી જાગ્યા થઈને ઊલાસ રે. સાંભળો સાહેલી.
દીઠો તેજ તણો પ્રકાશ રે. સાંભળો સાહેલી. ૬
તેજમાંહી દીઠા દિનોનાથ રે. સાંભળો સાહેલી.
નમ્યા વારંવાર જોડી હાથ રે. સાંભળો સાહેલી. ૭
પછી એમ બોલ્યા ભગવાન રે. સાંભળો સાહેલી.
કહું વાત ધરો તમે કાન રે. સાંભળો સાહેલી. ૮
દેશ ચડો સુખધામ રે. સાંભળો સાહેલી.
તેના મધ્યે છે ડભાણ ગામ રે. સાંભળો સાહેલી. ૯
તેમાં મધ્યે કર્યા બહુ જગન રે. સાંભળો સાહેલી.
ખાધા ખુટ્યાં નહિ ધ્રુત અન્ન રે. સાંભળો સાહેલી. ૧૦
વળી બહુ કરી ત્યાં લીળા રે. સાંભળો સાહેલી.
લઈ સંત હરિજન ભેળા રે. સાંભળો સાહેલી. ૧૧
જેવું કહીએ ગોકુલિયું ગામ રે. સાંભળો સાહેલી.
તેથી અધિક ડભાંણ ધામ રે. સાંભળો સાહેલી. ૧૨
માટે મંદિર કરો ત્યાં ભારી રે. સાંભળો સાહેલી.
જોઈ રાજી થાય નરનારી રે. સાંભળો સાહેલી. ૧૩
તેમાં રહીશ કરીને હું વાસ રે. સાંભળો સાહેલી.
પુરી કરીશ જનની આશ રે. સાંભળો સાહેલી. ૧૪
મારી ગાદિયું બે સુખ ધામ રે. સાંભળો સાહેલી.
શ્રીનગર વરતાલ ગામ રે. સાંભળો સાહેલી. ૧૫
તેમાં મોટી છે અમદાવાદ રે. સાંભળો સાહેલી.
તેના આચાર્ય કેશવપ્રસાદ રે. સાંભળો સાહેલી. ૧૬
તેને પ્રિતે ડભાણ તેડાવો રે. સાંભળો સાહેલી.
મારી મૂર્તિયું પધરાવો રે. સાંભળો સાહેલી. ૧૭
વળી ગણપતિને હનુમાન રે. સાંભળો સાહેલી.
શિવ ધરે નિત્ય મારું ધ્યાન રે. સાંભળો સાહેલી. ૧૮
એ આદિ મૂર્તિયું બેસારો રે. સાંભળો સાહેલી.
મારું વચન તમે દિલ ધારો રે. સાંભળો સાહેલી. ૧૯
એમ કહ્યું તે દિનેનાથે રે. સાંભળો સાહેલી.
લીધાં વચન ચડાવી માથે રે. સાંભળો સાહેલી. ૨૦
વળી એમ કહ્યું ભગવાન રે. સાંભળો સાહેલી.
સત્ય થાશે તમારાં વચન રે. સાંભળો સાહેલી. ૨૧
તમ પાસે રહેશે જેહ સંત રે. સાંભળો સાહેલી.
તેના ઊપર હું રાજી અત્યંત રે. સાંભળો સાહેલી. ૨૨
જેહ તમારી સહાયમાં રહેશે રે. સાંભળો સાહે.
તેહ મોટા તે સુખને લેશે રે. સાંભળો સાહેલી. ૨૩
એમ કહી પોતે ભગવાન રે. સાંભળો સાહેલી.
પછી થયા છે અંતરધ્યાન રે. સાંભળો સાહેલી. ૨૪
સુણી રાજી થયા મુનિરાય રે. સાંભળો સાહેલી.
ધારી વાત તે અંતર માંય રે. સાંભળો સાહેલી. ૨૫
પછી લઈ મુનિના વૃંદ રે. સાંભળો સાહેલી.
ગયા ડભાંણ અતિ આનંદ રે. સાંભળો સાહેલી. ૨૬
ત્યાં તેડાવ્યા રૂડા જોશી રે. સાંભળો સાહેલી.
આવ્યા પાઘુમાં ટીપણાં ખોસીરે. સાંભળો સાહે. ૨૭
જોઈ મૂહુર્તને નાખ્યા પાયા રે. સાંભળો સાહેલી.
રૂડા જન તણે મન ભાવ્યા રે. સાંભળો સાહેલી. ૨૮
અતિ હૈયામાં હેત વધારી રે. સાંભળો સાહેલી.
કર્યું મંદિર મનોહર ભારી રે. સાંભળો સાહેલી. ૨૯
અડ્યાં શિખર તેનાં ગગન રે. સાંભળો સાહેલી.
જોઈને જન થાય મગન રે. સાંભળો સાહેલી. ૩૦
વળી સભા મંડપ કર્યો સારો રે. સાંભળો સાહે.
જેમાં બેસે તે જન હજારો રે. સાંભળો સાહેલી. ૩૧
હરિજન સારુ સુખકારી રે. સાંભળો સાહેલી.
કરી જાયગા સુંદર ભારી રે. સાંભળો સાહેલી. ૩૨
શાલ છાસઠમાં ભગવાન રે. સાંભળો સાહેલી.
મુખે બોલ્યાતા એમ વચન રે. સાંભળો સાહેલી. ૩૩
આ ગામ મધ્યે સુખકારી રે. સાંભળો સાહેલી.
થાશે મંદિર અતિશે ભારી રે. સાંભળો સાહેલી. ૩૪
તે સત્ય વચન થયું આજ રે. સાંભળો સાહેલી.
બહુ જન તણાં સર્યાં કાજ રે. સાંભળો સાહેલી. ૩૫
પછી વિચાર્યું બલરામદાસે રે. સાંભળો સાહેલી.
આણિ અંતરમાં ઊલાસે રે. સાંભળો સાહેલી. ૩૬
થયું મંદિર અતિ મન ભાવ્યું રે. સાંભળો સાહે.
હવે મૂરતિયું પધરાવું રે. સાંભળો સાહેલી. ૩૭
પછી કાશીના જોશી તેડાવ્યા રે. સાંભળો સાહેલી.
વળી શ્રીનગરના પણ આવ્યા રે. સાંભળો સાહે. ૩૮
શહેર વડોદરું ને સુરત રે. સાંભળો સાહેલી.
આવ્યા મુંબઈના જોવા મૂહુર્ત રે. સાંભળો સાહે. ૩૯
જોયું મૂહુર્ત અતિ સરસ રે. સાંભળો સાહેલી.
આવ્યું વૈશાખ સુદિ તેરશ રે. સાંભળો સાહેલી. ૪૦
પછી કંકોતરિયું લખાવી રે. સાંભળો સાહેલી.
સોના અક્ષરથી શોભાવી રે. સાંભળો સાહેલી. ૪૧
છાંટી કંકુ લખ્યાં શિરનામ રે. સાંભળો સાહેલી.
તેને મોકલી ગામો ગામ રે. સાંભળો સાહેલી. ૪૨
મોટા પાટણ શહેર નગર રે. સાંભળો સાહેલી.
ગયા ત્યાં પણ લઈને વિપર રે. સાંભળો સાહેલી. ૪૩
સુણી જન થયા બહુ રાજી રે. સાંભળો સાહેલી.
ગામોગામ રહી વાત ગાજી રે. સાંભળો સાહે. ૪૪
દેશ દેશ થઈ સંત આવે રે. સાંભળો સાહેલી.
કે’તા શેષજી પાર ન પાવે રે. સાંભળો સાહેલી. ૪૫
પછી આચારજ મહા ધિર રે. સાંભળો સાહેલી.
રૂડા ગુણે કરી ગંભીર રે. સાંભળો સાહેલી. ૪૬
નામ કેશવપ્રસાદજી કહીએ રે. સાંભળો સાહેલી.
જેની બુદ્ધિનો પાર ન લઈએ રે. સાંભળો સાહે. ૪૭
તેને તેડવા રૂડે દિન રે. સાંભળો સાહેલી.
ગયા મોટા મોટા અમિન રે. સાંભળો સાહેલી. ૪૮
જઈ નમ્યું ચરણમાં માથ રે. સાંભળો સાહેલી.
કરી વિનતિ જોડીને હાથ રે. સાંભળો સાહેલી. ૪૯
સુણી વાતને કર્યો વિચાર રે. સાંભળો સાહેલી.
થયા રૂડે દિને તૈયાર રે. સાંભળો સાહેલી. ૫૦
સંત પાળાને સૌ બ્રહ્મચારી રે. સાંભળો સાહેલી.
ધર્મકુળે કરી તૈયારી રે. સાંભળો સાહેલી. ૫૧
પછી ખબર થઈ શહેરમાંઈ રે. સાંભળો સાહેલી.
થયા તૈયાર સહુ બાઈ ભાઈ રે. સાંભળો સાહે. ૫૨
શણગાર્યા હાથી ને ઘોડા રે. સાંભળો સાહેલી.
ઘણા ઘમકે ઘુઘરા તોડા રે. સાંભળો સાહેલી. ૫૩
લીધા તંબુને રાવટી ડેરા રે. સાંભળો સાહેલી.
રથ મેનામાં સંત મોટેરા રે. સાંભળો સાહેલી. ૫૪
ઘણા શોભે સંગે અસવાર રે. સાંભળો સાહેલી.
ઘોડાગાડી તણો નહિ પાર રે. સાંભળો સાહેલી. ૫૫
બીજા સંત પાળા હરિજન રે. સાંભળો સાહેલી.
ચાલ્યા સંગે ગાતા કીર્તન રે. સાંભળો સાહેલી. ૫૬
વાજે વાજાં અતિઘણે તાન રે. સાંભળો સાહેલી.
સુણે જન ભૂલે ખાન પાન રે. સાંભળો સાહેલી. ૫૭
પેલું મુકામ ગામડિમાં કીધું રે. સાંભળો સાહેલી.
હરિજનને સુખ બહુ દીધું રે. સાંભળો સાહેલી. ૫૮
બીજું મેમદાવાદે મુકામ રે. સાંભળો સાહેલી.
આવ્યું સામૈયે સઘળું ગામ રે. સાંભળો સાહેલી. ૫૯
વાજે વાજાંને ગાય કીર્તન રે. સાંભળો સાહેલી.
સર્વે જન કહે ધન્ય ધન્ય રે. સાંભળો સાહેલી. ૬૦
જમી રસોઈ ને રહ્યા રાત રે. સાંભળો સાહેલી.
પછી પ્રિતે ચાલ્યા પ્રભાત રે. સાંભળો સાહેલી. ૬૧
ગયા ડભાંણની સિમ પાસે રે. સાંભળો સાહેલી.
કર્યા જને ભડાકા ઊલ્લાસે રે. સાંભળો સાહેલી. ૬૨
ઢોલ ત્રાંસા ને શરણાઈ વાજે રે. સાંભળો સાહે.
નગારાં ને નોબતું ગાજે રે. સાંભળો સાહેલી. ૬૩
વાગે ડંકા ને ઊડે નિશાન રે. સાંભળો સાહેલી.
થાય ગવૈયાનાં બહુ ગાન રે. સાંભળો સાહેલી. ૬૪
ઝાંઝ પખાજ ને મોરચંગ રે. સાંભળો સાહેલી.
હરિજન વજાવે ઊમંગ રે. સાંભળો સાહેલી. ૬૫
ડફ ભેરીને પડઘમ બોલે રે. સાંભળો સાહેલી.
સુણી શેષ પાતાલમાં ડોલે રે. સાંભળો સાહેલી. ૬૬
ઘુમે ઘોડાતણી ઘમસાણ રે. સાંભળો સાહેલી.
થયું ચારે દિશામાં જાણ રે. સાંભળો સાહેલી. ૬૭
લાખુ જન સામૈયે આવ્યા રે. સાંભળો સાહેલી.
બહુ ભેટ સામગ્રી લાવ્યા રે. સાંભળો સાહેલી. ૬૮
હાર તોરા ને ગજરા ધરાવ્યા રે. સાંભળો સાહે.
બહુ મુંઘે મોતીડે વધાવ્યા રે. સાંભળો સાહેલી. ૬૯
જરિયાને ઝુલે ગજ શોભે રે. સાંભળો સાહેલી.
સોના અંબાડિ જોઈ મન લોભે રે. સાંભળો સા. ૭૦
રાજે કેશવપ્રસાદ તે માથે રે. સાંભળો સાહેલી.
પુરુષોત્તમપ્રસાદ છે સાથે રે. સાંભળો સાહેલી. ૭૧
થાયે ચમર બોલે ચોપદાર રે. સાંભળો સાહેલી.
આગે પોલિસ પાળા અપાર રે. સાંભળો સાહે. ૭૨
થાય ઊછવ ને ઊડે ગુલાલ રે. સાંભળો સાહેલી.
ધીમે ધીમે ચાલે સહુ ચાલ રે. સાંભળો સાહેલી. ૭૩
આવી ડેરાં ડભાંણમાં કીધાં રે. સાંભળો સાહેલી.
હરિજને બહુ સુખ લીધાં રે. સાંભળો સાહેલી. ૭૪
જોવા મૂહુર્ત જોષી તેડાવ્યા રે. સાંભળો સાહેલી.
રૂડે દિન દેવ પધરાવ્યા રે. સાંભળો સાહેલી. ૭૫
શાલ તેંતાલિ વૈશાખ માસ રે. સાંભળો સાહેલી.
શુદિ તેરસે કરી હુલ્લાસ રે. સાંભળો સાહેલી. ૭૬
વેદ વિધિ કરી અતિ ભારી રે. સાંભળો સાહેલી.
રૂડી મૂર્તિયું પધરાવી રે. સાંભળો સાહેલી. ૭૭
લક્ષ્મીનાથ ને રણછોડરાય રે. સાંભળો સાહેલી.
શોભે મધ્યના મંદિરમાંય રે. સાંભળો સાહેલી. ૭૮
રાજે દક્ષિણ મંદિર હરિકૃષ્ણ રે. સાંભળો સાહે.
જોડે શોભે છે રાધા ને કૃષ્ણ રે. સાંભળો સાહે. ૭૯
વામ બાજુના મંદિરમાંય રે. સાંભળો સાહેલી.
ધર્મ-ભક્તિ બિરાજે ત્યાંય રે. સાંભળો સાહેલી. ૮૦
શિવ શોભે સતિ લઈ સાથ રે. સાંભળો સાહેલી.
નર નારી નમે જોડી હાથ રે. સાંભળો સાહેલી. ૮૧
વળી ગદા લઈ હનુમાન રે. સાંભળો સાહેલી.
રહ્યા સમીપમાં સાવધાન રે. સાંભળો સાહેલી. ૮૨
સુખકારી શોભે ગણપતિ રે. સાંભળો સાહેલી.
કરે વિઘ્ન તણો નાશ અતિ રે. સાંભળો સાહેલી. ૮૩
એહ મૂરતિયું બે સારી રે. સાંભળો સાહેલી.
જોઈ રાજી થયા નર નારી રે. સાંભળો સાહેલી. ૮૪
દરવાજે ચોઘડીયાં વાગે રે. સાંભળો સાહેલી.
શરણાઈ સુણિને શેષ જાગે રે. સાંભળો સાહેલી. ૮૫
દેવે વજાવ્યાં દુદુંભી આવી રે. સાંભળો સાહેલી.
કરી પુષ્પવૃષ્ટિ મન ભાવી રે. સાંભળો સાહેલી. ૮૬
છાયાં આકાશમાંહી વિમાન રે. સાંભળો સાહે.
નાચે અપ્સરા કરી ગાન રે. સાંભળો સાહેલી. ૮૭
પછી યજ્ઞ કર્યો અતિ ભારી રે. સાંભળો સાહે.
તેમાં જમાડ્યાં બહુ નરનારી રે. સાંભળો સાહે. ૮૮
દીધાં દાન દક્ષિણા અપાર રે. સાંભળો સાહેલી.
થયો દેશમાં જય જયકાર રે. સાંભળો સાહેલી. ૮૯
બહુ વાજાં આનંદનાં વાગ્યાં રે. સાંભળો સાહે.
હરિજન તણાં દુઃખ ભાગ્યાં રે. સાંભળો સાહે. ૯૦
દઈ ડંકો કેશવપ્રસાદ રે. સાંભળો સાહેલી.
પાછા પધાર્યા અમદાવાદ રે. સાંભળો સાહેલી. ૯૧
ધન્ય ધન્ય ડભાણને કહીએ રે. સાંભળો સાહે.
જેના મહિમાનો પાર ન લઈએ રે. સાંભળો સાહે. ૯૨
જેહ ભાવે કરી ત્યાં જાશે રે. સાંભળો સાહેલી.
તેને સરવે તિરથ ફળ થાશે રે. સાંભળો સાહેલી. ૯૩
ત્યાં જઈને જે સંત જમાડે રે. સાંભળો સાહેલી.
વળી હેતેથી વસ્ત્ર ઓઢાડે રે. સાંભળો સાહેલી. ૯૪
તેનું પૂન્ય અક્ષય તેને થાય રે. સાંભળો સાહેલી.
એમ મોટા મુનિવર ગાય રે. સાંભળો સાહેલી. ૯૫
ગાયો ગરબો મતિ અનુસાર રે. સાંભળો સાહે.
રૂડા જન ગાશે કરી પ્યાર રે. સાંભળો સાહેલી. ૯૬
જે પ્રિતેથી ગરબો ગાશે રે. સાંભળો સાહેલી.
તેનાં પાપ સરવે બળી જાશે રે. સાંભળો સાહેલી. ૯૭
વળી સાંભળશે કરી પ્યાર રે. સાંભળો સાહેલી.
તેહ જન થાશે ભવપાર રે. સાંભળો સાહેલી. ૯૮
જેહ ભાવે લખે લખાવે રે. સાંભળો સાહેલી.
તેહ સુખી સંસારમાં થાવે રે. સાંભળો સાહેલી. ૯૯
સુણિ રાજી રેજો મુજ માથ રે. સાંભળો સાહેલી.
દાસ કહે છે બદ્રિનાથ રે. સાંભળો સાહેલી. ૧૦૦ 
Facebook Comments