તરંગ - ૪૭ - શ્રી હરિયે દાંતની બત્રીશી ખેંચાવી

Submitted by swaminarayanworld on Thu, 17/08/2017 - 10:12am

 

પૂર્વછાયો- એકસમે ઘનશ્યામજી, લેઇ સખા સંગાથ । ઇશાન ખુણમાં આવિયા, ભદુહા આંબેનાથ ।।૧।।

ઓરકોરામણી રમતાં, લાગી છે ઘણી વાર । પરિશ્રમ કર્યો પ્રભુયે, થાક્યા છે ધર્મકુમાર ।।૨।।

પછે રેતીનો ૧પુંજ કર્યો, આંબાતળે મહારાજ । તેના ઉપર બેઠા વ્હાલો, પાસે મિત્રસમાજ ।।૩।।

એવે આકાશેથી આવિયા, પાર્ષદ ત્યાંય અપાર । હાથમાં ચંદનકટોરા, વળી પુષ્પ કેરા હાર ।।૪।।

ચોપાઇ- અતિહેતે સહિત તે આવ્યા, વિશ્વાધારને પ્રેમે વધાવ્યા । નમ્રતાથી કરે છે પૂજન, વદે મધુર બાલવચન ।।૫।।

કર્યું પૂજન અર્ચન સાર, પેરાવ્યા રૂડા પુષ્પના હાર । કર જોડી કરે છે સ્તવન, આજ રૂડાં થયાં દર્શન ।।૬।।

વળી સુફલ થયો આ અર્થ, અમે સર્વે થયા કૃતારથ । એવું સુણી થયા છે પ્રસન્ન, બોલ્યા છે બલવંત વચન ।।૭।।

કાઠિયાવાડે આવજ્યો આપ, થાશે ત્યાં આપણો જે મેળાપ । ચિન્મયાનંદ તત્ત્વાનંદ, એ આદિ નામો દેશું આનંદ ।।૮।।

પાસે રાખશું પોતાના કરી, એવું વચન આપ્યું શ્રીહરિ । પછે આજ્ઞા ચડાવી છે શીષ, થયા પાર્ષદ સર્વ અદૃશ ।।૯।।

ત્યારે પુછી જોયું વેણીરામ, કોણ આવ્યાતા એ ઘનશ્યામ । કૃષ્ણ કહે સુણો મારા મિત્ર, શ્વેતદ્વીપના મુક્ત પવિત્ર ।।૧૦।।

વળી બદ્રિકાશ્રમના મુક્ત, આવ્યાતા કરવા દર્શન યુક્ત । કર્યું અમારું પ્રેમે પૂજન, પાછા ગયા તે નિજભુવન ।।૧૧।।

એમ કેતા છતા ઘેર્ય આવ્યા, માતાપિતાતણે મન ભાવ્યા । કરી વેણીરામે સહુ વાત, પામ્યા આનંદ પિતા ને માત ।।૧૨।।

વળી ત્યારપછી એક દિન, બીજું ચરિત્ર કર્યું નવીન । બાલમિત્રને લીધા છે જોડે, ખંપાસરોવરે ગયા કોડે ।।૧૩।।

રત્નપાંડેનો મધુક વૃક્ષ, તેના ઉપર ચડયા પ્રત્યક્ષ । સારાં સારાં મધુપુષ્પ જોઇ, પ્રભુજી જમે છે પ્રીત પ્રોઇ ।।૧૪।।

શિવરત્નનો પુત્ર છે એક, સુખનંદન નામ વિશેક । તેનો અનુજ સર્જ્યુપ્રસાદ, સાથે આવ્યો તજીને પ્રમાદ ।।૧૫।।

તેને ચડવું છે મધુડાળ, પણ ચડી શક્યો નહિં બાળ । નીચે ઉભો થકો તે રુવે છે, ઘનશ્યામના સામું જુવે છે ।।૧૬।।

બોલ્યો વચન વણિક બાળ, મારે ચડવું છે દીનદયાળ । પણ નથી ચડાતું તે આજ, સારાં ફળ આપો મહારાજ ।।૧૭।।

કહે કેશવ કળા બતાવું, આવો તમને આંહિ ચડાવું । એમ કહીને સર્વને જોતે, પગ લાંબો કર્યો પ્રભુ પોતે ।।૧૮।।

બળવડેથી ચરણ ઝલાવ્યો, સર્જ્યુને મધુવૃક્ષે ચડાવ્યો । મળીને મધુપુષ્પ જમે છે, રંગ રમુજ કરી રમે છે ।।૧૯।।

મધુપુષ્પ જમ્યા ઘણીવાર, કરે છે લીલા ધર્મકુમાર । સર્વ સખા તો ઉપર બેઠા, શ્રીહરિ તરત આવ્યા છે હેઠા ।।૨૦।।

સર્જ્યુવિના બીજા સહુ બાળ, તેપણ ઉતરીયા તતકાળ । સર્જ્યુથી ઉતરી ન સકાયું, તેનું મન ઘણું ગભરાયું ।।૨૧।।

ડાળ ઝાલીને બેસી રહ્યો છે, મધુપર સજડ થયો છે । સખા સહિત ત્યાંથી શ્રીહરિ, ચાલવાની તૈયારીઓ કરી ।।૨૨।।

નથી સર્જ્યુને ધીરજ મન, અતિ કરવા લાગ્યો રુદન । તે સમે ત્યાં આવ્યા મોતીરામ, સુત વીરજાસાથે તેઠામ ।।૨૩।।

મોતીરામ કહે ઘનશ્યામ, આવું શું કરો છો તમે કામ । ચડાવ્યો છે તે આ પડી જાશે, તમારી એમાં નાલાશી થાશે ।।૨૪।।

તોય કાને ધર્યું નહીં મન, ધીમા ધીમા ચાલ્યા ભગવન । કહે વેણી સુણો મોતીરામ, આતો ઘનશ્યામનું છે કામ ।।૨૫।।

ચરણ વધારીને લેઇ લીધો, મધુઉપર્ય બેસારી દીધો । નથી બોલતા મુખેથી કાંઇ, એવાછે આ ઘનશ્યામભાઇ ।।૨૬।।

એવું સુણીને મોતીત્રવાડી, થોડી રીસેથી આંખ્ય દેખાડી । તે બોલ્યા આને હેઠે ઉતારો, પછે સુખેથી આપ પધારો ।।૨૭।।

સુણી હરિયે હાથ વધાર્યો, સર્જ્યુને ઝટ હેઠે ઉતાર્યો । આવું અદ્બુત દેખ્યું છે કામ, ઘણા નમ્ર થયા મોતીરામ ।।૨૮।।

મારો ક્ષમા કરો અપરાધ, પ્રભુ તમે છો અનાદિ સાધ । વળી એક દિને ભગવન, કેછે સુવાસિનીને વચન ।।૨૯।।

મારી તો દાઢ દુઃખે છે આજ, માટે તમે કરો એક કાજ। રોટલી દાંતે ચવાતી નથી, શીરો કરી આપો હેતથી ।।૩૦।।

હર્ષવડે સુવાસિનીબાઇ, તરત શીરો કરી દીધો ત્યાંઇ । સૌના સંગાથે પિરસ્યો થાળ, જમવા બેઠા દીનદયાળ ।।૩૧।।

સૌને રોટલી પીરસી શ્રેષ્ઠ, હરિને આપ્યો શીરોતે મિષ્ટ । પરમવિવેકી ભૂધરવીરો, અનુજને આપ્યો થોડો શીરો ।।૩૨।।

પછે જમવા લાગ્યા જીવન, નથી જમાતું દુઃખે વદન । ગિરિધારી તો જમ્યા બે ગ્રાસ, ચળુ માટે ઉઠયા અવિનાશ ।।૩૩।।

ત્યારે પુછે સુવાસિનીબાઇ, ડાઢ ઘણી દુઃખે છે શું ભાઇ । શ્રીહરિ કહે દુઃખે છે ઘણી, ભારે પીડા લાગી છે તે તણી ।।૩૪।।

તેને જુવો જે દુઃખતી હોય, તમે કાઢી નાખો ભાભી સોય । એમ કહી વિકાશ્યું છે મુખ, દેખાડે છે પોતાનું જે દુઃખ ।।૩૫।।

દાઢ જે દુઃખતી હતી તેહ, ભાભીયે ખેંચી નાખી છે તેહ । નોતી દુઃખતી તેય હલાવી, બધી બત્રીશી ખેંચી નખાવી ।।૩૬।।

સુવાસિનીકરે છે તપાસ, દેખી થયાં દિલમાં ઉદાસ । ભાઇ હવે તે શી વલે થાશે, દાંતવિનાનું કેમ જમાશે ।।૩૭।।

એમ ભાભીને તો ભુલાં પાડયાં, વ્હાલે ચરિત્ર કરી દેખાડયાં । ભક્તિમાતા બોલ્યાં છે તેટાંણે, જેમ સુવાસિનીબાઇ જાણે ।।૩૮।।

વધૂ શું કરો છો તમે બાર્ય, આવી કેમ લગાડો છો વાર । બેઠા જમે સસરા તમારા, જોડે જમે છે સુત અમારા ।।૩૯।।

પ્રેમવડેથી પુછો હુલ્લાસ, જોયે તે આપો આવીને પાસ । વધૂ કે મુને શીદ બોલાવો, જોયે તે આપીને આંઇ આવો ।।૪૦।।

એવું સુણ્યું વચન જે વાર, તતકાળ માતા આવ્યાં બાર । માજી જુવોને શ્રીઘનશ્યામ, કરી બેઠા છે મોટું આ કામ ।।૪૧।।

બત્રીશી બધી જીભે હલાવી, મારે હાથેથી ખેંચી નખાવી । પ્રેમવતી જુવે પાસે બેસી, ત્યાંતો કાયમ દેખી બત્રીશી ।।૪૨।।

માતા કે નથી દાંત પડેલો, કૃષ્ણે પાખંડ કાંઇ કરેલો । એના ચરિત્રનો નથી પાર, કોઇ પામી શકે નહીં સાર ।।૪૩।।

સુણી વધૂ વિચારેછે મન, આ શું કારણ છે ભગવન । ખેંચી નાખેલી બત્રીશી બાર, પાસે ઢગલી પડી આઠાર ।।૪૪।।

બત્રીશી બીજી નવી ઉગાડી, મુને મોહને માયા દેખાડી । ઘનશ્યામભાઇ મારો હીરો, તમે ભલો કરાવ્યો છે શીરો ।।૪૫।।

એવું કૈ લીધી બત્રીશી હાથ, નાખી દેવા ચાલ્યાં છે સનાથ । ઉકરડે નાખી દેવા જાય, અચાનક ત્યાં ૧અજબ દેખાય ।।૪૬।।

બત્રીશી હાથમાં જોઇ રહ્યાં, તેનાં અમુલ્ય મોતીડાં થયાં । મોતી ભાળીને પાછાં વળિયાં, ચરિત્ર જાતાં નથી કળિયાં ।।૪૭।।

આવ્યા આકાશમાંથી ૨મરાલ, ઝડપી લીધાં મોતી તતકાળ । મહાપ્રભુની પ્રસાદી જાણી, લીધો પોતાનો ચારો વખાંણી ।।૪૮।।

જોતા જોતામાં અદૃશ થયા, નભમારગમાં ઉડી ગયા । સુવાસિનીયે વાત વિચારી, ભક્તિમાતાને કહી વિસ્તારી ।।૪૯।।

અલૌકિક દેખ્યું છે ચરિત્ર, પુછે ઘનશ્યામને પવિત્ર । સુણોને તમે દીયર મારા, આ શું ચરિત્ર કર્યું છે પ્યારા ।।૫૦।।

મંદ મંદ કરે છે તે હાસ્ય, બોલ્યા પ્રસન્ન થૈ અવિનાશ । તમે દેખ્યો દાંતનો દેખાવ, તમને આવ્યો માયિક ભાવ ।।૫૧।।

અમને બીજા જેવા શું જાણ્યા, વળી મનુષ્યભાવે વખાણ્યા । માટે ચરિત્ર કર્યું છે એહ, ટાળવા તમારોજ સંદેહ ।।૫૨।।

ત્યારે બાઇ કરેછે સ્તવન, સુવાસિનીયે માન્યું છે મન । હે હરિકૃષ્ણ હે ઘનશ્યામ, સુખધામ હે સુંદરશ્યામ ।।૫૩।।

આ ચરિત્ર જો ન કર્યું હોત, મારામાં એટલી ખોટ રોત । મારી ભાગી ગઇ ખોટ સ્વામી, તમે દયા કરી બહુનામી ।।૫૪।।

તમારે વિષે મનુષ્યભાવે, કોઇ દિન મુને નવ આવે । એવું માગું છું હું વરદાન, કૃપા કરી આપો ભગવાન ।।૫૫।।

તે સુણીને બોલ્યા શ્રીદેવેશ, ભાભી વચન આપું છું એશ । દિવ્યભાવ રેશે સદા કાળ, એવું બોલ્યા શ્રીકૃષ્ણ કૃપાલ ।।૫૬।।

તમો બન્નેને લાગી છે વાર, વળી ભુખ્યા આવ્યા છો આ ઠાર । ત્યારે કેછે તે પોતે ભોજાઇ, તમે ચાલો ઘનશ્યામભાઇ ।।૫૭।।

થોડું જમીને આવ્યા છો બાર, ભુખ્યા થયા હશો નિરધાર । ત્યારે સુવાસિની અને માતા, બેને સાથે જમ્યા સુખદાતા ।।૫૮।।

ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામી શિષ્યભૂમાનંદમુનિ વિરચિતે શ્રી ઘનશ્યામ લીલામૃતસાગરે પૂર્વાર્ધે આચાર્ય શ્રી અયોધ્યાપ્રસાદજી રામશરણજી સંવાદે શ્રી હરિયે દાંતની બત્રીશી ખેંચાવી એ નામે સુડતાલીશમો તરંગઃ ।।૪૭।।