અધ્યાય - ૬૦ - શ્રીહરિએ કરેલું પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિનાં લક્ષણોનું નિરૃપણ.

Submitted by swaminarayanworld on Tue, 08/08/2017 - 10:01pm

અધ્યાય - ૬૦ - શ્રીહરિએ કરેલું પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિનાં લક્ષણોનું નિરૃપણ.

શ્રીહરિએ કરેલું પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિનાં લક્ષણોનું નિરૃપણ. (પ) પ્રત્યાહાર. (૬) ધારણા. (૭) ધ્યાન. નાભિકમળમાં ધ્યાન કરવાની વિશેષતા. ધ્યાનમાં ચાર પ્રકારનાં વિઘ્નો તથા તેને જીતવાના ઉપાયોનું વર્ણન. ચિત્તની પાંચ પ્રકારની ભૂમિકા.

(પ) પ્રત્યાહાર :-

ભગવાન શ્રીનારાયણ ભગવાન કહે છે, હે મુનિ ! પોતપોતાના વિષયોમાંથી નેત્રાદિ સર્વે ઇન્દ્રિયોને પાછીવાળીને પોતાના આત્મસ્વરૃપમાં તેનું આકર્ષણ કરવું, તેને પ્રત્યાહાર કહેવાય છે.૧

ઇન્દ્રિયોનું પરતંત્રપણું થવાથી યોગીની વિમુક્તિ થાય છે. આ જ પ્રત્યાહારનું ફળ યોગવિશારદોએ કહેલું છે.૨

(૬) ધારણા :-

આધારાદિ ચક્રોમાં મન સાથે પ્રાણને સ્થિર કરવો અથવા હૃદયકમળમાં ભગવાનની મૂર્તિને વિષે પ્રાણને સ્થિર કરવો તેને ધારણા કહેવામાં આવે છે. આધારાદિ ચક્રો અને તેનાં સ્થાન હઠપ્રદીપિકામાં આ પ્રમાણે બતાવેલ છે કે, મૂલાધાર, સ્વાધિષ્ઠાન, મણિપુર, અનાહત, વિશુદ્ધિ અને આજ્ઞા; આ છ શુભ ચક્રો છે. તેમાં મૂલાધાર ચક્ર ગુદાને વિષે રહેલું છે. સ્વાધિષ્ઠાન ચક્ર લિંગને વિષે, મણિપુર નાભિને વિષે, અનાહત હૃદયને વિષે, વિશુદ્ધિ કંઠને વિષે અને આજ્ઞાચક્ર બન્ને ભ્રૂકુટિના મધ્ય ભાગમાં રહેલું છે.૩

આ ધારણાનું ફળ ધ્યાનની સિદ્ધિ થવી એજ છે એમ યોગી પુરુષો કહે છે હવે અમે તમને સાતમા અંગરૃપે રહેલા ધ્યાન વિષે કહીએ છીએ.૪

(૭) ધ્યાન :-

પૂર્વોક્ત છ અંગોનો બરાબર અભ્યાસ કરવાથી પોતાના મનમાં રહેલા મોક્ષ વિરોધી પ્રાચીન કર્મોના દોષો જ્યારે ક્ષીણ થાય, ત્યારે યોગીએ ભગવાનમાં પ્રેમવૃદ્ધિ કરી આપનાર ધ્યાનને સિદ્ધ કરવું.૫

હવે જ્યાં ધ્યાન કરવાનું છે તે સ્થાનને કહેવા પૂર્વક ત્યાં ધ્યાન કેમ કરવું ? તે કહીએ છીએ. આઠ પાંખડીવાળું, કેળાફળીના ડોડાની સમાન અધોમુખ અને તેના આકારવાળું, તેમજ બાર આંગળના સરખા માપવાળા નાળવાળું કમળ નાભિમાં રહ્યું છે.૬

પ્રણવના ધ્વનિથી વિકસિત કરી ઊર્ધ્વમુખ કરેલા તે નાભિકમળના મધ્ય ભાગમાં રહેલા તેજના મંડળને વિષે શ્રીવાસુદેવનારાયણનું ચિંતવન કરવું તેને ધ્યાન કહેવાય છે. તે ધ્યાનની રીત કહીએ છીએ.૭

એક સાથે ઉદય પામેલા કરોડો સૂર્યની સમાન તેજોમય કાંતિવાળા, સુંદર મુખારવિંદથી શોભતા, નેત્રકમળથી નિહાળી રહેલા, કંઠમાં કૌસ્તુભમણિથી શોભતા, અત્યંત પ્રેમપૂર્વક મોરલીને બજાવી રહેલા, પોતાના અંગ ઉપર ધારણ કરેલા સમગ્ર અલંકારોને શોભાવતા, સુંદર મુગટધારી, કાનમાં ચળકતા કુંડળધારી રહેલા, જાનુ પર્યંત લાંબી ભૂજાઓથી શોભતા ને પીતાંબરધારી એવા શ્રીવાસુદેવનારાયણનું હૃદયમાં રહેલા તેજના મંડળને વિષે ધ્યાન કરવું.૮

કાનમાં ભક્તજનોએ ધારણ કરાવેલા મોતીઓ તથા પુષ્પોના હારોની પંક્તિથી શોભતા, સુવર્ણના સૂત્રમાંથી બનાવેલી ઉજ્જવલ અને અતિશય સુંદર યજ્ઞોપવીતને ડાબાખભા પર ધારણ કરી રહેલા, ક્ષર અક્ષરના નિયંતા એવા શ્રીવાસુદેવનારાયણનું ધ્યાન કરી દૃઢમતિવાળા સ્થિર યોગીએ ચરણાદિક એક એક અંગોને વિષે મનને બહુકાળ સુધી ધારી રાખવું.૯

અથવા આ પૃથ્વી પર શ્રીવાસુદેવનારાયણ ભગવાનના જે અવતારો થાય છે, તેમાંથી પોતાને ગમતા કોઇ પણ એક અવતાર સ્વરૃપને વિષે યોગસાધકે ધ્યાન કરવું.૧૦

અથવા પોતે દર્શન કરેલી શ્રીવાસુદેવનારાયણની પ્રતિમાનું નિરંતર ધ્યાન કરવું. અથવા શ્રીહરિ સંબંધી અલંકારાદિક જે કંઇ પણ વસ્તુ હોય તેનું ધ્યાન કરવું.૧૨

આ પ્રમાણેના નિત્ય ધ્યાનના અભ્યાસથી યોગીઓને અલ્પ સમયમાં જ ભક્તોના મનોવાંછિત એવા શ્રીવાસુદેવનારાયણને વિષે પ્રેમ વૃદ્ધિ પામે છે.૧૨

નાભિકમળમાં ધ્યાન કરવાની વિશેષતા :-

હે મુનિ આ દેહને વિષે યોગીઓને ધ્યાન કરવાનાં સ્થાનો અનેક રહેલાં છે, તે સર્વેની મધ્યે પૂર્વોક્ત નાભિકમળને વિષે ધ્યાન કરવાની જે વિશેષતા છે તે કહીએ છીએ, તેને તમે સાંભળો.૧૩

ધ્યાન કરનારો યોગી જ્યારે નાભિકમળના મધ્યે રહેલા તેજના મંડળમાં સર્વદેવોના અધિદેવ ભગવાન શ્રીવાસુદેવનારાયણનું દર્શન કરે છે.૧૪

ત્યારે તેની સમસ્ત નાડીઓ પ્રાણની સાથે સંકોચ પામે છે. ને ધ્યાન કરનારો યોગી ધ્યેય સ્વરૃપમાં તત્કાળ મનનો નિરોધ કરી શકે છે.૧૫

તેથી હમેશાં સાવધાન થઇ નાભિકમળમાં ભગવાનનું ધ્યાન જલદી સિદ્ધ થાય છે એમ જાણતા યોગીએ તે નાભિકમળમાં શ્રીવાસુદેવ ભગવાનનું ધ્યાન કરવું.૧૬

ધ્યાનમાં ચાર પ્રકારનાં વિઘ્નો તથા તેને જીતવાના ઉપાયોનું વર્ણન :-

ભગવાનની મૂર્તિનું ધ્યાન કરતા યોગીઓને ચાર પ્રકારનાં વિઘ્નો પીડે છે. તેથી તેને ઓળખી વિદ્વાન યોગીએ આળસનો ત્યાગ કરી તેના પર વિજય મેળવવો.૧૭

તેમાં લય, વિક્ષેપ, કષાય અને રસાસ્વાદ આ ચાર છે. તેમાં નિદ્રાને ઉન્મુખ રહેવું તે લય છે. કામભોગ તે વિક્ષેપ છે, તીવ્ર રાગદ્વેષાદિ દુઃખની ચિંતા તે કષાય છે. અને સમાધિમાં દેખવામાં આવતા અનંત દેવતાઓનાં સ્થાનોનાં સુખ તે રસાસ્વાદ છે.૧૮

તેથી ચિત્તની અવસ્થાના ભેદરૃપે રહેલા આ દોષોને બુદ્ધિમાન યોગીએ જીતવા, નહીં તો યોગી યોગભ્રષ્ટ થઇ પુનઃ સંસૃતિને નિશ્ચે પામે છે.૧૯

તેથી ચિત્તને હમેશાં લય થકી જાગ્રત કરવું. વિક્ષેપથી નિવૃત્ત કરવું, જ્ઞાનાભ્યાસથી કષાયનો વિનાશ કરવો અને વૈરાગ્યથી રસાસ્વાદનો ત્યાગ કરવો.૨૦

જો આ પ્રમાણે દોષોને જીતે નહિ તો ધ્યાન સિદ્ધ થતું નથી. જો ધ્યાન જ સિદ્ધ ન થાય તો સમાધિની નિશ્ચળતા કે મોક્ષ ક્યાંથી થાય ? તેથી જ ધ્યાન કરનારા યોગીએ આ લયાદિ ચાર વિઘ્નો કરનારા દોષોને અવશ્ય જીતવા.૨૧

(૮) સમાધિ :-

હે મુનિ !
હવે તમને યોગના આઠમા અંગભૂત સમાધિ વિષે કહીએ છીએ. એ સમાધિ ધ્યાનનો અભ્યાસ કરવાથી ભગવાનને વિષે વૃદ્ધિ પામેલા મનના પ્રેમથી થાય છે.રર

ધ્યાન સિદ્ધ થયા પછી શ્રીહરિના એક એક અંગનું પૃથક્-પૃથક્ ચિંતવન નહિ પણ સમગ્ર મૂર્તિનું ચિંતવન કરવું.ર૩

ભગવાનની આખી મૂર્તિના નિરંતર ચિંતવનને યોગી પુરુષોએ યોગના અંગભુત સમાધિ કહેલી છે.ર૪

અને જ્યારે બહુકાળ પર્યંત જે ધ્યેયરૃપ શ્રીવાસુદેવનારાયણની મૂર્તિમાં તૈલધારાવત્ મનની વૃત્તિનો અખંડ પ્રવાહ વહેવો તેને બુદ્ધિમાન યોગી પુરુષોએ સંપ્રજ્ઞાત નામે અંગી સમાધિ કહેલી છે.૨૫

તે ધ્યાનને વિષે, અંગભૂત સમાધિને વિષે અને અંગી સમાધિને વિષે પક્વ અને અપક્વના ભેદદ્વારા સૂક્ષ્મબુદ્ધિથી જે કંઇ વિશેષ છે તે જાણી રાખવો.૨૬

જેવી રીતે વેદનો અભ્યાસ કરતો, વેદને ભણેલો, અને વેદને ભણાવતો પુરુષ આ ત્રણમાં અનુક્રમે ઉત્તરોત્તર શ્રેષ્ઠ છે.૨૭

તેમજ અહીં ધ્યાન પ્રકરણમાં પણ ધ્યાન કરનારો શ્રેષ્ઠ છે, તેના કરતાં અંગભૂત સમાધિવાળો શ્રેષ્ઠ છે. અને તેનાથી સંપ્રજ્ઞાત એવી અંગી સમાધિવાળો શ્રેષ્ઠ છે.૨૮

હે સન્મતે !
યોગના આ આઠ અંગોને મધ્યે બહિરંગ અને અંતરંગ એવા બે ભેદ કહેલા છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ અને પ્રત્યાહાર આ પાંચ બહિરંગ છે. તથા ધારણા, ધ્યાન અને સમાધી આ ત્રણ અંતરંગ છે. તેમાં અંતરંગ શ્રેષ્ઠ છે, એમ તમે જાણો.ર૯

જે પુરુષ સ્વધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિનાં લક્ષણવાળા, પૂર્વજન્મમાં કરેલા પુણ્યોના સંસ્કારોના કારણે પહેલેથી જ ધારણાદિ ત્રણે અંતરંગને પ્રાપ્ત કરી લીધા હોય, તેને યમાદિ પાંચ બહિરંગને પ્રાપ્ત કરવા માટે પરિશ્રમ કરવાનો હોતો નથી.૩૦

જે વિષ્ણુ ભગવાનનો એકાંતિક ભક્ત હોય છે તે ભગવાનને વિષે અતિશય સ્નેહના કારણે જ સમાધિ દશાને પ્રાપ્ત કરે છે. આવા સમાધિવાળા ભક્તને પણ સિદ્ધિઓ સમાધિમાં જરૃર વિઘ્ન કરે છે.૩૧

તે સિદ્ધિઓમાં અણિમા, મહિમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય, વશિતા, ઇશિતા, લઘિમા અને કામપૂર્તિ આ આઠ સિદ્ધિઓ મુખ્ય છે.૩ર

અને અન્ય મોહિકા આદિક સેંકડો સિદ્ધિઓ રહેલી છે. ભગવાન શ્રીહરિનું અતિશય માહાત્મ્ય જાણનારો યોગી તે અણિમા આદિક કોઇ પણ સિદ્ધિમાં આસક્ત થતો નથી. તેથી યોગની સાધના કરનારા યોગીએ પ્રથમ ભગવાનના એકાંતિક સંતો પાસેથી ભગવાનના માહાત્મ્ય જ્ઞાનનો અવશ્ય અભ્યાસ કરવો. આ સિદ્ધિઓનાં લક્ષણો શ્રીમદ્ભાગવતના અગિયારમાં સ્કંધને વિષે વિસ્તારથી વર્ણન કરેલાં છે.૩૩

કાળરૃપી પારાધી છે તે સિદ્ધિરૃપી જાળમાં ફસાયેલા પ્રમાદી યોગીરૃપી પક્ષીનો ચોક્કસ વિનાશ કરે છે, તેમાં કાંઈ સંશય નથી.૩૪

તેથી સર્વે માયિક પદાર્થોમાંથી મનને પાછું ખેંચી શ્રીવાસુદેવ ભગવાનને વિષે સંપ્રજ્ઞાત સમાધિમાં મનને સ્થિર કરે. તેથી જ્ઞાનીમુક્ત થાય છે.૩૫

આ લોકમાં ભગવાનની મૂર્તિ સિવાય બીજી કોઇ પણ વસ્તુઓને વિષે યોગીનું મન આસક્ત થાય તો તેને મહાવિઘ્ન આવે છે.૩૬

જે યોગી આલોકમાં તુચ્છ પદાર્થોમાં આસક્ત થાય તો ભગવાનના ધામના માર્ગને વિષે રહેલી અલૌકિક વસ્તુઓને વિષે કેમ ન થાય ? એતો થાય જ.૩૭

પરંતુ જે યોગી આલોકમાં ભગવાન સિવાય ઇતર પદાર્થોમાંથી સારી રીતે વિરક્ત થયો હોય તેને કોઇ પણ સ્થાનમાં ક્યારેય પણ કોઈ વિઘ્ન બાધ કરતું નથી. કારણ કે તેને ભગવાન સિવાય બીજે ક્યાંય આસક્તિ જ નથી.૩૮

તેવા યોગીને દેવતાઓ અને સિદ્ધિઓ પ્રલોભન પમાડે છતાં યોગી પુરુષ ઉદ્દાલક આદિ મુનિઓની જેમ ધામના માર્ગમાં જતાં વચ્ચે આવતી સિદ્ધિઓને વિષે ક્યારેય આસક્ત થતો નથી.૩૯

હે મુનિ !
આ અંગી સમાધિ પણ બે પ્રકારની કહેલી છે. એક સંપ્રજ્ઞાત અને બીજી અસંપ્રજ્ઞાત.૪૦

આ બન્નેના મધ્યે પહેલી સમાધિનાં લક્ષણો તમને કહ્યાં હવે બીજી સમાધીનાં લક્ષણો કહું છું. તેથી પહેલાં ચિત્તની પાંચ પ્રકારની ભૂમિકાનું તમે શ્રવણ કરો.૪૧

ચિત્તની પાંચ પ્રકારની ભૂમિકા :- ક્ષિપ્ત, મૂઢ, વિક્ષિપ્ત, એકાગ્ર અને રુદ્ધ; આ પાંચ ભૂમિકા ચિત્તની છે. અને તેના નામ પ્રમાણે સ્થાન પણ પાંચ પ્રકારનાં થયાં છે. તેમાં આસુરી સંપત્તિવાળા લોક, શાસ્ત્ર, દેહ અને પંચ વિષયની વાસનાઓવાળું રજોગુણી ચિત્ત ક્ષિપ્ત કહેલું છે. તમોગુણથી યુક્ત અને નિદ્રા, આળસ આદિકથી ગ્રસીત ચિત્ત મૂઢ કહેલું છે. રજોગુણ-તમોગુણના સંસર્ગવાળા સત્વગુણને કારણે ક્યારેક ક્ષણવાર ધ્યાનમાં પ્રવૃત્ત થતા ચિત્તને વિક્ષિપ્ત કહેલું છે. એક જ ધ્યેયના આકારમાં સંલગ્ન ચિત્તને એકાગ્ર કહેલું છે અને ધ્યાયના આકારમાં ડૂબી ગયેલા ચિત્તને રુદ્ધ કહેલું છે.૪૨

આ પાંચ ભેદોને મધ્યે પહેલા બે ક્ષિપ્ત અને મૂઢ ચિત્તો પ્રતિકૂળ હોવાથી તેમાં સમાધિ થશે એવી કોઈએ શંકા પણ ન સેવવી. ક્યારેક ક્યારેક ધ્યાન લાગી જવાનો સંભવ હોવાથી વિક્ષિપ્ત ચિત્તમાં સમાધિ થવાનો સંદેહ રહે છે.૪૩

ચિત્તની એકાગ્રતા થતાં જે સમાધિ થાય છે તેને સંપ્રજ્ઞાત સમાધિ કહેલી છે. અને સર્વે ચિત્તવૃત્તિઓ એક ધ્યેયાકારમાં નિમગ્ન થાય તેને અસંપ્રજ્ઞાત સમાધિ કહેલી છે.૪૪

આ સંપ્રજ્ઞાત સમાધિમાં આનંદના સમુદ્ર એવા ભગવાન શ્રીહરિને વિષે ચિત્તની વિલીનતા થાય ત્યારે આવા નિમગ્ન ચિત્તવાળો યોગી કંઇ પણ બાહ્ય પદાર્થને જાણતો નથી. તેમજ પોતાના દેહની અંદર રહેલા મન, બુદ્ધિ આદિકને પણ જાણતો નથી.૪૫

હે બ્રહ્મન્ !
આવા યોગીને ચિત્તવૃત્તિનો ફરી ભગવાનના સ્વરૃપથી અલગ થવાનો સંભવ છે, તે પણ કાષ્ઠ વિનાના અગ્નિની જેમ ધીરે ધીરે શાંત થાય છે.૪૬

પછી પ્રસન્ન મનવાળો આ યોગી બ્રહ્મરૃપની સ્થિતિવાળો થઇ હૃદયને વિષે જેનું વર્ણન ન થઇ શકે તેવા ભગવાનના મહાઆનંદનો અનુભવ કરે છે.૪૭

પોતાના શરીરની અંદર રહેલા પંચભૂતના વિકારરૃપ જે કંઇ સ્થૂલ કે સૂક્ષ્મ તત્ત્વો રહેલાં છે. તે સર્વેને સંપ્રજ્ઞાત સમાધિવાળો યોગી સમાધીમાં પણ યથાર્થ નિહાળે છે.૪૮

આ બ્રહ્માંડમાં જે કંઇ પણ રહેલું છે તે સર્વેને પણ નાડીઓના માર્ગ દ્વારા ગતિ કરી પોતાના હૃદયાકાશને વિષે સ્વતંત્રપણે નિહાળે છે.૪૯

હે વિદ્વાનમુનિ !
યોગી પોતાના દેહને વિષે રહેલાં જે કંઇ નાડી ચક્રાદિક ભૌતિક પદાર્થો છે, તેને પણ સારી રીતે નિહાળે છે. હવે યોગશાસ્ત્રના અંતને પામેલા સમાધિવાળા યોગીઓ દ્વારા દેખવામાં આવતું જે કંઇ પણ છે, તે સર્વે તમને તત્ત્વપૂર્વક સંભળાવીએ છીએ.૫૦

આ પ્રમાણે અવતારી શ્રીનારાયણના ચરિત્રરૃપ શ્રીમત્સત્સંગિ-જીવન નામે ધર્મશાસ્ત્રના પંચમ પ્રકરણમાં યોગનો ઉપદેશ કરતાં શ્રીહરિએ પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિનાં લક્ષણોનું નિરૃપણ કર્યું, એ નામે સાઠમો અધ્યાય પૂર્ણ થયો. --૬૦--