અધ્યાય - ૫૦ - ભગવાન શ્રીહરિએ કરેલું નૈષ્ઠિક બ્રહ્મચારીઓના ધર્મનું નિરૃપણ.

Submitted by swaminarayanworld on Tue, 08/08/2017 - 9:52pm

અધ્યાય - ૫૦ - ભગવાન શ્રીહરિએ કરેલું નૈષ્ઠિક બ્રહ્મચારીઓના ધર્મનું નિરૃપણ.

ભગવાન શ્રીહરિએ કરેલું નૈષ્ઠિક બ્રહ્મચારીઓના ધર્મનું નિરૃપણ.

સુવ્રતમુનિ કહે છે, હે પ્રતાપસિંહ રાજન્ ! ભગવાન શ્રીહરિ દુર્ગપુરમાં મંદિર કરાવતાં કરાવતાં પ્રતિદિન ધર્મવાર્તાઓ કરી પોતાના ભક્તજનોને આનંદિત કરતા અને નિવાસ કરીને રહેતા.૧

તે સમયે એક દિવસ મુકુંદાનંદ બ્રહ્મચારી બે હાથજોડી આદર પૂર્વક શ્રીહરિને નમસ્કાર કરી પૂછવા લાગ્યા.૨

હે સ્વામિન્ ! તમારા આશ્રિત સર્વે નૈષ્ઠિક બ્રહ્મચારીઓ એવા અમારા પાલન કરવા યોગ્ય સમસ્ત ધર્મો હું તમારી પાસેથી સાંભળવા ઇચ્છું છું. તો કૃપા કરીને મને સંભળાવો.૩

ત્યારે ભક્તિએ સહિત ધર્મનું પોષણ કરનારા ભગવાન શ્રીહરિ પ્રસન્ન થઇને કહેવા લાગ્યા.૩-૪

હે વર્ણિરાજ ! તમે બહુ સુંદર પ્રશ્ન કર્યો છે. તેથી નૈષ્ઠિક બ્રહ્મચારીઓના સમસ્ત ધર્મો અમે તમને કહીએ છીએ.પ

તેમાં પ્રથમ નૈષ્ઠિક બ્રહ્મચર્યવ્રતના અધિકારી અને તેમના ભેદો તમને કહું છું. બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય આ ત્રણ વર્ણના જનોને 'દ્વિજાતિ' એવા નામથી કહેવામાં આવે છે. તે ત્રણે વર્ણના જનોને બ્રહ્મચર્ય આશ્રમ સ્વીકારવાનો અધિકાર કહેલો છે.૬

જે ગર્ભાધાનાદિ સંસ્કારોથી સંસ્કૃત થયેલો હોય અને યથા સમયે ઉપનયન સંસ્કાર પામેલો હોય, એવો દ્વિજાતિ પુરુષ બ્રહ્મચર્યાશ્રમને યોગ્ય કહેલો છે.૭

બુદ્ધિહીન દ્વિજાતિ માટે સાવિત્ર નામનું ત્રણ દિવસ પાળવાનું બ્રહ્મચર્ય વ્રત કહેલું છે. તેમાં થોડો ઓછો દુર્બળ હોય અને કાંઇક બુદ્ધિ હોય તેવા દ્વિજાતિ માટે પ્રાજાપત્ય નામનું એક વર્ષ બ્રહ્મચર્યવ્રત પાળવાનું કહેલું છે.૮

તેનાથી થોડી વધુ બુદ્ધિવાળો હોય છતાં વૈરાગ્યમાં મંદતા હોય અને ગૃહસ્થાશ્રમ કરવાની ઇચ્છા વર્તતી હોય એવા દ્વિજાતિ માટે બ્રહ્મ નામનું બારવર્ષ પર્યંત પાળવાનું બ્રહ્મચર્યવ્રત કહેલું છે.૯

અને જે બુદ્ધિ અને વૈરાગ્યમાં બહુ જ બળવાન હોય તેથી ગૃહસ્થાશ્રમ કરવાની ઇચ્છા ન હોય આવા વિરલ દ્વિજાતિ પુરુષને જીવનપર્યંત પાળવાનું નૈષ્ઠિક નામનું બ્રહ્મચર્યવ્રત કહેલું છે.૧૦

આ ઉપરોક્ત ચાર પ્રકારમાંથી છેલ્લા નૈષ્ઠિક બ્રહ્મચારીએ પોતાના શ્રેયને માટે તત્કાળ સદ્ગુરુનો આશ્રય કરવો. અને તે નૈષ્ઠિક બ્રહ્મચારીએ ભગવાનનો મહિમા સમજવા માટે ગુરુ પાસેથી જ્ઞાનકાંડાત્મક વેદનો અભ્યાસ કરવો.૧૧

નેષ્ઠિકબ્રહ્મચારીએ પોતાની શક્તિ પ્રમાણે ગુરુ પાસેથી શિક્ષાદિ અંગે સહિત અને તેના અર્થે સહિત વેદનો અભ્યાસ કરીને પોતાની શક્તિ પ્રમાણે ગુરુને સુવર્ણ આદિકની દક્ષિણા આપવી.૧૨

આવા નૈષ્ઠિકબ્રહ્મચારીએ તીવ્ર વૈરાગ્યે યુક્ત હોવાથી ઉદ્ધવ સંપ્રદાયને વિષે નૈષ્ઠિક બ્રહ્મચર્યવ્રતની દીક્ષા ગ્રહણ કરવી. આવા નૈષ્ઠિકબ્રહ્મચારીના સદાચારરૃપ ધર્મો છે, તે હું તમને કહું છું.૧૩

આવા નૈષ્ઠિક બ્રહ્મચારીએ બ્રહ્મચર્યનું પાલન કરતાં જીવે ત્યાં સુધી પોતાના ગુરૃ ધર્મવંશી આચાર્યની સેવા કરવાનો સંકલ્પ કરી શ્રીહરિને વિષે ભક્તિમાન થવું.૧૪

બ્રહ્મચારીએ હમેશાં યજ્ઞોપવિત, શિખા અને કંઠમાં તુલસીની બેવળી કંઠી ધારણ કરવી. હાથમાં દર્ભધારણ કરી બ્રહ્મચારીએ મુંજની મેખલા પલાશનો અથવા બીલીનો દંડ ધારણ કરવો અને આસન માટે મૃગાજિન ધારણ કરવું. બહાર અંદર પવિત્ર રહેવું, ઉપપાત્રે સહિત જળભરેલા ધાતુનું કમંડલું નિત્ય ધારણ કરવું.૧૭

તે પણ અતિશય ઉજ્જવલ અને પાણી ગાળવાના વસ્ત્રે સહિત ધારણ કરવું, અને પંચ કેશ રાખવા. જો જટામાં જંતુનો સંભવ હોય તો અગ્નિહોત્ર કર્મ કરતાં થયેલી ભસ્મને તેમાં મિશ્ર કરવી. પરંતુ તેલાદિ નાખવાં નહિ.૧૮

તેમ છતાં અતિશય જંતુ પડે, અથવા માતાપિતાનું મરણ થાય, કોઇ મહારોગાદિ આપત્તિ આવી પડે અથવા કોઇ તીર્થક્ષેત્રમાં ગયા હોઇએ તો કાંખ, ઉપસ્થ અને શિખાને છોડીને મુંડન કરાવવું.૧૯

હે વર્ણી ! બ્રહ્મચારીએ શ્વેત બે કૌપીન, અને બે ધોતીયાં રાખવાં. ભોજન સમયે પહેરવા માટેનું શણનું કે કામળીનું વસ્ત્ર ધારણ કરવું.૨૦

ચાદર, કામળી, બે પંચીયાં અને માથે બાંધવાનો ચોખંડો રૃમાલ આટલાં વસ્ત્રો રાતી માટીથી રંગાયેલાં ભગવાં રાખવાં, ને ટોપી લાલ વર્ણની ધારણ કરવી.૨૧

નિત્ય પૂજામાં ઉપયોગી પાત્રોએ સહિત શાલગ્રામ કે ચિત્ર પ્રતિમાને નૈવેદ્ય ધરવા તથા રસોઇ પકાવવા માટેનાં આવશ્યક પાત્રો ધાતુનાં રાખવાં.૨૨

વળી ધર્મજ્ઞાનાદિકની પુષ્ટિ માટે સત્શાસ્ત્રો રાખવાં, તે શાસ્ત્ર પણ જેટલાં પોતાને ઉપયોગી હોય તેટલાં જ રાખવાં.૨૩

આસન માટે કામળીનો ખંડ રાખવો. માળાએ સહિત ગૌમુખી, તિલક માટે ગોપીચંદન અને પગની રક્ષા માટે પાદુકા રાખવી.૨૪

જે બ્રહ્મચારી ઉપરોક્ત કૌપીન આદિ પદાર્થોને રાખવાનાં કહ્યા તેનાથી વધારે જેટલા દિવસ રાખે તેટલા દિવસ પોતાની શુદ્ધિ માટે ઉપવાસ કરે.૨૫

વળી બ્રહ્મચારીએ ક્રીડા કરતી અથવા સહજ સ્વભાવે બેઠેલી સ્ત્રીને કામભાવે ન જોવી. સ્ત્રી સંબંધી કોઇ ગોષ્ઠી ન કરવી. અસત્શાસ્ત્રમાં આવતી સ્ત્રીની રસિક વાતો કરવી, વાંચવી કે સાંભળવી પણ નહિ. પરંતુ સત્શાસ્ત્રમાં કહેલી ભગવાનના ભક્ત સ્ત્રીઓની વાર્તા કરવામાં દોષ નથી.ર૬

બ્રહ્મચારીએ સ્ત્રી સાથે ખેલ કે વિનોદ ન આચરવો, પુરુષ દ્વારા ગુપ્ત વાતો ન કહેવડાવવી, મનથી પણ સ્ત્રી સંબંધી સંકલ્પ કરવા નહિ.ર૭

સ્ત્રીના કોઇ પણ અંગનો ક્યારેય પણ સ્પર્શ કરવો નહિ. તેમજ સ્ત્રીએ અંગ ઉપર ધારેલાં વસ્ત્રો ઉતારી મૂકેલાં હોય તેનો સ્પર્શ ન કરવો. ધોઇને સૂકવેલાં ભીનાં કે નવાં હોય તેનો સ્પર્શ થઇ જાય તો દોષ નહિ.૨૮

દેવતાની પ્રતિમા સિવાયની કાષ્ઠ, ધાતુ, વસ્ત્ર, માટી, આદિકમાંથી બનાવેલી સ્ત્રીની પ્રતિમાનો તેમજ ચિત્રમાં ચિતરેલી સ્ત્રીની પ્રતિમાનો સ્પર્શ ન કરવો.૨૯

તેમજ સ્ત્રી જાતિ માત્રનું ગુહ્યઅંગ જાણીને દૂરથી પણ ન જોવું. તથા કોઇ નગ્ન બાળકીને પણ જોવી નહિ.૩૦

સ્ત્રીની સાથે વાતો કરવી નહિ, તેનું ચિત્રામણ કરવું નહિ, તથા મૈથુને યુક્ત સ્ત્રીના ચિત્રનો સ્પર્શ કરવો કે જોવી નહિ, તેમજ બુદ્ધિપૂર્વક પશુપક્ષી આદિકને પણ મૈથુનાસક્ત હોય તેવાં જોવાં નહિ.૩૧

બ્રહ્મચારીએ જે ઘરમાં મૈથુનાસક્ત ચિત્રો હોય ત્યાં ક્યારેય પણ રહેવું નહિ. સ્ત્રીના મુખ સામે મુખ રાખીને ક્યારેય બેસવું નહિ.૩૨

કોઇ વસ્તુ સ્ત્રીને ગુપ્તપણે મોકલાવવી નહિ. તથા સ્ત્રીએ મોકલેલી ગુપ્તપણે ગ્રહણ કરવી નહિ.૩૩

સ્ત્રીઓને ઉદ્દેશીને પુરુષ આગળ પણ ભગવાનની કથા-વાર્તા કરવી નહિ અને સ્ત્રીના મુખ થકી સાંભળવી પણ નહિ.૩૪

સ્ત્રી અને પુરુષ જે ઘરમાં રાત્રે સુતાં હોય તે ઘર અને પોતાના નિવાસ વચ્ચે માત્ર એક ભીંતનું આવરણ હોય તો એવા ઘરમાં રાત્રીએ રહેવું નહિ. તે સિવાય અન્ય ઘરમાં કે જ્યાં એકલી જ સ્ત્રી હોય અથવા તેની સાથે પિતા કે પુત્ર હોય એવા ઘરમાં એક ભીંતનું વ્યવધાન હોય તો રહેવામાં દોષ નથી.૩પ

ઘણા પુરુષો હોય છતાં વ્યવધાન વિનાના સ્ત્રી યુક્ત ઘરમાં બ્રહ્મચારીએ શયન કરવું નહિ. જ્યાં સ્ત્રીઓનો પગફેર હોય એવા સ્થાનકે મળમૂત્ર કરવા જવું નહિ.૩૬

જે સ્થળે સ્ત્રીઓની સ્નાન ઉત્સર્ગાદિ ક્રિયા થતી હોય તે સ્થળે બ્રહ્મચારીએ તે ક્રિયા કરવા ક્યારેય પણ જવું નહિ. આપત્કાળ પડયા વિના સ્ત્રીથી ચાર હાથ નજીક ચાલવું નહિ, માર્ગ સાંકડો હોય કે જન્માષ્ટમી આદિક ઉત્સવોમાં ભીડ હોય ત્યારે માત્ર અંગસ્પર્શથી શરીરનું રક્ષણ કરવું. ત્યાં ચાર હાથ દૂરનો વિચાર કરવો નહિ. તેમજ કોઇ સ્ત્રી મૂઢ, બાળકી કે ઉન્મત્ત હોય તેના થકી અને ભિક્ષા લેવાના પ્રસંગે માત્ર પોતાના શરીરની રક્ષા કરવી.૩૮

વૃદ્ધ બ્રહ્મચારીએ પણ ક્યારેય સ્ત્રી સાથે એકાંતમાં ન રહેવું અને માર્ગમાં પણ ક્યારેય સાથે ચાલવું નહિ.૩૯

બ્રહ્મચારીએ ક્યારેય પણ આપત્કાળ પડયા વિના અશ્વાદિ વાહન ઉપર બેસવું નહિ. આપત્કાળમાં બેસે તો પણ જે ગાડાંમાં સ્ત્રી બેઠી હોય તેવા વાહનમાં ન બેસે.૪૦

જે બ્રાહ્મણને ઘેર પીરસનાર કે રસોઇ કરનાર સ્ત્રી હોય તે ઘેર બ્રહ્મચારીએ જમવા ન જવું. સ્ત્રીના વેષને ધરી રહેલા ભવાયા પુરુષનો પણ સ્પર્શ ન કરવો.૪૧

સ્ત્રીના ગુણ અવગુણનું ક્યારેય વર્ણન ન કરવું. પોતાના નિવાસ સ્થાનમાં લીંપવા આદિકની પ્રવૃત્તિ નિમિત્તે પણ સ્ત્રીને પ્રવેશ આપવો નહિ.૪૨

હે વર્ણી ! આ ઉપરોક્ત સર્વે નિયમોમાંથી કોઇ પણ એક નિયમનો પ્રમાદથી ભંગ થાય તો પ્રાયશ્ચિતનો એક ઉપવાસ કરવો.૪૩

અહીં સાક્ષાત્ સ્પર્શ કે વાર્તાલાપાદિકનો નિષેધ છે તે એકાંત સ્થળ વિના માતા, બહેન આદિક સમીપ સંબંધ વિનાની સ્ત્રી થકી અન્યત્ર જાણવો.૪૪

પોતાની માતા-બહેન આદિક સમીપ સંબંધવાળી સ્ત્રીઓ સાથે અવશ્યના કામકાજમાં જાહેરમાં બોલી શકે છે. પરંતુ જરૃરી કામ વિના માતાદિ સંબંધીની સ્ત્રીઓની સાથે પણ વાત કરવી નહિ.૪૬

ક્યારેક કોઇ કષ્ટ રૃપ આપત્કાળ આવી પડે ત્યારે પોતાના સમીપ સંબંધ વિનાની સ્ત્રીઓની સાથે વાત કરવી પડે કે સ્પર્શ કરવો પડે તો તે સંબંધી વિવેક સંક્ષેપથી કહીએ છીએ.૪૭

અન્ન, જળ, કાષ્ટ, પાત્રાદિકની યાચના કરવામાં, પોતાનાથી અજાણ્યા સ્થળ વિષે પૂછવાને નારીને ઉદ્દેશીને પુરુષ પ્રત્યે બોલવું પણ સાક્ષાત્ સ્ત્રી સામે જોઇને બોલવું નહિ.૪૮

આ પ્રમાણે અવશ્યના કામ-કાજ માટે બોલવાની રીત કહી, હવે જ્યાં સાક્ષાત્ સ્ત્રી સાથે બોલવું પડે તેવો સમય આવે તે કહીએ છીએ.૪૯

પોતાના બંધીવાળા નિવાસ સ્થાનમાં ક્યારેક સ્ત્રી આવે અથવા પોતાને પૂછવા માટે આવે ત્યારે તેને પાછી વાળવા માટે સાક્ષાત્ તેમની સાથે બોલવામાં દોષ નથી.૫૦

તેમજ પોતાને કે સ્ત્રીને જળ, અગ્નિ, શિંગડાંવાળાં પશુ, સર્પ આદિક થકી કોઇ પણ પ્રકારનો ભય આવે તથા શસ્ત્રપાત, ગૃહપાત, વૃક્ષપાત કે મહારોગ આદિકનો પ્રાણવિયોગ કરાવે તેવો આપત્કાળ આવે તો સ્ત્રીના સાક્ષાત્ સ્પર્શમાં કે બોલવામાં બ્રહ્મચારીને દોષ લાગતો નથી. પરંતુ પ્રાણ આપત્તિ વિના દોષ લાગે છે.૫૧-૫૨

આલોકમાં બ્રહ્મચારીને જેવો સ્ત્રીના પ્રસંગનો સર્વથા નિષેધ કરેલો છે. તેવો જ સ્ત્રૈણપુરુષના પ્રસંગનો પણ નિષેધ જાણવો. કારણ કે તે પણ બંધન કરનારો હોવાથી ત્યાજ્ય કહેલો છે.૫૩

બ્રહ્મચારીએ ક્યારેય પણ બુદ્ધિપૂર્વક વીર્યપાત ન કરવો. જો સહજ સ્વભાવે વીર્યપાત થાય તો એક ઉપવાસ કરવો.૫૪

પ્રમાદવશ હસ્તમૈથુનનાદિકથી વીર્યપાત કરે તો એક ચાંદ્રાયણવ્રત કરવું. ને જો સાક્ષાત્ સ્ત્રીનો સંગ થાય તો નૈષ્ઠિત બ્રહ્મચર્યવ્રતથી પતિત થયેલો જાણવો.૫૫

એકવાર પતિત થયેલો બ્રહ્મચારી સેંકડો પ્રાયશ્ચિત કરવા છતાં ફરી નૈષ્ઠિક બ્રહ્મચારીપણું પ્રાપ્ત થતું નથી. જેવી રીતે પરપુરુષનો સંગ કરવા પછી પતિવ્રતા નારીને ફરી પતિવ્રતાપણું પ્રાપ્ત થતું નથી. તેથી પતિત થયેલો બ્રહ્મચારી ઉદ્ધવ સંપ્રદાયના આશ્રિતોમાંથી અને નૈષ્ઠિક બ્રહ્મચારીઓના મંડળમાંથી તે ભ્રષ્ટ થાય છે.૫૬

તેથી આવા પતિત બ્રહ્મચારીએ પ્રથમ પ્રાયશ્ચિત કરીને ગૃહસ્થાશ્રમ સ્વીકારવો. અને ગૃહસ્થાશ્રમમાં રહી સંતોની સેવા કરતાં શ્રીલક્ષ્મીનારાયણ ભગવાનનું ભજન કરવું.૫૭

જો કુળ કે દ્રવ્યાદિકના અભાવમાં સ્ત્રીની પ્રાપ્તિ ન થાય તો મુક્તિને માટે ચોથા સંન્યાસ-આશ્રમનો સ્વીકાર કરી તપશ્ચર્યા કરવી. આ કળીયુગમાં સંન્યાસાશ્રમનો નિષેધ છે છતાં અનાશ્રમી રહેવું દોષરૃપ હોવાથી સન્યાસ આશ્રમ ગ્રહણ કરી ભગવાનનું ભજન કરવા પૂર્વક તપશ્ચર્યા કરવી.૫૮

હે વર્ણીરાજ ! તેવા પુરુષે સંન્યાસાશ્રમમાં પણ ભગવાનની ભક્તિ કરવાથી તે થયેલાં પાપથી મુક્ત થાય છે અને મૃત્યુ પછી ભગવાનના ધામને પામે છે.૫૯

આ પ્રમાણે અવતારી શ્રીનારાયણના ચરિત્રરૃપ શ્રીમત્સત્સંગિ-જીવન નામે ધર્મશાસ્ત્રના પંચમ પ્રકરણમાં નૈષ્ઠિક બ્રહ્મચારીઓના ધર્મનો ઉપદેશ કરતાં ભગવાન શ્રીહરિએ બ્રહ્મચારીએ રાખવા યોગ્ય પદાર્થોનું તથા સ્ત્રી પ્રસંગના ત્યાગનું નિરૃપણ કર્યું, એ નામે પચાસમો અધ્યાય પૂર્ણ થયો. --૫૦--