અધ્યાય - ૪૩ - પાપના પ્રકારો અને તેના પ્રાયશ્ચિતનું તથા પ્રાયશ્ચિત આપનાર સભાનાં લક્ષણોનું નિરૃપણ.

Submitted by swaminarayanworld on Tue, 08/08/2017 - 9:45pm

અધ્યાય - ૪૩ - પાપના પ્રકારો અને તેના પ્રાયશ્ચિતનું તથા પ્રાયશ્ચિત આપનાર સભાનાં લક્ષણોનું નિરૃપણ.

પાપના પ્રકારો અને તેના પ્રાયશ્ચિતનું તથા પ્રાયશ્ચિત આપનાર સભાનાં લક્ષણોનું નિરૃપણ.

ભગવાન શ્રીનારાયણમુનિ કહે છે, હે બ્રહ્મન્ ! પ્રાયશ્ચિતનો વિધિ હું તમને સંક્ષેપથી કહું છું. તેનો વિસ્તાર અન્યત્ર મિતાક્ષરાદિકમાં કહેલો છે. અહીં તો હું સારમાત્ર કહું છું.૧

નાનાંમોટાં થયેલાં પાપકર્મનો નાશ કરવાનાં જે સાધનો કહ્યાં છે, તેને જ આ પ્રકરણમાં પ્રાયશ્ચિત કહેવામાં આવેલ છે.૨

પાપના છ પ્રકાર :- મહર્ષિઓએ પાપ, મહાપાપ, ઉપપાપ, પ્રકીર્ણપાપ, અતિપાપ અને અત્યધિકપાપ એમ છ પ્રકારનાં પાપો કહેલાં છે. તેમાં પણ જાણે અજાણે થતાં તે પાપોને ફરી બે પ્રકારનાં કહેલાં છે.૩-૪

વળી મહાપાપની સમાન પાપને તો શાસ્ત્રમાં પાતક એવા નામથી પણ કહેલ છે. તે મહાપાપોમાં બ્રહ્મહત્યા, સુરાપાન, સુવર્ણની ચોરી ને ગુરૃસ્ત્રી સાથે ગમન, આ ચાર મહાપાપ કરનારનો પ્રસંગ કરવો, તે પણ પાંચમું મહાપાપ કહેલું છે.પ-૬

હે વિપ્ર ! જે પાપ પાતક કરતાં ન્યૂન હોય તેને ઉપપાતક કહેલ છે. અને જે પાપ મહાપાપ કરતાં અધિક હોય તેને અતિપાપ કહેલ છે.૭

વળી જે પાપ તે અતિપાપ કરતાં પણ અધિક હોય તેને અત્યધિક પાપ કહેલ છે. અને જે પાપ ઉપપાપ કરતાં પણ ન્યૂન હોય, તેને આ પ્રકરણમાં પ્રકીર્ણપાપ કહેલું છે.૮

અહીં પ્રાયશ્ચિત પ્રકરણમાં જે પાપનું પ્રાયશ્ચિત બુદ્ધિમાન પુરુષોએ કહેલ છે, તે પ્રાયશ્ચિત અજાણતાં થઇ ગયેલાં પાપ માટે છે. એમ જાણવું. કારણ કે જાણી જોઇને કરેલાં પાપનું પ્રાયશ્ચિત વિહિત પ્રાયશ્ચિત કરતાં બમણું કરવાનું હોય છે.૯

તેમાં પણ જાણીને વારંવાર કરવામાં આવતાં પાપને માટે કોઇ પ્રાયશ્ચિત નથી. અને આવી રીતે જાણીને વારંવાર પાપ કરનાર મનુષ્યને નરક થકી અને ગામનાં કૂતરાં આદિકની કુત્સિત યોનિ થકી છૂટકારો જ થતો નથી.૧૦

સાક્ષાત્ પાપ કર્મ કરનાર, કરાવનાર, અનુમોદન કરનાર, સહાય કરનાર અને અનુગ્રહ કરનાર આ પાંચે પ્રકારના મનુષ્યો પાપકર્મના સરખા ભાગીદાર થાય છે.૧૧

અગિયાર વર્ષથી નીચેના અને પાંચ વર્ષથી ઉપરના બાળકે કરેલાં પાપનું પ્રાયશ્ચિત તેમના પિતા, ભાઇ કે સુહૃદ્જનોએ આચરવું.૧૨

બાળક, છઠ્ઠા વર્ષમાં પ્રવેશ કરે તેના પહેલાં તેને પાતક લાગતું નથી. અને તેને કોઇ રાજ દંડ પણ હોતો નથી, અને તેનું પ્રાયશ્ચિત પણ કોઇ કહેલું નથી.૧૩

અગિયારમા વર્ષમાં પ્રવેશ કર્યા પછી સોળમા વર્ષમાં પ્રવેશ કરે ત્યાં સુધીના બાળકે કરેલાં પાપનું પ્રાયશ્ચિત અર્ધું કરવું. તેવીજ રીતે વૃદ્ધ, રોગી અને સ્ત્રીઓએ પણ વિધાન કરેલા પ્રાયશ્ચિતનું અર્ધું પ્રાયશ્ચિત કરવું, આટલાથી જ તેની શુદ્ધિ થાય છે.૧૪

કોઇ પુરુષે ક્યારેય પણ જાણી જોઇને પાપકર્મ ન કરવું. અજાણતાં એકવાર થયેલાં પાપનું કહેલું પ્રાયશ્ચિત કરવું.૧૫

પાપકર્મ કરનાર પુરુષે પ્રથમ સ્નાન કરી પ્રાયશ્ચિત આપનારી સભાના વિપ્ર સભ્યોને ગાયનું અને સુવર્ણનું દાન આપી બે હાથ જોડી પોતાથી થઇ ગયેલાં પાપનું નિવેદન કરવું.૧૬

તે સભાનું લક્ષણ આ પ્રમાણે છે કે વેદ અને સત્શાસ્ત્રોના અર્થને જાણનારા, ધર્મનિષ્ઠ અને જીતેન્દ્રિય એવા દશથી વધુ વિપ્રો જ્યાં નિર્ણય કરવા બેસે તે બ્રહ્મપરિષદ કહેવાય છે. અપવાદરૃપ સાત, પાંચ કે ત્રણ વિપ્ર જે પ્રાયશ્ચિત વિધિ સંભળાવે તે પ્રાયશ્ચિત પાપનો વિનાશ કરનારૃં થાય છે. આત્મા અને અનાત્માના વિવેકમાં અતિશય કુશળ અને ધર્મશાસ્ત્રને જાણનારા એવા એક વિપ્રે પણ જે પ્રાયશ્ચિત કહ્યું હોય તે પણ પાપનો વિનાશક ધર્મ કહેવાય છે.૧૭-૧૮

બ્રાહ્મણોની સભા જેટલી સંખ્યાએ કરીને કહી, તેના કરતાં ક્ષત્રિયોની સભા બમણી સંખ્યાથી સમજવી, અને વૈશ્યોની સભા ત્રણગણી જાણવી. વળી બ્રાહ્મણોને જે પાપમાં જે વ્રત કરવાનું કહ્યું, તેના થકી બમણું ક્ષત્રિયને માટે અને ત્રણગણુ વૈશ્યોને માટે જાણવું.૧૯

તેવી પ્રાયશ્ચિત સભામાં મૂખાઓ, અધર્મવાદિઓ, લોભીઓ, અને પક્ષપાતીઓ જો લાખ જણ ભેગા થાય છતાં પણ પરિષદ સિદ્ધ થતી નથી.૨૦

વયથી વૃદ્ધ કે તરુણ હોય, રૃપાળો કે ધન સંપત્તિવાળો હોય, તેણે કરીને પણ તે પરિષદમાં બેસવા યોગ્ય નથી. તેથી વેદના અર્થને જાણનારા ધર્મનિષ્ઠ વિદ્વાન ત્રણ જણા હોય કે એક હોય તેવા અધ્યાત્મજ્ઞાતાની જ પરિષદ થઇ શકે છે.૨૧

તેમજ વેદશાસ્ત્રના અધ્યયનથી સંપન્ન, સત્યવાદી, જિતેન્દ્રિય, સદાય ધર્મનું પાલન કરનાર તેમજ શાંત સ્વભાવનો વ્યક્તિ જ પરિષદનો સભ્ય થવા યોગ્ય કહેલ છે.૨૨

ધર્મના જ્ઞાતા વિપ્રો ઉંમરમાં નાના હોય છતાં પણ વૃદ્ધો કહેલા છે. પરંતુ મસ્તકના કેશ ધોળા થઇ જવાથી મૂર્ખ પુરુષો કાંઇ ધર્મસભાના સભ્ય થવાને યોગ્ય નથી.૨૩

જે સભામાં સત્ય છે, ત્યાં જ ધર્મ છે. અને બીજે તો સર્વત્ર અધર્મ રહેલો છે, અને વિજય પણ હમેશાં ધર્મનો અને સત્યનો જ થાય છે. પણ અધર્મ કે અસત્યનો નહિ.૨૪

પ્રાયશ્ચિતનો કે જન્માષ્ટમી આદિક વ્રતનો નિર્ણય હોય અથવા ઋણ લેવા દેવા આદિકના વ્યવહારનો નિર્ણય હોય તેમાં સભાસદ પુરુષો જેને ધર્મ કહે તેને જ ધર્મ જાણવો.૨૫

જે પુરુષ મુહૂર્ત આદિ જ્યોતિષને, ઋણ લેવા દેવા આદિકના વ્યવહારપદને, પાપનાં પ્રાયશ્ચિતને અને રોગની ચિકિત્સાને જાણતો ન હોય છતાં તેનો નિર્ણય કરે અને જો વિપરીત નિર્ણય આપે તો મહાપાતકી થાય છે.૨૬

અને સાચા સભાસદોના આદેશ પ્રમાણે પ્રાયશ્ચિત કરનારો પાપી શુદ્ધ થાય છે. પરંતુ તેઓએ કરેલા વિપરીત નિર્ણયથી જે અધર્મ થાય છે તેનો દોષ સભાસદોને લાગે છે.૨૭

તેથી ધાર્મિક અને પાપથી ભય પામતા સભાસદ વિપ્રોએ સત્યનો આશ્રય કરી ધર્મથી નિર્ણય આપવો, પરંતુ અધર્મથી ક્યારેય પણ નિર્ણય આપવો નહિ.૨૮

સ્ત્રીઓ, બાળકો, વૃદ્ધો અને રોગથી ક્ષીણ તથા કોઢ યુક્ત શરીરવાળો તેમ જ ઉપવાસાદિક વ્રત કરવામાં અશક્ત ઉપર સભાસદોએ તેમની શક્તિનો વિચાર કરી, તેમના ઉપર અનુગ્રહ રાખીને ગૌણપક્ષનો આશ્રય કરી, પ્રાયશ્ચિત આપવું.૨૯

અનુગ્રહ કરતી વખતે ધર્મના તત્ત્વને જાણતા સદ્ધર્મનિષ્ઠ બ્રાહ્મણોએ દેશ, કાળ, વય અને શરીરની તથા ધનસંપત્તિની સામર્થીને ધ્યાનમાં રાખવી, જ્યાં ગૌણપક્ષ સ્વીકારવાનો હોય ત્યાં મુખ્ય પક્ષ ન લેવો અને જ્યાં મુખ્ય પક્ષ લેવાનો હોય ત્યાં ગૌણ પક્ષ ન લેવો તે જાણવું.૩૦

જો દેશકાળાદિકનો વિચાર કર્યા વિના સભાસદ વિપ્રો કેવળ ધનાદિકના લોભથી કે શાસ્ત્રાર્થના મોહથી કોઇ બળવાન પુરુષના ભયથી કે કોઇની મિત્રતાથી પ્રાયશ્ચિત આપવામાં અનુગ્રહ કરે છે, એ સભાસદો રૌરવ નરકમાં પડે છે. તેમાં કોઇ સંશય નથી.૩૧

પૂર્વે પણ ધર્મતત્ત્વના જાણનારા અને ધાર્મિક જીવન જીવતા મનુઆદિ સ્મૃતિકારોએ લોક હિતાર્થે ધર્મનો ઉપદેશ કર્યો છે. પરંતુ બીજા કોઇ અધાર્મિક પુરુષોએ કર્યો નથી. તેથી અત્યારે પણ ધર્મરહસ્યના તત્ત્વને જાણનારા સભાસદોએ બહુ વિચાર કરીને જ ધર્મનો નિર્ણય આપવો, પણ ભણવા માત્રથી થયેલા પંડિતોએ એકાએક નિર્ણય સંભળાવી દેવો નહિ.૩૨

ધાર્મિક વિદ્વાન પુરુષોએ પણ તેમાં દેશાચાર, કુળાચાર અને લોકાચાર જાણી વિચાર કરીને જ શાસ્ત્રાચાર પ્રવર્તાવવો. પરંતુ આ બધાને જાણ્યા વિના કેવળ શાસ્ત્રાચાર સંભળાવી દેવો નહિ.૩૩

પાપ કરનારા મનુષ્યે સભાસદોના કહેવા પ્રમાણે વ્રત કરવું. તેમ કરવાથી તેની પાપથકી શુદ્ધિ થાય છે, પરંતુ મનગમતા વર્તનથી શુદ્ધિ થતી નથી અને નરકને પામે છે.૩૪

જો પાપ બીજા કોઇએ જાણ્યું ન હોય તો તે પાપ કરનાર જો સ્વયં જ્ઞાની પુરુષ હોય તો સત્શાસ્ત્રથકી પ્રાયશ્ચિત જાણીને તે પ્રમાણે પ્રાયશ્ચિત કરવું, અને સ્વયં સત્શાસ્ત્રના ભાવને જાણવા અસમર્થ હોય તો સત્પુરુષોને પૂછીને કરવું.૩૫

હે વિપ્રવર્ય ! આ લોકમાં છ પ્રકારનાં પાપોની મધ્યે બુદ્ધિમાન મનુષ્યોએ પોતાની શક્તિ અને સામર્થીને અનુસારે કરવા યોગ્ય મહાપાપોનાં પ્રાયશ્ચિતનો વિધિ હું કહું છું.૩૬

આ પ્રમાણે અવતારી શ્રીનારાયણના ચરિત્રરૃપ શ્રીમત્સત્સંગિ-જીવન નામે ધર્મશાસ્ત્રના પંચમ પ્રકરણમાં ધર્મનો ઉપદેશ કરતાં ભગવાન શ્રીહરિએ પ્રાયશ્ચિત પ્રકરણના વિધિમાં પાપના પ્રકારો અને સભાસદોનાં લક્ષણોનું નિરૃપણ કર્યું એ નામે તેતાલીસમો અધ્યાય પૂર્ણ થયો. --૪૩--