અધ્યાય - ૨૨ - રાજાઓના વિશેષ ધર્મોનું નિરૃપણ.

Submitted by swaminarayanworld on Tue, 08/08/2017 - 9:29pm

અધ્યાય - ૨૨ - રાજાઓના વિશેષ ધર્મોનું નિરૃપણ.

રાજાઓના વિશેષ ધર્મોનું નિરૃપણ. રાજાએ ત્યાગ કરવા યોગ્ય અઢાર વ્યસનો. જાણી રાખવા યાગ્ય રાજયના સાત અંગ. છ ગુણો. રાજયનાં પંદર તીર્થો.

ભગવાન શ્રીનારાયણમુનિ કહે છે, હે બ્રહ્મન્ !

જે ક્ષત્રિય રાજવી રાજ્ય સિંહાસન પર વિરાજમાન થઇ ધર્મથી શાસન કરતાં પ્રજાનું હમેશાં રંજન કરે છે. તે રાજા નામને સાર્થક કરે છે.૧

રાજા હમેશાં દેવ અને બ્રાહ્મણ ભક્ત, સત્યવાદી, જિતેન્દ્રિય, બહુદાનેશ્વરી, પ્રસન્નમુખ અને ધર્મનિષ્ઠ હોવો જોઇએ.૨

શ્રીમાન્ વિચક્ષણ અને પ્રજાના હિતકારી રાજાએ વસંત ઋતુના સૂર્યની જેમ અતિ તીખા સ્વભાવના નહિ અને અતિ કોમળ સ્વભાવના પણ ન થવું.૩

કારણ કે હમેશાં સરળ સ્વભાવના રાજાનું મનુષ્યો અતિક્રમણ કરે છે. અને તીખા સ્વભાવના રાજાથી લોકો ઉદ્વેગ પામે છે. માટે યથાયોગ્ય તીખા અને કોમળ સ્વભાવથી સમાનવૃત્તિવાળા થવું.૪

તેમજ રાજાએ ઉપકાર કે અપકારદ્વારા પ્રત્યક્ષ પ્રમાણથી તથા નેત્રના કે વાણીના વિકાર આદિક દ્વારા અનુમાન પ્રમાણથી તથા અન્યત્ર કામ કરવાનું દેખાડી ને તે કામ કેવી રીતે કરે છે તેના ઉપમાન પ્રમાણથી અને સામુદ્રિક શાસ્ત્રમાં કહેલાં લક્ષણોરૃપ શબ્દ પ્રમાણથી, આમ ચાર પ્રકારનાં લક્ષણો દ્વારા પોતાના અને પારકા મનુષ્યો કોણ છે ? એવી હમેશાં પરીક્ષા કરતા રહેવું ૫

રાજાએ ત્યાગ કરવા યોગ્ય અઢાર વ્યસનો :-

રાજાએ મૃગ્યા, દ્યુતક્રીડા, દિવસે નિદ્રા, પરની નિંદા, બન્ને પ્રકારના મદ(અભિમાન તથા દારુપાન), સ્ત્રીની લોલુપતા, ગીત, નૃત્ય, વાજિંત્ર, સુરાપાન, ચાડીચુગલીનો સ્વભાવ, દ્રોહ, અવિચારી સાહસ, વાણીની અને દંડની કઠોરતા,ઇર્ષ્યા, અસૂયા અને પોતાના કે પારકા અર્થતંત્રને ભાંગવાની ક્રિયા. આ અઢાર પ્રકારનાં વ્યસનોને પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવા ઇચ્છતા રાજાએ છોડી દેવાં.૬-૭

આ અઢાર પ્રકારનાં વ્યસનોમાંથી પહેલાં દશ વ્યસનો કામના દોષમાંથી ઉદ્ભવે છે. અને પછીના આઠ વ્યસનો ક્રોધમાંથી ઉદ્ભવે છે. કામ અને ક્રોધ આ બન્ને ગણો જીવને નરકમાં નાખનારા છે આ પ્રમાણે જાણી બન્નેમાં આસક્ત ન થવું.૮

જેવી રીતે ગર્ભવતી સ્ત્રી પોતાની ગમતી વસ્તુનો ત્યાગ કરીને પણ પોતાના ગર્ભનું રક્ષણ કરે છે, તેવી રીતે રાજાએ પણ પોતાનું પ્રિય છોડીને લોકોનું પ્રિય વિચારવું અને તે પ્રમાણે કરવું.૯

રાજાએ પોતાના અનુયાયી જનોની સાથે બહુ હાસ્યવિનોદ ન કરવો, કારણ કે અતિશય પરિચય થવાથી તે અનુયાયીજનો રાજાની મર્યાદાનું ઉલ્લંઘન કરતા થાય છે.૧૦

અને પોતાના સ્થાનમાં પણ સ્થિર રહેતા નથી. અને જ્યાં ત્યાં ક્રોધ કરવો, ઉચ્ચે સાદે બોલવું, રાજાએ સોપેલાં કાર્યમાં શંકા કુશંકા કરી તર્કો કરે છે અને રાજાનું વચન ઉલ્લંઘી ઇચ્છા પ્રમાણે વર્તે છે.૧૧

માટે રાજાના અતિશય પરિચયવાળા જનો અંતઃપુરમાં સ્ત્રીઓની રક્ષા માટે નિયુક્ત કરેલા પુરુષોની સાથે પ્રસંગો વધારી પછી રાજા આગળ નિર્લજ થઇને રાજમર્યાદા છોડી જેમ ફાવે તેમ વર્તન કરે છે. વિશેષમાં રાજાનાં જેવાં જ વસ્ત્રો પહેરવાં, આભૂષણો ધારણ કરવાં, રાજાના વાહનો કે શિબિકા ઉપર ચડી બેસવું અને સભાને વિષે પણ રાજાને અપમાનીત કરવા કે તિરસ્કારનાં વચનો બોલી અવગણના કરે છે. અને અતિશય છકી જઇ પુરની પ્રજાને પણ પીડવા લાગે છે.૧૨-૧૩

માટે જ રાજાએ અનુયાયી વર્ગો સાથે હાસ્ય વિનોદાદિકનો ત્યાગ કરવો, માત્ર જરૃર પૂરતો જ હાસ્ય વિનોદ કરવો. અને હમેશાં ઉદ્યમશીલ અને ધીરજે યુક્ત થઇ શત્રુઓને ભય વધારતા રહેવું.૧૪

જાણી રાખવા યાગ્ય રાજયનાં સાત અંગ :-

હે વિપ્ર !
હવે રાજ્યનાં અંગો કહું છું. રાજાએ મંત્રીઓ, સુહૃદ્, ન્યાય તથા અન્યાયનો વિભાગ કરનારી પરિષદ્, અથવા સ્વભાવિક, કૃત્રિમ અને પ્રાકૃત આ ત્રણ પ્રકારના મિત્રો, કોશ- સુવર્ણ આદિક ધનનો ખજાનો, રાષ્ટ્ર, દુર્ગ અને ચતુરંગિણી સેના, આ સાત રાજ્યનાં અંગો કહેલાં છે. તે રાજ્યને પ્રકૃષ્ટ કરે છે, તેથી તેને સાત પ્રકૃતિ પણ કહેવાય છે. આ સાતનો દ્રોહ કરનારને રાજાએ અત્યંત શિક્ષા કરવી.૧૫

રાજાએ જે પ્રકારે પોતાના કરનો ભાગ વૃષ્ટિ આદિકથી નાશ ન પામે તે માટે વૃષ્ટિ પહેલાં જ પોતાના કરનું અને પરનું ધાન્ય ઘરે લઇ આવવાની આજ્ઞા આપી દેવી. અને તેમાંથી પ્રજાને આપવાનો ભાગ સમયે સમયે આપતા રહેવો.૧૬

શાસ્ત્રને અનુસારે તે તે બાબતના અર્થોનો પાકો નિશ્ચય કરી તથા ક્રોધને જીતીને રાજાએ ક્યારેય પણ સત્ય અને અસત્યરૃપ ધર્મ થકી ચલીત ન થવું. ધર્મ, અર્થ અને કામ આ પુરુષાર્થોનો પરસ્પર બાધ ન આવે એ રીતે સેવન કરવું.૧૭

રાજાએ વર્ણાશ્રમના જે ધર્મો કહેલા છે તેમનું પોતે રક્ષણ કરવું અને પ્રજા પાસે રક્ષણ કરાવવું. બીજાના અભિપ્રાયને સમજ્યા વિના બધી જગ્યાએ વિશ્વાસ ન કરવો.૧૮

રાજાએ યુદ્ધમાં હાથી, ઘોડા, રથ અને પદાતિ આ ચતુરંગી સેનાને માટે ક્યાં કોને યુદ્ધ કરવા યોગ્ય પ્રદેશો છે તેને લક્ષણોથી જાણી રાખવા. તથા ચાર પ્રકારના યાત્રાકાળને અર્થાત્ શત્રુ ઉપર વિજય મેળવવા પ્રયાણ કરવાના સમયને પણ જાણી રાખવા, તેમજ આપત્કાળના ધર્મોને પણ ચતુર રાજાએ જાણી રાખવા.૧૯

છ ગુણો :-

રાજાએ સંધિ-અર્થાત સામે શત્રુઓને સુવર્ણાદિ આપીને પ્રીતિ ઉપજાવવા રૃપ પોતાની સાથે સમાધાનનો સાંધો મારવો. વિગ્રહ-અર્થાત બીજા રાજ્યમાં અગ્નિ લગાવવો, લુટ કરવી વગેરે અપકાર કરવો. યાન- અર્થાત શત્રુ સામે યુદ્ધ કરવા જવું. દ્વૈધીભાવ-અર્થાત પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવા સામા સૈન્યમાં પરસ્પરના બે ભાગ પાડી દેવા અથવા લડવા આવનાર શત્રુ જો બળવાન હોય તો સમાધાન કરી લેવું અને જો નિર્બળ હોય તો તેમની સાથે વિગ્રહ વધારી દેવો. સમાશ્રય- અર્થાત શત્રુ બહુ પીડા પમાડે ત્યારે બળવાન રાજાનો આશરો લઇ લેવો. અને સ્થાન- અર્થાત શક્તિનો બંદોબસ્ત થાય તે દરમ્યાન સમયની રાહ જોઇને કિલ્લાની અંદર બેસી રહેવું, આ છ રાજયના ગુણો કહેવાય છે. રાજાએ આ છ ગુણોનો બરાબર વિચાર કરીને નિર્ણય કરવો.૨૦

રાજયનાં પંદર તીર્થો :-

રાજાએ હમેશાં ધર્મશાસ્ત્રો અને પુરાણોનું શ્રવણ કરવું. પોતાના પક્ષના કે પરના પક્ષના તીર્થોમાં ગુપ્તચરો મોકલવા. પ્રત્યેક તીર્થમાં ત્રણ ત્રણ ગુપ્તચરો મોકલવા, તે ત્રણે પણ પરસ્પર કોઇને જાણે નહિ તેનું પણ રાજાએ ધ્યાન રાખવું.૨૧

તીર્થો પંદર છે તે કહું છું. સેનાપતિ, દ્વારપાળ, સૈનિક માર્ગનો ઉપદેષ્ટા, અંતઃપુરનો અધિપતિ, બંદીખાનાનો અધિકારી, રાજ્યમાં કાર્યનું નિર્માણ કરાવી લોકોને તેનું વેતન ચૂકવનારો, રાજ્યમાં કૃત્ય અને અકૃત્ય અર્થોની વાત રાજાની આજ્ઞાથી તે વાત કરવા યોગ્યને પહોંચાડનારો વક્તા, કોશાધ્યક્ષ, પુરાધ્યક્ષ, ધર્માધ્યક્ષ, સભાધ્યક્ષ, ંદંડપાલ, રાષ્ટ્રપાલ, દુર્ગપાલ અને વનપાલ, આ પંદર તીર્થસ્થાનો કહેલાં છે. બુદ્ધિમાન રાજાએ સર્વે જગ્યાઓનું શત્રુ રાજાના ગુપ્તચરોથી રક્ષણ કરવું. તેમજ પોતાના ગુપ્તચરોનું પણ સામેના ગુપ્તચરોથકી રક્ષણ કરવું, નહીં તો પોતાના ગુપ્તચરોની શત્રુમાં ખબર પડી જાય, તો મહા અનર્થ સર્જાય છે.૨૨-૨૪

રાજાએ સામેવાળા પક્ષમાં મંત્રી, યુવરાજ અને પુરોહિત સહિત પંદર તીર્થોમાં ગૂઢ રીતે ગુપ્તચરો નિયોજવા.૨૫

રાજાએ મંત્રી, દેશ, કિલ્લો, કોશ અને દંડ,અર્થાત સૈન્ય.આ પ્રકૃતિ પંચકને પોતાના પક્ષમાં અને સામેના પક્ષમાં પણ જાણી રાખવી.૨૬

આમ બન્ને મળી દશ વર્ગને વિષે સ્થાન વૃદ્ધિ અને ક્ષયનો નિશ્ચય કરી શત્રુને જીતવાનો ઉદ્યમ કરવો.૨૭

ધર્મશીલ સજ્જન પુરુષોની જેવું વર્તન રાખનારા, વિષયોમાં ક્યાંય લોલુપતા નહિ રાખનારા, ગુપ્તચરો દ્વારા આખા રાષ્ટ્ર ઉપર દૃષ્ટિ રાખનારા અને હમેશાં મંદમંદ હાસ કરીને વાત કરનારા રાજાએ હમેશાં વૃદ્ધ પુરુષોનું સેવન કરવું.૨૮

નોકરવર્ગનું પોષણ કરવું અને નજર રાખવી. અપરાધ કરનારને જાતે જ દંડ કરવો અને જે કોઇને પારિતોષિક કે દાન આપવું હોય તો પણ પોતે જાતે આપવું, ને સદાય વિશુદ્ધ આચારવાળા થવું.૨૯

હે વિપ્ર !
જો રાજા સર્વત્ર શંકાશીલ થાય, ક્રોધ કરે, નોકર-ચાકર અને પ્રજા પાસેથી બધું જ હરી લે, અકળ સ્વભાવ રાખે અને લોભી હોય તો તેવા રાજાને પોતાના સ્વજનો જ તત્કાળ મારી નાખે છે.૩૦

રાજાએ નિરોગી, કુળવાન, પોતાને જ એક વફાદાર, શૂરવીર, વિવેકી, શત્રુઓથી ક્યારેય નહીં છેતરાતા લોકપ્રતિષ્ઠિત, કુળ અને શીલનું માન રાખી શ્રેષ્ઠજીવન જીવતા, બીજાને હમેશાં માન આપનારા, ચૌદ પ્રકારની વિદ્યાને જાણનારા, લોક વ્યવહારમાં નિષ્ણાત, માલિકનું કામ કરવામાં સ્થિર, સ્વધર્મનિષ્ઠ, અને બહાર તથા અંદર પવિત્ર જીવન જીવતા. આ પંદર લક્ષણવાળા સારા મનુષ્યોને રાજાએ હમેશાં સહાય કરવી.૩૧-૩૨

વળી તે રાજાએ ભોગ અને વૈભવમાં તો સહાયક જનોની જેવો જ સરખો જ પોતાનો વ્યવહાર રાખવો, પરંતુ છત્ર અને આજ્ઞા આપવાની બાબતમાં તે સહાયક જનોથી અધિક વર્તવું. જે રાજા પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પણ પોતાના સહાયક જનોની સમાન જ જીવન જીવે છે, તે રાજા ક્યારેય પણ ખેદ પામતો નથી.૩૩

રાજાએ હમેશાં જીર્ણભાવને પામી ગયેલા મહેલ કે ઘર આદિકનો જીર્ણોધાર કરવાની સમીક્ષા કરવી, અન્ન વસ્ત્રાદિકના અભાવમાં દુઃખી થતા નોકરની પણ અન્નવસ્ત્રાદિક અર્પણ કરી સમીક્ષા કરવી, શત્રુને હમેશાં ભય ઉપજાવવા માટે યુદ્ધનું ઉત્થાન દેખાડવું. તેમજ અનેક કાર્યોમાં નિપુણ બુદ્ધિમાન પુરુષોની તે તે કાર્ય પૂર્ણ કરાવવા સેવા કરવી.૩૪

અવશ્યના કામને જલદી કરનારા, હમેશાં પ્રસન્ન આશયવાળા,ગંભીર પ્રકૃતિ અને ઉદાર મનવાળા તેમજ નિષ્કપટ રાજાએ પ્રજાનું પોતાના ઔરસપુત્રની જેમ જ સ્નેહથી સદાય પાલન કરવું.૩૫

જે રાજાના રાજ્યમાં તેમની પ્રજાનો વૈભવ ગુપ્ત ન હોય, પ્રજા હમેશાં પ્રસન્ન રહેતી હેાય, ચોર આદિકના દુઃખથી કે રાજકીય જનોના દુઃખથી કે તેઓના ભયથી રહિત હોય અને પોતાના ધર્મમાં દૃઢ વર્તતી હોય તે જ રાજા રાજ્યશાસન કરવાને યોગ્ય કહેલો છે.૩૬

કારણ કે પ્રજાનું રક્ષણ કરવું એ જ રાજાનો પરમ ધર્મ છે. રાજા પ્રજાનું બરાબર રક્ષણ કરે તેનાથી પ્રજાએ કરેલા પૂણ્યનો ચોથો ભાગ રાજાને પ્રાપ્ત થાય છે.૩૭

હે વિપ્ર !
પૂર્વે પૃથ્વી પર ધર્મનો નાશ થઇ જવાથી પ્રજાના પાલનમાં રહેલા વિષ્ણુ ભગવાને રાજાઓનું નિર્માણ કરેલું છે. તેથી રાજાઓએ ધર્મપાલન કરવું ને કરાવવું.૩૮

રાજાએ અધાર્મિકોને દંડ આપવો, ચોરોને પકડીને મારવા અને પોતાની પ્રજાને પણ ભય દેખાડી ધર્મમાર્ગમાં વર્તાવવી.૩૯

હે વિપ્રશ્રેષ્ઠ !
રાજાએ દંડવા યોગ્ય અને નહિ દંડવા યોગ્યને નીતિશાસ્ત્ર દ્વારા સારી રીતે જાણી વિચારીને દંડ આપવો. અને દંડવા યોગ્ય જનોમાં પોતાનો પુત્ર હોય, શત્રુ હોય કે પાખંડી હોય તે સર્વેને યથાયોગ્ય પ્રમાણે દંડ આપવો. પરંતુ અદંડયને ક્યારેય ભૂલથી પણ દંડ ન આપવો.૪૦

આ પ્રમાણે અવતારી શ્રીનારાયણના ચરિત્રરૃપ શ્રીમત્સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રના પંચમ પ્રકરણમાં ધર્મનો ઉપદેશ કરતા ભગવાન શ્રીહરિએ રાજાઓના ધર્મોનું નિરૃપણ કર્યું, એ નામે બાવીસમો અધ્યાય પૂર્ણ થયો. --૨૨--